इन आँखों की मस्ती के मस्ताने (1): ફિલ્મોમાં ભાનુરેખા અને ભાનુરેખાની ફિલ્મો

0
426
Photo Courtesy: thequint.com

એક આખી પેઢીના યુવાનોને પોતાની પાછળ ઘેલા કરનાર એક્ટ્રેસ રેખાના જીવન પર આજથી શરુ કરીએ છીએ એક નવી સિરીઝ ‘इन आँखों की मस्ती के मस्ताने ‘. આજે આપણે જાણીશું રેખાના જન્મ , તેના માતાપિતાઅને તેના કિશોરવયના સંઘર્ષની ઓછી જાણીતી કથા.

Photo Courtesy: thequint.com

1940 ની સાલ! મદ્રાસના માઉન્ટ રોડ પર ‘મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ કમ્બાઈન’ નામક સ્ટુડિયોમાં આગ લાગી. લગભગ બધું બળીને રાખ. થોડા દિવસો બાદ તમિળ ફિલ્મનિર્માતા એસ.એસ. વાસને એ જગ્યાને કોર્ટની હરાજીમાં ખરીદી અને ફરી એક સ્ટુડિયો બનાવ્યો. નામ આપ્યું – જેમિની સ્ટુડિયો. આ સ્ટુડિયો ભારતવર્ષનો 1940-50ના બે દાયકા માટે શ્રેષ્ઠ અને સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માણનું કેન્દ્ર બન્યો. (જો કે આજે એ જગ્યાએ ચેન્નઈની ફેમસ અને ભવ્ય ‘ધ પાર્ક’ હોટેલ આવેલી છે.)

(એક આડવાતઃ એપ્રિલ 2017માં હું અમેરિકાના વિઝા માટે ચેન્નઈની ‘ધ પાર્ક’ હોટેલમાં રોકાયેલો ત્યારે મારી રૂમમાં કોઈ પ્રસિદ્ધ તમિળ ફિલ્મનું પોસ્ટર હતું. હોટેલની લોબીમાં પણ ઘણી ફિલ્મોના પોસ્ટરો હતા. થોડા દિવસો પછી ખબર પડી કે એ બધાં પોસ્ટર જેમિની સ્ટુડિયોમાં શૂટીંગ થયેલી પ્રસિદ્ધ ફિલ્મોના હતાં. એવું કહેવાય છે કે આ આખી હોટેલનું થીમ જ ‘ફિલ્મો’નું છે.)

કટ ટુ 1947. મદ્રાસના જેમિની સ્ટુડિયોના માલિક એસ. એસ. વાસન અને 31-વર્ષીય હીરોઈન પુષ્પાવલ્લીના સંબંધોની ચર્ચા લોકજીભે ચઢેલી. પુષ્પાવલ્લીને પહેલા ઘરેથી બે સંતાન હતા (દીકરો બાબુ અને દીકરી રમા). ફક્ત ફિલ્મો માટે જ નહીં પણ પોતાના પ્રેમસંબંધ માટેય પુષ્પાવલ્લી મહત્ત્વાકાંક્ષી સ્ત્રી હતી. વાસનની ફિલ્મોમાં તો તેણીએ જગ્યા બનાવી લીધી પણ તેની પત્ની તરીકે જગ્યા બનાવવા તલપાપડ રહેતી. સામે પક્ષે વાસન પણ પુષ્પાવલ્લીને બધું જ આપવા તૈયાર હતા, સિવાય કે પોતાનું નામ!

એ જ સમયગાળામાં મદ્રાસની એક કોલેજમાં રસાયણશાસ્ત્ર ભણાવતો એક ડાર્ક, હેન્ડસમ અને યુવા પ્રોફેસર સ્ટુડિયોમાં પ્રવેશ લે છે. રસાયણના સૂત્રો અને સમીકરણોમાં તેનો ઉત્સાહ દિવસે ને દિવસે ઓછો થતો જતો હતો માટે તેણે નોકરી છોડી સિલ્વર સ્ક્રીન પર પોતાનું ભાગ્ય અજમાવ્યું અને જેમિની સ્ટુડિયોમાં પ્રોડક્શન એક્ઝિક્યુટીવ તરીકે જોડાયો. અચાનક એક દિવસ વાસને પોતાની તમિળ ફિલ્મ ‘મિસ માલિની’માં તે પ્રોફેસરને નાનકડો રોલ આપ્યો. ફિલ્મની હીરોઈન પુષ્પાવલ્લી હતી.

