સ્વચ્છ ભારત અભિયાન જ્યારથી શરુ થયું છે ત્યારથી જ તેના ટીકાખોરો તેને Photo-Op Opportunity ગણાવીને તેનું મહત્ત્વ ઘટાડવાની કોશિશ કરી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાનાયક અમિતાભ બચ્ચનને આ કાર્યમાં પ્રદાન કરવાની અપીલ કરી ત્યારે તેમણે પણ પોતાના રહેઠાણની આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી.

જો કે આ પ્રકારના તમામ ફોટોગ્રાફ્સ આપણે છેલ્લા અમુક વર્ષોથી અન્ય સેલિબ્રિટીઝ દ્વારા પણ અપલોડ થયેલા જોયા છે, પરંતુ અમિતાભ બચ્ચન માત્ર તેમના સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યેના એ નાનકડા પ્રદાનથી જ સંતોષ ન પામ્યા. અમિતાભ બચ્ચને કઈક એવું કરી બતાવ્યું છે જેના પરથી ભારતની ઘણી બધી સેલિબ્રિટીઝ પ્રેરણા લઇ શકે તેમ છે.

બન્યું એવું કે થોડા સમય અગાઉ એક જાણીતી ટીવી ન્યૂઝ ચેનલના સ્વચ્છતા અંગેના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને એવું વચન આપ્યું હતું કે તેઓ સફાઈ કામદારોને પડતી મુશ્કેલીઓ, ખાસકરીને એ કામદારો જે ગટરમાં ઉતરીને તેને સાફ કરે છે, તેને જોઇને ખુબ આહત થાય છે અને તેના માટે તેઓ બને તેટલું કરી છૂટશે. આથી જ અમિતાભ બચ્ચને એ જ કાર્યક્રમમાં આ કામદારો માટે પચાસ ઓટોમેટિક મશીનો દાન કરવાની જાહેરાત કરી હતી.

24 નવેમ્બર 2018ના દિવસે બૃહ્નમુંબઈ નગર પાલિકાને તેમજ સફાઈ કામદારોના યુનિયનને લખેલા એક પત્રમાં અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે તેઓ ગટર સાફ કરતા 25 ઓટોમેટિક સફાઈ મશીનો અને એક મોટો ટ્રક તેમને દાનમાં આપી રહ્યા છે. અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમનું આ પ્રદાન માત્ર સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે જ નહીં પરંતુ જાતે ગટર સાફ કરતા કામદારોની પીડા ઓછી કરીને તેમને ગૌરવપૂર્ણ જીવન વિતાવવાની તક આપવા માટે પણ છે.
લાગતું વળગતું: આ રહ્યા અમિતાભ બચ્ચન દ્વારા ભજવાયેલા 5 સર્વશ્રેષ્ઠ ડબલ રોલ |
અમિતાભ બચ્ચને આ પ્રકારના બે નાના મશીનો ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને પણ ભેટમાં આપ્યા હતા. અમિતાભે આ નાના 25 મશીનો ઉપરાંત એક મોટું મશીન તેમજ ટ્રક દાન કરવા માટે કુલ નક્કી કરાયેલા 59 લાખ રૂપિયામાંથી 25 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

બાકીના 25 લાખ રૂપિયાની ચૂકવણી તેઓ આવનારા દિવસોમાં તેમને જ્યારે પણ આ પ્રકારના ઓટોમેટિક મશીનો પ્રાપ્ત થશે ત્યારે કરશે અને તેમને દાન આપવાની તારીખ પણ તેઓ એ સમયે જ જાહેર કરશે.

અમિતાભ બચ્ચને આ મશીનો દાન આપવા માટે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક સફાઈ કર્મચારીઓને જુહુ ખાતેના પોતાના બંગલા જલસા પર બોલાવ્યા હતા અને તેમને આ મશીનોની સોંપણી કરી હતી.

આપણે કાયમ સેલિબ્રિટીઝની ટીકા જ કરતા હોઈએ છીએ કે તેઓ સમાજ પ્રત્યે પોતાની ફરજ બજાવતા હોતા નથી. પરંતુ જ્યારે કોઈ સેલિબ્રિટી અને તે પણ અમિતાભ બચ્ચનની કક્ષાની સેલિબ્રિટી આ પ્રકારનું સમાજસેવાનું કાર્ય કરે ત્યારે તેની આપણે નોંધ લઈએ અને તેની પ્રશંસા કરીએ એ જરૂરી બની જાય છે.
T 3005 – At the NDTV Cleanathon , ‘banega swachch india’ , seeing the inhuman plight of the manual scavenger, I had committed to buy 50 machines for them .. today I fulfilled that promise ! 25 small individual machines and one large truck machine gifted to BMC ! pic.twitter.com/6Xn8PFmv3i
— Amitabh Bachchan (@SrBachchan) November 24, 2018
ગટરમાં ઉંડા ઉતરીને તેની સફાઈ કરવાનું કાર્ય કેટલું મુશ્કેલ હોય છે તે તેની સફાઈ કરનાર કર્મચારી જ કહી શકે છે. ભારતમાં હજી પણ આ પ્રવૃત્તિ ચાલી રહી છે જે કદાચ યોગ્ય નથી. પરંતુ અમિતાભ બચ્ચનની જેમ વધુને વધુ લોકો દરેક નાના-મોટા શહેરોમાં આગળ આવે અને આ પ્રકારે ઓટોમેટિક સફાઈ મશીનો દાનમાં આપે તો આ સમસ્યાનો ઉકેલ જરૂરથી આવી શકે તેમ છે.
eછાપું
તમને ગમશે: અલીબાબાના સ્થાપક અને નિવૃત્ત ધનપતિ જેક મા કોણ છે? શું છે?