હેલિકોપ્ટર પેરેન્ટિંગ – કાળજી અને કંટ્રોલ બંનેમાં ફરક હોય કે નહીં?

1
354
Photo Courtesy: oxforddictionaries.com

કહેવાય છે કે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ ગુજરાતી નાટક ‘બેટા, કાગડો’ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મના શીર્ષક નીચે ટેગલાઈન છે – શી ઈઝ હિઅર, ધેર એન્ડ એવ્રિવ્હેર! (She is here, there & everywhere!). શીર્ષક થોડું અજીબ છે અને ફિલ્મનું પહેલું ગીત છે – મમ્મા કી પરછાઈ. ગીત, ટ્રેલર અને શીર્ષક પરથી લાગે છે કે હેલિકોપ્ટર પેરેન્ટિંગ અને સિંગલ મધર વિશેની આ ફિલ્મ હશે.

જગપ્રસિદ્ધ અંગ્રેજી મેગેઝીન અવારનવાર ‘પેરેન્ટીંગ’ને પોતાની કવર સ્ટોરી બનાવે છે કારણ કે એ એક એવો મુદ્દો છે જે દેશવિદેશના ભવિષ્ય સાથે સંકળાયેલો છે. અંગ્રેજીમાં પેરેન્ટિંગ માટે એક શબ્દસમૂહ છે – હેલિકોપ્ટર પેરેન્ટિંગ (Helicopter Parenting). એટલે કે કેટલાક મા-બાપને પોતાના સંતાનની આગળ-પાછળ જ અથવા તો સંતાન પર હેલિકોપ્ટરના પંખાની જેમ માથે ફર્યા કરતાં હોય. આ શબ્દસમૂહનો પહેલો વહેલો ઉપયોગ ડૉ. હૈમ ગેનોટના 1969ના પુસ્તક ‘પેરેન્ટસ એન્ડ ટીનેજર્સ’માં થયો હતો જેમાં કિશોરાવસ્થામાં પહોંચેલા સંતાનો બોલે છે કે એમના માતાપિતા હેલિકોપ્ટરની જેમ તેમના પર ફર્યા કરે છે. પછી એ એટલો લોકપ્રિય બન્યો કે 2011 માં આ શબ્દસમૂહને ડિક્શનરીમાં પણ સ્થાન મળી ગયું.

આ માટેના બીજા સમાનાર્થી શબ્દસમૂહ છેઃ લૉનમુવર પેરેન્ટિંગ (lawnmower parenting) – ઘાસવાળા ગાર્ડન કે મેદાનમાં ઘાસ કાપવાના મશીનને લૉનમુવર કહેવાય. થોડાં ઘણાં ઘાસ ઊગે અને મોટા થાય ત્યાં લૉનમુવર ચલાવીને કાપી નાખવામાં આવે. ઘણાં માતાપિતા પણ આ રીતે સંતાનના વિકાસ કે પ્રગતિના ઘાસ સતત કાપતા હોય છે. બીજો એક સમાનાર્થી શબ્દસમૂહ છે પંપાળનારા અને લાડ લડાવનારા માતાપિતા – કોસેટિંગ પેરેન્ટિંગ (cosseting parenting). ઘણા માતાપિતા બુલડોઝરની જેમ સંતાનને દાબમાં રાખતા હોય છે એવા ઉછેરને બુલડોઝ પેરેન્ટિંગ (bulldoze parenting) કહેવાય છે.

લાગતું વળગતું: તમારા બાળકને હોમવર્ક કરવાની હકારાત્મક આદત કેવી રીતે પાડશો?

‘ત્યાં ન જવાય’, ‘આમ ન કરાય’, ‘પેલું ન ખવાય’, ‘ભપ્પ થઈ જવાય’, ‘તેની સાથે વાત ન કરાય’ જેવા નાનપણથી શરૂ થયેલા અનેક સંવાદો સંતાન યુવાવસ્થામાં પહોંચે તો પણ ફોન અને ચેટિંગ દ્વારા ચાલુ જ રહે છે – કોના ઘરે છે? કેટલા વાગે ઘરે પાછો/પાછી આવીશ? કોણ કોણ ફિલ્મ જોવા જાઓ છો? કોના ઘરે ભણવા જાય છે? કંઈ ખાધું? શું ખાધું? કેટલા વાગે ખાધું? વગેરે વગેરે. અતિસંવેદનશીલ બનીને મા-બાપ ટીનેજરો પર અંકુશ રાખવા લાગે અને પોતાના સંતાનની કાળજી લેવાના બહાને એમના અનુભવો, કેળવણી, સફળતા કે નિષ્ફળતાને કંટ્રોલ કરવા લાગે છે. આપણી અને આપણા બાળક વચ્ચે શું સમાનતા હોઈ શકે?

