“શું દવાઓ એક્સપાયરી ડેટ પછી ખરેખર “મરી” જાય?”

0
741
Photo Courtesy: udaipurtimes.com

દરેક દવા આપણે ખરીદીએ છીએ તેના પેકેટ અથવાતો રેપર ઉપર તેની એક્સપાયરી ડેટ લખી હોય છે. આ ડેટ પછી દવા ખરેખર ન જ લેવાય તે અંગે તજજ્ઞોમાં મતમતાંતર પ્રવર્તે છે. આ જ સમસ્યા પર આપણે જાણીશું એક ખાસ વિશ્લેષણ.

Photo Courtesy: udaipurtimes.com

જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન (JAMA)માં પ્રકાશિત આર્ટિકલ મુજબ ઘણી દવાઓ ચાર દાયકા સુધી તેમની શક્તિ જાળવી શકે છે! પણ ફાર્માસૂટિકલ કંપનીઓ આપણને એ દવાઓ “એક્સપાયર થઇ ગઈ” છે એટલે ફેંકી દેવી જોઈએ એવું સમજાવે છે ! વ્યવહારિક રીતે એક્સપાયરી ડેટ એટલે એવી છેલ્લી તારીખ કે જે દિવસ સુધી દવાની 100 ટકા પૂર્ણ ક્ષમતા છે એવી ફાર્માસ્યુટિકલ કંપનીની ગેરેંટી. ક્રેઝી વાત એ છે કે હોસ્પીટલ અને ફાર્મસીઓએ ગમે તેટલી ઈમ્પોર્ટન્ટ કે મોંઘા ભાવની હોય તોય એ દવાઓ એક વાર એક્સપાયરી ડેટ આવી એટલે એને ફેંકી જ દેવાની.

એપ્રિલ 2017 માં, યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના રાષ્ટ્રીય પ્રિસ્ક્રિપ્શન ડ્રગ ટેક-બેક ડેએ મોંઘા ભાવની કોઈકની ઝીંદગીભરની કમાણી જેમાં ગઈ હોઈ શકે એવી “એક્સપાયર” થઇ ગયેલી ૪૫૦ ટન દવાઓને નષ્ટ કરવામાં આવી…  આપણામાંના ઘણા લોકોને આ સવાલ થતો હોય છે કે આટલી મોંઘા ભાવની દવાઓ ખરેખર એક્સપાયરી ડેટ પછી મરી જાય?!  એને ફેંકી જ દેવાની! આવો જ સવાલ દાક્તરોને પણ થાય છે. અને સમસ્યા એ છે કે ગ્રાહક પાસે એ જાણવાની કોઈ રીત નથી કે વાસ્તવિક એક્સપાયરી ડેટ શું છે. આ સમસ્યા પૈસા ગુમાવનારા ગ્રાહકો અને પૈસા મેળવનારી નફો કરતી કંપનીઓ સુધી મર્યાદિત સમસ્યા નથી; તે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. કોઈ પણ દેશનું દવાનું વાર્ષિક બજેટ અને એક્સપાયર થયેલી દવાઓમાં વેડફાયેલ કરોડો રૂપિયાનો આંકડો જોશો તો ચોંકી જશો !

“શું દવાઓ એક્સપાયરી ડેટ પછી ખરેખર “મરી” જાય?”- એનો જવાબ મરઘી પહેલા કે ઈંડુ જેવો મળે છે. દવાઓની એક્સપાયરી ડેટ બે કારણે હોઈ શકે. 1. સલામત નથી 2. અસરકારક નથી

રીડર્સ ડાયજેસ્ટના એક લેખમાં જણાવ્યા મુજબ, JAMAમાં પ્રકાશિત થયેલ એક સંશોધિત અધ્યયન મુજબ, 15 વર્ષના સંશોધન દરમિયાન સંશોધનકારોએ 28 થી 40 વર્ષ પહેલાં “મરી ગયેલી” આઠ અલગ અલગ દવાઓમાં રહેલા 14 વિવિધ સક્રિય ઘટકોનું વિશ્લેષણ કર્યું.  મોટાભાગના સક્રિય ઘટકો હજી 90 ટકાથી વધુ અસરકારક હતા. ફક્ત એમ્ફેટેમાઇન (ADHD અને નાર્કોલેપ્સી માટે), ફેનાસિટિન (એક પેઇનકિલર) અને એસ્પિરિનની અસરકારકતા 90 ટકાથી નીચે ઉતરી હતી.

