સોનેરી શહેર જેસલમેર પ્રવાસ – ભાગ 2: ફોર્ટ અને હવેલીની યાદગાર મુલાકાત

0
13
Photo Courtesy: rajasthandirect.com

હોટેલ સ્ટાફ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે જેસલમેર ફોર્ટ જોવો હોય તો સવારે 7 વાગ્યે નીકળી જવું. કેમકે બપોર થતાં અસહ્ય ગરમી પડે છે અને ઉપર તો ઉભી જ ન શકાય એટલી હદે ગરમી લાગે છે. તે પહેલા નીચે આવી જવું જોઈએ. કોઈ પણ યાત્રાધામ કે ટુરિસ્ટપ્લેસની જેમ અહીં પણ ચોળાયેલા “સરકાર માન્ય” લખેલા બિલ્લાવાળા ગાઈડો તમને ઘેરી વળે અને સોદાબાજી શરુ  કરી દે. એક સફેદવાળવાળા ગાઇડને પસંદ કર્યો. ફોર્ટ પર રહેવાસીઓ, દુકાનો, પ્રવાસન સ્થળો અને મંદિરોની મિશ્ર વસ્તી રહે છે.

Photo Courtesy: rajasthandirect.com

એક પથ્થરનું વાસણ ખરીદ્યું  કે જેમાં તમે આપોઆપ વગર મેળવણે દૂધમાંથી દહીં કરી શકો. રોગોનો ઇલાજ કરતા ફોસિલ્સ જોયા. તેઓના મતે એક ઘર બાંધવા પહેલાં ખરાબ ઊર્જા દૂર કરવા એનો પાયામાં દાટવા ઉપયોગ થાય છે.

એક સંગ્રહાલય જોયું જેમાં એક સુંદર રાણીની જીવંત પ્રતિમા સંપૂર્ણપણે અલંકારો સાથે અરીસામાં પોતાને શણગારેલી જોતી, દરબારની બેઠક વ્યવસ્થા, રાજાઓના હથીયારો, યુદ્ધો વગેરેનાં ચિત્રો, મોડેલો હતાં. ફોર્ટ ની બહાર નીકળતા પહેલાં તમારે તમામ 30 વિભાગોની મુસાફરી કરવીજ પડે છે. ક્યારેક મોબાઇલ ટોર્ચ જરૂરી બને એટલું અંદરથી અંધારું હોય છે.

સોનેરી શહેર જેસલમેર અને તેની એક યાદગાર મુલાકાત – ભાગ 1

પિત્તળની તોપ પાસેથી શહેરના દૃશ્ય ઉત્કૃષ્ટ હતાં. પથ્થરનો ગોળો ટોચ પરથી તોપ દ્વારા ફેંકવા માટે વપરાય તે જોવા રાખેલો. ફોર્ટ બહાર હારબંધ દુકાનો કુદરતી રંગો અને હાથથી બનાવેલી બાંધણીઓ વેચાતી હતી. સુંદર પથ્થરની કોતરણી વાળા  જૈન અને હિન્દૂ મંદિરો પણ જોયાં. ફોર્ટ પર તેઓ વાંસનાં શુભ શુકન સૂચવતાં તોરણો બાંધે છે. ભગવાન ગણેશની મૂર્તિ ટોચ પર છે. સોનાના ઢોળવાળું એક મંદિર વિષ્ણુ અને લક્ષ્મીનું છે. તેના માટે સોનાના ઢોળવાળો દરવાજો બનાવવામાં આવ્યો હતો.

હોટેલની રૂફ ટોપ પર લંચ લઇ શકાતું હતું. સ્વાદિષ્ટ  ભોજન. રાજસ્થાની સ્પેશિયાલિટી લાલ માંસ, પંચ દાળ,  વગેરે અને રોટી, લસ્સી. સાંજે બુકિંગ માટે રાજસ્થાન રાજ્યની બસના બુકિંગ માટે ગયા. અહીં કાઉન્ટર ખાલી હતું. ત્યાંથી હનુમાન ચોરાહા ગયા. પ્રાઇવેટ ઓપરેટર સોઢા ટ્રાવેલમાં બીજે દિવસે સાંજે 5 PMની બસ બુક કરી. નજીકના મહેલ અને ખાદી ભંડાર જોવા ગયા હતા. સુંદર ભેટ સંગ્રહો. મને જરા એ બધું ખર્ચાળ લાગ્યું. પેલેસમાં રાજા દ્વારા ઉછેરવામાં આવતી ઘણી તંદુરસ્ત ગાય હતી.

