ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (2): ‘આખરી ખત’થી શરૂઆત તો થઈ પરંતુ..

2
393

જતિન ખન્ના રાજેશ ખન્ના તો બન્યા અને ટેલેન્ટ હન્ટમાં વિજેતા પણ બન્યા, પરંતુ શરૂઆતની જ સફર એટલી બધી તો નિષ્ફળતા મેળવવા લાગી કે એમને વિજેતા બનાવનારા પ્રોડ્યુસર્સ જ એમની ટેલેન્ટ પર શંકા કરવા માંડ્યા અને પછી…

જે સ્પર્ધા જતિન ખન્ના જીત્યો અને પછી ‘રાજેશ’ નામ ધારણ કર્યુ, તે સ્પર્ધાની મહિલા વિજેતાઓ હતી- ફરિદા જલાલ (પ્રથમ) અને લીના ચંદાવરકર (દ્વિતીય). રાજેશ જ્યારે સ્પર્ધા જીત્યો ત્યારે બારમાંથી એક પણ નિર્માતા પાસે રાજેશની અપ્રતિમ એક્ટિંગને ટક્કર આપે તેવી સ્ક્રીપ્ટ નહોતી. રાજેશે રાહ જોવાનું પસંદ કર્યુ.

રાજેશની ‘સ્ટ્રગલ’ હવે પૂરી થવાની હતી અને એટલે જ એ કોઈ નિર્માતાઓના ઘરે જઈને કામ માંગતો નહીં. પણ સ્પર્ધા જીત્યા પછી ફક્ત જી.પી.સિપ્પી અને નાસિર હુસૈનની ઓફિસે ફરજિયાત એકાદ-બે મુલાકાત કરેલી. સત્તાવાર રીતે જેને બાર ફિલ્મો મળી હોય તેવા વિજેતા રાજેશ ખન્નાએ વિચાર્યુ પણ નહોતું કે તેની પહેલી ફિલ્મ United Producers Combine ની બહારના કોઈ નિર્માતા-નિર્દેશક સાથે કરવી પડશે.

ચેતન આનંદ નામના ભારતીય દિગ્દર્શક તે વખતે 1946માં બનેલી પોતાની ફિલ્મ ‘નીચા નગર’ માટે પ્રખ્યાત હતા. ‘નીચા નગર’ ફિલ્મને તે વખતે 1946ના કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો. ચેતન રંગમંચના માણસ હતા અને ‘મેથડ એક્ટિંગ’ના દિગ્ગજ કહેવાતા. 1964ની તેમની ફિલ્મ ‘હકીકત’ માટે તેમને ભારત સરકાર તરફથી મંજૂરી મળેલી એટલે 1965ની ‘ગાઈડ’ ફિલ્મનું નિર્દેશન કરવાની તેમણે ના પાડેલી. ‘હકીકત’ની સ્ક્રીપ્ટ પર કામ ચાલુ કર્યુ તે પહેલાં તેમણે એક સ્ક્રીપ્ટ લખેલી જે એક 15 મહિનાના બાળકના વિષય પર લખાયેલી હતી. આ ફિલ્મ માટે તેમને એક હીરો જોઈતો હતો.

‘હકીકત’ના પ્રોડ્ક્શન એક્ઝીક્યુટીવ ધરમવીર વર્મા રાજેશ ખન્નાના પારિવારિક મિત્ર હતા. તેમણે ચેતન આનંદને રાજેશનું નામ સૂચવ્યું. રાજેશ ખન્નાની તે સમયે જી.પી.સિપ્પી સાથે 1967માં રિલીઝ થનારી એક ફિલ્મની વાતચીત ચાલુ હતી. ધરમવીરે કહ્યું – મારા બૉસને એક વાર મળી લે, કદાચ તારું કામ તેને ગમી જાય. ચેતન આનંદના મનમાં બીજા નાયકોના નામ હતા, પણ રાજેશ ખન્નાને મળ્યા પછી તરત જ નામ ફાઈનલ કરી નાખ્યું. રાજેશ ત્યારે 23 વર્ષનો હતો અને તેને પોતાની પહેલી ફિલ્મ ‘આખરી ખત’ માટે સાઈન કરવામાં આવ્યો.

