બાલાકોટની અસર: કાશ્મીરમાં આતંક ફેલાવવા નથી મળી રહ્યા કાશ્મીરી યુવાનો

0
138
Photo Courtesy: indianexpress.com

પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા બાલાકોટ પર ભારતીય વાયુસેનાની જડબાતોડ કાર્યવાહીની જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર હકારાત્મક અસરો પડી હોવાનું સરકારે જણાવ્યું છે.

Photo Courtesy: indianexpress.com

નવી દિલ્હી: આ વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં આવેલા જૈશ એ મોહમ્મદના મુખ્ય આતંકવાદી ઠેકાણા પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકની જમ્મુ અને કાશ્મીર ખીણમાં હકારાત્મક અસર પડી છે. સંસદમાં એક પ્રશ્નનો ઉત્તર આપતા સરકારે આ માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ હવે આતંકવાદી સંગઠનોને રાજ્યમાં આતંકવાદ ફેલાવવા માટે કાશ્મીરી યુવાનો નથી મળી રહ્યા. સરકારના કહેવા પ્રમાણે ગયા વર્ષના મુકાબલે આ વખતે આતંકવાદી સંગઠનોમાં થતી સ્થાનિક યુવકોની સંખ્યામાં લગભગ 40% નો ઘટાડો જોવા મળ્યો છે.

આ ઉપરાંત આ વર્ષે ગયા વર્ષ કરતા સીમા પારથી થતી ઘુસણખોરીમાં પણ 43% નો ઘટાડો થયો છે. આ આ બંને આંકડા આ વર્ષના શરૂઆતના છ મહિનાના છે. નિત્યાનંદ રાયે કહ્યું હતું કે સુરક્ષા બળોની સચોટ કાર્યવાહી અને સરકારની ઇચ્છાશક્તિને લીધે આ ઘટાડો શક્ય બન્યો છે.

કેન્દ્ર સરકારે સંસદમાં જમ્મુ અને કાશ્મીરની આતંકવાદની હાલની પરિસ્થિતિ અંગે નીચે મુજબની માહિતી આપી હતી.

  • પાકિસ્તાનથી કરાવવામાં આવતી ઘુસણખોરીમાં 43% નો ઘટાડો
  • આતંકવાદી હુમલાઓમાં 28% નો ઘટાડો
  • આતંકી સંગઠનોમાં સ્થાનિક યુવાનોની ભરતીમાં 40% નો ઘટાડો
  • આતંકવાદીઓનો સફાયો કરવામાં 22% નો વધારો થયો છે

આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પુલવામામાં 40 CRPFના જવાનોને એક આત્મઘાતી હુમલામાં શહીદ કર્યા હતા. ત્યારબાદ બદલાની કાર્યવાહી રૂપે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારના જૈશ એ મોહમ્મદના પાકિસ્તાન સ્થિત બાલાકોટના મુખ્ય આતંકવાદી ટ્રેઈનીંગ કેમ્પ નષ્ટ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકારે શરુઆતથી જ આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને બાલાકોટ પરના વાયુસેનાના હુમલામાં અસંખ્ય આતંકવાદીઓ મૃત્યુ પામ્યા હતા.

અગાઉ હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે અહીંની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે લોકસભામાં કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓ દેશવિરોધી હોય છે અને તેને સરકાર કોઇપણ હિસાબે સાંખી નહીં લેવાય.

જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત સમયે ત્યાં હડતાળ અથવાતો બંધનું એલાન ન આપવામાં આવ્યું હોય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here