વ્યુહાત્મક અને આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત અત્યંત પાતળી થઇ ગઈ છે

  0
  261

  ભલેને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન રોજ ભારત સામે હાકોલા પડકારા કરતા હોય પણ ખરેખર તો પાકિસ્તાનની હાલત અત્યારે ન કહેવાય ન સહેવાય જેવી થઇ ગઈ છે. સામાન્ય પાકિસ્તાનીઓને ચિંતા કરાવે તેવા બે સમાચારો સામે આવ્યા છે અને આ બંને સમાચારો વિદેશમાંથી જ આવ્યા છે. એક સમાચાર અમેરિકાથી આવ્યા છે જે એમ કહે છે કે Non NATO major ally તરીકે પાકિસ્તાનને હવે દૂર કરવું જોઈએ. તો બીજી તરફ ક્રેડિટ રેન્કિંગ સંસ્થા Moody’s એ કહ્યું છે કે પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત નબળી છે.

  Photo Courtesy: thenews.com.pk

  રિપબ્લિકન કોંગ્રેસમેન એન્ડી બ્રિગ્ઝે અમેરિકાની કોંગ્રેસમાં 73મો ઠરાવ કરતા માંગ કરી છે કે પાકિસ્તાનની Non NATO major ally તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવે. એન્ડી બ્રિગ્ઝ એવું માને છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ પહેલા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવતા હક્કાની નેટવર્કને સાથ સહકાર તો નથી આપતું? જો અમેરિકન રાષ્ટ્રપતિ કોંગ્રેસને એ ભરોસો આપી શકે તો જ પાકિસ્તાનને આ પ્રકારે NATOની બહારના મહત્ત્વના સાથી તરીકેની માન્યતા ચાલુ રાખવી જોઈએ.

  એન્ડી બ્રિગ્ઝે માત્ર એટલું જ નથી કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હક્કાની નેટવર્કને મદદ નથી કરતું એવું સર્ટીફિકેટ મેળવવું જોઈએ બલકે તેઓએ એવી માંગ પણ કરી છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાંથી હક્કાની નેટવર્કને સાફ કરવામાં અમેરિકાની યોગ્ય મદદ પણ કરે એ પણ પહેલા સ્પષ્ટ થવું જોઈએ.

  આમ આતંકવાદને ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાના પાકિસ્તાનના વર્ષોના પ્રયાસો બાદ હવે આ નાગ તેના હાથમાંથી બહાર નીકળી જઈને અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયો છે અને હવે તે પોતાના અન્નદાતા અને સહુથી મોટા મદદગાર અમેરિકાને જ નડી રહ્યો છે, આથી પાકિસ્તાનને હવે પોતે આતંકવાદની લડાઈમાં પોતે આતંકવાદીઓની વિરુદ્ધ હોવાનું સર્ટીફીકેટ આપવું પડે એમ છે.

  તો બીજી તરફ ક્રેડિટ રેન્કિંગ એજન્સી Moody’s દ્વારા પણ પાકિસ્તાનની આર્થિક હાલત અંગે એલાર્મ બેલ વગાડી દેવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે  હવે વધુમાં વધુ બે મહિનાથી પણ ઓછી ચાલે એટલી વિદેશી મુદ્રા બચી છે. આ સમાચારને જો સરળ ભાષામાં સમજવા હોય તો પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્ક (આપણી રિઝર્વ બેન્ક જેવી મધ્યસ્થ બેન્ક) પાસે હવે પાકિસ્તાની ઈમ્પોર્ટર્સને ચૂકવવા માટે જેટલી વિદેશી મુદ્રા છે તે માત્ર બે મહિના પણ માંડ માંડ ચાલી શકે તેમ છે.

  લાગતું વળગતું: અમેરિકન સરકારની તાળાબંધી (shutdown) એટલે શું?

  પાકિસ્તાનની મોટાભાગની જરૂરિયાતો ઈમ્પોર્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આથી જો બે મહિના બાદ પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા નહીં બચે તો તેનું ઈમ્પોર્ટ બંધ થઇ જશે અને પાકિસ્તાની અર્થવ્યવસ્થા ખાડે જશે, જો હજી પણ ખાડે જવાની બાકી હોય તો. બીજું Moody’s નો આ રિપોર્ટ એ પણ સાબિત કરે છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન એક મહિના અગાઉ સાઉદી અરેબિયા પાસેથી જે અબજો ડોલર્સની ભિક્ષા લઈને આવ્યા હતા એ અત્યંત ઝડપથી ખતમ થઇ રહી છે.

  હવે પાકિસ્તાન પાસે બે જ વિકલ્પો છે કાં તો તે સાઉદી અરેબિયા સામે ફરીથી ભિક્ષાપાત્ર લંબાવે અથવાતો તેનું નવું અન્નદાતા અને ભગવાન એવું ચીન એને ફરીથી સંભાળી લે. સાઉદી અરેબિયા આટલી જલ્દીથી પાકિસ્તાનને ફરીથી મદદ કરે એવી અપેક્ષા ઓછી છે. અમેરિકા તો મદદ આપવાને બદલે ઉલટું પાકિસ્તાન પાસેથી ખુલાસાઓ અને સર્ટિફિકેટ માંગી રહ્યું છે આથી ચીન સિવાય પાકિસ્તાન પાસે મદદનો અન્ય કોઈજ સ્ત્રોત નથી.

  પરંતુ આપણને બધાને ખબર છે કે ચીન પોતાને કોઈ દેખીતો લાભ ન હોય તો કોઈને પણ મદદ કરતું નથી, આમ પાકિસ્તાને ફરીથી કાંડા કાપીને ચીનની મદદ લેવી પડશે.

  પાકિસ્તાની સરકાર ખરેખર તો ત્યાંથી સેના અને ISI ચલાવે છે તે જગજાહેર છે, પરંતુ તેમને માટે પાકિસ્તાનની તકલીફો કરતા અન્ય દેશોને હેરાન પરેશાન કરવા વધુ મહત્ત્વ ધરાવે છે. આમ પાકિસ્તાન બહુ જલ્દીથી આ તકલીફમાંથી બહાર આવી જશે તેવા કોઈજ અણસાર દેખાતા નથી.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: Midnights With મેનકા – સફળતાનું અભિમાન ડૂબતી હોડી જેવું હોય છે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here