રસપ્રદ કથાઓઃ આર. કે. લક્ષ્મણ – કાર્ટૂનિસ્ટ જે તેના સમયથી આગળ હતા…

0
348
Photo Courtesy: YouTube

રસીપુરમ કૃષ્ણસ્વામી ઐય્યર લક્ષ્મણ એટલે કે આર.કે.લક્ષ્મણ – ભારતવર્ષના અતિ પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર. આર.કે.લક્ષ્મણનો જન્મ 24 ઓક્ટોબર 1921ના રોજ મૈસુરમાં એક ઐય્યર પરિવારમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલમાં હેડમાસ્તર હતા જેમનો સ્વભાવ ખૂબ જ કડક હતો. માતા એક જૂનવાણી દક્ષિણ ભારતીય પરિવારના હતા અને કોઈ પ્રકારનું શિક્ષણ નહોતું લીધું છતાં તમિળ ભાષામાં તેમને રામાયણ, મહાભારત અને શેક્સપિયરના લખાણો કંઠસ્થ હતા. તેણીને શતરંજ અને ટેનિસ રમતા પણ આવડતું. મૈસૂરની મહારાણી તેણી ગાઢ મૈત્રિણ હતી જેની સાથે તે શતરંજ રમતી.

લક્ષ્મણ માતાપિતાના આઠ સંતાનો (છ પુત્રો અને બે પુત્રી) માંથી સૌથી નાના હતા. આઠ બાળકોનું પરિવાર હતું છતાં લક્ષ્મણના પરિવારે તેની પ્રગતિમાં કોઈ દખલ કરી નહીં. બાળક તરીકે લક્ષ્મણને પરિવારના દરેક સદસ્યોએ લાડ જ લડાવ્યા હતા. લક્ષ્મણને વાંચતા આવડ્યું તે પહેલાં જ તેઓ ધ સ્ટ્રાન્ડ, પંચ, બાયસ્ટેન્ડર, વાઈડ વર્લ્ડ અને ટિટ-બિટ્સ જેવા સામયિકના ચિત્રો ધ્યાનથી જોતાં. ચિત્રો જોઈને તેઓ ઘરની દિવાલો પર, જમીન પર અને દરવાજા પર જેવા આવડે તેવા ચિત્રો દોરતા. એક વાર લક્ષ્મણે એક પીપળાનું પાન દોરેલું, જેની શાળાના શિક્ષકે ખૂબ પ્રશંસા કરેલી.

લક્ષ્મણને નાનપણમાં ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો અને તેઓ પોતાની સ્થાનિક ક્રિકેટ ટીમ “રફ એન્ડ ટફ એન્ડ જોલી”ના કપ્તાન હતા. તેમનું બાળપણ અચાનક થોડા સમય માટે હચમચી ઉઠ્યું હતું જ્યારે તેમના પિતાને લકવાનો અટેક આવ્યો અને લગભગ એક વર્ષ પછી તેમનું મૃત્યુ થયું. આવા કપરા સમયમાં ઘરના વડીલોએ અને ભાઈ બહેનોએ મોટાભાગની જવાબદારી સંભાળી લીધી અને લક્ષ્મણનું શાળાકીય શિક્ષણ ચાલુ રહ્યું.

હાઈસ્કૂલ પછી, લક્ષ્મણે ‘સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ અપ્લાઈડ આર્ટ’માં એડમિશન માટે અરજી કરી. ચિત્રકામમાં ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની આશા હતી, પરંતુ ઇન્સ્ટિટ્યૂટના આચાર્યે લક્ષ્મણને લખ્યું કે તેના ચિત્રમાં “વિદ્યાર્થી તરીકે સંસ્થામાં નોંધણી માટે લાયક એવી પ્રતિભાનો અભાવ” છે અને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો. છેવટે લક્ષ્મણે મૈસુર યુનિવર્સિટીમાંથી આર્ટસની ડીગ્રી મેળવી. આ દરમિયાન તેમણે પોતાની ફ્રીલાન્સ કલાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. વિશ્વ વિખ્યાત બ્રિટીશ કાર્ટૂનિસ્ટ સર ડેવિડ લો (David Low) નો લક્ષ્મણ પર સૌથી મોટો પ્રભાવ હતો. તેમના કાર્ટૂનની નીચે તેમની સહીને Lowને બદલે લક્ષ્મણ Cow તરીકે વાંચતા અને વિચારતા કે ગાય આ ચિત્રો બનાવતી હશે?

