નમામિ ગંગે: વડાપ્રધાન મોદીના આ ખાસ પ્રોજેક્ટનું ફેન બન્યું ચીન

0
286
Photo Courtesy: livehindustan.com

નમામિ ગંગે પ્રોજેક્ટ જે રીતે અમલમાં આવી રહ્યો છે અને ગંગાની સફાઈનું કાર્ય જે રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે તે જોઇને ચીન પણ તેનાથી પ્રભાવિત થયું છે અને આ પ્રોજેક્ટના તેણે વખાણ કર્યા છે.

Photo Courtesy: livehindustan.com

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગમતીલા પ્રોજેક્ટ્સમાંથી એક છે ગંગાની સાફસફાઈ અંગેની યોજના ‘નમામિ ગંગે’ આ યોજના હેઠળ ચાલી રહેલા કામથી ચીન પણ પ્રભાવિત થયું છે.

નમામિ ગંગે એ સ્વચ્છ ગંગા  મિશન હેઠળ આવતો એક પ્રોજેક્ટ છે જેમાં ગંગાની સફાઈ અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આટલું જ નહીં પરંતુ જે-જે રાજ્યમાંથી ગંગા નદી વહે છે તે તમામ રાજ્યોને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભારતની સૌથી પવિત્ર ગણાતી નદીને સ્વચ્છ કરવા અને તેને સ્વચ્છ રાખવા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા મોટાભાગના શહેરોમાં નવેસરથી સુએઝ સિસ્ટમ ગોઠવવામાં આવી છે અને વર્ષો જૂના ઔદ્યોગિક તેમજ અન્ય નાળાઓને ગંગા નદીમાં ઠલવાતા અટકાવાયા છે.

ચીને કહ્યું છે કે પાણી સાથે સંલગ્ન યોજનાઓમાં જનભાગીદારી અત્યંત આવશ્યક હોય છે અને ખાસકરીને જ્યારે મામલો પર્યાવરણ સાથે જોડાયેલો હોય. ચીની અધિકારીઓએ કહ્યું હતું કે ભારતે ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ જે કાર્ય અત્યારસુધી કર્યું છે તેનું અનુકરણ થવું જોઈએ.

ચીની અધિકારીઓ જે હકીકતથી સહુથી પ્રભાવિત થયા છે એ હકીકત એવી છે કે  ભારતે ગંગાની સફાઈમાં એક મોટું તંત્ર ઉભું કરવામાં તેમજ તેને કાર્યરત કરવામાં તો સફળતા મેળવી જ છે પરંતુ સામાન્ય જનતા તેમજ સાધુઓ અને સંતોને પણ તેમાં સામેલ કરીને આ નદી સદાય માટે સુરક્ષિત રહે તેની વ્યવસ્થા પણ કરી આપી છે.

ચીનના જળ સંસાધન મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સહકાર વિભાગના ડાયરેક્ટર જનરલ યુ શિંગજુન તેમના પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે ભારતે નમામિ ગંગે દ્વારા એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિંગજુને જણાવ્યું હતું કે તેમના દેશમાં પણ ઘણી મોટી નદીઓ છે અને મોટાભાગની પ્રદુષિત છે અને તેમની સરકાર તેના માટે તેમજ પર્યાવરણને બચાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે.

આ નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારે નમામિ ગંગેનું બજેટ ચાર ગણું કરીને 20,000 કરોડ રૂપિયા કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર પોતાના મતવિસ્તાર વારાણસી જે ગંગા કિનારે જ આવ્યું છે તેની મુલાકાત લેતા હોય છે અને ગંગા આરતીમાં સામેલ થતા હોય છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે ભારતમાં જે અનૌપચારિક ચર્ચા થવાની છે તે વારાણસીમાં જ આયોજીત થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here