બાળકનો જન્મ થાય ત્યારથી જ પરિવારજનો ‘નાક તો સેમ પપ્પા પર ગયું છે’, ‘ફેસ તો મમ્મી જેવો જ છે’, ‘લંબાઈ સારી છે પપ્પા જેવો લાંબો થશે’ કે ‘દેખાવ અને રૂપમાં તદ્દન એના મમ્મી જેવી જ છે’ – આવા એક પછી એક જથ્થાબંધ સરખામણીના દબાણ ઉત્પન્ન કરી દે છે. અને માતપિતા પણ બાળકની ખાવાની, બોલવાની, ચાલવાની રીતભાતમાં પોતાના પડછાયાને શોધતા રહે છે. પોતાનો અંશ છે એટલે થોડુ ઘણું સામ્ય તો રહેવાનું જ પણ માતાપિતા એ નથી સમજતા કે જેટલું સામ્ય છે એ બાળકના આખા જીવન અને વિકાસનો એક નાનકડો અંશ છે. હવે બાળક અપગ્રેડ થઈ ગયું છે. ‘આઈફોન’ થી ‘આઈફોન-એક્સ’ સુધીનો અને એન્ડ્રોઈડ ‘કપકેક’ વર્ઝનથી લેટેસ્ટ ‘ઓરિયો’ કે ‘પાઈ’ સુધીનો ફરક આવી ગયો છે. હજીએ તમે તમારા ઢાળમાં ઢાળવા માંગતા હો તો એ મૂર્ખામી છે.

કયા મા-બાપ પોતાના સંતાનનું ખરાબ ભવિષ્ય ઈચ્છતા હોય? કોઈ દારૂડિયો કે જુગારી હોય એ પણ પોતાની દિકરી માટે વર શોધે ત્યારે જુએ કે છોકરો દારૂડિયો કે જુગારી તો નથી ને? માતાપિતાને પોતાને મળ્યું છે એ કરતાં સંતાનને વધુ ઉત્તમ અને શ્રેષ્ઠ જ અપાવવા માંગતા હોય છે. એટલે હેલિકોપ્ટર માતાપિતા પણ સારા ઇરાદાઓ સાથે જ સંતાન તરફ ફોકસ વધારે છે. પ્રવૃત્ત વાલીપણું અને હેલિકોપ્ટર વાલીપણું –  આ બેમાં એક પાતળી ભેદરેખા છે. પ્રેમ અને સ્વીકારની લાગણી વધારી, આત્મવિશ્વાસનું નિર્માણ, માર્ગદર્શન અને વૃદ્ધિની તક પૂરી પાડવા જતાં ક્યારે માતાપિતા હેલિકોપ્ટર પેરેન્ટિંગના ચરણમાં ઘૂસી જાય છે એ વાતનું ભાન નથી રહેતું. આપણે સંતાનોને સુખ મેળવવાના યુક્તિઓ શીખવાડીએ છીએ પણ કામમાંથી સુખ-ચૈન મેળવવાની તાલીમ નથી આપતાં.

ઘણાં રીસર્ચ અને સર્વે પછી એવું તારણ નીકળ્યું છે કે હેલિકોપ્ટર પેરેન્ટિંગના પરિણામ કેવા હોય? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ બાળકના આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં ઘટાડો! માતાપિતાનો વધુ પડતો ફોકસ અને વાતવાતમાં સામેલ થવું બાળકને એવો સંકેત આપે છે કે માતાપિતા મારા પર વિશ્વાસ નથી કરતા. દરેક વખતે માતાપિતા સંતાનનો એંઠવાડ સાફ કરશે તો બાળકને અન્નનો અને વેડફાટનો અર્થ જ નહીં સમજાય. યુનિવર્સિટી ઓફ મેરી (વોશિંગ્ટન)ના એક અભ્યાસમાં એવું પણ જણાવાયું છે કે બાળકની ચિંતા અને ડિપ્રેશનના કેસ વધુ પડતાં ઓવરપેરેંટિંગ સાથે સંકળાયેલ હોય છે. અમેરિકન નવલકથાકાર, નિબંધકાર બાર્બરા કિંગ્સોફ્વરનું એક ક્વોટ છે. “તમે બહુ સારા પેરેન્ટ્સ હો તો સંતાનો તમારી સાથે હંમેશા રહે જ એવું જરૂરી નથી.

તમે સારો ઉછેર કર્યો હશે તો લાંબા ગાળે તમારી જરૂરિયાત ન રહે, એ જ એનું પ્રમાણપત્ર છે.” (“But kids don’t stay with you if you do it right. It’s the one job where, the better you are, the more surely you won’t be needed in the long run.” ― Barbara Kingsolver, Pigs in Heaven). રીસર્ચ એવું પણ કહે છે કે માતાપિતાનું આ રીતનું વર્તન કયા સંજોગોમાં વિકાસ પામે છે? સૌથી મહત્ત્વનું પાસું છે – પરિણામોનો ડર. ઓછા ગ્રેડ કે ચોક્કસ પ્રકારની ઓછી સેલેરીવાળી નોકરી નો ડર. જો સંતાનને ઓછા માર્ક્સ કે ગ્રેડ આવશે તો જિંદગીમાં આગળ વધશે જ નહીં એવી માનસિકતા આવું વર્તન કરવા મજબૂર કરી દે છે. બીજું અર્થતંત્ર, માર્કેટ, આખા ગામની ચિંતા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજા વાલીઓને જોઈને આવતું દબાણ (પિઅર-પ્રેશર) એ માતાપિતાને પોતાના સંતાન પાસેની અપેક્ષા વધારી દે છે.