સમય બઢતા ગયા, બાત બનતી ગઈ. વાસનના નાક નીચે પુષ્પાવલ્લી અને પ્રોફેસરની નિકટતા વધતી ગઈ. ‘મિસ માલિની’ સુપરહીટ પુરવાર થઈ અને વાસને હિન્દી ફિલ્મોમાં ટ્રાય કરી. પુષ્પાવલ્લીને લઈને 1951માં હિન્દી ફિલ્મ ‘સંસાર’ બનાવી, એ પણ હીટ ગઈ. પોતાનો સિક્કો વધુ અજમાવવા કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની જરૂર વાસનને લાગી. ‘ઈન્સાનિયત’ ફિલ્મ માટે દિલીપ કુમાર અને દેવ આનંદને નક્કી કર્યા. વાસનને ફિલ્મની હીરોઈન માટે પુષ્પાવલ્લીને સાઈન કરવી હતી, પણ એક શર્તે – પુષ્પાવલ્લીએ વાસન અને પેલા પ્રોફેસરમાંથી કોઈ એકને પસંદ કરવો.

વાસનને આશા હતી કે પુષ્પાવલ્લી માટે ‘ઈન્સાનિયત’ એક સુપરડુપર હીટ સાબિત થશે અને ‘બોમ્બે ફિલ્મ ઈન્ડસ્ટ્રી’માં તેનું નામ આગળ વધશે. પણ પુષ્પાવલ્લીએ વાસનની ઉપેક્ષા કરી અને પેલા પ્રોફેસરની સાથે રહેવાનું પસંદ કર્યું. ફિલ્મોમાં એ નવો નિશાળીયો લોકોની પસંદ બનતો ગયો. એ પ્રોફેસરનું નામ હતું – રામાસ્વામી ગણેશન!

રામાસ્વામીએ જેમિની સ્ટુડિયો છોડી દીધો પણ તેની ઓળખરૂપે પોતાનું નામ બદલીને ‘જેમિની ગણેશન’ રાખ્યું. આગળ જતાં જેમિની ગણેશન તમિળ ફિલ્મોનો સુપરસ્ટાર અને ‘કિંગ ઑફ રોમાન્સ’ બન્યો. વશીકરણ થઈ જાય એવી આંખો, સારો દેખાવ, નિર્દોષ અને નમ્ર સ્વભાવ – આ ગુણોને કારણે તે દરેક પેઢીના લોકોના હૃદયમાં જીત મેળવવામાં સફળ થયો. એક અભિનેતા તરીકે, તે મહિલાઓનો ખાસ ચહિતો બન્યો.

જેમિની અને પુષ્પાવલ્લીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. બંનેની એક સફળ ઓન-સ્ક્રીન જોડી રહી, પણ ફિલ્મો કરતાં તેમના પ્રેમસંબંધની ચર્ચા વધુ થતી. ફિલ્મનો સેટ હોય કે બહારની દુનિયા, બંને એકમેકની સાથે જ રહેતા. પુષ્પાવલ્લી માટે આ એક ઈતિહાસનું પુનરાવર્તન જ સમજો. વાસનની જેમ જેમિની પણ પહેલાંથી એક સ્ત્રીને પરણેલો હતો અને આ પ્રેમસંબંધને નામ આપવા અચકાતો હતો. વાસન અને જેમિની બંનેના જીવનમાં પુષ્પાવલ્લી દૂસરી ઔરત બનીને રહી. એવી અફવા હતી કે જેમિની અને પુષ્પાવલ્લીએ છૂપી રીતે લગ્ન કરેલા પણ એ વાતના કોઈ પુરાવા ન હતા.

10 ઓક્ટોબર 1954ના રોજ, પુષ્પાવલ્લી અને જેમિનીની પ્રથમ પુત્રી ભાનુરેખાનો જન્મ થયો.

જેમિની ગણેશનની ગેરકાયદેસરની પુત્રીનો જન્મ – એ વાત એક દાવાનળની જેમ ફિલ્મજગતમાં ફેલાઈ ગઈ. જ્યારે ભાનુરેખાનો જન્મ થયો ત્યારે પિતા જેમિની ગણેશન તમિળ ફિલ્મ ‘મનમ્પોલ મંગલયમ’માં ડબલ રોલ કરી રહ્યા હતાં. ફિલ્મમાં બે હીરોઈન હતીઃ સાવિત્રી અને સુરભી બાલસરસ્વતી. ફિલ્મે ખૂબ જ ધૂમ મચાવી અને જેમિનીના કારકિર્દીની અતિશય મહત્ત્વની ફિલ્મ બની રહી.

