રૂપાણી, ગેહલોત, ગુજરાત, દારૂબંધી અને એવું બધું…

0
315
Photo Courtesy: khabarindiatv.com

થોડા દિવસો અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ગુજરાતની દારૂબંધી અંગેના નિવેદનથી ગુજરાતમાં વિવાદ ઉભો થઇ ગયો છે, પરંતુ શું અશોક ગેહલોત સંપૂર્ણપણે ખોટા છે ખરા? ચાલો જાણીએ.

Photo Courtesy: khabarindiatv.com

સામાન્યતઃ વિકેન્ડમાં લોકો ‘પાર્ટી-શાર્ટી’ કરવાનો મૂડ બનાવતા હોય અને તેની ચર્ચા કરતા હોય છે, પરંતુ આ વખતે વિકેન્ડ પત્યા પછી દારુ વિષે ગુજરાત આખામાં ચર્ચા શરુ થઇ ગઈ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં દારૂબંધી કેમ નથી એ સવાલના જવાબમાં ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે અહીં દારૂબંધી હોવા છતાં “ઘેર ઘેર દારૂ પીવાય છે.” બસ વાત પૂરી, ગેહલોતના નિવેદનથી ગુજરાતી અસ્મિતા અચાનક જ ખતરામાં આવી ગઈ અને ગુજરાતના નાથ એટલેકે વિજય રૂપાણીએ તેમજ ગુજરાત ભાજપે ગેહલોતને ગુજરાતીઓને દારૂડિયા કહેવા બદલ માફી માંગવાનું કહ્યું.

જો એક રાજકારણી બાફે અને બીજો રાજકારણી તેની માફી માંગવાનું કહે અને પેલો માફી માંગી પણ લે તો તો ભારત આજે નીતિમત્તાના સર્વોચ્ચ શિખરે જઈને બેઠું હોત. રાજકારણીઓતો નિવેદનબાજી કરે કારણકે આપણે ત્યાં દરેક સમયે ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ ચાલતી હોય છે અત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીઓનું વાતાવરણ છે એટલે એક પક્ષના નેતાનો આ પ્રકારનો બફાટ બીજા પક્ષ માટે ચૂંટણીમાં લાભ કરે એ માટે તેને તે ઉપાડી લે એ સ્વાભાવિક છે.

પરંતુ થયું ઉલટું, અશોક ગેહલોતની ગુજરાતની દારૂબંધી પ્રત્યેની ટીપ્પણીને ભાજપના core voters દ્વારા પણ મોટેભાગે સમર્થન મળ્યું અને ગુજરાતની અસ્મિતા પરનો ખતરો બિનઅસરકારક બનીને રહી ગયો. વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તમે ઈચ્છો ત્યારે જે બ્રાન્ડનો દારૂ તમને જોઈતો હોય તે, ભલે અન્ય રાજ્યો કરતા મોંઘા ભાવે પરંતુ મળી જ રહે છે તે દરેક ગુજરાતીને ખબર છે. બુટલેગર શબ્દ આખા ભારતમાં સહુથી વધુ ચર્ચાતો શબ્દ હોય તો તે માત્ર ગુજરાતમાં જ છે કારણકે અહીં ગેરકાયદેસર દારૂ પુરા પાડવા માટે આ પ્રકારની પ્રજાતિ અસ્તિત્વમાં છે જે સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી કેટલી અસરદાર છે.

હા, અશોક ગહેલોતની એ વાત સાથે જરાય સહમત ન થઇ શકાય કે ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે. ઘેર ઘેર ચાન્સ મળે તો દારૂ પીવાની ઈચ્છા ધરાવનારા લોકો મળી રહે પરંતુ એ દારૂ પીવે છે કે નહીં તે ચર્ચાનો આખો જુદો વિષય છે. આ વિવાદના બીજા દિવસે એક ગુજરાતી ન્યૂઝ ચેનલ પર ગુજરાત પોલીસના ભૂતપૂર્વ વડાએ કહ્યું કે તેમણે લગભગ ત્રીસેક વર્ષ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી છે પરંતુ તેમણે ક્યારેય દારૂને સૂંઘ્યો પણ નથી. ગુજરાતમાં એ પોલીસ વડા જેવા કરોડો ગુજરાતીઓ મળી આવશે, જેમાં આ લખનાર પણ સામેલ છે, જેણે એમની જેમ જ દારૂને હાથ પણ નથી લગાડ્યો. આથી ગુજરાતમાં ઘેર ઘેર દારુ પીવાય છે એ વાતે અશોક ગેહલોતે ચોરસ ઈંડું બાફ્યું છે એમ જરૂર કહી શકાય.