સાંભળવામાં તો ત્યાં સુધી આવ્યું છે કે અમુક મોંઘી દવાઓ એક્સપાયરી ડેટ પછી ફાર્મા કંપનીઓ માર્કેટમાંથી પાછી લઇને એની એ જ દવા નવા પેકીંગમાં ફરીથી મૂકી દે છે !

પચ્ચીસ  વર્ષથી પ્રેક્ટિસ કરતા ડો રોબર્ટ એચ. શર્મલિંગ, (એમડી,) જે હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મેડિસિનના સહયોગી પ્રોફેસર અને બોસ્ટનના બેથ ઇઝરાઇલ ડેકોનેસ મેડિકલ સેન્ટરમાં ક્લિનિકલ ચીફ ઓફ રુમેટોલોજી છે. એમને પણ આવો સવાલ થાય છે તો સામાન્ય માનવીનો તો શો વાંક! હાવર્ડ મેડિકલ સ્કૂલની વેબસાઈટ પરના એક સરસ લેખમાં એમણે મજાની વાતો લખી છે.

મારી પત્ની અને મારી વચ્ચે ઘણી વાર દલીલ થાય છે (જેને તે “ચર્ચા” કહે છે)…જેમ કે હું રેફ્રિજરેટરમાં ઘણી ખાવાની વસ્તુઓ ખાવા માંગુ છું જયારે મારી પત્ની તેને ફેંકી દેવા માંગે છે કારણ કે એના પેકેટ પર એક્સપાયરી ડેટ લખેલી છે. હું કહું છું કે જો રંગ બરોબર લાગતો હોય, તો તે ખોરાકની ગંધ સરસ આવે છે અને તેનો સ્વાદ બરાબર આવે છે, તો આપણે તેને ખાવું જોઈએ. પણ મારા કરતા એ લેબલનો વધુ ભરોસો કરી ને એ સરસ ખાવા લાયક ખોરાકને ફેંકી દે છે…. 

અમારી વચ્ચે એક્સપાયરી ડેટ નજીક હોય એવી દવાઓ વિશે આવી જ માથાકૂટચર્ચાદલીલો થાય છે. મેં સાંભળ્યું છે કે દવાઓ ઘણી વાર એક્સપાયરી ડેટ પછી પણ એટલી જ સલામત અને અસરકારક રહેતી હોય છે. પરંતુ તે બોટલ પરની તારીખની નજીક હોય તોય તેમને ફેંકી દે છે.

તો સાચું કોણ છે?

વોલ સ્ટ્રીટ જર્નલ માં પ્રકાશિત આર્ટિકલ અનુસાર US એરફોર્સે 1985 માં એક અભ્યાસ શરૂ કર્યો અને પછી 1990 ના દાયકાની શરૂઆતમાં તેને અન્ય સૈન્ય સેવાઓ સુધી વિસ્તૃત કરાયો. સૈન્યએ એક અબજ ડોલરથી વધુની દવાઓનો સંગ્રહ કર્યો હતો જેમાની કેટલીક તેની એક્સપાયરી ડેટ વટાવી ચુકી હતી કે તેની નજીક હતી.

સૈન્યનો કોઈ પણ જવાબદાર અધિકારી આવી ખર્ચાળ દવાઓ ફેંકી દેવા માંગતો ન હતો કે જે હજી સલામત અને અસરકારક હોઈ શકે. તેથી, US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા નિરીક્ષણ સાથે દવાઓનું વિસ્તૃત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણના અવલોકનો ચોંકાવનાર હતા! સમાપ્ત થવાની તારીખથી લગભગ 3 વર્ષ પછી પણ ઘણી દવાઓ સારી હતી!