થોડાં જ દિવસોમાં જેમિની અને સાવિત્રીના પ્રેમપ્રકરણની અફવા વાયુવેગે પ્રસરી ગઈ. એવું પણ સાંભળવા મળ્યું કે બંનેએ મૈસુરના ચામુંડી મંદિરમાં લગ્ન કરેલા. લગ્નની વાત સાંભળતા જ પુષ્પાવલ્લીનું દિલ તૂટી ગયું. સાવિત્રી હવે ‘સાવિત્રી ગણેશન’ના નામથી ઓળખાવા લાગી. જે નામ મેળવવા પુષ્પાવલ્લી હંમેશા તલપાપડ રહેતી તે નામ સાવિત્રીને તરત જ મળી ગયું. પોતાના આ અન્યાયનું સાટું વાળવા, તેણીએ ભાનુરેખાને બાળપણમાં જ કહી દીધેલું કે તારું નામ ‘ભાનુરેખા ગણેશન’ છે.

ભાનુરેખા બે વર્ષની હતી ત્યારે તેની બહેન રાધાનો જન્મ થયો. રાધાના જન્મ વખતે જેમિની અને પુષ્પાવલ્લીના સંબંધો લગભગ તૂટવાની અણી પર હતા. ભાનુરેખા જે વર્ષોમાં પોતાના પિતાના પ્રેમ માટે તડપતી રહી તે દરમિયાન પુષ્પાવલ્લી મદ્રાસ ફિલ્મ જગતના સિનેમેટોગ્રાફર કે. પ્રકાશ સાથે સંબંધ બાંધવામાં સફળ રહી. પુષ્પાવલ્લી પોતાનું નામ પણ હવે ‘કે.પુષ્પાવલ્લી’ લખવા લાગી. તે બંનેને પછી ધનલક્ષ્મી અને સેશુ નામના બે બાળકો થયા. (આ રીતે પુષ્પાવલ્લીને કુલ છ સંતાનો હતાઃ પહેલા ઘરેથી બે સંતાન બાબુ અને રમા, જેમિની ગણેશનથી ભાનુરેખા અને રાધા, અને હવે ધનલક્ષ્મી અને સેશુ)

કોઈ સામાન્ય માણસના સંતાનો હોય તો લોકો ભૂલી જાય પણ જેમ જેમ ભાનુરેખા મોટી થતી ગઈ તેમ જેમિની ગણેશનનું નામ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ ચગતું ગયું. દક્ષિણ ભારતીય ફિલ્મોની ફેમસ અને શાનદાર ત્રિપુટીમાં તેનું નામ લેવાતું થયું – જેમિની ગણેશન, એમ. જી. રામચંદ્રન (MGR) અને શિવાજી ગણેશન! જેમિનીની વ્યક્તિગત જિંદગી હવે ફિલ્મી મેગેઝીનોના પાને પાને ફેલાવા લાગી. ગેરકાયદેસર પત્નીઓ, સંતાનો અને સંબંધોમાં જેમિની પ્રસરતા ગયા.

ભાનુરેખા અને રાધાને ઘરે પિતા જેમિનીની ગેરહાજરી ન લાગે એટલે પુષ્પાવલ્લી તેમની સાથે વધુ સમય વીતાવવા લાગી. આ જ સમય દરમિયાન ભાનુરેખા અને તેની માતા એકબીજાની વધુ નિકટ આવ્યા. પરંતુ પુષ્પાવલ્લીને તો જીવનનિર્વાહ જરૂરી હતું એટલે ઘણો સમય ફિલ્મોની શૂટિંગમાં પસાર કરતી. માતાને મદદ કરવા ભાનુરેખાએ પણ 1966માં ‘રંગુલા રત્નમ’ નામની એક તેલુગુ ફિલ્મમાં કામ કર્યું.

