આજે મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી AGMમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે Jio GigaFiber ઉપરાંત અનેક અન્ય જાહેરતો કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કરી હતી.

મુંબઈ: આજે મુંબઈના બિરલા માતોશ્રી સભાગૃહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 42મી AGMને સંબોધિત કરી હતી. આ સંબોધન દરમ્યાન મુકેશ અંબાણીએ કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ કરી હતી.
પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ માહિતી આપી હતી કે 2018-19ના નાણાંકીય વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહુથી વધુ નફો કમાનાર કંપની બની હતી. આ ઉપરાંત રિલાયન્સ જીઓ હવે 34 કરોડથી પણ વધુ ગ્રાહકો ધરાવે છે તેમ પણ તેમણે કહ્યું હતું.
પરંતુ સામાન્ય જનતાને આ AGM પાસેથી અગાઉથી મળેલી માહિતીને કારણકે રિલાયન્સ જીઓનું આગામી સાહસ જીઓ ગીગાફાઈબર અંગે મુકેશ અંબાણી શું કહેવા જઈ રહ્યા છે તેના પર નજર હતી. મુકેશ અંબાણીએ તેમને પણ નિરાશ કર્યા ન હતા અને જીઓ ગીગાફાઈબર અંગે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી.
- Jio GigaFiber આગામી 5 સપ્ટેમ્બરથી લોન્ચ થશે.
- અત્યારસુધીમાં લગભગ 5 કરોડથી પણ વધુ લોકોએ તેના માટે નોંધણી કરી છે.
- જીઓ ગીગાફાઈબરની 1600 શહેરોમાં 2 કરોડ લોકો સુધી પહોંચવાની યોજના છે.
- Jio GigaFiberના પ્લાન્સ રૂ. 700થી શરુ કરીને 10,000 સુધીના હશે.
- જીઓ ગીગાફાઈબરની લઘુત્તમ સ્પીડ 100 Mbpsની હશે જ્યારે મહત્તમ સ્પીડ 1000 Gbpsની હશે.
- Jio GigaFiberના ગ્રાહકોને HD/4K LED TV અને 4K સેટ ટોપ બોક્સ ઇન્વીટેશન ઓફરના રૂપે વિનામૂલ્યે મળશે.
- આગામી વર્ષથી જીઓ ગીગાફાઈબરના પ્રિમીયમ ગ્રાહકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પ્લાન હેઠળ સિનેમાગૃહોમાં રજુ થાય તે જ દિવસે પોતાના ટીવીમાં નવી ફિલ્મો જોઈ શકશે.
- જીઓએ ઇન્ટરનેશનલ કોલ્સ માટે અનલિમિટેડ પ્લાન જાહેર કર્યો છે જેમાં તેના ગ્રાહકો રૂ. 500માં એક મહિનો અમેરિકા અને કેનેડામાં વિનામૂલ્યે અનલિમિટેડ વાતો કરી શકશે.
- આ ઉપરાંત Jio GigaFiberના ગ્રાહકો માટે ફિક્સ્ડ લાઈન પરથી પણ બહુ ઓછા દરે આંતરરાષ્ટ્રીય કોલિંગ મેળવી શકશે.
- સ્ટાર્ટ અપ્સ માટે જીઓએ રૂ. 1500 પ્રતિ મહિનાના ખર્ચે હાઈસ્પિડ કનેક્ટિવિટી શરુ કરવાનો નિર્ણય કર્યો છે.
- સ્ટાર્ટ અપ્સ માટે જીઓ વિનામૂલ્યે ક્લાઉડ સર્વિસ પણ આપશે.
- મુકેશ અંબાણીની જાહેરાત અનુસાર રિલાયન્સ ખુદ 14 ટેક્નોલોજી સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખની નવરચના માટે ઉદ્યોગપતિઓએ આગળ આવવાની વિનંતીનો સ્વીકાર કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આવનારા દિવસોમાં જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખ માટે નવી જાહેરાતો કરશે.
eછાપું