મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી પર ટકી રહેવા માટે ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર MLC બનવાની એક માત્ર તક બાકી બચી છે પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં રાજકારણ રંગ પકડી રહ્યું છે તે જોતા ઉદ્ધવના MLC બનવા સામે એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે.

મુંબઈ: મહારાષ્ટ્રની વિધાન પરિષદ (MLC) ની 9 બેઠકોની ચૂંટણીઓ આવનારી 21 મે ના રોજ યોજાવાની છે. આ ચૂંટણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે અતિશય મહત્ત્વની છે કારણકે આ ચૂંટણીઓમાં જીત જ તેમની મુખ્યમંત્રીની ખુરશી બચાવી શકે તેમ છે.
પરંતુ ઉદ્ધવ ઠાકરે માટે આ બેઠક જીતવી એટલી સરળ નહીં બને અને તેની પાછળ કારણ છે તેમના જ બે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP. MLC ની ચૂંટણીઓ પણ રાજ્યસભાની ચૂંટણીની જેમ પ્રેફરેન્શિયલ વોટીંગથી થતી હોય છે અને નવ બેઠકોમાટે કોઇપણ ઉમેદવારને જીતવા માટે 29 મતોની જરૂર છે.
આ ચૂંટણીઓમાં ભાજપે 4 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યારે શિવસેનાએ 2 તેમજ NCPએ પણ 2 ઉમેદવારની ઘોષણા કરી છે. તો કોંગ્રેસે પણ NCPની તર્જ પર પોતે પણ 2 ઉમેદવારો ઉભા રાખશે તેવી જાહેરાત કરી દીધી છે.
આમ કુલ 9 બેઠકો માટે 10 ઉમેદવારો થતા ઉદ્ધવ ઠાકરે નિર્વિરોધ ચૂંટાઈ નહીં શકે અને આમ તેમના માટે એક મોટી મુશ્કેલી ઉભી થઇ છે. NCP ઈચ્છે છે કે શિવસેના પોતાનો એક ઉમેદવાર પરત ખેંચી લે પરંતુ શિવસેનાનું કહેવું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં NCPને તેણે એક વધારાનો ઉમેદવાર ઉભો રાખવા દીધો હતો એટલે હવે NCPનો વારો છે કે તે આ વખતે શિવસેનાનો સાથ આપે અને ગઠબંધનના સહયોગીનો ધર્મ નિભાવે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે જેમાં ભાજપના 105 સભ્યો છે અને તેનો દાવો છે કે તેને નાની પાર્ટીઓ તેમજ અપક્ષ એમ મળીને બીજા 11 વિધાનસભ્યોનો ટેકો છે. જ્યારે મહા વિકાસ આઘાડી પાસે 169 વિધાનસભ્યો છે.
કોઇપણ ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સના 116 મતની જરૂર પડશે અને આ આધારે જો ચૂંટણી થાય તો જે રીતે વિધાનસભામાં પક્ષવાર પરિસ્થિતિ છે, મહા વિકાસ આઘાડી 9માંથી વધુમાં વધુ 5 બેઠકો જીતી શકે તેમ છે. પરંતુ જો ચૂંટણી થાય તો ક્રોસ વોટીંગનો ભય પણ રહેલો છે અને અત્યારસુધી મંત્રીપદ ન મળવાનો આઘાડીના કેટલાક વિધાનસભ્યોનો ગુસ્સો જો મતપેટી પર ઉતર્યો તો ઉદ્ધવ માટે તકલીફ ઉભી થઇ શકે તેમ છે.
ઉદ્ધવ માટે આ મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્રના વિધાનસભાના બે માંથી કોઇપણ એક ગૃહમાં ચૂંટણી જીતીને આવવું ફરજીયાત છે નહીં તો શપથ લીધાના છ મહિના વીતી જાય તો તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. મહારાષ્ટ્ર કેબિનેટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને ઉદ્ધવ ઠાકરેને MLCમાં પોતાના કોટામાંથી સભ્ય મનોનીત કરવાની વિનંતી વારંવાર કરી ચૂક્યું છે પરંતુ રાજ્યપાલે આ અંગે કાયમ આંખ આડા કાન કર્યા છે.
eછાપું