કોંગ્રેસની પ્રતિક્રિયા કેમ આવી હોય છે? તેને થયું છે શું?

0
306
Photo Courtesy: orissapost.com

છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી અને NDAની મજબૂત સરકાર આવી છે ત્યારથી કોંગ્રેસ કેમ પ્રજામત વિરુદ્ધ જ કાયમ પ્રતિક્રિયાઓ આપતી હોય છે? આમ કરવા પાછળનું કારણ શું છે?

થોડા અઠવાડીયા પહેલા બહુમતિથી પસાર થયેલ ત્રણ તલાકની પ્રથા રદ કરવાનો કાયદો હોય કે પછી હાલમાં કશ્મીરને મુદ્દે 370ની અને 35Aની કલમો સંવિધાનમાંથી રદ કરવા (કે નબળી પાડી દેવા)નો કાયદો હોય; કોંગ્રેસે આ અને આવા મુદ્દાઓ પર સરકારનો સંસદ અને સંસદની બહાર જોરદાર વિરોધ કર્યો. એ પહેલા પણ, NDA-1ના કાળમાં જ્યારે ભારતિય સૈન્યએ પરાક્રમ દાખવીને પ્રથમ સર્જીકલ સ્ટ્રાઈક અને ત્યારબાદ હવાઈ માર્ગે પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓની સફાઈ કરી ત્યારે પણ કૉંગ્રેસે બહુ જ ખરાબ રીતે સરકારનો વિરોધ કર્યો હતો.

આ અને આના જેવા બીજા ઘણા મુદ્દાઓ એવા છે અને હતા કે જેને માટે સામાન્ય પ્રજાજન પણ સહજ રીતે કહી શકે કે સરકારના આ નિર્ણયો દેશના હિતમાં જ લેવાયા છે અને સંપૂર્ણ રીતે આવકાર્ય છે. ગરીબ-તવંગર; ઉંચ-નીચ; જાતિ-જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર લગભગ દરેક પ્રજાજન એને માટે એકમત હતા કે સરકારે જે કંઈ કર્યુ છે એ યોગ્ય જ છે. એને માટે સરકારની ટીકા-ટીપ્પણી કરવી હોય તો પણ એ હકારાત્મક જ કરવી જોઈએ. અને સરકારને વખોડવાનો તો પ્રશ્ન જ નથી ઉદભવતો.

તો કોંગ્રેસનુ વલણ આવુ શા માટે છે?? 125થી વધારે વર્ષો જૂનો રાજકિય પક્ષ કે જેનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. જે પક્ષ અને તેના આગેવાનો એવો સતત દાવો કરતા આવ્યા છે કે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવાનુ કામ પ્રમુખતઃ એમના પક્ષે જ કર્યુ છે અને એને માટેની બધી જ ક્રેડીટ એ લેતા આવ્યા છે અને એટલે જ ભારતની પ્રજાએ કદાચ આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી વધારે વખત કૉંગ્રેસની સરકારોને કેન્દ્રમાં સત્તા ભોગવાનો અધિકાર આપ્યો હતો.

પરંતુ, છેલ્લા ઘણા સમયથી (ચોક્કસ પણે કહીએ તો નવેમ્બર, 2016ની નોટબંધી પછી) કૉંગ્રેસનુ વલણ ન કેવળ ભાજપ/NDA રચિત કેન્દ્ર સરકાર વિરૂધ્ધ રહ્યુ છે પણ એ વિરોધ કરતા કરતા દેશવિરોધ અને દેશની સેનાના વિરોધ સુધી પહોંચી જાય છે. હાલનો તાજો દાખલો લઈએ તો એક પગલુ આગળ વધીને કૉંગ્રેસ ન કેવળ દેશવિરોધની વાત કરતી થઈ પણ એણે તો ધરાર પાકિસ્તાન તરફી વલણ લઈ લીધુ અને પાકિસ્તાનના નેતાઓ મંત્રીઓ અને અધિકારીઓ વતી જાણે અહીં ભારતમાં બયાનબાજી કરવાનો હવાલો એમને મળ્યો હોય એમ બેફામ બયાનો કરવાનુ ચાલુ કરી દીધુ.

