Reliance Jio ની નવી રણનીતિનો ટેલિકોમ ક્ષેત્ર માટે શો મતલબ છે?

0
344
Image Courtesy: Hindustan Times

જેટલા વાચકો પાસે Reliance Jio નું કનેક્શન હશે તેમને માર્ચ મહિનાના અંત સુધીમાં પોતપોતાની My Jio એપમાં એક સારા સમાચાર આવી ગયા હશે. Reliance Jioએ તેની Prime Membershipને એક વર્ષ સુધી કોઇપણ નવા ચાર્જ લીધા વગર આગળ વધારી આપી છે. યાદ રહે ગયા વર્ષ સુધી ગ્રાહકે Reliance Jio Prime Membership માટે 99 રૂપિયા આપવા પડતા હતા. Prime Membershipનો મતલબ એવો હતો કે ગ્રાહક તેના Reliance Jio કનેક્શન દ્વારા કંપનીની વિવિધ સેવાઓનો મફતમાં ઉપયોગ કરી શકે.

Image Courtesy: Hindustan Times

Reliance Jioના Prime Membershipને એક વર્ષ માટે મફત કરી દેવાના નિર્ણય પાછળનું કારણ ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાતો એક વિચારીને અપનાવવામાં આવેલી રણનીતિ બતાવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રમાણે એક વર્ષ Prime Membership ફ્રી માં આપીને Reliance Jioએ પોતાના ગ્રાહકોને જાળવી રાખ્યા છે. હાલમાં ટેલિકોમ ક્ષેત્રમાં ગળાકાપ સ્પર્ધા છે અને એવામાં કોઇપણ કંપનીને પોતાના હાલના ગ્રાહક ગુમાવવાનું પોસાય તેમ નથી. નિષ્ણાતો એમ પણ માને છે કે Reliance Jioના આ નિર્ણયથી તે નવા ગ્રાહકોને પણ આકર્ષી શકશે કારણકે નવા ગ્રાહકો પણ આવતા વર્ષે આ પ્રકારની કોઈ ઓફર પોતાને પણ મળશે એવી આશા રાખી શકે છે.

તમને ગમશે: વિશ્વભરના ટેનીસ ખેલાડીઓને નડી રહ્યો છે એક શ્રાપ

Reliance Jio પાસે અત્યારે 175 મિલિયન ગ્રાહકો છે અને આ તમામ હવે એક આખા વર્ષ માટે Reliance Jioને Prime Membership માટે એક નવો પૈસો પણ નહીં આપે, તો શું તેનાથી Reliance Jioને કોઈ ફરક પડશે? મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે તમામ પ્રકારના ખર્ચ અને વિવિધ કર એટલેકે ટેક્સીઝ બાદ કર્યા બાદ Reliance Jioને પોતાના તાજા નિર્ણયથી આવકમાં 7% જેટલો મામુલી ફરક પડશે, પરંતુ તે ફરક તે નવા ગ્રાહકો ઉમેરાવાથી પૂરો કરી શકશે. આ ઉપરાંત તેના હાલના ગ્રાહકો ક્યાંય નહીં જાય તે તેના માટે વિશેષ ફાયદો બની રહેશે.

ડિસેમ્બર 2016ના 6.40%ની સરખામણીએ Reliance Jioનો માર્કેટ શેર ડિસેમ્બર 2017માં બમણો થઈને 13.71% થઇ ગયો હતો.

Citi રિસર્ચ સેન્ટરના એક અભ્યાસ અનુસાર ભારતમાં ટેલિકોમ સ્પર્ધા આવનારા સમયમાં ચાલુ રહેશે. Prime Membership ન લેવાના નિર્ણય સિવાય Reliance Jio આવનારા વર્ષમાં કોઈ બીજો આક્રમક નિર્ણય નહીં લે તેની કોઈજ ગેરેંટી ન હોવાનું આ અભ્યાસમાં જણાવાયું છે. Citi રિસર્ચ સેન્ટર એમ પણ કહે છે કે ભારતમાં નાની ટેલિકોમ કંપનીઓનો મૃત્યુઘંટ લગભગ વાગી ચૂક્યો છે અને એક સમય એવો આવશે કે માત્ર ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ પોત પોતાનો માર્કેટ શેર બચાવવામાં બિઝી રહેશે.

Reliance Jioના આ આક્રમક ટેરિફ પ્લાનને લીધે Bharti Airtel, Vodafone અને Ideaને પોતાના ટેરિફ પ્લાન્સ Reliance Jio સાથે મેચ કરવાની ફરજ પડી છે અને તેને કારણે તેમની આવકમાં જબરદસ્ત ઘટાડો થયો હોવાનું કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીઝનું કહેવું છે. જો Reliance Jio આવનારા દિવસોમાં હજી પણ પોતાના ટેરિફ નીચે લઇ જશે તો આ કંપનીઓને વધુ સહન કરવાનું આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here