પ્રિય ભાજપ, હવેલી લેતા ક્યાંક ગુજરાત ખોવું ન પડે એનું ધ્યાન રાખજો

0
290
Photo Courtesy:: twitter.com/BJP4Gujarat

રાજકીય વિરોધી અને કટ્ટર વિરોધીઓમાં ફરક ન સમજતા ભાજપે હવે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ તેની રણનીતિમાં બદલાવ લાવવો પડશે નહીં તો પરિણામો ચોંકાવનારા સાબિત થઇ શકે છે.

Photo Courtesy:: twitter.com/BJP4Gujarat

ગયે અઠવાડિયે ઠાકોર આગેવાનો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર ‘વાજતેગાજતે’ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ બન્નેનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું. આ સમયના તમામ ફોટોગ્રાફ્સમાં ભાજપના નેતાઓના મોઢાં હસતા જોવા મળી રહ્યા હતા. પરંતુ આ હાસ્ય ક્યાંક આવનારા કેટલાક વર્ષોમાં ભાજપ માટે આંસુ ન લાવે તેનું ધ્યાન પણ ભાજપની સ્થાનિક તેમજ રાષ્ટ્રીય નેતાગીરીએ રાખવું જ પડે એવી પરિસ્થિતિ ધીરેધીરે ઉભી થઇ રહી છે.

આમ તો એક વર્ષો જુનું વાક્ય છે કે, “રાજકારણમાં કોઈજ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો.” અલ્પેશ ઠાકોર અને તેમના સાથીદારને ભાજપમાં સમાવવા માટે જે કોઇપણ રાજકારણ સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાગીરીએ વિચાર્યું હશે તે તેમની દ્રષ્ટિમાં કદાચ સાચું હશે પરંતુ ગુજરાતની પ્રજાએ આ ઘટનાનું દિલથી સ્વાગત નથી કર્યું એ એટલુંજ કડવું સત્ય છે. દરેક ચૂંટણી દરમ્યાન પછી તે વિધાનસભાની હોય કે લોકસભાની ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રિ-રેકોર્ડેડ DVD ચાલતી હોય છે કે, “ગુજરાતની પ્રજા ભાજપને ઓળખી ગઈ છે.” પરંતુ છેવટે તો ગુજરાતની પ્રજા કોંગ્રેસને નકારી દેતું જ પરિણામ દરેક ચૂંટણીઓમાં આપતી આવી છે.

પરંતુ, અલ્પેશ ઠાકોરને ભાજપમાં સમાવી લેવાની ઘટના પછી એવું ખરેખર લાગે છે કે ગુજરાતની પ્રજા ભાજપને ઓળખી ગઈ છે. જેમ અગાઉ કહ્યું તેમ રાજકારણમાં ભલે કોઈ સંબંધ કાયમી ન હોય પરંતુ પ્રજાની યાદશક્તિ કે તેની સમજશક્તિ એટલી પણ નબળી નથી કે તે અલ્પેશ ઠાકોરના નજીકના ભૂતકાળના વિધાનો પણ ભૂલી ગઈ હોય અને રાજકીય વિરોધી અને કટ્ટર વિરોધીમાં ફરક સમજી ન શકે.

ભલે, ભાજપના આગેવાનો અલ્પેશ ઠાકોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે કરેલા બેફામ ઉચ્ચારણો ભૂલી જઈને તેમને હસતા મોઢે પક્ષમાં સમાવી લીધા હોય પણ પ્રજા જે સોશિયલ મિડિયાના પ્રતાપે છેલ્લા દસ વર્ષમાં વધુ હોંશિયાર થઇ ગઈ છે એ વગર JCB મશીને, ગુગલ મહારાજની કે Twitter, ફેસબુકના સર્ચ એન્જીનોની મદદથી ઈંટરનેટ પર ઉંડું ખોદકામ કરીને એ બેફામ ઉચ્ચારણોને સપાટી પર ફરી લાવી ચૂકી છે અને ભાજપને પ્રશ્ન કરી રહી છે.