આમ તો, લાગી રહ્યુ છે કે ભારતના રાજકારણમાં હવે કૉંગ્રેસનુ કોઈ મહત્વ નથી રહ્યુ પણ જે રીતે એના નેતાઓ સાવ છેલ્લી પાયરીના વિરોધ પર ઉતરી આવ્યા છે એમાં એવુ દેખાઈ રહ્યુ છે કે એમની વેલ્યુ ભલે ન રહી હોય પણ હવે એ પક્ષ પોતાની ન્યુસન્સ-વેલ્યુ બનાવવામાં પડ્યો હોય એમ લાગે છે. બીજુ સૌથી અગત્યનુ તો ભાજપ કરતાં પણ વધારે રીતે પ્રસરેલો જો કોઈ પક્ષ હોય તો એ કૉંગ્રેસ જ છે. આજે ભલે એ વિપક્ષમાં હોય એક સમયે કૉંગ્રેસ દેશને ખૂણેખૂણે રાજ કરી રહી હતી અને લોકસભા; રાજ્યસભા બંનેમાં એની પાસે રૅકોર્ડ બહુમતિ હતી તેમજ રાજ્યોની સૌથી વધારે વિધાનસભાઓ પણ એની પાસે હતી (૧૯૮૮ – રાજીવગાંધીની સરકાર).

તો કૉંગ્રેસ આવુ વલણ શા માટે કરી રહી છે એનુ વિશ્લેષણ એક જાગૃત મતદાર તરીકે આપણે કરવુ જ રહ્યુ. કારણકે, તમે રાજકારણને કે રાજકારણીઓને ગણો કે અવગણો લોકશાહીમાં એ જ લોકો તમારી રોજીંદી સામાન્ય જીંદગી પર અસરકર્તા હોય છે. ચાલો તો આપણે વિશ્લેષણ કરવાનો એક પ્રયાસ કરીએ.

મને જે દેખાય છે એ … સૌથી પહેલુ અને સૌથી મોટુ કારણ — નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં ઉદય બાદ; કૉંગ્રેસની રાજકિય જમીન બહુ જ ઝડપથી એના પગ નીચેથી સરકી રહી છે. એમાં ઔર ઝડપ ત્યારે આવી જ્યારે ભાજપના અધ્યક્ષ પદે અમિત શાહને બેસાડવામાં આવ્યા. એક પછી એક રાજ્યોમાં કૉંગ્રેસે પોતાની રાજકિય બાજી ગુમાવવા માંડી હતી. સૌથી મોટી વિડંબના એ હતી કે — આ સરકી ગયેલી જમીન પાછી મેળવવાનો કોઈ જ રસ્તો કોંગ્રેસને નજરે નહોતો પડતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદ હોય કે સંસદની બહાર કૉંગ્રેસના લાંબા શાસનકાળના કાળા કારનામાઓ ઘૂંટી-ઘૂંટીને પ્રજાને યાદ કરાવતી હતી અને એ કામોને લીધે દેશને થયેલા નુકશાનને પાછુ વાળવા અને એવુ નુકશાન ફરી ક્યારેય ન થાય એવા પગલા જેટ ઝડપે લઈ રહી હતી.

કૉંગ્રેસને મોદી સરકારના એકાદ ઘાની કળ વળી પણ ના હોય ત્યાંતો બીજો ઘા આવી જ ગયો હોય. 2017-18 સુધી કૉંગ્રેસ સતત બધી ચૂંટણીઓ હારતી આવી અરે ગોવા જેવા મહત્વના રાજ્યમાં સૌથી વધારે સીટો મળવા છતાં સરકાર ન બનાવી શકી. ટૂંકમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ કૉંગ્રેસનુ રાજકિય કદ એટલુ નાનુ કરી નાખ્યુ કે કૉંગ્રેસના આરાધ્ય એવા ગાંધી કુંટુંબને સહારે પણ એનો રાજકિય ઉધ્ધાર શક્ય નહોતો.

બીજુ કારણ — કૉંગ્રેસ જ્યાં સુધી સત્તામાં હતી ત્યાં સુધી એણે ન માત્ર રાજકિય રીતે દેશ પર રાજ કર્યું. પણ, બીન-રાજકિય સંસ્થાઓ (NGO વગેરે); શિક્ષણ સંસ્થાનો; મહત્વની ઍડમિનિસ્ટ્રેટીવ સંસ્થાઓ; પત્રકારોની ફોજ; અર્બન નક્સલીઓ અને ન જાણે કેટકેટલી રીતે એણે પોતાની એક આખી જાળ ઉભી કરી હતી જે કૉંગ્રેસ અને કૉંગ્રેસી એજન્ડાને દેશ આખામાં અવિરત ફેલાવ્યા કરે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહીને આને સારી રીતે ધ્યાનમાં લીધુ હતુ અને પોતે અને પોતાની સરકારના મહત્વના મંત્રીઓ તેમજ પોતાની સરકાર દરમ્યાન ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ આનો બહુ જ ખરાબ રીતે ભોગ બની ચૂક્યા હતા. એમને ખબર હતી કે મુખ્ય પ્રધાન રહીને એ માત્ર પોતાના રાજ્યમાં જ અને એ પણ રાજકિય રીતે જ કૉંગ્રેસની આ જાળનો સામનો કરી શકશે.

