દુનિયામાં જન્મ લેતા અસંખ્ય બાળકો પોતાના કોઇપણ પ્રકારના વાંક વગર માતા અથવા પિતાના જનીનોમાં રહેલી ખામીને કારણે કેટલાક રોગ લઈને જન્મ લેતા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે જનીનશાસ્ત્રની એક નવી શોધ છે “થ્રી પેરેન્ટ બેબી”.

આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન અત્યારે તેની બુલંદીઓ પર છે. તમામ ક્ષેત્રોમાં વિજ્ઞાન હાલ અપ્રતિમ કામ કરી રહ્યું છે. ખાસ કરીને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વિજ્ઞાન નવા નવા સોલ્યુશન લઈને આવે છે અને માનવજાતની સમસ્યાઓને દુર કરવા માટે મદદરૂપ થઇ રહ્યું છે. માનવજાતની આવી જ એક ગંભીર કહી શકાય તેવી સમસ્યા છે ‘નિ:સંતાનપણું’. તો વિજ્ઞાન આ માટે પણ ટેસ્ટ ટ્યુબ બેબી અને IVF જેવી તકનીકો લઇ આવ્યું છે. આ બધાથી એક સ્ટેપ આગળ આપણે આજે વાત કરવાની છે એવી એક થીયરીની કે જે માતાના જાનલેવા આનુવંશિક રોગોને બાળકમાં ટ્રાન્સફર થતા રોકે છે! જેટલી આ વાત આશ્ચર્યજનક છે એટલી જ અચંબિત કરનારી આ ટેકનોલોજી છે જેનું નામ છે, “કણાભસૂત્ર રિપ્લેસમેન્ટ થીયરી”.( મિટોકોન્ડ્રીયલ રિપ્લેસમેન્ટ થીયરી (MRT))
મિટોકોન્ડ્રિયા એ કોષોની અંદર ઓર્ગેનેલ્સ છે જે એડેનોસિન ઉત્પન્ન કરીને ઊર્જા મુક્ત કરવામાં ચાવીરૂપ ભાગ ભજવે છે જે ચયાપચય ચલાવે છે. આથી સામાન્ય રીતે કણાભસુત્રને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે. બાળકને માતાનું જ કણાભસૂત્ર વારસાગત રીતે પ્રાપ્ત થતું હોય છે. પરંતુ જ્યારે માતાના કણાભસુત્રમાં ખામી હોય અને જેના લીધે તેમના આનવંશિક રોગો સંતાનમાં હસ્તાંતરિત થવાનો ભય હોય ત્યારે આ ટેકનોલોજી આશીર્વાદ સમાન છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આ થીયરીને સમજીએ.
તાજેતરમાં, ગ્રીક અને સ્પેનિશ ડોકટરોની ટીમે માતૃત્વ સ્પિન્ડલનો ઉપયોગ કરીને ત્રણ લોકોના જૈવિક સંયોજનથી એક બાળકનું નિર્માણ કર્યું છે જે ટ્રાન્સફર તકનીક (મિટોકોન્ડ્રીયલ રિપ્લેસમેન્ટ થેરેપીની એક પદ્ધતિ)ને આભારી છે.
MRT એ IVF (ઇન વિટ્રો ફર્ટીલાઈઝેશન)નો જ એક પ્રકાર છે પણ એક કિસ્સામાં તે થોડો અલગ પડે છે. IVFમાં માત્ર બે જ વ્યક્તિઓ (પતિ પત્ની) ભાગ લે છે, જ્યારે MRTમાં ત્રણ વ્યક્તિઓની આવશ્યકતા છે. એક સ્ત્રી કે જે માતા બનવાની છે અને તેના કણાભસૂત્રમાં ખામી છે, બીજી સ્ત્રી કે જેનું કણાભસૂત્ર માતા બનનાર સ્ત્રીના અંડકોષમાં રિપ્લેસ કરવાનું છે અને ત્રીજો પુરુષ જે પિતા બનનાર છે જેના શુક્રકોષથી ફલન થવાનું છે. અહી ત્રણ વ્યક્તિઓ સામેલ હોવાના લીધે આ તકનીકણે ‘થ્રી પેરેન્ટ બેબી’ પણ કહેવામાં આવે છે.
સૌપ્રથમ દાતા સ્ત્રીના કોષનું ન્યુક્લીયસ(કોષકેન્દ્ર)ને કેસ્પર-૯ જેવી જૈવિક કાતરથી અલગ કરવામાં આવે છે.
