નવો વિક્રમ: એપ્રિલ મહિનાનું GST કલેક્શન 1 ટ્રિલિયનને પાર ગયું

0
239
Photo Courtesy: amazonaws.com

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં GSTની કુલ આવક રૂ. 1 ટ્રિલિયનનાં આંકને પાર ગઈ છે જે એક નવો વિક્રમ છે.

Photo Courtesy: amazonaws.com

GSTની આવક એપ્રિલ મહિનામાં વિક્રમી રૂ. 1.13 ટ્રિલિયન જેટલી થઇ છે, જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતા 10 ટકા વધુ છે. કેન્દ્ર સરકાર દ્વારા GST કરચોરીને રોકવા માટે ઉઠાવવામાં આવેલા કડક પગલાંને આ વિક્રમી આવક માટે જવાબદાર ગણવામાં આવે છે.

આ ઉપરાંત માર્ચ અને એપ્રિલ મહિના માટે ભરવામાં આવેલા સમરી સેલ્સ રિટર્ન GSTR-3Bની કુલ સંખ્યા 72.13 લાખ જેટલી થઇ હતી. આ વર્ષે GSTની આવક સળંગ બે મહિના માટે 1 ટ્રિલિયનના અંકને પાર ગઈ છે. માર્ચ મહિનામાં માલ અને સેવા કરની (GST) કુલ આવક રૂપિયા 1.06 ટ્રિલિયન રહી હતી.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “એપ્રિલ 2019ની GST કુલ આવક રૂ. 1,13,865 કરોડ રહી હતી. એપ્રિલ 2018ની કુલ આવક રૂ. 1,03,459 કરોડ રહી હતી અને એપ્રિલ 2019 દરમ્યાન આવકમાં ગયા વર્ષના આ જ મહિનાની સરખામણીએ 10.05 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.”

આ ઉપરાંત કેન્દ્ર સરકારે કેન્દ્રીય GSTના રૂ. 20,370 કરોડ અને રાજ્ય GSTના ઈન્ટીગ્રૅટેડ GSTના રૂ. 15,975 કરોડ પણ નિયમિત સેટલમેન્ટ અનુસાર સેટલ કર્યા હતા. જ્યારે કેન્દ્ર પાસે ઉપલબ્ધ IGSTના બેલેન્સમાંથી રૂ. 12,000 કરોડ રાજ્યો સાથે 50:50 ના આધારે કામચલાઉ આધારે સેટલ કરવામાં આવ્યા હતા.

નાણા મંત્રાલયના આંકડાઓ અનુસાર એપ્રિલ મહિનો જે આ નાણાંકીય વર્ષનો પહેલો મહિનો છે તેની GST આવક જ્યારથી આ નવો કર અમલ (1 જુલાઈ, 2017) અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી એક મહિનાની સહુથી ઉંચી આવક પણ છે.

GST જ્યારે અમલમાં આવ્યો હતો ત્યારે કેન્દ્ર સરકાર કરની આવકના આંકડા બીજા મહિનાના દર ત્રીજા અઠવાડિયે જાહેર કરતી હતી. હવે સરકારે 2018-19ના નાણાંકીય વર્ષ માટે આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવી લેતા હવે GSTની આવકના આંકડા બીજા મહિનાના પહેલા દિવસે જ જાહેર કરવાનું શરુ કરી દીધું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here