રાહત: રેપો રેટ અને લોનના હપ્તા અંગે RBIની મોટી જાહેરાત

0
296
Photo Courtesy: indianexpress.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બેંકની લોન અંગે બે મહત્ત્વની જાહેરાત કરી છે જેની સીધી અસર મધ્યમવર્ગના લોકો પર પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Photo Courtesy: indianexpress.com

નવી દિલ્હી: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા મિડીયાને થોડા સમય પહેલા સંબોધન કર્યું હતું. આ સંબોધન દ્વારા શક્તિકાંત દાસે સામાન્ય માનવી માટે બે મોટી જાહેરાતો કરી હતી જે લોનના હપ્તા તેમજ EMIની રકમને સીધી અસર કરી શકે તેમ છે.

દાસની આ જાહેરાત કોરોના સંકટને લઈને દેશના સામાન્ય નાગરિકોને પડી રહેલી તકલીફને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. શક્તિકાંત દાસે રેપો રેટમાં મોટો ઘટાડો કરતા તેને 0.40% જેટલો ઘટાડી દીધો છે.

ઉપરોક્ત નિર્ણયને કારણે સામાન્ય લોકોની વિવિધ પ્રકારની લોનના EMIની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે છે. આ ઉપરાંત આજની જાહેરાત અનુસાર RBIએ લોનધારકોને મોરેટોરિયમ એટલેકે લોનના હપ્તા ભરવાની મુદ્દતમાં પણ ત્રણ મહિનાનો વધારો કરીને તેમાં આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીની છૂટ આપી દીધી છે.

શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર આજની MPCની બેઠકમાં 6-5 મતવિભાજનથી વ્યાજદરોના ઘટાડાના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો જેને કારણે હવે પર્સનલ લોન, કાર લોન તેમજ હોમ લોન જેવી વિવિધ લોન પરની EMIની કિંમત ઘટશે.

જો કે RBI ગવર્નરે આજના સંબોધનમાં બે મોટી ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે લોકડાઉનના કારણે અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનોની બજાર કિંમતો વધવાથી મોંઘવારી વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં અનાજની આપૂર્તિ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા વધારવામાં આવે તો આ મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે.

શક્તિકાંત દાસે બીજી ચિંતા દેશના GDP દરમાં થનારા ઘટાડા અંગે વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે કોરોનાને કારણે સમગ્ર વિશ્વના દેશોમાં GDP રેટ ઘટી રહ્યો છે.

માંગ અને આપૂર્તિમાં થનારા ઘટાડાને કારણે હાલમાં દેશના વિકાસની ગતિ રોકાઈ ગઈ હોય તેવું જરૂર લાગી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં કરોનાને કારણે લેવામાં આવેલા પગલાંઓની અસર આ વર્ષના સપ્ટેમ્બર મહિનાથી જોવા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here