મુંબઈના ગોરેગાંવમાં આવેલી આરે કોલોની: વિવાદ, તથ્ય, સત્ય અને ઉકેલ

0
283
Photo Courtesy: downtotheearth.org

આજકાલ મુંબઈના ગોરેગાંવ (વેસ્ટ) ખાતે આવેલી આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો માટે કાર શેડ બનાવવા માટે કાપવામાં આવેલા વૃક્ષો અંગેનો વિવાદ જોરમાં છે. ચાલો જોઈએ આ વિવાદ અંગેની સત્યતા.

Photo Courtesy: downtotheearth.org

શુક્રવારે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવમાં આવેલી આરે કોલોનીમાં મુંબઈ મેટ્રોના કાર શેડ બનાવવા માટે 2,702 વૃક્ષો કાપવાનું શરુ કરવામાં આવતા તેની સામે પર્યાવરણવાદીઓ મેદાને આવી ગયા છે. મારા સ્વભાવ મુજબ તેમાં ઊંડા ઉતરતા વિવાદને જેટલો મોટો કરી દેવામાં આવ્યો છે તેવા તથ્યો અને તેવી હકીકત તેમાં નજરે પડી નથી. હકીકત એ છે કે આરે કોલોનીમાં કુલ 4.8 લાખ વૃક્ષો છે તેમાંથી મુંબઈ મેટ્રો શેડ બનાવવા માટે માત્ર 2,702 વૃક્ષો કાપવાના છે. હવે ઐતિહાસિક હકીકતો જોઈએ.

મુંબઈના ગોરેગાંવ (વેસ્ટ)માં 1949માં ડેરી પ્રોડક્ટ માટે આરે કોલોની સ્થાપવામાં આવી હતી અને 1951માં આરે ખાતે આવેલી ડેરીનું ઉદઘાટન તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આરે કોલોનીની સ્થાપનાનો ઉદ્દેશ્ય મુંબઈ શહેરમાં આવેલા તબેલાઓને ખસેડીને એક જગ્યાએ લઇ આવીને “સફેદ ક્રાંતિ” કરવાનો હતો કે જેથી મુંબઈ શહેરને શુદ્ધ દૂધ અને દૂધની વસ્તુઓ સસ્તા ભાવે મળી રહે.

આરે કોલોનીમાં કુલ 12 ગામોનો સમાવેશ થયો હતો. આરે કોલોનીનો કુલ વિસ્તાર 3,166 એકર છે.

હાલમાં આરે કોલોનીમાં 30 તબેલા છે જેમાં પ્રત્યેક તબેલામાં 500થી 550 દુધાળા ઢોર છે. આ 30 તબેલામાં કુલ 16,079 દુધાળા ઢોર રહે છે. દરેક તબેલા પાસે પોતાનું એક મકાન, ગોડાઉન અને ઘાસ રાખવાના શેડ્સ છે તથા સ્ટાફ અને દુધાળા ઢોરના માલિકોને રહેવા માટેના રહેઠાણ બનાવેલા છે. 1949 પહેલાના તમામ ઢોર-માલિકોને આરે કોલોનીમાં ખસેડવામાં આવ્યા હતા. આરે કોલોનીમાં પ્રાથમિક શાળા અને 24 બેડની હોસ્પિટલ પણ છે કે જેથી આ કોલોનીમાં જેઓ રહે છે તેમના બાળકોને અભ્યાસ કરવા માટે દુર ન જવું પડે તથા તેઓને સ્વાસ્થ્યને લગતી સેવાઓ પણ કોલોનીમાં જ મળી રહે.

આરે કોલોનીના 3,166 એકર વિસ્તારમાંથી જુદી જુદી સરકારી સંસ્થાઓને લીઝ ઉપર જમીન આપવામાં આવી હતી જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

(1) કેન્દ્ર સરકાર (સેન્ટ્રલ પોલ્ટ્રી ફાર્મ, મોડર્ન બેકરી, NDDB અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)ને આપવામાં આવી: 229.92 એકર

(2) મહારાષ્ટ્ર સરકાર (મુંબઈ વેટરનરી કોલેજ, SRP, MHADA, MCGB, ફિલ્મ સીટી અને મત્સ્યોદ્યોગ)ને આપવામાં આવી: 729.12 એકર
(આમાંથી 490 એકર તો ફિલ્મ સીટીને જ આપવામાં આવી છે).