હોટેલ નજીક ગડીસર તળાવ ગયાં. પેડલ બોટ ½ કલાક સવારી રૂ.100 માં પસંદ કરી. બોટની વિરુદ્ધ સાઈડના કિનારા નજીક કાદવમાં ફસાયા અને અન્ય હોડીએ ઉગાર્યા. તેમણે જણાવ્યું કે ઉનાળામાં પાણી સુકાવા આવ્યું છે એથી પાણી ઓછું અને કાદવ વધુ છે.

ત્યારબાદ નજીકમાં આવેલા મ્યુઝિયમમાં ગયાં. અહીં આધુનિક વખતનો પપેટ શો જોવા મળયો. કઠપૂતળી, ગણેશ નૃત્ય અને આશીર્વાદ સાથે ગણેશ વંદના. જેમાં પલ્લો લટકે અને લીંબુડા લીંબુડા જેવા નૃત્યો જોયાં, તાજેતરનું પ્રેમ ગીત અને રમકડા માટે રડતા નાના છોકરાની એક વાર્તા, હિન્દી ફિલ્મ ગીતો અને તેની અભિવ્યકિત. એક ઊંટ સવારી, એક સાચા ઊંટના જેવું કઠપૂતળી ઊંટ ચોક્કસ શૈલીથી, બેસવામાં, ઉભા ચાલવામાં વળાકો લેતું દર્શાવ્યું. યુદ્ધ બતાવ્યું અને પછી વિવિધ જૂના સોપારી કટીંગ સૂડીઓ, સંગીતવાદ્યો વગાડવા, સામગ્રી લખવાનું પુણેના કેળકર જેવું સંગ્રહાલય તથા પત્ર લખવા માટેના જુના સાધનો, પ્રાચીન સ્ક્રિપ્ટો, વિષ્ણુ પુરાણ, પાઘડી, દૈનિક જીવનની વસ્તુઓ, જૂની સ્થાનિક ઘંટી, ઊંડી વર્ષ ભરનું અનાજ સાચવતી કોઠી વગેરે જોયું.

આગળ દુકાનમાં એક મોટું લાકડાનું સાંબેલું જોયું જે ચણાનો લોટ મોટા સમૂહમાં ગરમ કરવા માટે વપરાય છે. સારી સુવાસ હતી. તેમણે જણાવ્યું હતું કે તે “ઘોટવા લાડુ” સ્વીટ તમે પખવાડિયા માટે સાચવી શકો છો.

ઓપન હોટેલ ટેરેસ પરથી ઠંડી પર્વતીય લહેર માણી. ચંદ્ર પ્રકાશથી પરાવર્તિત પીળા પત્થરોનાં મકાનો સોનાના રસ ઢોળેલ લાગતા હતાં. શાંત મૃદુ રાત્રિમાં રણ વચાળે આવેલું આ શહેર જોવાનો અંતિમ આનંદ માણ્યો।

દિવસ 3

બોનસ  દિવસ. 5PM પર જ બસ હતી.  સમય પસાર કરવા હેવી બ્રેકફાસ્ટ મગાવ્યો. અલગઅલગ આઇટમો હતી. તેઓ ફળ, રસ અને લીલી અથવા આયુર્વેદિક ચા સાથે કોન્ટિનેન્ટલ નાસ્તો પણ  જો તમને પોસાય તો આપે.

