ડેસ્ક પર સતત કામ કરતા પીઠ દર્દ થાય છે? આ ટિપ્સ તેને રોકશે

0
312
Photo Courtesy: expresspros.co.za

કામના કલાકો લાંબા હોય અને કામ સતત રહેતું હોય તો કાયમ ડેસ્ક પર જ બેસીને કામ કરનારાઓને પીઠનું દર્દ થાય તે સામાન્ય વાત છે. આ દર્દ ન થાય તેની ઈચ્છા જો તમે ધરાવો છો તો આ ટિપ્સ તમને જરૂર કામમાં આવશે.

Photo Courtesy: expresspros.co.za

જિંદગી અત્યંત ઝડપી બની ગઈ છે. જે લોકો એમ કહે છે કે અમુક કામ કરવા માટે તેમની પાસે સમય નથી તેઓ પાસે કદાચ ખરેખર પોતાના કામ કર્યા સિવાય અન્ય કોઈ કાર્ય કરવાનો સમય નહીં હોય એ શક્ય છે. પરંતુ ઓફિસમાં સતત ખુરશી પર કમ્પ્યુટર કે પછી લેપટોપની સામે બેસી રહીને કામ કરવાથી તમારી પીઠની રીતસર ‘પથારી ફરી જતી હોય છે.’

આપણી પીઠ એ આપણી કરોડરજ્જુને આધારે ટકી રહી હોય છે અને પીઠમાં જો દર્દ થાય તો એનો સીધો મતલબ છે કે આપણી કરોડરજ્જુમાં કોઈને કોઈ તકલીફ છે અથવાતો થવામાં છે. જો તમને પણ લાંબો સમય તમારા ડેસ્ક પર બેસી રહેવાની નોકરી હોય અથવાતો એ પ્રકારનો વ્યવસાય હોય તો તમારે અહીં અમે જે કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ તેના પર અમલ કરવો જરૂરી બની જાય છે.

લાગતું વળગતું: અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ એરોબિક્સ કરો અને સ્ટ્રેસને દૂર રાખો
  • સતત ઝૂકીને કે વાંકા વળીને બેસવાનું અવગણો: આપણામાંથી મોટાભાગનાઓને કમ્પ્યુટર કે લેપટોપ જે ડેસ્ક પર મુકેલું હોય તેના પ્રત્યે ઝૂકીને કામ કરવાની આદત હોય છે. આ આદત જ તમારી પીઠના ઉપરના હિસ્સાને તેમજ બંને ખભાઓ પર વધારાનું દબાણ આપે છે આથી તમારે તમારી બેસવાની આદત બદલવી જરૂરી છે. તમારે તમારા પગના તળિયાં જમીન પર એકદમ ચોંટી જાય એ રીતે બેસવાનું છે અને તમારી સીટ પર તમારી પીઠ ટેકવવા માટે જે આધાર છે તેને અડીને સીધા બેસવાની કોશિશ કરવાની છે.
  • ગોળ વાળેલા ટોવેલનો ઉપયોગ કરો: જો શક્ય હોય તો ટુવાલને ગોળ વાળીને તમારી કરોડરજ્જુ જ્યાં પૂરી થાય છે ત્યાં તેને મૂકીને ઉપર જણાવેલી રીત અનુસાર જ બેસો. આમ કરવાથી તમારી કરોડરજ્જુના પાયાને આરામ મળશે અને તમને પીઠના દર્દથી દૂર રાખશે.
  • ગેજેટ્સ આંખના લેવલે રાખો: જ્યારે તમે કામ કરતા હોવ ત્યારે તમારું PC અથવાતો લેપટોપ તમારી બંને આંખોની બરાબર સામે હોવું જોઈએ. જો તમે લેપટોપનો વપરાશ કરતા હોવ તો આજકાલ તેને માટેના સ્ટેન્ડ પણ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે જો એક્સટર્નલ માઉસનો ઉપયોગ કરતા હોવ તો તે તમારી કોણી 90 અંશના ખૂણે વળે તેના લેવલમાં હોવું જોઈએ. જો મોબાઈલનો વધુ પડતો વપરાશ થતો હોય તો તેને હાથમાં એવી રીતે પકડો જેનાથી તમારે ફક્ત તમારી આંખ જ નીચી કરવી પડે નહીં કે ગરદન.
  • સતત બેસી ન રહો: લાંબા કલાકો જેમને કામ રહેતું હોય તેમણે ઓછામાં ઓછા એક કલાક પછી પોતાની બેઠક પરથી ઉભા થઈને બે થી ત્રણ મિનીટ ઓફિસમાં ચાલવાની ટેવ પાડવી જોઈએ. આ માટે તમે તમારા મોબાઈલમાં ટાઈમર સેટ કરી શકો છો અથવાતો વારંવાર પાણી પણ પી શકો છો. ખૂબ પાણી પીવાથી તમારે યોગ્ય સમયના અંતરે ઉભું પણ થવું પડશે અને તમારી કિડનીનું પણ ધ્યાન આપોઆપ રખાઈ જશે.
  • સ્ટ્રેચિંગ કરતા રહો: જ્યારે પણ તમે એક કલાકના કાર્ય બાદ ચાલવા માટે ઉભા થાવ ત્યારે તમારા બંને હાથની હથેળીઓ તમારી કમ્મરના સાવ નીચલા ભાગે એક ઉપર એક આવે તેમ મૂકીને પાછળની તરફ થોડું થોડું ઝૂકો. આ પ્રક્રિયા ત્રણથી પાંચ વખત કરો, તમારી પીઠને આ કસરતથી ઘણો આરામ મળશે.
  • એક્ટિવ રહો: જો બરોબર ધ્યાન રાખશો તો કામની વચ્ચે તમને બે મિનીટ કરતા પણ વધુ વધારાનો સમય મળી જ રહેશે આવામાં મોબાઈલ પર ગેમ રમવા અથવાતો ચેટ કરવાને બદલે એક બે વધારાના આંટા મારો. પોતાના ઓફિસના સાથીદારો સાથે ઇન્ટરકોમ પર વાત કરવાને બદલે તેમના ડેસ્ક પર જઈને વાતો કરો.

ઉપર જણાવેલી ટિપ્સ બહુ સામાન્ય છે અને તેનો અમલ કરવો પણ ખૂબ સરળ છે. પરંતુ આ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમને લાંબાગાળે પીઠ દર્દ નહીં થાય એ ચોક્કસ છે.

eછાપું

તમને ગમશે: બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here