ભાનુરેખા અને તેની બેકાયદેસર બહેન નારાયણી (સાવિત્રીની દીકરી) એક જ સ્કૂલમાં ભણતાં. તે સ્કૂલમાં ભાનુરેખાને ‘લોટ્ટા’ (‘અનધિકૃત’ શબ્દનું તમિળ ભાષાંતર) કહીને ચીડાવવામાં આવતી. પુષ્પાવલ્લીની ઉંમર વધતી હતી. તે બિમાર રહેવા લાગી. જેમિની સાથે હતી ત્યારથી ઘોડાની રેસમાં સટ્ટો રમવાની લત હતી. હવે એ લત વધુ પાંગરી. પોતાની પાસે હતા એ બધાં જ રૂપિયા ઉડાડીને પુષ્પાવલ્લી લોકો પાસેથી ઉધાર લઈને સટ્ટો રમવા લાગી. તેણીના બીજા સંતાનો બધી તરફથી જમાનાની ઠોકર ખાતા રહેતા. ભાનુરેખા પણ સ્કૂલની પરીક્ષામાં નાપાસ થયેલી.

કંટાળીને ભાનુરેખાએ 1968માં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ઘણી જહેમત પછી ડોક્ટરોએ ભાનુરેખાને બચાવી અને પુષ્પાવલ્લીએ ફરીથી ભાનુરેખા સાથે વધુ સમય વીતાવવાનું શરૂ કર્યું. હવે ભાનુરેખા પાસે ત્રણ પર્યાય હતાઃ ફિલ્મ, ભણતર અને લગ્ન! ભણતરમાં કંઈ મેળ પડે તેમ નહોતો અને લગ્ન માટે તે તૈયાર નહોતી. છેવટે નવમા ધોરણમાં ભણતી ત્યારે 14 વર્ષની ભાનુરેખાને ભણતર છોડાવી ફિલ્મોમાં ધકેલવામાં આવી.

જેમિની જેવો સુપરસ્ટાર એક ફોન કરે તો નિર્માતા-નિર્દેશકોની લાઈન લાગે પણ ભાનુરેખા અને પુષ્પાવલ્લીને એ પર્યાય પસંદ ન હતો. તે બંને નાના-નાના રોલ માટે નિર્માતાઓના દરવાજા ખખડાવવા લાગ્યા. એક તરફ ભાનુરેખા ઓડિશન આપવા સ્ટુડિયોની બહાર લાઈનમાં ઊભી રહેતી અને બીજી તરફ પિતા જેમિનીની એક ઝલક મેળવવા લોકોની લાઈન લાગતી. ભાનુરેખાને ફિલ્મોમાં રોલ મળવામાં મુશ્કેલી પડતી, તેના બે કારણો હતાઃ (1) નિર્માતાઓ ભાનુરેખાને રોલ આપી જેમિની સાથે પંગો લેવા નહોતા માગતા (2) ભાનુરેખા દેખાવે શ્યામ હતી, હીરોઈન જેવા દેખાવાના એક પણ ગુણ નહોતા.

છતાં ભાનુરેખા કન્નડ અને તમિળ ફિલ્મોમાં ટૂંકા રોલ મેળવવામાં સફળ રહી. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ભાનુરેખા ‘સેક્ન્ડ લીડ’ હીરોઈન તરીકે આગળ વધી. સારી એવી કમાણી થતી પણ પુષ્પાવલ્લીની લોન ભરવા માટે હજુ વધુ ને વધુ સંપત્તિની જરૂર હતી. પુષ્પાવલ્લીની લોન દિવસે-દિવસે વધતી જ હતી, ભાનુરેખાના નાનકડા રોલથી તેમનું ભરણપોષણ થાય એ શક્ય નહોતું. પુષ્પાવલ્લીને પોતે ભોગવેલી હીરોઈનની સત્તા જેવા જ સપનાના વાવેતર ભાનુરેખા માટે પણ કરવાં લાગી. પુષ્પાવલ્લીની ઈચ્છા હવે ભાનુરેખાને બોમ્બેમાં બનનારી કોઈ ફિલ્મમાં આગળ વધારવાની હતી.

***

1968માં નૈરોબીના એક ઉદ્યોગપતિ કુલજીત પાલ ભારતમાં ફિલ્મ નિર્માણ માટે આવેલા અને જેમિની સ્ટુડિયોમાં પહેલી વાર ભાનુરેખાને જોઈ. કુલજીતની ફિલ્મ ‘ગલીયોં કા રાજા’ માટે રાજ કુમાર, હેમા માલિની અને મુમતાઝની પસંદગી થયેલી પણ ફિલ્મના નિર્દેશક અને કલાકારો વચ્ચે અણબનાવને કારણે શૂટીંગ અટકી ગયેલું. કલાકારોના નખરાથી કંટાળીને કુલજીત પોતાની બીજી ફિલ્મ માટે અભિનેતા બિસ્વજીતને મળવા મદ્રાસ ગયેલા (ત્યાં તેઓ ‘પૈસા યા પ્યાર’ ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત હતા). કુલજીતની આ ફિલ્મ અંગ્રેજી કલાસિક King Solomon’s Mines પરથી પ્રેરિત હતી અને નામ હતું: અન્જાના સફર!

