ભારતમાં ‘એક રાષ્ટ્ર, એક ટેક્સ’ની જેમ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની શક્યતાઓ કેટલી?

0
443

ભારતના એક નાગરિક તરીકે, સોરી! એક જાગૃત નાગરિક તરીકે કદીયે તમને એવો વિચાર આવ્યો છે કે દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં યોજાતી ચૂંટણીઓમાં કેટલો ખર્ચ થાય છે? ખર્ચ કરતાં પણ મોટી વાત તો એ છે કે ચૂંટણી વખતે આપણા દેશના ડીફેન્સના જવાનો અને અસંખ્ય સરકારી કર્મચારીઓ ચૂંટણીક્ષેત્રમાં પોતાની ફરજ બજાવતા હોય છે. દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે કરોડો રૂપિયાના ધુમાડાની સાથોસાથ સરકારી કર્મચારીઓના એક પ્રકારના શ્રમયજ્ઞનો પણ ધુમાડો થતો જોવા મળે છે.

પરંતુ 1968 પહેલા આવું નહતું. 1951,1957,1962 અને 1967 સુધી આપણા દેશમાં આખા દેશમાં અને બધા રાજ્યોમાં એકસાથે જ ચૂંટણી થતી હતી. પણ 1969માં સરકાર કાર્યકાળ પહેલા જ પડી જવાના કારણે આ ચક્ર આખું ખોરવાઈ ગયું અને ક્રમશઃ આજની પરીસ્થિતિ આપ જોઈ શકો છો.

હવે જો તમને 2014ની ચૂંટણી વખતનો એનડીએ સરકારનો ચૂંટણી ઢંઢેરો યાદ હોય તો તેમાં એક વાતનો ઉલ્લેખ કરાયેલો હતો કે જો અમારી સરકાર આવશે તો “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ની પદ્ધતિ ભારત દેશમાં અમલી કરવામાં આવશે.

Photo Courtesy: hwnews.in

આ પહેલા 1999ની કાયદા સમિતિ દ્વારા પણ આ દિશામાં સૂચનો આપવામાં આવ્યા. 2012માં એલ.કે.અડવાણીએ પણ આ બાબત પર જોર આપ્યું ત્યારે એ વખતના વડાપ્રધાન મનમોહનસિંહ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

આ વાતને બે વર્ષ વીત્યા બાદ માર્ચ 2016માં એક સર્વદળીય બેઠકમાં પણ આ વિષય અંગે ચર્ચા થઇ. સપ્ટેમ્બર 2016માં મોદી સરકાર દ્વારા “MY GOV” પોર્ટલ પર આ વિષે એક પબ્લિક વોટીંગ પણ કરાવ્યું હતું. ભારતનું ચૂંટણી પંચ સપ્ટેમ્બર 2018થી આ મુદ્દો અમલી બનાવવા માટેની કટિબદ્ધતા દર્શાવી ચુક્યું છે. તો આપણે અહી એ જોઈશું કે ટેક્સ સીસ્ટમમાં જેમ “વન નેશન,વન ટેક્સ”ની નીતિ અમલી બની એ રીતે “વન નેશન,વન ઈલેક્શન” ભારત દેશમાં આવે તો એના સમર્થન અને વિરોધના મુદ્દાઓ શું હોઈ શકે.

લાગતું વળગતું: સ્વિડન પાસે એ ચૂંટણી મંત્ર છે જે ભારત અપનાવવા માંગે છે

“એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ની તરફેણ કરતા મુદ્દા:

દરવર્ષે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી કરવાથી ખર્ચો અને માનવ સંસાધનોનો કેવી રીતે વ્યય થાય છે એ શરૂઆતમાં આપણે જોયું.

બીજો મુદ્દો એ છે કે દર વર્ષે ચૂંટણી આવે એટલે પોતાની સાથે “આચારસંહિતા” લઈને આવે છે. આચાર સંહિતા દરમિયાન સરકારની તમામ યોજનાઓ સ્થગિત કરી દેવામાં આવે છે. મતલબ કે તંત્રમાં એક પ્રકારનો પોલીસી પેરાલીસીસ જોવા મળે છે.

રખેને કેન્દ્ર સરકાર કોઈ એક રાજ્યમાં કોઈ એક યોજના જાહેર કરે છે અને ભલે એક વર્ષ કે બે વર્ષ બાદ એ રાજ્યમાં ચૂંટણી આવવાની હોય તેમ છતાં વિપક્ષ તો એમ જ કહેશે કે આ “વોટ બેંકની રાજનીતિ છે”. તો “ONE NATION ONE ELECTION” આવવાથી આ ગેરસમજ દુર થશે અને કેન્દ્ર તથા રાજ્યમાં પાંચ વર્ષનું સ્થિર શાસન આવશે (ભલે એ અલગ અલગ પક્ષની સરકારનું હશે પણ સવાલ અહી સ્થિરતાનો છે).

