“સમોવડીયા સમાજ” ની સાચી સમજથી સજ્જ થશે જ્યારે તમારું ઘર…

0
16060
Photo Courtesy: shutterstock.com

બધાં જાણે છે કે “ઘર” એટલે માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવી અલૌકિક જગ્યા જ્યાં એક કુટુંબના વર્તમાનનો ઉછેર અને ભવિષ્યનું સિંચન થાય છે !! ઘર એટલે દરેક સભ્યોનાં માન-સમ્માન અને લાગણીઓનો સમાવેશ કરવાનું સ્થળ. વ્યક્તિઓ ગમે તેટલી હોય, બે, પાંચ કે દસ, ઘરમાં જો પ્રેમ સાથે લાગણીઓને સ્થાન હોય, તો એ ઘર પૃથ્વી પરના સ્વર્ગ સમાન છે.

Photo Courtesy: shutterstock.com

આજે Sunday કીટ્ટીમાં એવા સમાજની  વાત કરવી છે જ્યાં ઘરનાં સભ્યને પોતાનું મંતવ્ય આપવાનો અધિકાર તો છે પણ નિર્ણયોમાં ભાગીદાર બનવાનો અધિકાર કાંઈક અંશે નથી.

માત્ર ભારત દેશની વાત કરીએ તો હજી આપણે આપણી સમજને “બેટી બચાવો, બેટી ભણાવો” અભિયાન સાથે જ સાંકળીએ છીએ. એનાથી ઉપર આવવાની ક્યાં તો આપણામાં હિંમત નથી અથવા તો એ જીગર નથી. ભારત એક વિકસિત દેશ છે. આટઆટલાં વર્ષો પછી પણ દેશની પ્રજાને દીકરીઓના જન્મની ઉજવણી કરવા માટેના પ્રોત્સાહન આપતાં ભાષણોની જરૂર પડે છે.

આ પ્રચાર, ભણેલા ગણેલા સમાજને પણ લાગુ પડે જ છે. તો બીજી બાજુ, એ જ દીકરી જે મોટી થઈને સાસુ બને છે અને વહુના આવ્યા બાદ પોતાના દીકરાઓના ઉછેર પ્રત્યે શંકા વ્યક્ત કરે છે, તેવા સમાજનો પાયો પણ ઘણો મજબૂત છે. એટલે વિચાર કરજો કે પછાતપણામાંથી આપણે હજી કેટલું ઉપર ઉઠવાનું છે!!

જે સમાજ (અહીં માત્ર સ્ત્રી લક્ષી સમાજની વાત નથી) દીકરીઓના જન્મને વધાવી ન શકે, કે પછી દીકરા પર ભવિષ્યની જવાબદારીનો બોજો જન્મથી જ નાખે, તે સમાજ પોતાનાં બાળકોની લાગણીઓને વાચા ક્યાંથી આપી શકવાનો? આ એક સળગતો પ્રશ્ન છે.

પરંતુ જો અંગત અભિપ્રાય આપું તો આ પ્રકારના સમાજની ઉત્પત્તિમાં હું “સ્ત્રીઓ” ને પણ સહભાગી ગણું  છું અને એમાં કોઈ બેમત નથી. શું છે આ “પુરુષ પ્રધાન” સમાજ? ક્યાંથી એનો ઉદભવ થયો? આ નિયમ કોણે બનાવ્યો? ઘણા પ્રશ્નો છે, જેનાં જવાબ શોધવા અઘરા છે, એટલે જવાબ મળવા સુધીની સફર તો એનાથી પણ અઘરી હશે.

આ તો એક સળગતો મુદ્દો છે જ પણ મારા વિચારો મુજબ એક સાદી વ્યાખ્યા આપું તો પુરુષ પ્રધાન સમાજ જેને આપણે અંગ્રેજીમાં Male Dominated Society કહીએ છીએ, તેનો ઉદભવ, એક અવિકસિત, અણઘડ, ઘમંડી અને કાંઈક અંશે સ્વાર્થી સમાજે કર્યો હશે. એના વિકાસના પાયામાં સ્ત્રી અને પુરુષ, બંનેએ પોતાની સમજનાં સ્તર પાથર્યા હશે. ક્યારેક તો મને એવું લાગે છે કે ઘર ની “સ્ત્રી” એ જ પોતાનાં ઘમંડ અને અહંકારને સંતોષવા માટે આ માયાજાળ રચી છે. તો ક્યારેક એવું પણ લાગે કે ખરેખર પુરુષોને આ પ્રથા એટલી વહાલી છે કે તેઓ પોતાના સ્વાર્થ ખાતર સ્ત્રીને દબોચીને રાખવામાં શૂરવીરતા અનુભવે છે. એક બહુ મોટી અસમંજસ છે આ પાછળ.

કેવું રહે? જો એવું શિક્ષણ આપવામાં આવે કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાનાં પર્યાય છે!! એકબીજાનાં અભિન્ન અંગ, જેને ક્યારેય એકબીજાનાં માન-સમ્માન માટે માથું ઊંચક્વાની જરૂર ન પડે!! પુરુષે પણ જાહેરમાં વર્તન કરવામાં કાળજી રાખવી પડે. પોતાની માતા, પત્ની, દીકરી, વહુ… વિગેરે સંબંધોને સહજતાથી આવકારી, તેઓને પણ તેમનાં અભિપ્રાય વ્યક્ત કરવામાં મદદરૂપ થવું જોઈએ. સામે પક્ષે, આ દરેક સંબંધ નિભાવતી સ્ત્રીએ, પોતાનાં બુદ્ધિબળથી સંબંધને મજબૂત બનાવવા માટે તૈયાર થવું જોઈએ.

મેં ઘણી વખત અનુભવ્યું છે કે સ્ત્રી પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ઘર નાં બધાં જ મેમ્બર્સ સામે “બિચારી” બીરૂદ પ્રાપ્ત કરે છે. પુરુષોને આંખે કરીને પોતાના અહંકારને સંતોષે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કોઈ પણ સ્ત્રી પાસેથી કે , “અમારા ઘરમાં તો” એમને” આમ ન ગમે, આમ ન કરીએ, કે પછી અમારા ઘરમાં તો આમ જ હોય..” આ નિયમોનો ઉદભવ કરનાર કોણ? પુરુષ પોતે કે પછી સ્ત્રી?

બહુ ઊંડાણમાં ન જતાં, એક અત્યંત જરૂરી ચર્ચા કરીશ કે જો આપણે એક જવાબદાર, સંયમી, શિક્ષિત તથા સમર્પિત મનુષ્ય છીએ, તો આપણી આસપાસ જો આપણે કોઈ પણ પ્રકારની નેગેટીવ વિચારધારા ધરાવતા વર્ગ સાથે સંપર્કમાં આવીએ, તો તરત જ એના સંપર્કને તિલાંજલિ આપવામાં સમજદારી છે. સ્ત્રી કે પુરુષ, આજ સુધી બંનેમાંથી કોઈ પણ, કોઈની ઉપર રાજ કરી શકે તેમ નથી.

“સમોવડીયા સમાજ” ને આવકારવામાં જ આપણી બુદ્ધિમત્તાનો પુરાવો છે. આ પ્રકારનાં મનુષ્યોથી સાવધાન રહી, આપણા ઘરને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવવાની દિશા તરફ આગળ વધીએ.

અસ્તુ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here