ગુજરાત ભાજપે જેમાં કેન્દ્રની તેની સર્વોચ્ચ નેતાગીરી પણ સામેલ છે તેણે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની ખૂબ જરૂર છે. પહેલી તો એ કે તેને ગમે કે ન ગમે પરંતુ ગુજરાતની પ્રજા હજી સુધી વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર  મોદીને નામે જ ભાજપને મત આપી રહી છે. અહીં હાલના મુખ્યમંત્રીના કરેલા પ્રશંસનીય કાર્યો કે તેમણે હાંસલ કરેલી સિદ્ધિઓની અવગણના કરવાનો કોઈજ ઈરાદો નથી પરંતુ નરેન્દ્ર મોદીની સુપર હિરોની ઈમેજ હજી સુધી ગુજરાતીઓના મનમાં ઉંડે સુધી સ્થપાયેલી રહી છે. કદાચ આ જ કારણસર ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે લગોલગની બેઠકો અપાવીને ગુજરાતની પ્રજાએ પ્રદેશ ભાજપને માથે ટપલી મારી દીધી હતી કે સુધરી જાવ નહીં તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં તકલીફ પડી શકે તેમ છે.

આ વખતની લોકસભાની ચૂંટણી તો લડાઈ જ હતી નરેન્દ્ર મોદીના નામે એટલે ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ગુજરાતીઓએ ભાજપની ઝોળીમાં ભરી દીધી એમાં નવાઈ નથી.

ગુજરાત ભાજપે સમજવાની બીજી વાત એ છે કે ચોવીસ કલાક વીજળી, સારા રસ્તાઓ વગેરે હવે ગુજરાતમાં ચૂંટણી મુદ્દાઓ રહ્યા નથી કારણકે છેલ્લા દસ બાર વર્ષથી ગુજરાતીઓને આ સુવિધાઓની આદત પડી ગઈ છે. જે વસ્તુ નજર સમક્ષ હાજર છે અને અનુભવાય છે તેનું ફરી ફરીને માર્કેટિંગ કરવું હવેની ચૂંટણીઓમાં સફળ નહીં જાય. બહેતર એ રહેશે કે ગુજરાતનો કૃષિ પ્રોબ્લેમ પર ધ્યાન આપવામાં આવે. ગુજરાતમાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ખેડૂતો આત્મહત્યા કરે જ છે પરંતુ ભાજપે કોંગ્રેસનો આભાર માનવો જોઈએ કે તેને સરખી રીતે આ મુદ્દો ઉપાડતા આવડતું નથી.

આ ઉપરાંત કૃષિને લગતી અન્ય ઘણી સમસ્યાઓ છે, શિક્ષણમાં પણ ફી વધારો, અભ્યાસક્રમમાં વારંવાર થતા ફેરબદલ વગેરે જેવી મધ્યમવર્ગીય સમસ્યાઓ પણ ઓછી નથી. તો આ માટે ખેડૂતોના અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેસીને યોગ્ય મંત્રીઓ ચર્ચા કરે અને સમસ્યાઓનું નિરાકરણ લાવે તે જરૂરી છે. કેન્દ્ર સરકારની તર્જ પર હાલમાં ઉત્તર પ્રદેશની સરકારે પણ તેના કેટલાક ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓને બરતરફ કર્યા હતા, ગુજરાતમાં આવું ક્યારે થશે એની રાહ પણ ગુજરાતીઓ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં સામાજીક સમરસતા થોડા વર્ષોથી કેટલાક લેભાગુ તત્વોને લીધે બગડી છે તેનો સ્વીકાર થવો જોઈએ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતીઓ ગુજરાતી બનીને ભાજપને એકતરફી મત આપતા તે હવે જ્ઞાતિ, જાતિ આધારે મત આપવાનું શરુ કરી ચૂક્યા છે તે હકીકત સામે આંખ આડા કાન ન કરી શકાય. ગુજરાતીઓને ફરીથી ગુજરાતી બનાવવાનું કામ પણ ગુજરાત ભાજપના લાખો સક્ષમ કાર્યકર્તાઓ અત્યારથી જ શરુ કરી શકે છે જે છેવટે તો તેમને જ ફાયદો અપાવશે.

છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપ સત્તા સંભાળે છે. જો ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો કોઈ સંકેત હોય તો ગુજરાતમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર તેના ચરમ પર છે, તેમ છતાં ભાજપ તેને એકદમ પાતળા માર્જીનથી નાથી શક્યું તે તેના સદનસીબ સિવાય બીજું કશું જ નથી. આ પાછળનું કારણ કે છે કે 25 વર્ષમાં ગુજરાતમાં એક આખી પેઢી બદલાઈ ગઈ છે. જેણે કોંગ્રેસનું સાશન ગ્રામ પંચાયતમાં પણ નથી જોયું તેને ગુજરાતમાં કોંગ્રેસની ભૂતકાળની સરકારોએ શું કર્યું એ યાદ દેવડાવીને કોઈજ ફાયદો નથી.

યુવામન ચંચળ પણ હોઈ શકે છે. જો તેને ગમતા મુદ્દાઓ આવનારી ચૂંટણીઓમાં ચર્ચવામાં નહીં આવે તો તે શાસન કરવાનો એક મોકો કોંગ્રેસને આપી શકે છે કારણકે તેણે કોંગ્રેસને ક્યારેય શાસન કરતી જોઈ જ ન હોવાથી તેને પણ એક વખત ચાન્સ આપવામાં વાંધો નથી. વળી આ જનરેશન તેનાથી બે પેઢી પહેલાની આયારામ ગયારામની પ્રવૃત્તિને સરળતાથી સ્વીકારી શકતી નથી. આજનો ગુજરાતી યુવાન કદાચ એમ પણ વિચારતો હોય કે આજે અલ્પેશ ઠાકોર જેમણે વડાપ્રધાન મોદીનું ભૂતકાળમાં ભારોભાર અપમાન કર્યું હતું તેમને ભાજપે સ્વીકારી લીધા છે તો કાલે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પણ ભાજપનો ખેસ પહેરીને શ્રી કમલમમાં ફરતા જોવા મળે તો  નવાઈ નહીં!

જો ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં સાદી નહીં પરંતુ આરામદાયક બહુમતિ મેળવવી હશે તો પહેલું કામ તેણે તેના રાજકીય વિરોધી અને કટ્ટર વિરોધીઓમાં ફરક સમજવો પડશે અને પછી તેમનું પક્ષમાં સ્વાગત કરવું પડશે. કોંગ્રેસના ધારાસભ્યો તોડવા કે એમની પાસે રાજીનામા અપાવવા એ આજના મતદારને જરાય ગમતું નથી.

જાતિવાદ ફેલાવનારા આગેવાનોને પક્ષમાં સમાવવાની જરૂરિયાત એટલે પડી કારણકે ગુજરાતીઓ ગુજરાતીઓ ન રહેતા જાતિ અનુસાર મત આપવા લાગ્યા છે, આથી આવા નેતાઓને પક્ષથી દૂર જ રાખવા. જો સબકા સાથ સબકા વિકાસનો મંત્ર રાષ્ટ્રીય સ્તરે 303 બેઠકો લાવી શકે તો ગુજરાતમાં એનું જ પાલન કરીને 120+ બેઠકો કેમ ન લાવી શકે?

આ માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને શિક્ષણ પ્રથા પર અત્યારથી જ કામ કરવાનું શરુ કરી શકાય. આવનારા ત્રણ વર્ષમાં જો આ વર્ગોને તેમની સમસ્યાઓને દૂર નહીં તો હળવી કરીને પણ ખુશ કરી શકાય તો 2022માં ગુજરાત ભાજપ 120+ નું ટાર્ગેટ રાખીને છેવટે કદાચ મોટો ચમત્કાર પણ સર્જે તો નવાઈ નહીં, કારણકે બીજો નરેન્દ્ર મોદી એમ રાતોરાત પ્રગટ નથી થવાનો. આથી માત્ર ચમત્કારિક નેતાગીરીથી નહીં પરંતુ પ્રજાકીય કાર્યોથી જ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ જીતી શકાશે એ હકીકત પર કોઈએ પણ શંકા કરવી જોઈએ નહીં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here