‘આખરી ખત’ની હીરોઈન ઈંદ્રાણી મુખર્જી હતી અને આખી ફિલ્મ એક 15 મહિનાના બાળક પર આધારિત હતી. ફિલ્મની વાર્તામાં  રાજેશના એક વેકેશન દરમિયાન ઈંદ્રાણી સાથે પ્રેમ થાય છે અને બંનેના પ્રેમ ફળસ્વરૂપ ઈંદ્રાણી ગર્ભવતી બને છે. રાજેશ તેને મૂકીને શહેરમાં વસે છે પછી પોતાના એક વર્ષના દીકરાને લઈને ઈંદ્રાણી એક છેલ્લો પત્ર લખીને અવસાન પામે છે. બાકીની વાર્તા તે બંનેના દીકરાને બોમ્બે જેવા શહેરમાં થતી રઝળપાટ દર્શાવવામાં આવી છે.

ચેતન નિર્દેશક બનવા પહેલાં દેહરાદૂનની દૂન સ્કૂલમાં શિક્ષક હતા. તેમને ‘આખરી ખત’ના છેલ્લા દ્રશ્ય માટે રાજેશને મેથડ એક્ટિંગ કરાવવી હતી. તે માટે રાજેશને ત્રણ દિવસ ખાધાપીધા વગર, ઊંઘ્યા વગરનો રાખ્યો. રોજ રાત્રે ફોન કરે અને સ્ક્રીપ્ટની વાતો કરે. પોતે ન કરી શકે તો આસિસ્ટંટ પાસે ફોન કરાવે. ક્રૂ મેમ્બરને કહે – ખાને મત દો ઉસે, બાહર મત જાને દો, સોને મત દો.

પરંતુ ત્રણ દિવસ પછી રાજેશ જ્યારે સેટ પર આવ્યો ત્યારે એક લાજવાબ અભિનય કર્યો. બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મનો એ છેલ્લો સીન જોશો તો તેની એક્ટીંગનો ખયાલ આવશે. (આ આખી ફિલ્મ યુટ્યુબ પર ઉપલ્બ્ધ છેઃ https://www.youtube.com/watch?v=rvjVC4Px85U)  કોઈ નવા નિશાળીયા કલાકાર માટે પહેલી જ ફિલ્મમાં આવો અઘરો સીન કરવો વખાણવા લાયક છે. ‘આખરી ખત’નું ગીત ‘और कुछ देर ठहर और कुछ देर न जा…’ રાજેશ ખન્નાનું પહેલું ગીત બન્યું તેમાં તેની વિષયાસક્તતાના દર્શન થયા.

‘આખરી ખત’ ઓછા બજેટવાળી ફિલ્મ હતી. તે વર્ષે રિલીઝ થયેલી ‘ફૂલ ઔર પત્થર’, ‘તીસરી મંઝિલ’ અને ‘મેરા સાયા’ જેવી હીટ ફિલ્મો વચ્ચે ક્યાંય ખોવાઈ ગઈ. ચેતન આનંદે ‘હકીકત’ પછી આવી ફિલ્મ બનાવી તે જાણી લોકોને આશ્ચર્ય થયું – too much experimental for that time. તેમ છતાં ‘આખરી ખત’ તે વખતે 40મા ઓસ્કર એવોર્ડમાં ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’ કેટેગરીમાં સત્તાવાર રીતે પ્રવેશ પામી.

‘આખરી ખત’ની અસફળતા રાજેશ માટે નજીવી બની રહી કરણ કે જી.પી.સિપ્પી રાજેશને લોન્ચ કરવાની જોશપૂર્વક તૈયારી કરી રહ્યા હતા. આ ફિલ્મનો હેતુ જ એ હતો કે Filmfare United Producers Combine Talent Huntના વિજેતાને લોકો સમક્ષ મૂકવો. રાજેશની બધા જ પ્રકારની અભિનય કળા અને કુશળતા લોકોની નજરે આવે એટલે ફિલ્મમાં તેના બે રોલ રાખવામાં આવ્યા અને ફિલ્મનું નામ અપાયુ – ‘રાઝ’!

‘રાઝ’ની વાર્તા એક આફ્રિકામાં રહેતા ભારતીયની હતી જેને રોજ સપનામાં એક સ્ત્રી આવતી અને ભારતના વીરાન નગર નામના ગામડામાં બોલાવતી. રાજેશ ખન્ના સામે બબીતા શિવદાસાનીને સાઈન કરવામાં આવી, જે તેની પણ પહેલી સાઈન કરેલી ફિલ્મ બની. ‘રાઝ’માં 60ના દશકની ફિલ્મમાં હોવું જોઈએ તે બધું જ હતું – સસ્પેન્સ, કોમેડી, ઈમોશન, ડ્રામા, એક્શન બધું જ!