(3) રસ્તા અને મકાનોમાં વપરાયેલ જમીન: 460 એકર

(4) વેસ્ટલેન્ડ (ખેડી ન શકાય તેવી) જમીન કે જેમાં નાળા, તળાવ, ખેતરો અને નદીની ચેનલ છે તેવી જમીન: 1,020.20 એકર

(5) લોન, બગીચા અને ઓર્ચિડ તથા ઘાસના મેદાન છે તેવી જમીન: 537 એકર

(6) સોશિયલ ફોરેસ્ટ્રી (સામાજિક વનીકરણ) માટેની જમીન: 537 એકર

આરે કોલોનીમાં બોટિંગ માટે એક તળાવ છે જે 3.4 એકરમાં ફેલાયેલું છે. આરે કોલોનીમાંથી રોડ પસાર થાય છે તેમાંથી ટોલ ઉઘરાવવામાં આવતો હતો જે હમણાં બંધ કરવામાં આવ્યો છે. આરે કોલોનીમાં પ્રવાસીઓ આવે છે તેમના માટે રેસ્ટોરાં, જનરલ સ્ટોર અને અન્ય સ્ટોર બનાવવામાં આવ્યા છે જેને ભાડાપટ્ટે આપવામાં આવે છે અને તેનાથી આવક ઉભી કરે છે. આ તમામની વ્યવસ્થા અને સંચાલન માટે 640 કર્મચારીઓ કાર્યરત છે.

આટલી માહિતી પછી હવે વિવાદ ઉપર આવીએ. આરે કોલોનીના 3,166 એકર વિસ્તારમાંથી મુંબઈ મેટ્રોને શેડ બનાવવા માટે માત્ર 81 એકર જમીન 2015માં આપવામાં આવી હતી.

પર્યાવરણવાદીઓને ભય છે કે મુંબઈ મેટ્રોને જમીન આપવાથી આરે કોલોની ખતમ થઇ જશે. આરે કોલોનીમાંથી કેન્દ્ર સરકારની સંસ્થાઓને 229.92 એકર જમીન આપવામાં આવી હતી અને તે જમીન ઉપર સેન્ટ્રલ પોલ્ટ્રી ફાર્મ, મોડર્ન બેકરી, NDDB અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના મકાનોનું બાંધકામ થયું છે. આરે કોલોનીમાંથી મહારાષ્ટ્ર સરકારને 729.12 એકર જમીન આપવામાં આવી હતી જેની ઉપર ફિલ્મ સીટી, મુંબઈ વેટરનરી કોલેજ, SRP, MHADA, MCGB, ફિલ્મ સીટી અને મત્સ્યોદ્યોગ માટેના મકાનો બન્યા છે. આરે કોલોનીમાંથી રસ્તા અને મકાનો બનાવવા માટે 460 એકર જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ત્રણનું ટોટલ લગભગ 1,420 એકર થાય છે એટલે કે આરે કોલોનીના કુલ વિસ્તારના 45% જમીન ઓલરેડી અન્ય હેતુઓ માટે આપી દેવામાં આવી છે. તો પછી મુંબઈ મેટ્રો માટે 81 એકર જમીન આપવામાં આવી છે તેની સામે આટલો મોટો વિવાદ કેમ ઉભો કરવામાં આવ્યો છે તે જ સમજમાં આવતું નથી.

45% જેટલી જમીન ઓલરેડી અન્ય હેતુઓ માટે આપવામાં આવી ત્યારે પર્યાવરણવાદીઓએ કોઈ જ વિવાદ ઉભો કર્યો ન હતો અને હવે અચાનક આ 81 એકર જમીન માટે જ કેમ વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે તેની પાછળનો તર્ક સમજાતો નથી.

પર્યાવરણવાદીઓને 2,702 વૃક્ષો કાપવામાં આવનાર છે તેની સામે વાંધો છે. આ વાંધો યોગ્ય છે અને તેની સામે કોઈને વિરોધ પણ ન હોય. પર્યાવરણની સુરક્ષા કરવી એ સૌની ફરજ છે અને તે અંતર્ગત પર્યાવરણવાદીઓનો વિરોધ વ્યાજબી છે. પરંતુ આ અગાઉ જયારે 1,420 એકર જેટલી જમીન અન્ય હેતુઓ માટે આરે કોલોનીમાંથી આપવામાં આવી હતી ત્યારે કેમ કોઈ વિરોધ ન થયો – એ પ્રશ્ન મારો છે.

જયારે આરે કોલોનીમાં જ 490 એકરમાં ફિલ્મ સીટી બની અને તેના ભવ્ય સ્ટુડીઓ અને મકાનો બન્યા ત્યારે કેમ કોઈ ફિલ્મ-સ્ટારને ફિલ્મ-પ્રોડ્યુસરને પર્યાવરણની સુરક્ષાની યાદ ન આવી?

વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જાન્યુઆરી 2015માં અરજી કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું કે આરે કોલોનીને “નો ડેવલપમેન્ટ ઝોન” ઘોષિત કરવામાં આવે. આરે કોલોનીને અડકીને આવેલ સંજય ગાંધી નેશનલ પાર્કની બાઉન્ડ્રીથી ચાર કિલોમીટરની અંદરના વિસ્તારને ડીસેમ્બર 2016માં “ઈકો-સેન્સીટીવ ઝોન” જાહેર કરવામાં આવ્યો. આ જાહેરાત જયારે કરવામાં આવી ત્યારે જાહેરાતમાંથી આરે કોલોનીની 165 એકર જમીનને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી કારણ કે ત્યાં મુંબઈ મેટ્રોના કાર શેડ બનવાના હતા.

ત્યારબાદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પુણે બેન્ચે ડીસેમ્બર 2016માં હંગામી ધોરણે સ્ટે આપ્યો કે આરે કોલોનીમાં કોઈ નવું બાંધકામ ન કરવામાં આવે. પરંતુ જાન્યુઆરી 2017માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પુણે બેન્ચે MMRCને 7.5 એકર પ્લોટ કે જે રાજ્ય સરકારની માલિકીનો હતો તેને બાંધકામ કરવાની છૂટ આપી. ત્યારબાદ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને હુકમ કર્યો કે આરે કોલોનીના સમગ્ર વિસ્તારનો વિગતે નકશો બનાવવામાં આવે.

માર્ચ 2017માં ફોરેસ્ટ વિભાગે જણાવ્યું કે આરે કોલોનીના 3,166 એકર વિસ્તારમાં નોન-ફોરેસ્ટ” પ્રવૃત્તિઓ થતી હોવાથી તેને “ફોરેસ્ટ” તરીકે જાહેર ન કરી શકાય. ફોરેસ્ટ વિભાગે એવું પણ જણાવ્યું કે 2,755 એકર જમીનને “ઇકો-સેન્સીટીવ” ડીસેમ્બર 2016થી જાહેર કરી દેવામાં આવી છે અને તે વખતે પણ તેનું નોટીફીકેશન બહાર પડ્યું એમાં આરે કોલોનીની 165 એકર જમીનને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી કારણ કે ત્યાં મુંબઈ મેટ્રોના કાર શેડ બનવાના હતા.

આ વિવાદના કારણે L&T – શાંઘાઈ ટનલ એન્જીનીયરીંગ કોન્સોર્ટિયમ કોન્ટ્રકટમાંથી બહાર થઇ ગયું. તેના કારણે MMRC એટલે કે મુંબઈ મેટ્રોએ નવા કોન્ટ્રાક્ટર માટે ફરી એક વખત બિડિંગ કરવું પડ્યું અને તેને કારણે 10 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ કોસ્ટ વધી ગઈ. ત્યારબાદ મુંબઈ મેટ્રોએ નવી ડીઝાઈન પ્રસ્તુત કરી કે જેમાં 81ને બદલે 62 એકર જમીનની જ જરૂર પડે. તેને કારણે લગભગ 1,000 વૃક્ષ ઓછા કાપવા પડે. આ તમામ વિવાદો સુપ્રીમ કોર્ટમાં ગયા. 16 એપ્રિલ, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપની અરજી રદ કરી અને કાઢી નાખી.

સુપ્રીમ કોર્ટની મંજુરી પછી 2,702 વૃક્ષો કાપવાની શરૂઆત કરવામાં આવી. ઓગસ્ટ 29, 2019ના રોજ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 2,646 વૃક્ષો કાપવાની અને તેમાંના શક્ય હોય તેટલા વૃક્ષોને “ટ્રાન્સપ્લાન્ટ” કરવાની મંજુરી આપી. ત્યારબાદ આ વિરોધ શરુ થયો.

અહીં મારા કેટલાંક પ્રશ્નો છે:

(1) સુપ્રીમ કોર્ટની મંજુરી પછી જો વૃક્ષો કાપવાની શરૂઆત થઇ હોય તો તેમાં વિરોધ કેમ?

(2) જયારે આરે કોલોનીમાં જ 490 એકરમાં ફિલ્મ સીટી બની અને તેના ભવ્ય સ્ટુડીઓ અને મકાનો બન્યા ત્યારે કેમ કોઈ વિરોધ ન થયો? ત્યારે વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ ક્યાં ખૂણામાં સંતાઈ ગયું હતું?

(3) અગાઉ જયારે 1,420 એકર જેટલી જમીન (એટલે કે આરે કોલોનીની કુલ જમીનના 45% જેટલી જમીન) અન્ય હેતુઓ માટે આરે કોલોનીમાંથી આપવામાં આવી હતી ત્યારે કેમ કોઈ વિરોધ ન થયો? ત્યારે વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ ક્યાં ખૂણામાં સંતાઈ ગયું હતું?

