આવકાર્ય પગલું: ભારતના મહત્ત્વના ઐતિહાસિક સ્મારકો હવે રાત્રી સુધી ખુલ્લાં રહેશે

0
446
Photo Courtesy: hindustantimes.com

ભારતના સંસ્કૃતિ મંત્રાલયે એક અભૂતપૂર્વ નિર્ણય લેતા દેશના કેટલાક ખાસ ઐતિહાસિક સ્મારકોને જાહેર જનતા માટે હાલની મુદત કરતા વધુ લાંબો સમય સુધી ખુલ્લા રાખવાનું નક્કી કર્યું છે.

Photo Courtesy: hindustantimes.com

નવી દિલ્હી: ભારતના મહત્ત્વના ઐતિહાસિક સ્મારકો હવે જાહેર જનતા માટે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાલમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્યારસુધી મોટાભાગના ઐતિહાસિક સ્મારકો સામાન્ય લોકો માટે સવારે નવ વાગ્યાથી સાંજે 5.30  સુધી ખુલ્લા રાખવામાં આવે છે. હવે નવા નિર્ણય અનુસાર આ સ્થળો સૂર્યોદયથી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.

હાલમાં જે ઐતિહાસિક સ્મારકોને સૂર્યોદયથી રાત્રે નવ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં દિલ્હીના આવેલા હુમાયુનો મકબરો, સફદરજંગ મકબરો, ઓડિશાના રાજરાની મંદિર, મધ્ય પ્રદેશમાં દુલ્હદેવ મંદિર અને ખજૂરાહોના મંદિરો, હરિયાણામાં શેખ ચિલ્લી મકબરો તેમજ કર્ણાટકમાં આવેલા પટ્ટાદકલ અને ગોલ ગુંબજ સામેલ છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના માર્કંડા ચામુર્સી, ઉત્તર પ્રદેશના મન મહલ અને વૈધશાલા તેમજ ગુજરાતની રાણકી વાવને પણ સામેલ કરવામાં આવ્યા છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે મોટાભાગના પ્રવાસીઓ આ સ્મારકોને રાત્રીના સમયમાં જોવા માંગે છે.

સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર બહુ જલ્દીથી આ નવી સમયસીમા દેશના અન્ય ઐતિહાસિક સ્મારકો માટે પણ ધીમે ધીમે વધારવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્કૃતિ મંત્રાલયના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. એક Tweetમાં તેમણે જણાવ્યું હતું કે, “આ એક આવકારદાયક પગલું છે, જે વધુને વધુ લોકોને આ સ્થળોની મુલાકાત લેવામાં મદદ કરશે અને અતુલ્ય ભારતના વિવિધ પાસાંઓની ઓળખ કરાવશે.”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here