આર.કે.લક્ષ્મણનું પ્રારંભિક કાર્ય ‘સ્વરાજ્ય’ અને ‘બ્લિટ્ઝ’ જેવા સામયિકો અને ‘રોહન’ નામના અખબાર માટે શરૂ થયું. મૈસુરની મહારાજા કોલેજમાં હતા ત્યારે, લક્ષ્મણે તેમના મોટા ભાઈ આર. કે. નારાયણની ‘ધ હિન્દુ’માં પ્રસારિત કથાઓ માટે કાર્ટૂન બનાવવાનું શરૂ કર્યું. લક્ષ્મણે કન્નડ કોમેડી મેગેઝિન ‘કોરાવનજી’ માટે પણ કાર્ટૂન બનાવ્યા. આ મેગેઝીનની સ્થાપના 1942 માં બેંગ્લોરના મેજેસ્ટીક વિસ્તારમાં દવાખાનું ધરાવતા ડૉ. એમ. શિવરામ દ્વારા કરવામાં આવી હતી.

લક્ષ્મણની સૌ પ્રથમ ફુલ-ટાઈમ નોકરી મુંબઈમાં ‘ધ ફ્રી પ્રેસ જર્નલ’ના રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે શરૂ થઈ. ત્યાં બાળ ઠાકરે તેમના સાથી કાર્ટૂનિસ્ટ હતા. તે પછી 1951 માં, લક્ષ્મણ ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ની મુંબઈ ઓફિસમાં જોડાયા (જ્યાં તેમણે 54 વર્ષ કામ કર્યુ). 1954 માં લક્ષ્મણે એશિયન પેઇન્ટ્સ લિમિટેડ કંપની માટે “ગટ્ટુ” નામનો એક લોકપ્રિય માસ્કોટ તૈયાર કર્યો. કાર્ટૂન સિવાય તેમણે કેટલીક નવલકથાઓ પણ લખી. તેમની સૌથી પહેલી નવલકથાનું નામ ‘હોટેલ રિવેરા’ હતું.

લક્ષ્મણના કાર્ટૂન ઘણી ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયા. ઉદાહરણ તરીકે, હિન્દી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ અને તમિળ ફિલ્મ ‘કામરાજ’. મોટાભાઈ આર. કે. નારાયણની પ્રચલિત ટી.વી. સિરીયલ ‘માલગુડી ડેઝ’ના પાત્રો અને હિન્દી સિટકોમ ‘વાગલે કી દુનિયા’ના પાત્રો પણ લક્ષ્મણે દોરેલા.

લક્ષ્મણે બે વાર લગ્ન કરેલા. પહેલા લગ્ન ભારતનાટ્યમ નૃત્યાંગના અને ફિલ્મ અભિનેત્રી કુમારી કમલા સાથે કર્યા હતા (જેણે ‘બેબી કમલા’ નામથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી ‘મિસ કમલા’ ના નામથી પુખ્ત ભૂમિકાઓ કરી). કમલા સાથે તેમને કોઈ સંતાન નહોતું. કમલાને છૂટાછેડા આપી લક્ષ્મણ તેમની ભત્રીજી કમલા સાથે પરણ્યા. જી હાં, બીજી પત્નીનું નામ પણ કમલા જ હતું. તેઓ એક બાળ સાહિત્યકાર હતા.

