પંજાબીઓની ભૂખ અને મૂડ જ નહીં પરંતુ ઈમોશન્સ સાથે જોડાયા છે પરાઠા

1
192
Photo Courtesy: archanaskitchen.com

કહેવાય છે કે ચાલુક્ય શાસક સોમેશ્વર ત્રીજા એ બારમી સદીની શરૂઆતમાં અભિલાષિતર્થ ચિંતામણી નામનું પુસ્તક, જે સંસ્કૃત ભાષામાં લખાયેલ એન્સાઈક્લોપીડિયા સમાન પુસ્તક છે, લખ્યું હતું. આ પુસ્તકના ભર્તુર ઉપભોગકરણ નામના પેટા પુસ્તકને ‘કૂકબૂક રાઈટીંગ હિસ્ટરી’ની શરૂઆતનાં સમયનું ગણવામાં આવે છે. આ પુસ્તકમાં અન્ય અનેક વાનગીઓની માહિતી અને રેસીપી ઉપરાંત વિવિધ જાતના સ્ટફડ પરાઠા માટેની રેસીપી આપવામાં આવી છે.

પરાઠા… કહેવાય છે કે પંજાબીઓ માટે પરાઠા એક વાનગી નહીં પણ એક ઈમોશન, એક લાગણી છે. મૂડ અને ભૂખને આધારે જાત જાતના અને ભાત ભાતના પરાઠા પંજાબ જ નહીં, આખા ભારતમાં ખવાય છે, અને એ પણ સદીઓ થી! પરાઠા ટીફીન અને લંચબોક્સમાં પેક કરવામાં આવતું એક ‘હોલસમ મીલ’ છે. ડબ્બામાં રોટલી શાક જ આપવા એવો આગ્રહ રાખતી શાળાઓ પણ પરાઠાને ખુલ્લા મનથી આવકારે છે અને એટલે જ #LunchboxStoryના આ ભાગમાં આપણે જોઈશું રોજબરોજ આપી શકાય એવા પરાઠા.

હમણાં થોડા સમય પહેલા આપણે લંચબોકસની સમસ્યા ઉકેલવાનો થોડો થોડો પ્રયાસ કર્યો હતો. આજે એ જ વિષય થોડો આગળ લઇ જઈએ, એક ટ્રેડીશનલ લંચબોક્સ માટે!

સ્પ્રિંગ અનિયન પરાઠા

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી:

1 ½ કપ ઘઉંનો લોટ

½ ટીસ્પૂન અજમો

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

મીઠું, સ્વાદમુજબ

½ કપ બાફી, છોલી અને છૂંદેલા બટાકા

1 લીલું મરચું, ઝીણું સમારેલું

2/3 કપ લીલી ડુંગળી, ઝીણું સમારેલી

1 ટેબલસ્પૂન તેલ + પરાઠા શેકવા માટે થોડું વધારે

2 થી 3 ટેબલસ્પૂન દહીં

રીત:

 1. એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, લાલ મરચું પાઉડર, મીઠું લઇ બરાબર મિક્સ કરી લો. તેમાં તેલ, બટાકા, લીલા મરચા અને લીલી ડુંગળી ઉમેરો.
 2. હાથથી મસળતા જઈ બરાબર મિક્સ કરી લો.
 3. ધીમે ધીમે દહીં ઉમેરતા જઈ બરાબર લોટ બાંધી દો.
 4. હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લઇ તેનો પરોઠો વણી લો.
 5. ગરમ તવા પર બંને બાજુથી સરસ શેકી લો.
 6. ચટણી, સોસ કે શાક સાથે લંચબોકસમાં પેક કરી લો.

દાલ પરાઠા

Photo Courtesy: vahrehvah.com

સામગ્રી:

1 ½ કપ ઘઉંનો લોટ

1/4 ટીસ્પૂન અજમો

½ ટીસ્પૂન લાલ મરચું પાઉડર

¼ ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન તલ

મીઠું, સ્વાદમુજબ

1 લીલું મરચું, ઝીણું સમારેલું

½ ટીસ્પૂન આદુની પેસ્ટ

¾ કપ પકવેલી દાળ (લેફ્ટઓવર સૌથી સારી પડે)

3 ટેબલસ્પૂન કોથમીર

2 થી 3 ટેબલસ્પૂન પાણી (અથવા જરૂરમુજબ)

