હજી ગયા અઠવાડિયે જ ઉદ્યોગપતિ રાહુલ બજાજે દેશના ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ કહ્યું હતું કે આજે દેશમાં તેઓ ભયનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ એક તાજી માહિતી મુજબ ખબર પડી છે કે રાહુલ બજાજને ખરેખર શેનો ભય લાગે છે.

ગઈકાલે આપણે જમણી તરફમાં જાણ્યું હતું કે ઉદ્યોગપતિ રાહુલ બજાજ એવું માને છે કે ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર હેઠળ લોકો ભયના ઓથારમાં જીવી રહ્યા છે. પરંતુ ત્યારબાદ ગઈકાલે જ સંસદમાં જે એક વક્તવ્ય સામે આવ્યું તેનાથી એ બાબત પર વધુ પ્રકાશ પડી શક્યો કે આખરે રાહુલ બજાજ પોતે કયા કારણથી આ સરકારથી ડરી રહ્યા છે.
બન્યું એવું કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી ચૂંટાયેલા ભાજપના સાંસદ અજય મિશ્રાએ સંસદને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં કુલ 10 સુગર ફેક્ટરીઓ છે. આ વિસ્તાર નેપાળ બોર્ડરને સાવ અડીને આવેલો છે અને અહીં ખાંડની ફેક્ટરીઓ ધમધમતી હોય છે. પેલી 10 સુગર ફેક્ટરીઓમાંથી 3 રાહુલ બજાજ પરિવારને હસ્તક છે. વાંધો રાહુલ બજાજના ફેક્ટરી ધરાવવા પર નથી વાંધો એ છે કે રાહુલ બજાજની આ ત્રણ ફેક્ટરીઓ પર શેરડીના ખેડૂતોને કરોડો રૂપિયા આપવાના બાકી છે!
અજય મિશ્રાએ એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતોના બાકી લેણા મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અત્યંત કડક વલણ ધરાવે છે અને પ્રદેશમાં જેટલી પણ સુગર મિલ પાસેથી ખેડૂતોના લેણા બાકી છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અજય મિશ્રાનું સ્પષ્ટપણે કહેવાનું હતું કે ડર તેને જ લાગે જેણે કશું છુપાવવાનું હોય અને રાહુલ બજાજે આ મામલે ઘણું બધું છુપાવ્યું છે અને કદાચ એટલેજ તેમણે અત્યારે ડર લાગી રહ્યો છે.
રાહુલ બજાજને ફોર્બ્સ દ્વારા 11માં સહુથી શ્રીમંત ભારતીય તરીકેની ઓળખ આપવામાં આવી છે અને તેમની કુલ નેટવર્થ 9.2 મિલિયન અમેરિકન ડોલર્સ જેટલી છે. હવે આટલો શ્રીમંત વ્યક્તિ જો ઉત્તર પ્રદેશના ગરીબ ખેડૂતોના અમુક કરોડ રૂપિયા ન ચૂકવતો હોય તો તેને પ્રદેશની સરકાર દ્વારા થનારી કાયદેસરની કાર્યવાહીથી ડર લાગે એ સ્વાભાવિક છે.
અહીં નોંધવા જેવી બીજી હકીકત એમ પણ છે કે કોંગ્રેસના સાંસદો જ્યારે રાહુલ બજાજ દ્વારા સરકારથી પોતે ભયભીત છે એવો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે તેમની પડખે ઉભા રહીને સંસદમાં એ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. પરંતુ જ્યારે અજય મિશ્રાએ રાહુલ બજાજની બીજી બાજુ ખુલ્લી પાડવાની કોશિશ કરી ત્યારે આ જ સાંસદો તેમને વચ્ચે વચ્ચે ટોકી રહ્યા હતા. અહીં એ વાત પણ યાદ રાખવી ઘટે કે ભૂતકાળમાં રાહુલ બજાજ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની પ્રશંસા કરી ચૂક્યા છે.
ચાલો જોઈએ સાંસદ અજય મિશ્રાના નિવેદનનો વિડીયો:
eછાપું