દિવસભરની રઝળપાટ બાદ રાત્રે શરીરમાં ઊંઘ દરમિયાન શું થતું હોય છે?

0
293
Photo Courtesy: tipsclear.com

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, બધાની ઘરે બ્લેન્કેટ અને ધાબળા કાઢી લેવામાં આવ્યા હશે. ગુલાબી ઠંડીની શરૂઆત જોતા થોડા જ દિવસોમાં સ્વેટર, મફલર, ટોપી અને મોજાની જરૂર પણ પડવાની. શિયાળામાં સૌથી મનગમતી પ્રવૃત્તિનું નામ? અફકોર્સ ઊંઘ!

વહેલી સવારે ગુલાબી ઠંડીમાં ગરમ ધાબળામાં ઢબુરાઈને સુવાની…બીજી કઈ? બરાબર ને? ઠંડીમાં સવારે સુવાની અને રાતના જાગવાની મજા જ કંઈ ઓર હોય છે.

ખેર, ન સુવું કે વહેલું ઉઠવું ને કસરત કરવા જેવા ભાષણો અમે અહીં આપવાના નથી. પણ તમને જણાવશું આ મીઠી નિંદ્રા રાણી વિશેની કેટલીક અજીબ અને આશ્ચર્યજનક વિગતો.

આમ તો બે પ્રકારની ઊંઘ કહી શકાય. રેમ સ્લીપ અને નોન રેમ સ્લીપ.

જ્યારે ઊંઘના ત્રણ તબક્કા હોય છે. તેને ત્રણ પ્રકાર પણ કહી શકાય કારણ કે ઊંઘમાં સરેલો માણસ ત્રણેય તબક્કામાંથી પસાર થાય જ તેવું જરૂરી નથી. કોઈ એક જ તબક્કાનો અનુભવ કરે કે સીધા ત્રીજા તબક્કામાં જાય, પહેલા તબક્કામાં જ સવાર પડી જાય તેવું કંઈ પણ બની શકે છે.

સૌથી પહેલા શરૂ થતી આછી આછી ઊંઘને કાચી ઊંઘ કહેવામાં આવે છે. જ્યારે મગજ હજુ ફૂલ સ્પીડમાં કાર્યરત હોય છે. જ્યારે ચયાપચયની એટલે કે પાચનક્રિયા ધીમી પડવાની શરૂઆત થાય છે આથી જ ક્યારેય જમીને તરત સૂવું જોઈએ નહીં. નહીં તો પાચનશક્તિ નબળી પડતી જશે.

આ સાથે જ આપને આવી ઊંઘમાંથી ઉઠાડવામાં આવે ત્યારે સખત માથું દુઃખવાનો અનુભવ અનેક વખત થયો હશે. કાચી ઊંઘમાં મગજ દિવસભરની માહિતી અને કામોને ગોઠવવાનો પ્રયત્ન કરતું હોય છે. સામાન્ય રીતે આ તબક્કો અડધી કલાકથી લઈને વધુમાં વધુ 3 કલાક ચાલે છે. વધારે કામનો બોજો હોય તો ક્યારેક આખી રાત પણ આવી જ ઊંઘમાં જતી હોય છે.

બીજો તબક્કો ડ્રિમ સ્લીપ કહેવાય છે. ત્યારે માણસ સપનાઓ જોતો હોય છે. આ તબક્કો આવે જ એવું જરૂરી નથી. ઘણા લોકો સીધા ત્રીજા તબક્કામાં સરી પડતા હોય છે. સપનાઓ કેમ આવે છે તેનું વિજ્ઞાન જો કે ખૂબ જ અલગ છે. આ તબક્કામાં આવતા સપનાઓ યાદ રહે છે. તો બીજા તબક્કામાં વધારે રહેતા લોકોને અવાજ થવાથી ઉઠી જવાની આદત પણ પડી જતી હોય છે. આ તબક્કામાં શરીર માહિતી ગોઠવી મગજને આરામ આપવાનો પ્રયત્ન કરે છે અને તેથી જ ચયાપચયની ક્રિયા વધુ ધીમી પડે છે.

