છેલ્લા ઘણા દાયકાઓથી પાકિસ્તાનમાંથી ભાગી જઈને યુકેમાં રાજકીય શરણ મેળવનાર પાકિસ્તાની રાજકારણી અલ્તાફ હુસૈનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ સારે જહાં સે અચ્છા ગાઈ રહ્યા છે.

લંડન: પાકિસ્તાનના રાજકીય પક્ષ મુત્તાહિદા કૌમી મુવમેન્ટ (MQM) જેને અગાઉ મોહાજીર કૌમી મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવતો હતો તેના સ્થાપક અલ્તાફ હુસૈન છેલ્લા દાયકાઓથી યુકેમાં રાજકીય શરણ હેઠળ જીવી રહ્યા છે. તેમણે ફક્ત ભારતના કલમ 370 હટાવવાના નિર્ણયનું જ સમર્થન નહોતું કર્યું પરંતુ તેને ભારતની આંતરિક બાબત પણ ગણાવી હતી.
અલ્તાફ હુસૈને પાકિસ્તાનને પણ પડકાર ફેંક્યો હતો કે જો તેનામાં તાકાત હોય તો તે POKને બાકીના પાકિસ્તાન સાથે ભેળવી બતાવે. અલ્તાફ હુસૈને ઈશારો કર્યો હતો કે ભારત સરકાર કલમ 370 હટાવી શકી કારણકે તને મોટાભાગના ભારતીયોનું સમર્થન સાંપડ્યું છે.
MQMની પકડ પાકિસ્તાનના સિંધ પ્રાંત તેમજ વ્યવસાયિક શહેર કરાંચી પર વધારે છે અને 1990ના દાયકાથી જ લંડનમાં બેઠાબેઠા અલ્તાફ હુસૈને પક્ષનું સંચાલન કરે છે. તેઓ વારંવાર રેડિયો બ્રોડકાસ્ટ દ્વારા ભાગલા સમયે ગયેલા ભારતીય મુસલમાનો જેને પાકિસ્તાનમાં મોહાજીર ગણવામાં આવે છે તેમને સંબોધન કરતા રહેતા હોય છે.
શનિવારે MQMના યુકેની ઓફિસમાંથી અલ્તાફ હુસૈને લાઈવ બ્રોડકાસ્ટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે,
ભારત સરકારના નિર્ણયને ભારતીયોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જો પાકિસ્તાનમાં હિંમત હોય તો તે POKને પાકિસ્તાનમાં જોડીને બતાવે. ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવી એ પૂર્ણપણે તેમનો આંતરિક મામલો છે.
પાકિસ્તાની સેનાની પોલ ખોલતા અલ્તાફ હુસૈને જણાવ્યું હતું કે છેલ્લા 72 વર્ષથી પાકિસ્તાની સેના જનતાને ઉલ્લુ બનાવતી આવી છે કે તે જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે. પાકિસ્તાની સેના કાશ્મીરીઓને એટલી હદ સુધી પરેશાન કરે છે કે છેવટે તેમની પાસે પાકિસ્તાની ઝંડો ઉપાડવા અને બંદૂક ઉઠાવવા સિવાય બીજો કોઈજ રસ્તો બચતો નથી.
ભારતીય મિડિયા પર નિશાન તાંકતા અલ્તાફ હુસૈને જણાવ્યું હતું કે પાકિસ્તાને વર્ષો સુધી ઉર્દુ બોલતા મોહાજીરો, બલોચ અને પશ્તુનોની સામુહિક હત્યાઓ કરી છે પરંતુ ભારતીય મિડીયાએ તેને ક્યારેય દર્શાવ્યું નથી. ગત 22 ઓગસ્ટે લંડનથી અલ્તાફ હુસૈને આપેલા ભાષણબાદ તેમના કરાંચી સ્થિત સમર્થકોએ શહેરમાં આવેલી એક મિડિયા ઓફિસમાં સારીએવી તોડફોડ કરી હતી.
આ સાથે અલ્તાફ હુસૈનનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તેઓ “સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા” ગાઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. જો કે આ વિડીયો નવો છે કે જુનો તેની પુષ્ટિ થઇ શકી નથી.
#WATCH London: Founder of Pakistan’s Muttahida Qaumi Movement (MQM) party, Altaf Hussain sings ‘Saare jahan se acha Hindustan hamara.’ pic.twitter.com/4IQKYnJjfB
— ANI (@ANI) August 31, 2019
eછાપું