પરાઠા શેકવા માટે તેલ

રીત:

 1. એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું અને તલ લઇ બરાબર મિક્સ કરી લો. તેમાં લીલા મરચા, આદુની પેસ્ટ, લેફ્ટઓવર દાળ અને કોથમીર ઉમેરો.
 2. હાથથી મસળતા જઈ બરાબર મિક્સ કરી લો.
 3. ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ બરાબર લોટ બાંધી દો.
 4. લોટને લગભગ પંદર મિનીટ સુધી ઢાંકીને રહેવા દો, જેથી મસાલા બરાબર ભળી જાય.
 5. હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લઇ તેનો પરોઠો વણી લો.
 6. ગરમ તવા પર બંને બાજુથી સરસ શેકી લો.
 7. ચટણી કે સોસ સાથે લંચબોકસમાં પેક કરી લો.

નોંધ: આ જ રીતે કોઈપણ લેફ્ટઓવર સબ્જી, કે જેમાં સહેજ ગ્રેવી હોય, તેના પરાઠા બનાવી શકાય છે.

લાગતું વળગતું: પંજાબી રસોઈની અંતરંગ વાતો અને ત્રણ મસ્ત મજાની પંજાબી રેસિપીઓ

સ્ટફડ આચારી પનીર પરાઠા

Photo Courtesy: vegetariansdelight.com

સામગ્રી:

પરાઠા માટે:

¾ કપ ઘઉંનો લોટ

ચપટી મીઠું

પાણી જરૂરમુજબ

સ્ટફિંગ માટે:

½ કપ ખમણેલું પનીર

1 ટીસ્પૂન મેથીયાનો મસાલો

ચપટી કસૂરી મેથી

પરાઠા શેકવા માટે તેલ

રીત:

 1. સૌથી પહેલા એક બાઉલમાં પરાઠાની સામગ્રી લઇ બરાબર મિક્સ કરી તેનો બહુ કડક નહિ અને બહુ ઢીલો નહિ તેવો લોટ બાંધી દો.
 2. લોટ બરાબર કેળવાય ત્યાંસુધી બીજા એક બાઉલમાં સ્ટફિંગ માટેની સામગ્રી લઇ તેને બરાબર મિક્સ કરી લો.
 3. હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લો. તેને સહેજ વણી તેમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકો.
 4. લુઆને બરાબર બંધ કરી તેનો પરોઠો વણી લો.
 5. ગરમ તવા પર તેલ મૂકી, બંને બાજુ થી શેકી લો.
 6. દહીં કે અથાણા સાથે લંચબોકસમાં પેક કરી લો.

સ્ટફડ કોર્ન પરાઠા

Photo Courtesy: yourhungerstop.com

સામગ્રી:

પરાઠા માટે:

¾ કપ ઘઉંનો લોટ

ચપટી મીઠું

પાણી જરૂરમુજબ

સ્ટફિંગ માટે:

1 કપ બાફીને નીતારેલા મકાઈના દાણા

4 બાફેલા બટાકા

1 લીલું મરચું

થોડાક કોથમીરના પાન, સમારેલા

1 ડુંગળી, ઝીણું સમારેલી

2 ટીસ્પૂન કોઈપણ તીખું અથાણું

પરાઠા શેકવા માટે તેલ

રીત:

 1. સૌથી પહેલા એક બાઉલમાં પરાઠાની સામગ્રી લઇ બરાબર મિક્સ કરી તેનો બહુ કડક નહિ અને બહુ ઢીલો નહિ તેવો લોટ બાંધી દો.
 2. બીજા એક બાઉલમાં બાફેલા બટાકાને છુંદી લઇ તેમાં મકાઈના દાણા, કોથમીર, ડુંગળી, લીલું મરચું અને અથાણું ઉમેરો. જરૂર લાગે તો મીઠું પણ ઉમેરો.
 3. હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લો. તેને સહેજ વણી તેમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકો.
 4. લુઆને બરાબર બંધ કરી તેનો પરોઠો વણી લો.
 5. ગરમ તવા પર તેલ મૂકી, બંને બાજુ થી શેકી લો.
 6. દહીં કે અથાણા સાથે લંચબોકસમાં પેક કરી લો.

eછાપું

તમને ગમશે: જીઓ ઇન્સ્ટીટયુટ અંગેની અફવાઓ અને ખરાઈનું સમાધાન કરી લઈએ?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here