યોગાનુયોગ રાજેશ ખન્ના અને બબીતા બંનેની આ બીજી ફિલ્મ બની રહી કારણ કે રાજેશની ‘આખરી ખત’ અને બબીતાની ‘દસ લાખ’ ઓલરેડી રિલીઝ થઈ ગયેલી. છતાં ‘રાઝ’ ફિલ્મની શરૂઆતના ક્રેડિટમાં લખેલું આવેલું – G.P. Sippy proudly introduces Rajesh Khanna & Babita!

ફિલ્મનું સંગીત કલ્યાણજી-આનંદજીનું હતું અને તેના ગીતો ‘सोचता हुं के मैने तुम्हे….’, ‘अकेले ही चले आओ…’ અને ‘दिल संभाले संभलता नहीं…’ પ્રચલિત થયાં. ‘આખરી ખત’ ખૂબ જ ધીમી અને પ્રાયોગિક હતી તો ‘રાઝ’ લાક્ષણિક બોલીવુડ ફિલ્મ બની રહી.

બંનેની રિલીઝ પછી નાસિર હુસૈનને રાજેશ ખન્ના સાથે કામ કરવાની તક મળી. નાસિર હુસૈન હિન્દી સિનેમામાં મુનિમજી (1955), પેઈંગ ગેસ્ટ (1957), જબ પ્યાર કિસી સે હોતા હૈ (1961), ફિર વહી દિલ લાય હું (1963), તિસરી મંઝીલ (1966) જેવી સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા હતા.

પણ કોલેજ કાળમાં તેમણે એક ફિલ્મની વાર્તા લખેલી જેમાં રામૈયા નામનો એક શિક્ષિત યુવાન સંજોગોવસાત પોતાના પિતા સાથે મિલમાં મજૂરી કરે છે. આ ફિલ્મ માટે આશા પારેખને સાઈન કરવામાં આવી. આશા પારેખ તે વખતે એક ટોચની અભિનેત્રી હતી અને તેની 27 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી હતી. તેને નાસિર હુસૈનની સ્ક્રીપ્ટ પર અને રાજેશ ખન્ના પર – બંને પર વિશ્વાસ નહોતો આવતો. છતાં નાસિર સાથે ‘તિસરી મંઝિલ’ કરી હતી એટલે આશા પારેખે આ ફિલ્મ માટે હા પાડી. ફિલ્મનું નામ રખાયું – ‘બહારોં કે સપનેં’!

નાસિર હુસૈનની એક આદત હતી. તે પોતાની ફિલ્મનો પ્રિમિયર શો શ્રોતાઓની સાથે બેસીને જોતાં. ‘બહારો કે સપનેં’ ફિલ્મ જોવા પણ તે ગયાં પરંતુ શ્રોતાઓની વાતો સાંભળીને નારાજ થઈ ગયાં. શ્રોતાઓ ફિલ્મનો અંત જોઈને ગુસ્સે થઈને નાસિરને ગાળો દેવા લાગ્યા. પ્રિમિયરમાંથી બહાર નીકળી નાસિરે તરત જ પોતાની ટીમને ઘરે બોલાવી અને ફિલ્મનો છેલ્લો સીન (જે પહેલા દુઃખી દેખાડવામાં આવેલો) હતો તે બદલાવીને ‘હેપ્પી એન્ડિંગ’ કરવાનું વિચાર્યું.

બે દિવસ લગાતાર શૂટીંગ કરીને ફિલ્મનો અંત ભાગ બદલ્યો પણ થવાનું હતું તે તો થઈ ગયેલું. નાસિરને ભૂલ ભારે પડી અને તેણે નક્કી કર્યું કે આવી દુઃખી અંત વાળી ફિલ્મ ક્યારેય બનાવવી નહીં. ફિલ્મ ન ચાલી પણ તેનું સંગીત લોકોને ગમ્યું. આર.ડી. બર્મને આ ફિલ્મમાં પહેલી વાર રાજેશ ખન્ના માટે સંગીત આપ્યું. ફિલ્મના બે ગીત ‘चुनरी संभाल गोरी…’ અને ‘आ जा पिया तोहे प्यार दू…’ ખૂબ જ વખણાયા.