બિસ્વજીતે ફિલ્મની વાર્તા સાંભળીને તરત હા પાડી દીધી. કોઈએ કહેલું કે બિસ્વજીત સામે દક્ષિણની હીરોઈન વાણીશ્રીને ફિલ્મમાં ચાન્સ આપો, માટે કુલજીત વાણીશ્રીને મળવા તેણીના મેકઅપ રૂમમાં ગયા. ત્યાં એક ખૂણામાં એક હૃષ્ટપુષ્ટ, શ્યામ રંગની એક છોકરી મોટી પ્લેટમાં ભાત ભરીને ખાઈ રહી હતી.

વધુ જાણકારી મેળવવા કુલજીતે પૂછપરછ કરી તો ખબર પડી કે તે છોકરી પીઢ અભિનેત્રી પુષ્પાવલ્લીની દીકરી છે અને અત્યારે વાણીશ્રી જે ફિલ્મમાં કામ કરે છે તેમાં સાઈડ રોલ નિભાવે છે. કુલજીતની આંખોમાં એ છોકરી વસી ગઈ, તેણીની નિર્દોષતા ગમી ગઈ અને એ જ સાંજે કુલજીત પુષ્પાવલ્લીના ઘરે પહોંચ્યા. થોડી જ વારમાં કાંજીવરમ સાડી અને ભરાવદાર મેક-અપમાં સજ્જ ભાનુરેખા તેમની સામે આવી.

કુલજીતે પૂછ્યું: હિન્દી બોલતાં આવડે છે?

ભાનુરેખાએ જવાબ આપ્યોઃ ના

પુષ્પાવલ્લી કોઈ પણ સંજોગે આ તક ગુમાવવા માંગતી નહોતી. તેણીએ કહ્યું: મારી દીકરીની યાદશક્તિ ખૂબ જ તેજ છે. જો તમે એકાદ ફકરો લખી આપશો તો ભાનુરેખા તરત જ યાદ કરીને બોલીને દેખાડશે.

પુષ્પાવલ્લીનો દાવો સાચો છે કે કેમ એ તપાસવા કુલજીતે બે-ત્રણ લીટીનો ડાયલોગ લખી દીધો. ભાનુરેખા પોતાની રૂમમાં ગઈ અને પાંચ જ મિનિટમાં પાછી આવી. કુલજીતના હાથમાં રહેલો ચા નો કપ પણ હજી અડધો બાકી હતો. ભાનુરેખાએ ડાયલોગ બોલવાનું શરૂ કર્યું: सतीश, अब तो वह दिन आ गया है जब तुम्हारे और मेरे बीच में एक फूलों का हार भी नहीं होना चाहिये. हमारे दो जिस्म और दो जान एक होने चाहिये।

ડાયલોગમાં કંઈ દમ ન હતો પણ એક તમિળભાષી છોકરી આટલું સરસ અને અસ્ખલિત હિન્દી બોલી શકે છે એ જોઈને કુલજીત સ્તબ્ધ થઈ ગયો. કુલજીતે તરત જ ભાનુરેખાને પાંચ વર્ષના કોન્ટ્રેક્ટ માટે સાઈન કરી લીધી. પુષ્પાવલ્લીની મહેનત સફળ ગઈ અને ભાનુરેખાને હિન્દી સિનેમામાં પ્રવેશ મળી ગયો.

ક્યા જવાબ હૈ આપકા?

‘અન્જાના સફર’ નામની ફિલ્મ બની જ નથી, તો પછી કુલજીતે ભાનુરેખા સાથે સાઈન કરેલી એ ફિલ્મનું નામ શું? ધ્યાન રહે આ ફિલ્મ ભલે ભાનુરેખાએ પહેલી સાઈન કરેલી પણ રિલીઝ થતાં આ ફિલ્મને દસ વર્ષ લાગ્યા.

જવાબ આવતાં અંકે…

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here