એક સાદું ઉદાહરણ આપું. તમારા ઘર માં એવા કેટલાય કેમિલક્સ પડ્યા હશે જે દસ વર્ષે પણ અસરકારક હશે. તો તમારી કેમિકલ દવા શું કામ એક્સપાયર થઇ જાય! રસાયણ શાસ્ત્રના સાદા નિયમ અનુસાર કોઈપણ કેમિકલના ભંગાણની પ્રક્રિયા હંમેશાં ધીમી રહે છે. પરંતુ ભાર “ધીમા” પર છે. જો તે ધીમી ન હોત, તો તે FDA મસ્ટર પસાર કરશે નહીં. જો કંપનીએ કોઈ કેમિકલવાળી દવાની અસરકારકતા 12 વર્ષ પછી 10% ઓછી થાય છે એમ બતાવી. તો એનો મતલબ એમ કે તે નવી સિન્થેસાઇઝ્ડ એસ્પિરિનના 400 મિલીગ્રામને બદલે 12 વર્ષ પછી 360 મિલિગ્રામ જેટલી અસરકારક રહેશે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે “શું કોઈએ 360 મિલીગ્રામ, ૩૮૦ મિલીગ્રામ અને 400 મિલીગ્રામના ડોઝ પર એસ્પીરીનની પીડાશામક કે એન્ટી ઇન્ફ્લેમેટરી અસરકારકતા માપવાની તસ્દી લીધી છે?” કદાચ નહિ ! કોઈએ નહિ. ના તો કોઈ ડોક્ટરે ના કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે…

જોકે દવાઓ ની એક્સપાયરી ડેટને અવગણતા પહેલાં, ધ્યાનમાં રાખવા માટે થોડી ચેતવણીઓ પણ છે:

ડ્રગ સ્થિરતાના આ પરીક્ષણો 1980 ના દાયકાના મધ્યભાગ અને 1990ના દાયકાના પ્રારંભમાં હતા. તે સંભવ છે કે નવી દવાઓનું પણ (અથવા બધા જ) પરીક્ષણ થયું નથી.

આ પરીક્ષણમાં માત્ર 100 જેટલી દવાઓની જ તપાસ કરાઈ હતી. અને ઘણી એવી દવાઓ હતી જે ભાગ્યે જ લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે જે સૈન્યમાં ન હોય. જેમ કે રાસાયણિક ઝેરના એન્ટીડોટ્સ અને મેલેરિયા માટે એન્ટીબાયોટીક્સ. જો કે, અન્ય દવાઓ સાથેનો તાજેતરનો અભ્યાસ સમાન નિષ્કર્ષ પર આવ્યો છે.

કેટલીક દવાઓ સ્થિરતા પરીક્ષણમાં નિષ્ફળ થઈ. પ્રવાહી એન્ટિબાયોટિક્સ, એસ્પિરિન, નાઇટ્રોગ્લિસરિન અને ઇન્સ્યુલિનના જેવી દવાઓ એક્સપાયરી ડેટ પછી નબળી થઇ ગઈ હોવાના સંકેતો મળ્યાં છે. તેથી, આવી દવાઓનો એક્સપાયરી ડેટ પછી ઉપયોગ ન કરવો હિતાવહ છે. મેફ્લોક્વિન, મેલેરિયાને રોકવા અથવા તેની સારવાર માટેના એન્ટિબાયોટિક, અને એપી-પેન (ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ માટે એડ્રેનાલિનના ઇન્જેક્શન) પણ એક્સપાયરી ડેટ પછી એટલી અસરકારક નથી રહેતી.

આ જ વાત સાદી રીતે સમજવું તો એલર્જીની દવા એક્સપાયરી પછી લેવામાં જોખમ નથી પણ હ્રદયરોગને લગતી દવાઓ એક્સપાયરી ડેટ પછી લેવી ટાળવી.

એક્સપાયરી ડેટના એકાદ મહિના સુધી એ દવા વાપરવામાં વાંધો નહિ પણ ૫ વર્ષ જૂની દવાઓ ના જ લેવાય. એ જ રીતે ઠંડી, સૂકી જગ્યાએ રાખવામાં આવતી દવાઓ, ગરમ, ભીના સ્થાને રાખેલી દવાઓ કરતા વધુ સમય સુધી એક્ટિવ રહેવાની સંભાવના છે.

જો તમારી દવા પહેલી વખતે લાવ્યા ત્યારથી તેના દેખાવ, સ્વાદ કે ગંધમાં ફેરફાર દેખાય તો એની એક્સપાયરી ડેટની વાર હોય તોય સલાહ માટે તેને તમારા ફાર્માસિસ્ટ પાસે લઈ જાઓ.

જો તમારી પાસે જેની સમાપ્તિની તારીખ પસાર થઈ ગઈ હોય એવી દવાઓ છે, તો તેને તમારા ફાર્માસિસ્ટ પાસે લઈ જાઓ, જે તમારા માટે સુરક્ષિત રૂપે નિકાલ કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી દવાઓ ક્યારેય કચરાપેટીમાં ના નાખો કે ના ટોયલેટમાં ફ્લશ કરો.