ત્યાર બાદ માતા બનનાર સ્ત્રીના કોષકેન્દ્રને દાતા સ્ત્રીના કોષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કણાભસુત્રો કોષકેન્દ્રની બહારના ભાગમાં હોય છે. આથી દાતા સ્ત્રીના સ્વસ્થ કણાભસુત્રો ધરાવતા કોષમાં માતા બનનાર સ્ત્રીનું કોષકેન્દ્ર ટ્રાન્સપ્લાન્ટ કરવાથી કોષકેન્દ્ર માતાનું જ રહે છે. જેના લીધે આવનાર સંતાનના શરીરણી રચનાઓ જેવી કે હાઈટ, આંખોનો રંગ, બુદ્ધિમત્તા, વાળનો રંગ વગેરે માતાના જનીન આધારે જ હોય છે જે બદલાતા નથી. બદલાય છે તો માત્ર કણાભસુત્રો જે માતાના કોષમાંથી અમુક આનુવંશિક બીમારીઓ સંતાનમાં ટ્રાન્સફર કરી શકતા હતા, પરંતુ હવે સંતાનના કોષોમાં આવનાર કણાભસુત્રો દાતા સ્ત્રીના સ્વસ્થ કોષમાંથી આવશે જેના લીધે જીવલેણ આનુવંશિક બીમારીઓ આગામી પેઢીમાં હસ્તાંતરિત થાય નહિ.
હવે, આ રીતે તૈયાર થયેલા અંડકોષનું ફલન IVF ટેકનોલોજીના માધ્યમથી પિતા બનનાર પુરુષના શુક્રકોષ દ્વારા કરવામાં આવે છે અને તે ફલન થયેલા અંડકોષને ફેલોપિયન ટ્યુબ મારફતે માતાના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દેવામાં આવે છે.
MRTના ફાયદાઓ
કણાભસુત્ર રિપ્લેસમેન્ટમાં દાતા સ્ત્રીના માત્ર 37 જ જનીન આવનારા બાળકમાં ટ્રાન્સફર થાય છે જ્યારે બાકીના 19,967 જનીનો માતા-પિતાના જ હોય છે. આથી બાળકના તમામ ગુણો માતાપિતા જેવા જ રહે છે.
જનીનજન્ય આનુવંશિક રોગો આગામી પેઢીમાં આવતાં રોકવામાં આ થીયરી ઘણી જ મદદરૂપ સાબિત થાય છે.
MRT સામે રહેલા પડકારો
સલામતીના પડકારો – MRTની લાંબાગાળે શું અસર થાય છે તે વિષે જ્ઞાન ના હોવાથી શું તે આનુવંશિકતાને જડમૂળથી બદલી તો નહિ નાખે ને? જેવા સવાલોના જવાબો શોધવા રહ્યા.
ધાર્મિક મુદ્દાઓ – ઘણા ધર્મોમાં માતાના ગર્ભ સાથે છેડછાડ કરવી એ ગેરવ્યાજબી ઠેરવવામાં આવે છે માટે ભવિષ્યમાં આ થીયરીનો વિરોધ થઇ શકે છે.
સામાજિક મુદ્દાઓ – ઘણા દેશોમાં સમાજ હજી રૂઢીચુસ્ત માન્યતાઓમાં વિશ્વાસ રાખે છે. એવામાં ત્રણ માતા-પિતા ધરાવતું આ બાળક પોતાની ઓળખ માટે લોકોની ટીખળનો ભોગ બની શકે છે. જેના લીધે માનસિક ત્રાસનો શિકાર પણ બની શકે છે.
નૈતિક મુદ્દા – માનવજાત MRT દ્વારા કુદરતી નૈતિકતાનું ઉલ્લંઘન કરે છે તેવું ઘણા લોકોનું માનવું છે. આ તકનીકો ભવિષ્યમાં ‘ડીઝાઈનર બેબી’ જેવી અનૈતિક તકનીકો નોંતરી શકે છે.
આ મુદ્દાઓના ઉપાય માટે શું કરી શકાય?
આ તમામ મુદ્દાઓનો એક જ ઉપાય શક્ય છે કે આ થીયરીથી સંતાન ત્યારે જ પેદા કરવું જોઈએ જ્યારે કોઈ ગંભીર જીવલેણ બીમારી માતાના કોષોના લીધે બાળકમાં હસ્તાંતરિત થવાનો ભય રહેલો હોય. અન્યથા નોર્મલ રીતે જ સંતાન પેદા થવું જોઈએ.
વધુમાં, ગુપ્તતાને પ્રાધાન્ય આપવાથી સામાજિક મુદ્દાઓનો ભય ઉભો થતો નથી.
આ તમામ વાતો ધ્યાનમાં રાખીને યુનાઇટેડ કિંગડમ પ્રથમ એવો દેશ છે જેણે થ્રી પેરેન્ટ બેબીને કાયદાકીય માન્યતા આપી છે. ભારતમાં હજી આ નિર્ણય વિચારાધીન છે.
eછાપું