***

રાજેશ ખન્નાની અત્યાર સુધી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ પણ નબળી કે એવરેજ રહી. ફિલ્મજગતમાં દિલીપ કુમાર અને દેવ આનંદ કોઈ પ્રકારની ઢીલ મૂકવા તૈયાર નહોતા. નવા કલાકારો સુનીલ દત્ત, મનોજ કુમાર અને રાજ કુમાર પણ સફળ થવા લાગ્યા હતાં. રાજેશનો જૂનો મિત્ર જીતેન્દ્ર પણ ‘ફર્ઝ’ સાથે કામિયાબ ગણાવા લાગ્યો.

રાજેશ ખન્નાની હવે ચોથી ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ દક્ષિણ ભારતની પ્રસિદ્ધ અભિનેત્રી પદમિનીની તામિળ હીટ ફિલ્મ ‘ચીથી’ પર આધારિત હતી. ફિલ્મનું હિન્દી નામ ‘ઔરત’ અપાયું. તેમાં હીરોઈન નાઝીમા સાથે રાજેશ ખન્નાએ પહેલો વહેલો લોકોને યાદ રહે તેવો રોમેન્ટિક સીન આપ્યો. ‘शोला उल्फत का भडका कर…’ ગીત લોકોને ગમ્યું. આ ફિલ્મમાં પદમિની અને પ્રાણ જેવા દિગ્ગજ કલાકારો હોવા છતાં રાજેશ ખન્નાનો અભિનય વખણાયો.

United Producers Combineની 12 દિગ્ગજોની ટીમ ભલે જનતા સામે શાંત હતી પણ તેમની ઓફિસોમાં બંધબારણે ઉગ્ર ચર્ચાઓ થતી. રાજેશ ખન્ના પરનો વિશ્વાસ તૂટતો જતો હતો. ચાર ફિલ્મો આવી પણ કંઈક ખૂંટતું હતું.

***

1950ના દશકમાં શક્તિ સામંત કલકત્તાથી બોમ્બે આવેલા અને 1958માં અશોક કુમાર-મધુબાલા અભિનીત ‘હાવડા બ્રિજ’ ફિલ્મથી પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ – શક્તિ ફિલ્મ્સ! એ પછી 1962માં ‘ચાઈનાટાઉન’ ફિલ્મનું નિર્માણ કર્યુ અને 1964માં ‘કશ્મીર કી કલી’ દ્વારા શર્મિલા ટાગોરને બંગાળી ફિલ્મોમાંથી બોલીવુડમાં લાવ્યા.

શમ્મી કપૂર સાથે શક્તિ સામંતને સાથે એટલું ફાવી ગયેલું કે શમ્મી અને વિનોદ ખન્નાને લઈને સામંતને એક ફિલ્મ બનાવવી હતી. પરંતુ 1965માં ગીતા બાલીનું અકાળે મૃત્યુ થયુ ત્યારે શમ્મી કપૂર અંદરથી તૂટીને ડીપ્રેશનમાં સરી ગયેલા. દિવસો-મહિનાઓ-વર્ષો સુધી તેઓ શૂટીંગ કરવા તૈયાર જ ન હતા. શક્તિ અને શમ્મી ગાઢ મિત્રો હતા એટલે તેમણે એ ફિલ્મને થોડો વિરામ આપવાનું નક્કી કર્યું. જો કે તે ફિલ્મ તો 1971માં રિલીઝ થઈ પણ ખરી, જેનું નામ હતું ‘જાને અન્જાને’!

આ દરમિયાન સામંતને થયું કે નવરા બેસવા કરતા પેલી સ્પર્ધાના વિજેતા રાજેશ ખન્ના સાથે ફટાફટ એક ફિલ્મ બનાવી નાખવી. ‘બહારોં કે સપને’માં શક્તિ સામંતને રાજેશ ખન્નાનો અભિનય ગમેલો, અને તેમને ખાત્રી હતી કે રાજેશ ખન્ના એકલેપંડે આખી ફિલ્મ ખેંચવા સક્ષમ છે. તેમને એક એવો વિષય પસંદ કરવો હતો જે યુનાઈટેડ પ્રોડ્યુસર્સમાંથી કોઈએ વિચાર્યો ન હોય.

એક સાંજે રાજેશ ખન્ના પોતાની શેવરોલે (Chevrolet) કાર લઈને શક્તિ સામંતને ઘરે ગયા. શક્તિ અને ફિલ્મના લેખક સચિન ભૌમિકે ફિલ્મની વાર્તા સંભળાવી. એ સમયે લગભગ ફિલ્મો હીરોને કેન્દ્રમાં રાખીને લખવામાં આવતી. છતાં શક્તિ સામંતે લેખકને હીરો અને હીરોઈન બંનેને કેન્દ્રમાં રાખીને ફિલ્મની વાર્તા લખવા કહ્યું. આ ફિલ્મનું નામઃ ‘આરાધના’!

