ફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની?

0
290
Photo Courtesy: deccanchronicle.com

ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવી દેવાના મામલે કોંગ્રેસીઓએ હોબાળો મચાવી દીધો છે, પરંતુ શું માત્ર દેખાડા ખાતર દેશના નાગરિકોની કમાણીના પૈસે લીધેલી સુરક્ષા હટાવવી એ સરકારની જવાબદારી નથી?

Photo Courtesy: deccanchronicle.com

દેશના દરેક નાગરિકની સુરક્ષાની જવાબદારી દેશની અને રાજ્યની સરકારની હોય છે. દેશના વડાપ્રધાનને આંતરિક અને બહારી તત્વોથી સહુથી વધુ ખતરો હોય છે એટલે તેમની સુરક્ષા આંતરરાષ્ટ્રીય સ્તરની હોય એ જરૂરી છે. આ ઉપરાંત દેશના જે-તે જાણીતા નાગરિકો છે જે જાહેરજીવનમાં ઉલટભેર ભાગ લેતા હોય છે તેમના પર પણ વધતા ઓછા અંશે ભય રહેતો હોય છે, પરંતુ તેનો એ મતલબ નથી કે તેમને પણ વડાપ્રધાનના સ્તરની સુરક્ષા મળવી જોઈએ.

પરંતુ, આપણા દેશમાં અત્યારસુધી સુરક્ષાના મામલે અડધામાં ગાંધી પરિવાર અને અડધામાં દેશ એવી કુપ્રથા પડી ગઈ હતી જેને હાલની સરકારે સુધારી છે. ગઈકાલે જ રાજ્યસભાએ SPG કાયદામાં થયેલા સુધારાને પસાર કર્યો હતો જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ અમલમાં આવી જશે. આ નવા સુધારા અનુસાર હવેથી માત્રને માત્ર વડાપ્રધાનને જ અને તે પણ તેઓ જ્યાંસુધી વડાપ્રધાનપદ પર હોય ત્યાંસુધી જ તેમને SPG કવચ પૂરું પાડવામાં આવશે.

SPGની રચના 1988માં રાજીવ ગાંધીની સરકારે કરી હતી. આ સમયે ઇન્દિરા ગાંધીની હત્યાની યાદ તાજી હતી. ઇન્દિરા ગાંધીને તેમના જ સુરક્ષા ગાર્ડોએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. આથી રાજીવ ગાંધી સરકારને એક ખાસ સુરક્ષા દળની જરૂરિયાત લાગી અને SPGની રચના કરવામાં આવી. ત્યારબાદ રાજીવ ગાંધીની પણ હત્યા થઇ અને આ કાયદામાં અગાઉ ચાર વખત ફેરફારો કરવામાં આવ્યા. આ ફેરફારોમાં મહત્વનો ફેરફાર એ પણ હતો કે કોઈ વ્યક્તિ વડાપ્રધાન પદે હોય કે ન હોય અથવાતો તે જીવિત હોય કે ન હોય તેને અને તેના પરિવારને સતત સુરક્ષા મળતી રહે.

આ જ મુદ્દાને ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભારપૂર્વક ઉપાડ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે SPG કાયદામાં આ પાંચમો સુધારો છે અને વિપક્ષ એમ કહે છે કે આ સુધારો એક પરિવારને (ગાંધી પરિવારને) ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, પરંતુ ખરેખર તો અગાઉના ચાર સુધારા માત્ર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા.

અમિત શાહની વાત સાથે સહમત થવું પડે કારણકે જેટલો ભય કોઈ વ્યક્તિને વડાપ્રધાન પદ પર રહેતી વખતે હોય તેટલો પદ પરથી ઉતર્યા બાદ નથી રહેતો, જો કે સાવ દૂર પણ નથી થતો. અને જે-તે વડાપ્રધાનના સ્વધામે પહોંચ્યા પછી તેના પરિવાર પર તો બિલકુલ જ ભય નથી રહેતો. આપણે જ વિચારીએ કે ભૂતપૂર્વ વડાપ્રધાનો ચંદ્રશેખર, આઈ કે ગુજરાલના પરિવારોને હવે આતંકવાદથી કેવો ખતરો હોઈ શકે? કે પછી મનમોહન સિંહને પણ આ પ્રકારનો કોઈ ખતરો હોય તેવું પ્રથમદર્શી લાગતું નથી.

હા, ગાંધી પરિવારના બે સભ્યોની હત્યા થઇ છે અને સમગ્ર પરિવાર હાલમાં રાજકારણમાં એક્ટીવ છે એટલે તેમના પર રહેલા ભયની માત્રા વિચારીને જ સરકારે તેમને Z કેટેગરીની સુરક્ષા આપી જ છે અને એટલી પૂરતી છે. પરંતુ “અમને SPG સુરક્ષા કેમ નહીં કારણકે અમે તેની અમલવારી કરી છે” એવું કોંગ્રેસનું વલણ બિલકુલ સ્વીકાર્ય ન જ હોઈ શકે. જે રીતે કોંગ્રેસ તેને વટનો મુદ્દો બનાવી રહી છે તેને લીધે તે જ પ્રજામાં વધુને વધુ અળખામણી બની રહી છે.

એક જ પરિવારને SPG સુરક્ષા ન આપવાના મુદ્દે સંસદને ખોરવી નાખવાની વાત કોને ગળે ઉતરે? હવે એ જમાનો જતો રહ્યો છે જ્યારે કોઇપણ મોટા રાજકારણીને પ્રજા સંપૂર્ણ ભક્તિભાવથી નિહાળતી અને તેના દરેક ખોટા કાર્યો અને નિવેદનોને આંખમાથે ચડાવતી. થોડા દિવસ અગાઉ પ્રિયંકા વાડ્રાના ઘેરે સુરક્ષાનો ભંગ થયો તેને SPG સુરક્ષા પરત ખેંચવા સાથે સાંકળીને પણ કોંગ્રેસે ભૂલ કરી.

કદાચ કોંગ્રેસને એમ હશે કે તેની પાસે હુકમનો એક્કો આવી ગયો છે અને આથી તે સરકારના એ દાવાને ખોટો પાડી શકે છે જેમાં તેણે કહ્યું હતું કે SPG વગર પણ ગાંધી પરિવારને પૂરતી સુરક્ષા આપવામાં આવી છે. ક્યાંક એવું તો નથી કે સરકારને ખોટી પાડવા માટે જ કોંગ્રેસે એવી યોજના બનાવી હોય કે રાહુલ ગાંધીના ફોન પછી તેમના જેવી જ કાર લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓ પ્રિયંકા વાડ્રાને ત્યાં પહોંચી જાય?

કદાચ આ વિચાર ખોટો પણ હોય તો પણ સરકારે જવાબદાર અધિકારીઓને નિલંબિત કરી જ દીધા છે. ગમે તે હોય પરંતુ માત્ર દેખાડા માટેની સુરક્ષા પાછળ થતા કરોડોના ખર્ચને રોકવાના નરેન્દ્ર મોદી સરકારના આ પગલાંનું દરેકે સ્વાગત કરવું જોઈએ.

૪ ડિસેમ્બર ૨૦૧૯, બુધવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here