(4) બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ (BKC) બન્યું ત્યારે હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે કેમ કોઈ પર્યાવરણવાદીઓ વિરોધ કરવા મેદાને ન હોતા પડ્યા?

(5) શરદ પવારની જેમાં ભાગીદારી છે એ અબજો રૂપિયાનો લવાસા પ્રોજેક્ટ બન્યો તે સમયે દરિયા કિનારે પર્યાવરણને ખુબ જ મોટું અને ભરપાઈ ના થઇ શકે તેવું નુકશાન થયું હતું ત્યારે કેમ કોઈ પર્યાવરણવાદીઓએ વિરોધ ન કર્યો? હવે આજે એ જ શરદ પવારના પુત્રી આરે કોલોનીને બચાવવા માટે કયા મોઢે બહાર પડ્યા છે?

આરે કોલોનીમાં કુલ 4.8 લાખ વૃક્ષો છે તેમાંથી મુંબઈ મેટ્રો શેડ બનાવવા માટે માત્ર 2,702 વૃક્ષો કાપવાના છે. આ સંખ્યા નાની નથી અને તેને બચાવવા જ જોઈએ પરંતુ જો તે બચાવી શકાય તેમ ન હોય તો તેના અન્ય ઉપાયો છે. સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગયા પછી વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે ઉપયોગી થાય તેવા સૂચનો કેમ ન કરવામાં આવ્યા?

જેટલા વૃક્ષો કાપવામાં આવે તેના કરતા દસ ગણા વૃક્ષો ઉછેરવાની જવાબદારી મુંબઈ મેટ્રો ઉપાડી લે અને તેના ઉછેર ઉપર નજર રાખવાની જવાબદારી વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ ઉઠાવે – આવું થઇ શકે છે.

આવા રચનાત્મક સૂચનો કરીને રચનાત્મક કાર્ય કરવાને બદલે રસ્તા ઉપર ઉતરી આવીને આંખોમાં આંસુ લાવીને દેખાડો કરવા માટેનો વિરોધ કરવો એ કેટલે અંશે યોગ્ય કહેવાય? રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવો તેને બદલે રચનાત્મક કાર્ય સૂચવીને વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ જેટલા વૃક્ષો કપાય તેના કરતા દસ ગણા વૃક્ષો મુંબઈ મેટ્રો આવનારા દસ વર્ષમાં ઉછેરે તે અંગે આંદોલન અને ચળવળ ચલાવે તો તે વધુ વ્યાજબી હશે.

જે ફિલ્મ-કલાકારો, ફિલ્મ-પ્રોડ્યુસર અને લતા મંગેશકર જેવા ગાયક વિરોધ કરતા હોય તો તેઓ પાસે ડોનેશન માંગીને વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ આંદોલન અને ચળવળ ચલાવે તે વધુ યોગ્ય રહેશે અને તે પર્યાવરણલક્ષી અને પર્યાવરણની સુરક્ષા માટે સૌથી ઉત્તમ રહેશે. આવું કરીને વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ સમગ્ર દેશમાં એક અલગ છાપ છોડી શકશે.

જો વનશક્તિ અને આરે કોન્ઝર્વેશન ગ્રુપ જેવા પર્યાવરણવાદીઓ તથા તકસાધુ જેવા રાજકારણીઓ અને રાજકીય પક્ષોએ આમાંનું કશું જ ન કરવું હોય અને માત્ર વિરોધ જ કરીને સસ્તી પ્રસિદ્ધિ જ મેળવવી હોય તો પછી મારો ખુલ્લો આક્ષેપ છે કે આ વિવાદ ઉભો કરવા પાછળ પર્યાવરણ બચાવવાની વાતને આગળ કરીને તેની પાછળ ઊંડું વિકાસ વિરોધી “લેફ્ટ-લિબરલ” તત્વોનું એક રહસ્યમય ષડ્યંત્ર હોઈ શકે છે.

નોંધ
હું પર્યાવરણનો વિનાશ થાય તેવા પ્રકારના વિકાસની તરફેણ ક્યારેય કરતો નથી કે હું પર્યાવરણની સુરક્ષાનો પણ વિરોધી નથી પરંતુ હું પર્યાવરણની સુરક્ષા માટે અસરકારક અને રચનાત્મક રીતે ચળવળ અને આંદોલન ચાલે તેની તરફેણમાં છું કે જેનાથી પર્યાવરણ પણ સચવાય અને વિકાસ પણ થાય. આવા ટકાઉ વિકાસનો જ હું સમર્થક છું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here