આયુર્વેદિક દવાઓનું શું?

પ્રવર્તમાન નિયમો અનુસાર આયુર્વેદિક દવાઓની એક્સપાયરી ડેટની વાત કરી એ તો એર ટાઈટ ડબ્બામાં પ્રોપર રીતે પેક કરેલા ચૂર્ણો એક વરસ સુધી સારા રહે છે. વિવિધ પ્રકારની ગુટીવટી બે વર્ષ સુધી. જે દવાઓમાં “રસ” શબ્દ આવતો હોય એ દવાઓ દસ વર્ષ કે આજીવન વીર્યવાન (પોટેન્ટ)રહે છે. ચ્યવનપ્રાશ જેવા અવલેહો બે વર્ષ સુધી, ત્રિફળા ગુગળ જેવી ગુગ્ગળવાળી દવાઓ પાંચ વર્ષ સુધી વીર્યવાન રહે છે. વિવિધ પ્રકારના માથામાં નાખવાના તેલ અને મસાજ ના તેલ બે વર્ષ સુધી વીર્યવાન રહે છે. નાગભસ્મ અને તામબાની ભસ્મ વાળી દવાઓ પાંચ વર્ષ સુધી વીર્યવાન રહે છે. વિવિધ પ્રકારના રસ, ભસ્મો અને આસવ અરિષ્ટ જેટલા જુના એટલા વધુ સારા એવી લોકપ્રચલિત માન્યતા છે.

સારાંશ:

  1. નીચેની દવાઓનો એક્સપાયરી ડેટ પછી તમારે ઉપયોગ ન જ કરવો જોઇએ.

ટેટ્રાસિક્લાઇન, નાઇટ્રોગ્લિસરિન (હૃદયની દવા તરીકે લેવામાં આવે છે); ઇન્સ્યુલિન; લિક્વિડ એન્ટીબાયોટીક્સ, પ્રોકેઇનામાઈડ, હોર્મોન જેમ કે થાઇરોઇડ માટેની દવાઓ, આંખ ના ટીપા.

  1. JAMAના અહેવાલમાં જણાવાયું છે કે “અમેરિકનો હાલમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ પર વાર્ષિક $ 300 અબજ કરતા વધારે ખર્ચ કરે છે. એટલે દવાની એક્સપાયરી ડેટ વધારવાથી આરોગ્ય સંભાળ ખર્ચમાં ખાસ્સી બચત થઈ શકે છે, એટલે તમારું લોજીક વાપરો. દવા શું છે અને તમે તેને શું કામ લઈ રહ્યાં છો. જો દવા એક અપવાદોમાંની એક છે – અથવા જો તમારું જીવન જે તે દવાની 100 ટકા અસરકારકતા પર નિર્ભર છે, તો એક્સપાયરી ડેટ અગત્યનું પાસું છે. ફક્ત કેમિકલ મોલેક્યુલ ધરાવતી દવાઓ જેમ કે પેરાસીટામોલ વાપરી શકાય.

જો એક્સપાયરી ડેટ અંગેના સંશોધન અધૂરા છે કે ફાર્માસૂટિકલ કંપનીઓના આર્થિક હિત સાચવવા માટેના જ છે અને એક્સપાયરી ડેટ લંબાવાવાથી નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય લાભ થઈ શકે એમ છે, તો સરકારો એ જાગવું જ જોઈએ! શું સરકાર કેમિકલ દવાઓની એક્સપાયરી ડેટ વધારવા માટે નિષ્પક્ષ સંશોધન કરાવી શકે? આ દિશામાં કામ કરી શકે ? કારણ કે સીધી સાદી વાત છે કે જો એક્સપાયરી ડેટ વધારવાથી સંબંધિત ડ્રગના વપરાશમાં 10% ઘટાડો એટલે દવાઓ પરના રાષ્ટ્રીય ખર્ચમાં 10% નો ઘટાડો!

References:

https://www.rd.com/health/wellness/when-its-ok-to-take-expired-medication/

https://thedoctorweighsin.com/some-thoughts-on-expiration-dates/

https://www.birminghamtimes.com/2017/11/does-the-expiration-date-on-your-medicine-mean-you-cant-take-it/

અગત્યની નોંધ: આ લેખમાં દર્શાવેલી  માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. વ્યાવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. વાચકે હંમેશા તેમની અથવા તેણીના આરોગ્યસંભાળ પ્રદાતાની સલાહ લેવી જોઈએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here