લાગતું વળગતું: World Sleep Day… અરે કાન્હા જરા ઉંઘ તો લેતા જા…

ત્રીજો તબક્કો ગાઢ નિંદ્રાનો તબક્કો કહેવાય છે. આ જ સાચી ઊંઘ છે. ધ્યાન કરતા લોકો સીધા ગાઢ નિંદ્રા લઈ શકતા હોવાથી તેમની ઊંઘ 4 કલાકમાં પૂર્ણ થઈ જતી હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. ગાઢ ઊંઘ દરમિયાન દિવસભર કામથી શરીરમાં થયેલું ડેમેજ ભરવામાં આવે છે. થાકેલા સ્નાયુઓનું પ્રોટીનથી રિપેરીંગ કામ કરવામાં આવે છે. શરીરમાં ઘાવ હોય તો શરીર પોતે દવા બનાવી તે ઘાવ ભરે છે. માનસિક મથામણ સમયે થાકીને તૂટતા તદ્દન સૂક્ષ્મ તંતુઓને રીપેર કરવામાં આવે છે. શરીરનું તાપમાન થોડું આ સમયે વધી જાય છે. શ્વાસ તદ્દન ધીમા પડી જાય છે. આ તબક્કો 1 કલાકથી લઈને 4 કલાક ચાલે છે.

બીમાર અને માનસિક તણાવગ્રસ્ત લોકોને ગાઢ નિંદ્રા આવતી નથી. આ તબક્કા વગર જલ્દી સ્વસ્થ થવું મુશ્કેલ છે. કારણ કે સાજા થવામાં દવાઓ તો મદદ કરી શકે પણ અસલી કાર્ય શરીરે જાતે કરવાનું હોય છે અને તે ગાઢ ઊંઘ દરમિયાન જ વધુ સારી રીતે થઈ શકે છે. આથી જ બીમાર લોકોની ઊંઘ ઘણીવાર વધી જતી હોય છે અથવા ઘણીવાર ડોકટર્સ ઊંઘવા માટેની પણ દવાઓ આપતા હોય છે.

સૌથી મજાની વાત એ છે કે નાના માસૂમ બાળકો હંમેશા ગાઢ નિંદ્રા કરતા હોય છે. કારણ કે તેમનો વિકાસ થતો હોય શરીરે ખૂબ કામ કરવાનું હોય છે તેથી તેમને આરામની જરૂર પડે છે. આરામ સમયે પાચનક્રિયા જેવા અનેક કામ ખુબ ધીમા પડી જતા હોય ત્યાંની એનર્જી શરીર બીજે વાપરી શકે છે.

આ સમયે આવેલા સપનાઓ યાદ નથી રહેતા અથવા માત્ર ફીલિંગ યાદ રહે છે. અને હા, આવી ઊંઘ કરતા લોકો કેમેય કરીને ઉઠતા નથી. ઢોલ નગારા વગાડો તો પણ તેમના કાન સુધી અવાજ પહોંચી શકવો મુશ્કેલ છે. આ સમયે તમે તેને અડીને જ ઉઠાડી શકો, એટલે કે હાથથી જો થોડા પણ તેની ખુલ્લી સ્કિન પર અડીને ઉઠાડવામાં આવે તો એક રસાયણ છૂટું પડતું હોય છે જેનાથી ઝણઝણાટી થાય અને તે ગાઢ નિંદ્રામાંથી બહાર આવે. જો કે આ વાત બાળકોને લાગુ પડતી નથી.

તો મીઠી મજાની ઊંઘ વિશેની આ બધી છે ને મજાની વાતો…!

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: રાસ-ગરબા સિવાયના ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો – નાચ મેરી જાન, હો કે મગન તુ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here