નો ડાઉટ કે બાળકોને સાવ રેઢાં મૂકી દઈએ તો અવળા રસ્તે જવાનો ભય પણ રહે છે. ક્યાં સુધી કંટ્રોલ કરવું, એની લિમિટ કોણ નક્કી કરે? લિમિટ માતાપિતા અને સંતાન બન્નેએ મળીને કરવી જોઈએ. માતાપિતા એ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જ્યારે પણ સંતાનનો ઉછેર થતો હોય ત્યારે એક આંખ સંતાનના આજ પર (એટલે કે એમની તાત્કાલિક જરૂરિયાતો પર) અને બીજી આંખ એમના ભવિષ્ય પર (પુખ્તવયની ઉંમર તરફ) રાખવી જોઈએ. વ્યવહારિક દ્રષ્ટિએ, બાળકોને પોતાને સ્ટ્રગલ કરવા દો, તેમને નિરાશ થવાની છૂટ આપો, અને જ્યારે નિષ્ફળ થાય ત્યારે તેને તેના દ્વારા કામ દ્વારા જ એમાંથી બહાર આવવાની સમજ આપો. સંતાન જે કામ પોતાના બળ પર (માનસિક કે શારીરિક) કરી શકે, એ તેને પોતાને જ કરવા દો.

3 વર્ષના બાળકને પથારી પાથરી આપવી એ માન્ય છે પણ 14 વર્ષીય સંતાનને પણ પથારી પાથરી આપવી એ ખોટું છે. દરેક વખતે એક પગલું પાછળ લઈને જુઓ કે તમારું સંતાન પ્રોબ્લેમને એકલેપંડે ઉકેલી શકે છે કે નહીં. એ જ આપણને નિર્ભર અને આત્મવિશ્વાસવાળા બાળકો ઉછેરવામાં મદદરૂપ થશે. નિષ્ફળતા અને પડકારો બાળકોને ફક્ત કુશળ જ નથી બનાવતાં પણ એનાથી પણ મહત્વપૂર્ણ બાબત બાળકોને શીખવે છે કે તેઓ નિષ્ફળતા અને પડકારોનો સામનો કરી શકે છે.

હવે છેલ્લી વાતઃ હેલિકોપ્ટર પેરેન્ટિંગથી બાળક બગડે જ એવું નથી. જેમ ગેરલાભ પર રીસર્ચ થયાં છે એમ લાભ પર પણ થયા છે. માતાપિતાનો સપોર્ટ સંતાનને વધુ સામાજિક અને કનેક્ટેડ રાખે છે. જીવનમાં પરિવાર અને સંસ્કારની કિંમત જાણીને મોટા થાય તો આવનારી વિટંબણાઓનો સામનો કરવા સજ્જ બને છે. સંતાન પડે-આખડે તો ઊભા થઈને આગળ વધતાં ઓછું ડરે છે કારણ કે એમને ખબર છે પાછળ કોઈ પકડી લેશે.

હવે આપણે નક્કી કરવાનું છે કે કેટલો ગોળ અને કેટલું ઘી વાપરવું જેથી લાડવા સારા બને.

પડઘોઃ

हाँ मैं जहाँ भी जाउ,वो मेरे पीछे पीछे पीछे पीछे आये

फेसबुक पे पहेला लाईक बनी, प्लेलिस्टमें लोरीयां घुसाई

मेरी फिफा वाली टीममें मेरी मम्मा कहाँ से आई?

मेरी प्ले स्टेशन की स्क्रीन पर मेरी मम्मा की परछाई….मेरी मम्मा की परछाई

दिन हो या हो रात, ईनका हर पल का मेलोड्रामा

आधी रात को मेरे रुम के एवेई गष्ट लगाना

ब्लेन्केट ओढाने के बहाने, मेरी साँस सुंघने आना

कपडे धोने की आड मे कपडे की चेकिंग करते ही जाना

मेरे ट्वीटर पर भी ट्रेन्ड करे मेरे मम्मा की परछाई… .मेरी मम्मा की परछाई

(મુન્નાભાઈ સીરિઝ, થ્રી ઈડિયટ્સના હિટ ગીતો લખનાર સ્વાનંદ કિરકિરેના ‘હેલિકોપ્ટર ઈલા’ માટે લખેલા ગીતના શબ્દો)

eછાપું 

તમને ગમશે: સ્ટેડિયમનો માહોલ ઉભી કરતી કેટલીક Mobile Cricket Games

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here