પટવા હવેલી ગયાં. છત સોનાની ઉપર હાથીદાંતના નકશીકામ સાથે ઢોળ ચડાવેલી હતી. બારીઓ પર બેલ્જિયમ કાચ. 200 વર્ષ+ જુના અરીસાઓ છતાં સ્પષ્ટ છબી દર્શાવે. ઘણા ચામાચીડિયાં લટકેલાં. ગાઈડે જણાવ્યું કે શેઠે 5 પુત્રો માટે હવેલી બાંધેલી અને એક ખાનગી શેઠ દ્વારા ખરીદવામાં આવેલી. 1974માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા શેઠે જાહેર કરેલી કિંમતે ખરીદવામાં આવેલી. કહે છે શેઠે કિંમત 25 લાખ કહી, સરકારે 25 લાખ આપી એને રાતોરાત હસ્તગત કરી લીધી, જેની કિંમત કરોડોની છે!! સ્લાઇડિંગ પત્થરો, જ્વેલરી, હીરા રાખવા ભીંતની અંદર છુપા કબાટો, અને માત્ર તેઓ જ જાણતા હતા કે જ્યાં વસ્તુઓસોનું, ઝવેરાત રાખવામાં આવે છે તેવી જગાઓ. કોર્ટ રૂમ, કુદરતી રંગો, ચતુર વ્યવહારુ, દૂરદર્શી શેઠની પેઢી, રસોઈ સામગ્રી રાખવા માટે રસોડું, છુપા સ્લોટ્સ, ધુમાડા વગર રસોઈની જગ્યા જોઈ. સરસ ભીંતચિત્રો સાથે મહેમાન રૂમ, ગુપ્ત ચોપડા, ઓફિસ કમ ટ્રેડિંગ રૂમ રાખવા માટે સ્થળ, શેઠના મુલાકાતીઓને બેસવા માટે જગા વગેરે. અને ખાસ બીચ્છુ તાળાઓ ખાસ ટેકનિક સાથે ખોલી/બંધ કરી શકાય એ જોયું.

શેઠનો છેક ચાઇના અને અફઘાનિસ્તાન, ઈરાન સુધી રેશમ, મસાલા અને કાપડ પર જરીકામ જે પટવારી  કહેવાય તેનો વેપાર હતો. પછી સ્વતંત્રતા બાદના નિયમોમાં ઘણી વસ્તુઓ અટકાવવામાં આવી, રેડ પડી, દંડ થયા જેથી તેઓ ત્રાસીને વિદેશ જતા રહ્યા હતા. હવે એ હવેલીમાં ચામાચીડિયાઓ સોનાની છતો પર લટકે છે. ત્યાંના લોકો માને છે કે ચામાચીડિયાં કુદરતી મૃત્યુ એ નથી મરતાં. બિલાડીઓ વગેરે તેમને ખાય તો જ  તેઓ મુક્તી મેળવે.

કલાત્મક મયુરાસન, શીશમહેલ વગેરે જોયાં. ભોજન માટે ચાંદશ્રી હોટેલ ગયા. ગટ્ટા કા શાક અને કેર સાંગળી – વિખ્યાત સબ્જી અને રાજસ્થાની થાળીનો છેલ્લો સ્વાદ લીધો. પાછા હોટેલ જેસલમેર પેલેસ ગયા. હનુમાનચોરા જવા માટે હોટેલ છોડી દીધી. સાંજે 5 વાગ્યે ઉપડેલી બસ RTO અમદાવાદ સવારે 3.30 વાગ્યે પહોંચે છે.

જેસલમેર એટલે સુંદર અનુભવ અને પ્રમાણમાં ઓછી ભીડવાળું સ્થાન. લોકો સરહદી મારવાડી બોલે અને ગાઈડ વગેરે ફ્રેન્ચ, ઈંગ્લીશ વગેરે બોલી શકે છે, પરંતુ  કેટલાક દુકાનદારો પણ હિન્દી ન સમજે.તેમને કોઈ ભાષા આવડતી નથી. એકલી સરહદી જ. કોઈપણ પ્રવાસી સ્થળ માટે  કિંમતો નક્કી કરવી અને યોગ્ય ગાઈડ કાળજીપૂર્વક પસંદ કરવો જરૂરી છે.

રણ ઉપરનું સરહદી શહેર, ફોર્ટ, હવેલી અને રેતીના 40 કી.મી. દૂર આવેલા ઢૂવાઓ ગમ્યા. યાદગાર, લેવા જેવો અનુભવ.

સંપૂર્ણ.

eછાપું

તમને ગમશે: ઓનલાઈન પ્રાઈવસી ભાગ 2- મોબાઈલ ફોન અને પરમીશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here