#MeToo: આલોક નાથ સામેના કેસનું પણ સુરસુરિયું થશે?

0
777
Photo Courtesy: asianage.com

લગભગ એક વર્ષ પહેલા Me Too આંદોલન હેઠળ જાણીતા ટીવી સ્ક્રિપ્ટ રાઈટર વિનીતા નંદાએ અદાકાર અલોક નાથ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કર્યો હતો પરંતુ હવે આ કેસ આગળ ચાલી શકે એમ  નથી.

Photo Courtesy: asianage.com

મુંબઈ: ફિલ્મ અને ટીવી અદાકાર આલોક નાથ સામે થયેલી જાતીય સતામણીના કેસનું સુરસુરિયું થવા જઈ રહ્યું છે. ગયા વર્ષે સોશિયલ મિડિયા પર #MeToo હેશટેગ હેઠળ અનેક જાણીતી અને ઓછી જાણીતી મહિલાઓએ વિવિધ સેલિબ્રિટી પુરુષો વિરુદ્ધ પોતાના પર તેમણે જાતીય સતામણી કરી હોવાના આરોપો કર્યા હતા અને એક તોફાન ઉભું થયું હતું.

આ સમય દરમ્યાન જ ઓક્ટોબર 2018માં એક ફેસબુક પોસ્ટ દ્વારા લેખિકા વિનીતા નંદાએ અદાકાર આલોક નાથે પોતાના પર જાતીય સતામણી કરી હોવાના આરોપ આલોક નાથનું નામ લખ્યા વગર કર્યા હતા. નંદાએ ભલે આલોક નાથનું નામ નહોતું લખ્યું પરંતુ એમાં તેણે અસંખ્ય એવી હિન્ટ આપી હતી જે શંકાની સોય આલોક નાથ તરફ જ લઇ જતી હતી.

ત્યારબાદ વિનીતા નંદાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આલોક નાથ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા ઓશિવારા પોલીસે વિનીતા નંદાનું તેમજ આલોક નાથનું નિવેદન લીધું હતું.

હવે મુંબઈના દૈનિક મિડ-ડેમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓશિવારા પોલીસ આ કેસ બંધ કરવા જઈ રહી છે. ઓશિવારા પોલીસનું કહેવું છે કે આરોપી તેમજ વિનીતા નંદાના નિવેદનો નોંધ્યા બાદ તેણે બે સાક્ષીઓને પણ નિવેદન આપવા માટે વારંવાર તાકીદ કરી હતી પરંતુ તેઓ પોલીસ પાસે પોતાનું નિવેદન આપવા માટે ન આવતા તેઓ હવે આ કેસ પુરાવાના અભાવમાં બંધ કરવાનું વિચારી રહ્યા છે.

વિનીતા નંદાના આરોપ હેઠળ જ્યારે તેણે ઝી ટીવી માટે પ્રખ્યાત ‘તારા’ સિરિયલ લખી હતી ત્યારે અલોક નાથે તેનું જાતીય શોષણ કર્યું હતું. આલોક નાથે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પોતાના વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ વિનીતા નંદા વિરુદ્ધ 1 રૂપિયાના મૂલ્યનો માનહાનીનો દાવો નોંધ્યો હતો.

આ દાવામાં અલોક નાથના પત્ની પણ એક પક્ષકાર તરીકે જોડાયા હતા. આલોક નાથના પત્નીનો આરોપ છે કે વિનીતા નંદાએ જાણીજોઈને આલોક નાથ વિરુદ્ધ આ આરોપ મુક્યો છે કારણકે તેને આલોક નાથ માટે દ્વેષભાવ છે.

આલોક નાથના પત્નીનું કહેવું છે કે વિનીતા નંદા એવું માને છે કે તેની કારકિર્દી સમાપ્ત કરવા પાછળ આલોક નાથ જવાબદાર છે.  ઓશિવારા પોલીસે આલોક નાથ વિરુદ્ધ IPCની કલમ 376 હેઠળ કેસ નોંધ્યો હતો.

અગાઉ અત્યંત લોકપ્રિય અદાકાર નાના પાટેકર વિરુદ્ધ અભિનેત્રી તનુશ્રી દત્તાએ Me Too આંદોલન દરમ્યાન કરેલા આરોપનો પણ આ જ પ્રકારે અંત આવ્યો હતો. મુંબઈ પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે નાના પાટેકરને તેણે પુરાવાના અભાવે ક્લીન ચીટ આપી દીધી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here