ભારતના બજારમાં હાલ ચાલી રહેલી સુસ્તીના કારણો અને સમાધાનો

0
438
Photo Courtesy: newsclick.in

કહેવાઈ રહ્યું છે કે ભારતમાં આજકાલ મંદી ચાલી રહી છે. જો આવું જ હોય તો સરકાર શું કરી રહી છે? RBI શું કરી રહી છે અથવાતો શું કરી શકે છે તેના પર એક સવિસ્તર વિશ્લેષણ.

Photo Courtesy: newsclick.in

ભારતની ઈકોનોમીને સારી રીતે ફોલો કરતા લોકોએ એક નોંધ જરૂર લીધી હશે કે વર્તમાનની RBIની મોનેટરી પોલીસી સમિતિએ રેપો રેટ (જે વ્યાજદરે RBI અન્ય અનુસુચિત બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે તે દર)માં અત્યાર સુધીનો મોટામાં મોટો ઘટાડો કર્યો છે અને એ ઘટાડો 0.35%નો છે. ગત વર્ષથી આ વર્ષ સુધી દર બબ્બે મહીને રેપોરેટમાં ઘટાડો કરીને ટોટલ 1.10%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી અનુસુચિત બેંકોને ઓછા વ્યાજદરથી લોન મળશે અને એમની પાસે રૂપિયા વધવાના લીધે તેઓ ગ્રાહકોને ઓછા વ્યાજદરે લોન આપી શકશે અને જેના લીધે લોકોની ખરીદ શક્તિ વધવાના લીધે અર્થતંત્રમાં તેજી આવશે એવું MPCનું માનવું છે.

તો અર્થતંત્રમાં તેજી લાવવાના પ્રયાસ થતા હોય મતલબ કે તેમાં સ્લોડાઉન આવ્યું હશે. જી હા, ભારતનું અર્થતંત્ર હાલ સુસ્ત છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલીસીના પ્રોફેસર એન.આર.ભાનુમૂર્તિ આ વિષય ઉપર પોતે આપેલા એક ઈન્ટરવ્યુમાં નીચેના સવાલોના જવાબ આપે છે.

શું માર્કેટની આ સુસ્તી ચક્રીય છે કે માળખાકીય?

કોઈપણ મેક્રો સમય શ્રેણીમાં, બે ઘટકો હોય છે. એક માળખાકીય અથવા કાયમી ઘટક છે, જે મોટાભાગે સંસ્થાઓ, ઉત્પાદકતા, માનવ મૂડી વગેરે જેવા પરિબળો દ્વારા લાંબા ગાળે નિર્ધારિત કરવામાં આવે છે. અને બીજું એક ચક્રીય અથવા અસ્થાયી ઘટક છે, જે ટૂંકા ગાળાની વધઘટનો સંદર્ભ આપે છે. તમારે બંનેને જુદા પાડવું પડશે અને તેઓ કેવું વર્તન કરે છે તે જોવું રહ્યું અને ભવિષ્યમાં તે કેવી રીતે આગળ વધવાની અપેક્ષા રાખે છે. જો તમે આ કરી શકો છો, તો પછી તેમને સૂચવવા માટે જરૂરી પ્રિસ્ક્રિપ્શન્સ ખૂબ જ સ્પષ્ટ અને અલગ હશે.

એન.આર.ભાનુમૂર્તિનું મૂલ્યાંકન એ છે કે ભારતમાં હાલમાં બંને ઘટક મંદીના તબક્કામાં હોય તેવું લાગે છે અને અનુમાન એ છે કે તે વધુ ધીમું થશે.

આવા સમયે ભારતનો આર્થિક વિકાસ વધારવા માટે થઈને તમે શું સૂચન આપશો?

પ્રથમ વસ્તુ તો એ જ કે ઘરેલુ બચત વધારવી. ઘટતા જતા થાપણ દરો જોતાં, બેંકિંગ સીસ્ટમ ખરેખર તો ઘરેલું બચતના માધ્યમથી તેના નુકસાનને ભરપાઈ કરી રહી છે. સરકાર બચતનાં સાધનો (જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ) લઈને આવી શકી હોત. સરવાળે, હાલની મેક્રો નીતિઓ ડબલ પ્રોબ્લેમમાં છે – એક તો ઘરેલું બચતમાં ઘટાડો અને ઘરગથ્થુ ખર્ચમાં વધારો.

બીજું, આપણે 2018ના ફાઇનાન્સ બિલ દ્વારા રજૂ કરાયેલ સ્ટ્રક્ચરલ પોલિસીમાં રહેલી ખામીઓ સુધારવાની જરૂર છે જે માત્ર સરકારને થતી ખોટ/દેવાને જ લક્ષ્યાંક બનાવીને જાહેર મૂડી ખર્ચને નજરઅંદાજ કરે છે. વૃદ્ધિની મંદીની સાથે સાથે નાણાકીય સ્થિતિના બગાડની આ શરૂઆત હતી. ઘણાં લોકો એ માનીને ખુશ છે કે સરકારની નાણાકીય ખાધ/દેવું નીચે આવી રહી છે, પરંતુ આપણે સમજી શકતા નથી કે જ્યારે કોઈ ચક્રીય મંદી/સુસ્તી હોય ત્યારે આવી નીતિ અર્થવ્યવસ્થાને વધુ નિચોવી લે છે. તે ઘણી વખત સમજાવવામાં આવ્યું હતું કે FRBM એક્ટ,૨૦૦૩ એ કોઈ ખર્ચ ઓછો કરવાનું મિકેનિઝમ નથી; તે ખર્ચમાં ફેરબદલ કરવાની મિકેનિઝમ છે. હું આશા રાખું છું કે 15મું નાણાપંચ આ ભૂલ સુધારી શકે.

વધુમાં જે સરકારી બેંકો ખોટમાં ચાલે છે તેમનું પુનઃમૂડીકરણ કરવાની જરૂર છે અને આ માટે સરકારે 2020ના બજેટમાં 70,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પબ્લિક સેક્ટરની બેંકોને બિનકાર્યક્ષમ માનવામાં આવે છે એટલે આ વાત માટે ઘણા બધા લોકો વિરોધ કરી શકે છે પરંતુ આપણે એક વાત સમજવી જ જોઈએ કે ખાનગી બેંકોની જેમ જાહેર ક્ષેત્રની બેંકોની પણ એક મોટી સામાજિક તેમજ આર્થિક જવાબદારી છે.

અર્થાત, ઘરેલુ બચત, સરકારી દેવાની સાથેસાથે ફુગાવો અને અન્ય બાબતો પર પણ ધ્યાન અને ખોટમાં ચાલી રહેલી બેંકોના રીકેપિટલાઈઝેશનમાં ભારતના અર્થતંત્રની સુસ્તીનો ઉકેલ છે તેવું કહી શકાય. હાલની સરકાર આ તમામ બાબતો પર ધ્યાન આપીને આગળ વધી રહી છે. ઘરેલું બચત માટે જનધન, PM-કિસાન, શ્રમયોગી માનધન જેવી યોજનાઓ જાહેર કરીને લોકોમાં બચતનો સ્વભાવ કેળવવાનો પ્રયાસ છે. જ્યારે નવી ઈ-કોમર્સ પોલીસી, નવી બાયોફયુઅલ નીતિ વગેરેથી આયાતોનો જથ્થો ઓછો કરવા તરફ સરકાર કામ કરી રહી છે.

આ તમામના પરિણામો શું આવશે એ હવે જોવું રહ્યું….

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here