પૈસાની સાથે સાથે સમયનો પણ બચાવ થાય છે જે સમયનો ઉપયોગ રાજનેતાઓ દેશના કલ્યાણ માટે કરી શકે છે. ભાષણો, વાહન રેલીઓ વગેરે દ્વારા દર વર્ષે થતું અવાજનું તેમજ પર્યાવરણનું પ્રદુષણ અટકશે.

યોજનાઓની જાહેરાતના બદલે તેના ઈમ્પલીમેન્ટેશન પર વધારે ધ્યાન અપાશે. જેથી કરીને દેશમાં આર્થિક સમાનતા અને અર્થતંત્રમાં સ્થિરતા લાવવાના પ્રયાસોને વેગ મળશે.

વારંવાર ચૂંટણીઓ આવતી રહે ત્યારે સંસદની કાર્યવાહીમાં પણ અરાજકતા જોવા મળે છે. ઉપરાંત ચૂંટણી પંચ જેવી સંસ્થા પર કામનો બોજો વધી જાય છે. તમે જોશો કે કલેકટરથી લઈને છેક મુખ્ય ચૂંટણી કમિશનર સહીત આખા રાજ્યની પોલીસ ફોર્સ અને પેરામીલીટરી આ કામમાં જોતરાઈ જાય છે. જો એક જ સમયે ચૂંટણીઓ યોજવામાં આવે તો એમનો આ જ કીમતી સમય સમાજની ઉન્નતિ માટે ઉપયોગી બની શકે.

હાલમાં દક્ષિણ આફ્રિકા અને સ્વીડન જેવા દેશોમાં આ નીતિ પહેલેથી અમલી છે એટલે આ મુદ્દાને અમલી બનાવવો એ કોઈ મોટી વાત નથી. દેશના આર્થિક વિકાસ માટે આ નીતિ એક હકારાત્મક અસર ઉપજાવી શકે છે.

“એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નો વિરોધ કરતા મુદ્દા:

આ નીતિનો વિરોધ કરનારા લોકો દ્વારા કરવામાં આવતી દલીલો પણ કાઢી નાખવા જેવી નથી. તેઓનું કહેવું છે કે આપણા દેશમાં આમેય સાક્ષરતાનો દર ઓછો હોવાથી અને એક સામાન્ય માનવીય સાયકોલોજીની વિપરીત અસર અહી જોવા મળશે. કારણ કે લોકોની એવી મેન્ટાલીટી થઇ જશે કે બંનેમાં અલગ અલગ પક્ષમાં વોટ આપવા કરતા સરળતા ખાતર તેઓ માત્ર એક જ પક્ષને વોટ આપશે. કારણ કે સ્ટેટ અને સેન્ટરમાં અલગ અલગ સરકારો હોવાના ફાયદા અને ગેરફાયદાથી તેઓ મોટાભાગે અજાણ હશે.

વળી સમયાંતરે આવતી ચૂંટણીઓ જેતે રાજ્યના જ નહીં, પરંતુ તેની આસપાસના રાજ્યોના લોકો માટે રોજગારી ઉભી કરશે. કારણ કે જેતે રાજ્યની ચાલુ સરકાર ફરીથી સત્તામાં આવવા માટે તો કેન્દ્રની અન્ય પક્ષની સરકાર પોતાની સત્તા વધારવાના હેતુસર નવી નવી યોજનાઓ અંતર્ગત કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ આપશે.

આ ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ચૂંટણી થશે તો રાજનેતાઓ નાછુટકે અવારનવાર લોકોની વચ્ચે જશે અને જેથી લોકસંપર્ક વધતાં ફરિયાદ નિવારણમાં વધારો થશે.

વધુમાં દેશ પાસે રહેલી કુલ પેરામીલીટરી ફોર્સનું સંખ્યાબળ આખા દેશમાં થતી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરી શકશે કે કેમ તે અંગે પણ સવાલો છે.

આમ, “ONE NATION ONE ELECTION” ભારતમાં હાલમાં નિસંદેહ એક ચર્ચાનો વિષય છે. અંતે શું નક્કી થશે એ તો ભવિષ્યના ગર્ભમાં છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ નીતિ અમલી બનાવવા માટે કમર કસતા પહેલા જે પક્ષો આ નીતિનો વિરોધ કરે છે તેમની દલીલોનું નિવારણ જરૂરી બની રહેશે. બાકી તો ‘ન જાણ્યું જાનકીનાથે, કાલે સવારે શું થવાનું?’

eછાપું 

તમને ગમશે: જ્યારે આપણે કોઈને પ્યાર કરીએ છીએ ત્યારે આપણો અહમ મરી જાય છે- ઈમરોઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here