ક્રિકેટની અનિશ્ચિતતાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન આ મેચમાં જોવા મળ્યું હતું જ્યાં દિલ્હી કેપિટલ્સના મિડલ ઓર્ડર બેટ્સમેનોની બેજવાબદાર બેટિંગને લીધે કિંગ્સ ઈલેવન પંજાબે હારેલી બાજી જીતી બતાવી હતી.

કોઈકવાર હાથમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જતો હોય છે તો કોઈકવાર કોઈ સામે ચાલીને પોતાનો કોળીયો સામેવાળાને ખવડાવી દેતો હોય છે. કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચમાં કદાચ દિલ્હીએ સામે ચાલીને પોતાના હાથમાં રહેલો જીતનો કોળીયો પંજાબને ખવડાવી દીધો હતો.
KXIPએ ટીમમાં એક બદલાવ કરતા ફોર્મમાં રહેલા ક્રિસ ગેલને સ્થાને સેમ કરનને કે એલ રાહુલ સાથે ઓપનીંગમાં મોકલ્યો હતો. જો કે આ દાવ કોઈ ખાસ સફળ ન રહ્યો હતો. રાહુલ ગઈ મેચના જોરદાર ફોર્મ બાદ આજે ફરીથી સસ્તામાં આઉટ થઇ ગયો હતો જ્યારે સેમ કરન માત્ર 20 રન બનાવી શક્યો હતો.
મયંક અગરવાલના પણ તરત આઉટ થઇ ગયા બાદ સરફરાઝ ખાન અને ડેવિડ મિલરે 40 બોલમાં 62 રન જોડ્યા હતા. પરંતુ આ બંને થોડા રનના અંતરે જ આઉટ થઇ જતા કિંગ્સ ઈલેવન પંજાબ લગભગ 175-180ના સ્કોરનો માર્ગ ભટકી ગયા હતા. ભલું થજો મનદીપ સિંગનું જેણે છેલ્લા બે બોલમાં એક ફોર અને એક સિક્સર મારી જેથી પંજાબ 166નો સ્કોર નોંધાવી શક્યું.
DCની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી જ્યારે ગઈ મેચનો હીરો પૃથ્વી શૉ શૂન્યમાં આઉટ થઇ ગયો હતો અને તે પણ ઇનિંગના પહેલા જ બોલે. KXIPના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને સુંદર સ્પિન બોલિંગ કરી હતી અને શિખર ધવનને થોડોઘણો પરેશાન કર્યો હતો તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કેટલાક આકર્ષક શોટ્સ માર્યા હતા.
પરંતુ મેચને નિર્ણાયક રીતે દિલ્હીની ફેવરમાં લઇ જવાનું કામ (??) રિષભ પંત અને કોલિન ઇન્ગ્રામે કર્યું હતું. આ બંનેએ અનુક્રમે 39 અને 38 રન કર્યા હતા. રિષભ પંત ખોટા સમયે ખોટો શોટ રમીને આઉટ થયો અને ઇન્ગ્રામે પંતના આઉટ થયા બાદ મેચને છેક સુધી લઇ જઈને DCને જીતાડવાની જવાબદારી લેવાની હતી તેને બદલે તે પણ લોંગ ઓફ પર સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઇ ગયો હતો.
ત્યારબાદ તો જાણે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોનું જાણેકે કોઈ ફેશન શોની રેમ્પવોકની માફક સરઘસ નીકળ્યું હોય એ રીતે તેઓ એક પછી એક આઉટ થતા ગયા. દિલ્હી એક સમયે 144/3 ના સ્કોર પરથી 152 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. DCના આ ધબડકા પાછળ સેમ કરનની હેટ્રિક પણ સામેલ હતી. માત્ર 8 રનમાં 7 વિકેટો ગુમાવનાર દિલ્હી કેપિટલ્સે IPLના ઇતિહાસમાં સહુથી ખરાબ ધબડકો નોંધાવ્યો છે.
ટૂંકું સ્કોરકાર્ડ
IPL 2019 | મેચ 13 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. દિલ્હી કેપિટલ્સ
ક્રિકેટ એસોસિએશન ઓફ પંજાબ આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)
ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)
કિંગ્સ ઈલેવન પંજાબ 166/9 (20) રન રેટ: 8.30
ડેવિડ મિલર 43 (30)
સરફરાઝ ખાન 39 (29)
મનદીપ સિંગ 29* (21)
ક્રિસ મોરીસ 3/30 (4)
સંદીપ લમીછાને 2/27 (4)
દિલ્હી કેપિટલ્સ 152 ઓલ આઉટ (19.2) રન રેટ 7.91
રિષભ પંત 39 (26)
કોલિન ઇન્ગ્રામ 38 (29)
સેમ કરન 4/11 (2.2)
મોહમ્મદ શમી 2/27 (4)
પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબ 14 રને જીત્યા
મેન ઓફ ધ મેચ: સેમ કરન (કિંગ્સ ઈલેવન પંજાબ)
અમ્પાયરો: ક્રિસ ગેફની અને અનિલ કુમાર ચૌધરી | વિનીત કુલકર્ણી (થર્ડ અમ્પાયર)
મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી
પોઈન્ટ્સ ટેબલ
eછાપું
’99 નો એ સમય, જયારે કોઈ પણ મેચ પછી કહેતા કે આ તો ફિક્સ જ હશે અને ક્રિકેટ ફેન તરીકે બચાવ પણ નહોતો કરી શકાતો કે ક્રિકેટ માં આમ થઇ શકે કારણ કે, પોતે જ કોન્ફિડેન્ટ નહોતા કે કહી શકીએ છાતી ઠોકીને કે આ મેચ ફિક્સ નહિ હોય.
રાજસ્થાન અને ખાસ કરીને ચેન્નાઇની ફ્રેન્ચાઇઝી માં જે થયું, સત્તાધીશોનું અને ખેલાડીઓનું જે વલણ રહ્યું, એના પછી ક્રિકેટ ને આ રીતે માણવાની અંદરથી હિમ્મત જ નથી થતી કે આ અસલ રસાકસી હશે. મગજમાં એમ જ આવે કે આ તો ફિક્સ જ હશે (પાકિસ્તાન ના ફિક્સિંગ કાંડ પછી ઓસ્ટ્રેલિયા એ પણ આજ કહ્યું હતું, પાકિસ્તાન સામે જૂની જીતેલી મેચિસ વિષે) એ જ ’99 નો જમાનો પાછો આવી ગયો એમ લાગે છે અને પેલી પ્રેસ કોન્ફરન્સ પછી ધોનીમાં પણ અઝહર જ દેખાય છે.