પરંતુ તેનાથી એ સત્યથી પણ આંખ આડા કાન ન કરી શકાય કે ગુજરાતમાં દારૂબંધી મહદઅંશે નિષ્ફળ નીવડી છે. ગાંધીજીનું રાજ્ય છે એટલે અહીં ગાંધીજીની ઈચ્છા અનુસાર દારુ ન વેંચાવો જોઈએ એવી ભાવના ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી અમલમાં છે, પછી તે ગમેતે પક્ષની સરકાર હોય તેણે આ ભાવનાથી વિરુદ્ધ જવાની હિંમત સુદ્ધાં નથી કરી. પરંતુ જ્યારે પ્રજાના મનોરંજનના સાધન પર કડક પ્રતિબંધ હોય ત્યારે પ્રજાનો જ એક મોટો હિસ્સો તે પ્રતિબંધને તોડવા માટે ઉત્સુક થઇ જતો હોય છે એ સાબિત થયેલી વાત છે, ઉદાહરણ તરીકે પોર્નોગ્રાફી.

એક જમાનામાં ભારતમાં પોર્નોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, આજે પણ અંશત: પ્રતિબંધ તો છે જ. પરંતુ જ્યારે પૂર્ણ પ્રતિબંધ હતો ત્યારે સાયબર કાફેના બ્રાઉઝર્સની હિસ્ટ્રી વૈવિધ્યપૂર્ણ પોર્ન સાઈટ્સની લિનક્સથી ખદબદતી હતી. આટલું જ નહીં પરંતુ ‘પેલી કેસેટ’ કે ‘પેલી CD/DVD’ મેડિકલ સ્ટોરવાળો કોઈ સ્ત્રીને જે રીતે સેનેટરી નેપકીન પ્લાસ્ટિકની કાળી કોથળીમાં આપતો એમ કાળી કોથળીઓમાં ઘેરઘેર અથવાતો ઓફિસે-ઓફિસે લઇ જવામાં આવતી. હવે એકાંતમાં (એટલેકે પોતપોતાના રૂમમાં) અને કોઈને તકલીફ ન થાય એ રીતે પોર્ન જોવાની છૂટ છે, પરંતુ તેમ છતાં સરકારે કેટલીક મહત્ત્વની પોર્ન સાઈટ્સને બ્લોક પણ કરી છે. પણ તેમ છતાં હવે પોર્ન જોતા કોઇથી ડરવું પડતું નથી એ પણ એક હકીકત છે.

શું આવું દારૂ માટે ગુજરાતમાં ન થઇ શકે? મારા જેવા ઘણાને વર્ષો સુધી એવો ડર હતો કે જો ગુજરાતમાં દારૂબંધી ઉઠાવી લેવામાં આવશે તો રસ્તા પર મોડી રાત્રે દારૂડિયાઓ આમતેમ પડેલા જોવા મળશે, જે ગુજરાત માટે આપણે સદાય ગર્વ લઈએ છીએ કે અહીં આપણી બહેન દીકરીઓ રાત્રે બે વાગ્યે પણ બિન્ધાસ્ત એકલી ફરી શકે છે એ બંધ થઇ જશે. પરંતુ ત્યારબાદ જ્યારે અન્ય રાજ્યોની મુલાકાત લેવાનો મોકો મળ્યો અને ત્યાનું જીવન જોયું ત્યારે એ ભય મનમાંથી દૂર થઇ ગયો. અહીં ખુલ્લે આમ બાર એન્ડ રેસ્ટોરન્ટના બોર્ડ જોવા મળે પરંતુ મોટેભાગે લોકો કન્ટ્રોલમાં જ પીતા હોય છે. હા, દારુ પીને વાહન ચલાવવાના કે છેડતી કરવાના કિસ્સાઓ જોવા મળ્યા છે, પરંતુ તેની સંખ્યા તેની સાથે કામ પાર પાડી શકાય તેટલી જ હોય છે.