જો કૉંગ્રેસની આ અતૂટ અને અદ્રશ્ય તેમજ હાડોહાડ પ્રજા-વિરોધી અને કેટલાય સંજોગોમાં દેશદ્રોહી એવી આ જાળને ભેદવી હશે તો એને માટે કેન્દ્રમાં અમાપ સત્તા જોઈશે જ. 2014ના જૂનમાં નરેન્દ્ર મોદીને એ અવસર મળી ગયો અને એમની સરકારે આ જાળમાં મોટા-મોટા કાણાં પાડવાનુ શરૂ કર્યુ. આ જાળ (ઈકો-સિસ્ટમ) કૉંગ્રેસની કરોડરજ્જૂ સમાન હતી અને જો એ છેદાઈ જાય તો કૉંગ્રેસનુ ભવિષ્ય ન માત્ર જોખમાય પણ કાયમ માટે “ગયા ખાતે” લખાઈ જાય.

ગત પાંચ વર્ષ દરમ્યાન NDA-1ના શાસનકાળ વખતે નરેન્દ્ર મોદીએ લગભગ આ આખી જાળ ભેદી નાખી. ત્યારબાદ જે કંઈ બચ્યુ હતુ એ નાના-નાના ટૂકડાઓ અને અસંગઠીત એકલ-દોકલ લોકો હતા. એમની વચ્ચેનુ સામંજસ્ય; સાતત્ય અને સંવાદ બધુ જ ઠપ્પ થઈ ગયુ હતુ. આ જાળ ન માત્ર કૉંગ્રેસની ટોચની નેતાગીરીને રાજકિય રીતે સપોર્ટ કરતી હતી પણ આ જાળ કૉંગ્રેસના આર્થિક હીતોને પણ સારી રીતે પાર પાડતી હતી. એમાં લેવડ અને દેવડ બંને સામેલ હતા. કૉંગ્રેસના બિનઅધિકૃત ફંડનો રસ્તો આવી રીતે સાવ બંધ થઈ ગયો અને જે કંઈ બચ્યુ ખૂચ્યુ હતુ એ ક્યાંક ક્યાંક કોઈ મોટા નેતા પાસે પડી રહ્યુ હતુ.

ત્રીજુ કારણ — કૉંગ્રેસની સરકારોનો ઈતિહાસ રહ્યો છે એ ભરપૂર લૂંટનો રહ્યો છે. કૉંગ્રેસની સરકાર હોય અને કોઈ આર્થિક કૌભાંડ ન થયુ હોય એવો કોઈ દાખલો નથી મેળવી શકતા આપણે (સિવાય કે લાલબહાદૂર શાસ્ત્રીની સરકાર). નહેરુ પછીના કાળની કૉંગ્રેસને સંગઠીત રાખવામાં આ કૌભાંડો દ્વારા મળતી કટકી (જે છે…ક છેવાડાના કાર્યકર્તા સુધી પહોંચતી હતી) મુખ્ય ભાગ ભજવતી હતી. સત્તા ન રહેવાથી કૌભાંડ પણ ન થાય અને કટકી પણ ન મળે અને સરવાળે જે રીતે કૉંગ્રેસે સંગઠન બનાવ્યુ હતુ એ જ રીતે સંગઠન તૂટી પડ્યુ.

સંગઠન તૂટવાની સૌથી મોટી આડ અસરો ચૂંટણીઓ પર પડી અને એક પછી એક હરાતી ચૂંટણીઓની જવાબદારી પણ કેન્દ્રીય નેતાગીરીને બદલે કોઈને કોઈ બલીના બકરા શોધીને ઠેરવવામાં આવી. પરિણામ?? સંગઠન વધારે નબળુ પડતુ ગયુ અને કૉંગ્રેસી ટોચની નેતાગીરીનુ ફ્રસ્ટ્રેશન ઑર વધી ગયુ. જે કોઈને કોઈ રીતે આવા દેશવિરોધી નિવેદનોમાં બહાર આવતુ ગયુ.

વધુ ફરી ક્યારેક.

 eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here