‘આરાધના’ વખતે શર્મિલા ટાગોર એક હીટ હીરોઈન હતી. ઓલરેડી ‘કશ્મીર કી કલી’, ‘વક્ત’, ‘યે રાત ફીર ના આયેગી’, ‘એન ઈવનીંગ ઈન પૅરિસ’, ‘આમને સામને’, ‘મેરે હમદમ મેરે દોસ્ત’, ‘હમસાયા’ જેવી સુપર હીટ ફિલ્મો આપેલી. 1966ના ફિલ્મફેર મેગેઝીનના કવર માટે શર્મિલાએ બિકિની પહેરીને ફોટોશૂટ પણ કરાવેલું. ‘આરાધના’માં બાપ અને દીકરો એવા બે રોલ કરવાના હતા, જેમાંથી એક રોલ રાજેશ ખન્નાનો હતો.

ફિલ્મ માટે કોઈ પચ્ચીસેક વર્ષના લવરમૂછિયાની શોધ ચાલુ હતી જે દીકરાનો રોલ કરી શકે. પણ એ દીકરાની મા નો રોલ શર્મિલા ટાગોર જેવી હીટ હીરોઈન શા માટે કરે? એવા વિચારથી શક્તિ સામંતે અપર્ણા સેનને આ ફિલ્મ માટે વાત કરી. પણ છેવટે તારીખ ન મળતા, સામંતે શર્મિલાને ‘આરાધના’ માટે મનાવી લીધી. શર્મિલા જેવી ફિલ્મ માટે તૈયાર થઈ, શક્તિ સામંતે રાજેશ ખન્નાને સાથે લઈને ‘આરાધના’નું શૂટીંગ કરવાની તૈયારી બતાવી. હજુ 25 વર્ષના દીકરાના રોલ માટે હીરો શોધવાનો બાકી હતો.

એ સમયમાં ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ એકબીજાને પોતાની ફિલ્મોની એકાદ-બે રીલ બતાવીને અભિપ્રાય લેતાં. શક્તિ સામંત બોમ્બેના ફેમસ સ્ટુડિયોમાં પોતાની ઓફિસમાં બેઠેલા ત્યારે નિર્માતા સુરીન્દર કપૂરે તેમને એક ફિલ્મની બે-ત્રણ રીલ દેખાડવા બોલાવ્યા. ફિલ્મ હતી – ‘એક શ્રીમાન એક શ્રીમતી’ (1969).

ફિલ્મ જોતાં જોતાં સામંતને થયું કે ‘આરાધના’ અને ‘એક શ્રીમાન એક શ્રીમતી’ના લેખક એક જ છે, અને બંને ફિલ્મનો અંત પણ સેમ-ટુ-સેમ છે. તેમને ગુસ્સો આવ્યો. પોતાની ઓફિસમાં જઈને સચિન ભૌમિકને ફોન કરી બોલાવ્યા. બંને વચ્ચે આ બાબતે ઉગ્ર ચર્ચા થઈ. ભૌમિકે સામંતને કહ્યું પણ કે બંનેનો અંત ભલે સરખો લાગતો હોય પણ બંનેની વાર્તા મેં અલગ અલગ લખેલી છે.

હવે ‘આરાધના’ ફિલ્મને શરૂ કરવી કે કેમ એ પ્રશ્ન હતો…

ક્યા જવાબ હૈ આપકા?

‘કશ્મીર કી કલી’ની હીટ જોડી શમ્મી કપૂર-શર્મિલા ટાગોરને લઈને શક્તિ ફિલ્મ્સની હજુ એક ફિલ્મ બની. દુર્ભાગ્યે ફિલ્મની રિલીઝ થતાં જ 3 અઠવાડિયા માટે ‘ઑલ ઈંડિયા થિયેટર ઓનર્સ’ હડતાલ પર ઊતર્યા. ફિલ્મ લગભગ ફ્લોપ થશે એવું સહુએ માની લીધું. તેમ છતાં આ ફિલ્મે નિર્માતાની મૂડી તો વસૂલ કરાવી આપી અને એક હરહંમેશ યાદ રહે તેવી સંગીતમય ફિલ્મ તરીકે પણ પ્રસિદ્ધ થઈ. તે ફિલ્મ કઈ?

ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र : ભાગ 1

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here