શરમજનક: કલમ 370ને કોમવાદી અને પાકિસ્તાન તરફી બનાવતા કોંગ્રેસી નેતાઓ

0
293
Photo Courtesy: amarujala.com

કોંગ્રેસના બે સહુથી વરિષ્ઠ આગેવાનોએ ભારતના ગૃહ મંત્રાલયના નિવેદન કરતા વિદેશી મીડિયામાં પ્રકાશિત જમ્મુ અને કાશ્મીરની હાલની પરિસ્થિતિ સાથે સંમતી દર્શાવતા આશ્ચર્ય ફેલાયું છે.

Photo Courtesy: amarujala.com

અમદાવાદ: એક તરફ જ્યારે સમગ્ર દેશ સરકારના જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ સવલતો આપતી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને એક સૂરમાં સમર્થન આપી રહ્યો છે ત્યારે કોંગ્રેસી નેતાઓ અલગ જ રાગ આલાપી રહ્યા છે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહે આ મુદ્દાને હવે કોમવાદી અને પાકિસ્તાન તરફી રંગે રંગવાનો પ્રયાસ કર્યો છે.

પી ચિદમ્બરમે એક વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી હોવાને કારણે ભાજપ સરકારે અહીંથી 370મી કલમ નાબૂદ કરી છે, હિંદુ બહુમતી હોવાના કિસ્સામાં તે આમ ન કરત. ચિદમ્બરમે એવો આરોપ પણ લગાવ્યો હતો કે ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં દાદાગીરી કરીને પોતાના નિર્ણયનો અમલ કરાવી રહી છે.

ચિદમ્બરમના કહેવા અનુસાર જે ક્ષેત્રીય પક્ષોએ કલમ 370 નાબૂદીના પ્રસ્તાવને સંસદમાં સમર્થન આપ્યું હતું તે ભાજપ અને NDAની બહુમતીથી ડરીને આપ્યું હતું. ચિદમ્બરમે કાશ્મીરમાં સાચી પરિસ્થિતિ અંગે વિદેશી મિડિયા જે ખબર આપે છે તેના પર વિશ્વાસ રાખવાનું વધુ ઉચિત માન્યું છે.

કોંગ્રેસના જ એક અન્ય વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પાકિસ્તાનની જેમ જ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ખરેખર શું થઇ રહ્યું છે તે જાણવું હોય તો વિદેશી મીડિયામાં જે કહેવાઈ રહ્યું છે એના પર ધ્યાન આપવું જોઈએ. સરકારે આગમાં પોતાના હાથ નાખીને બાળ્યા છે. દિગ્વિજય સિંહે બાદમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને અજીત ડોવલને પણ અપીલ કરી હતી કે તેઓ ધ્યાન રાખે કે ક્યાંક કાશ્મીર ભારતના હાથમાંથી જતું ન રહે.

ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહના નિવેદનો બિલકુલ એવા જ છે જેવા આ વર્ષની લોકસભાની ચૂંટણીઓ અગાઉ વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન સેમ પિત્રોડાએ આપ્યા હતા જેમાં બાલાકોટ એરસ્ટ્રાઈક્સની સાબિતી માટે તેમણે પણ વિદેશી મિડિયાને ટાંક્યું હતું. નોંધવા લાયક વાત એ પણ છે કે રાજ્યસભામાં કોંગ્રેસના વ્હીપ ભૂવનેશ્વર કલીતાએ 370મી કલમની નાબૂદીનો વિરોધ કરવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું પસંદ કર્યું છે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા સહીત અન્ય મહત્ત્વના કોંગ્રેસી આગેવાનો પણ પાર્ટીની લાઈન વિરુદ્ધ સરકારના આ નિર્ણયને સમર્થન આપી ચૂક્યા છે.

ભારતનું ગૃહ મંત્રાલય છેલ્લા બે દિવસમાં વારંવાર જણાવી ચૂક્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થતિ સંપૂર્ણપણે શાંત છે પરંતુ દેશના ગૃહ મંત્રાલયને સ્થાને કોંગ્રેસના બે સહુથી વરિષ્ઠ આગેવાનો વિદેશી મીડિયાની વાત માને છે અને તેને પાકિસ્તાનની જેમ આગળ પણ ફેલાવે છે તે આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here