ગુજરાત માટે બેસ્ટ સોલ્યુશન એજ છે કે દારૂબંધી જો પૂર્ણસ્વરૂપે હટાવવાની ન હોય તો દરેક શહેરમાં ચોક્કસ સંખ્યામાં હોટલો અથવાતો રેસ્ટોરન્ટને દારૂ વેંચવાના લાઈસન્સ આપવામાં આવી શકે છે અને જેમ પોર્નોગ્રાફી માટેની શરત છે કે એકાંતમાં તેને જોઈ શકાય છે તેવી જ રીતે દારૂ પણ એકાંતમાં એટલેકે ઘેરે કે તમારી હોટલના રૂમમાં પીવાની છૂટ અપાય. દારૂ પીને વાહન ચલાવવાની તો શું પણ રસ્તે ચાલવાની પણ છૂટ ન હોવી જોઈએ, ભલે પછી ગમે તેટલો કંટ્રોલ રાખીને પીધો હોય.

વાત અહીં સરકારી તિજોરી ભરવાની નથી પરંતુ જો ગુજરાતમાં  મળતો ગેરકાયદેસર દારૂ અમુક રાજ્યોમાં મળતા કાયદેસરના દારુ કરતા વધુ કમાણી કરે છે એ સાબિત થઇ ચૂક્યું છે તો પછી આ પ્રકારનો દંભ બંધ કરવાની તાત્કાલિક જરૂર છે. સરકારને આવક તો થતા થશે, પરંતુ લોકોમાં જે ઉત્કંઠા છે કે દારુ પીવાથી એવી તે શું કિક મળે છે તે શાંત થશે અને મોટાભાગના લોકો જે પહેલીવાર કોશિશ કરી રહ્યા છે તે એકાદવાર દારૂ ચાખીને કદાચ જ બીજીવાર તેને હાથ લગાવે અથવાતો ટાણે પ્રસંગે જ પીવે એવી શક્યતાઓ વધી જશે.

આ ઉપરાંત ગેરકાયદેસર અને સાવ ખરાબ ક્વોલીટીનો દારૂ વેંચનારના ધંધા બંધ થઇ શકે છે કારણકે જેમને પીવાની આદત છે તેમને એટલાજ પૈસામાં સારી ક્વોલીટીનો દારૂ મળશે. એક સમય હતો જ્યારે ગુજરાતના મોટા શહેરોમાં દર બે-ત્રણ મહીને લઠ્ઠાકાંડના સમાચાર છાપાંઓમાં વાંચવા મળતા, હવે તેની સંખ્યા ભલે ઓછી થઇ પરંતુ એ બંધ નથી થયા એ પણ હકીકત છે જ. તો બહેતર એ છે કે જેમને દારૂ પીવો જ છે એમને સારી ક્વોલીટીનો દારૂ આપવામાં આવે અને તેના થકી ઘણા જીવન બચી જાય.

દારુ પીવો એ કોઇપણ રીતે સારી બાબત નથી એ મોટાભાગના નહીં પરંતુ કદાચ બેતૃત્યાંશ બહુમતી જેટલા ગુજરાતીઓ સમજે પણ છે. મારા જેવો વ્યક્તિ જે ભૂતકાળમાં અસંખ્ય વખત મુંબઈ, દિલ્હી, પુણે, કોલકાતા જેવા શહેરોમાં કામ અર્થે ગયો છે જ્યાં છૂટથી દારુ મળે છે, પરંતુ જેને પીવો નથી તે ત્યાં પણ પીતો નથી અને મેં પણ પીધો નથી. આથી ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવાથી સરકાર દારૂનો પ્રચાર તો નહીં જ કરે. પરંતુ વ્યક્તિગત દારૂબંધી હટાવી લેવાથી સરકારની કમાણી વધવાનો મુદ્દો જો ગૌણ રાખીએ તો પણ તે વધુ સારી રીતે કાયદાનું નિયમન કરી શકશે એવું મારું અંગતરીતે માનવું છે.

કલમ 370 જ્યારે વિદ્યમાન હતી ત્યારે એવો ડર હતો કે જો તેને હટાવી લેવામાં આવશે તો જમ્મુ અને કાશ્મીરનું રીએક્શન અત્યંત ખતરનાક હશે, પરંતુ આ કલમ હટી અને પરિણામ ધાર્યા કરતા સાવ ઉલટું જ આવ્યું. ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવાથી આવનારા ભયજનક પરિણામોની કલ્પના કરતા સચ્ચાઈ કદાચ ઉંધી પણ નીકળે. જરૂર છે એવી છપ્પનની છાતીની જે કલમ 370ની માફક ગુજરાતમાં પણ આ પ્રકારે દારૂબંધી હટાવવાનો હિંમતવાન નિર્ણય લઇ શકે.

૦૯ ઓક્ટોબર ૨૦૧૯, બુધવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here