આર.કે.લક્ષ્મણના કાર્યોમાં સૌથી વધુ પ્રસિદ્ધ છે તેમનો સામાન્ય માણસ (The Common Man). ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં સન 1951માં શરૂ થયેલી તેમની દૈનિક કાર્ટૂન પટ્ટી – You Said It – માં આ કોમન મેન લોકોને પહેલીવહેલી વાર જોવા મળ્યો. લક્ષ્મણનો ‘કોમન મેન’ એ એક એવું કાર્ટૂન પાત્ર છે જેણે લગભગ પાંચ દાયકા સુધી સરેરાશ ભારતીય લોકોની આશાઓ, આકાંક્ષાઓ, મુશ્કેલીઓનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે લક્ષ્મણે આ પાત્ર દોરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે ભારતમાં વિવિધ રાજ્યો અને સંસ્કૃતિઓને રજૂ કરવાનો પ્રયાસ કર્યો. દૈનિક અખબારોની સમયમર્યાદા અત્યંત કડક હોય છે તેને પહોંચી વળવાના ધસારામાં, તેમણે ઓછા અને ઓછા પૃષ્ઠભૂમિનાં પાત્રો દોરવાનું શરૂ કર્યું. છેવટે તેમના કાર્ટૂનોમાં એક જ બાકી રહ્યો – જે હતો ‘કોમન મેન’. આ ‘કોમન મેન’ની ઓળખમાં સફેદ ધોતિયું, ચેક્સવાળો ઝભ્ભો અને એક લાકડીમાં પોટલી બાંધીને ખભા પર લટકતી હોય.

લક્ષ્મણના કોમન મેનને ખૂબ પ્રસિદ્ધી મળી. આ ‘કોમન મેન’ને કારણે જ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાનો દૈનિક પ્રચાર ખૂબ જ વધ્યો અને તેના આદર સત્કારરૂપે 1988માં ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની 150મી વર્ષગાંઠ પર ભારતીય ટપાલ વિભાગ તરફથી એક ટપાલ ટિકિટ રિલીઝ કરાઈ. એ સિવાય ‘એર ડિક્કેન’ નામની લો-બજેટ વિમાનસેવાનો માસ્કોટ પર આ ‘કોમન મેન’ હતો જેનો અર્થ થાય કે ભારતના સામાન્ય વ્યક્તિને પણ પરવડે એવી વિમાનસેવા. પુણેમાં સ્થાપિત સિમ્બાયોસિસ ઈન્સ્ટીટ્યુટમાં આ ‘કોમન મેન’નું 8 ફૂટ ઊંચુ કાંસાનું પૂતળું બનાવવામાં આવેલું છે. આવું જ એક પૂતળું સન 2007માં મુંબઈમાં વરલી સી-ફેસ પાસે ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર પણ છે.

લક્ષ્મણના કટાક્ષચિત્રો લોકોને છાતી સોંસરવા નીકળી જતાં. તેમણે દોરેલા કાર્ટૂન સત્તાધારી પક્ષોને ધોળે દિવસે તારા દેખાડતા. જે તે સમયના મોટા નેતાઓ (જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી) તેમને મળતા પહેલાં દસ વાર વિચારે. લક્ષ્મણ ખરેખર તેમના સમયથી ઘણાં આગળ હતાં.

સપ્ટેમ્બર 2003 માં લક્ષ્મણને લકવાનો અટેક આવવાથી શરીરની ડાબી બાજુ સંપૂર્ણ પણે કામ કરતી બંધ થઈ. 20 જૂન 2010 ના રોજ, લક્ષ્મણને પુણેથી એર એમ્બ્યુલન્સમાં મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા. સન 2015માં 26 જાન્યુઆરીના દિવસે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 93 વર્ષની વયે લક્ષ્મણનું અવસાન થયું. ભારત સરકારે લક્ષ્મણની કળાને પારખીને 1973માં જ ‘પદ્મભૂષણ’ અને 2005માં ‘પદ્મવિભૂષણ’ના એવોર્ડથી નવાજ્યા હતા. 1984માં જર્નાલિઝમ, સાહિત્ય અને ક્રિએટિવ કમ્યુનિકેશન આર્ટ્સ ક્ષેત્રે લક્ષ્મણને ‘રેમન મેગ્સેસે એવોર્ડ’ પણ મળેલો અને 1983માં કર્ણાટક સરકાર તરફથી ‘કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ’ મળેલો.

સંદર્ભઃ

https://www.readersdigest.co.in/conversations/story-r.-k.-laxman-the-uncommon-man-125292

https://www.thehindu.com/society/an-evening-with-rk-laxman/article29799146.ece

https://en.wikipedia.org/wiki/R._K._Laxman

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here