પ્રતિબંધ: કારમી હાર બાદ કોંગ્રેસે ટીવી ચર્ચા પર પ્રતિબંધ મૂક્યો

0
143
Photo Courtesy: india.com

લોકસભાની ચૂંટણીમાં મળેલી ભારે હાર બાદ આજે કોંગ્રેસે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય કરતા આવનારા એક મહિના સુધી પોતાના તમામ પ્રવક્તાઓને ટીવી ચર્ચાથી દૂર રાખવાનું નક્કી કર્યું છે.

Photo Courtesy: india.com

નવી દિલ્હી: લાગે છે કે કોંગ્રેસ હજી પણ લોકસભાની ચૂંટણીઓમાં મળેલી કારમી હારથી કળ વળવામાંથી બહાર નથી આવી. આજે તેણે જાહેરાત કરી છે કે આવનારા એક મહિના સુધી તેના તમામ પ્રવક્તાઓ ટેલિવિઝન ન્યૂઝ ચેનલોની ચર્ચાથી દૂર રહેશે.

કોંગ્રેસ પ્રમુખ રણદીપ સુરજેવાલાએ આજે થોડા સમય પહેલા જ એક Tweet કરીને આ નિર્ણય જણાવ્યો છે. સુરજેવાલાની Tweet અનુસાર કોંગ્રેસ પાર્ટી પોતે તો ટીવી ચર્ચામાં પોતાના પ્રવક્તાઓ નહીં જ મોકલે પરંતુ ટીવી ચેનલો પણ આવનારા એક મહિના સુધી તેમને ચર્ચા માટે નિમંત્રણ ન આપે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીના આ નિર્ણયના બે અર્થ કાઢી શકાય. પહેલો અર્થ સમાજવાદી પાર્ટીના આ જ પ્રકારના એક નિર્ણય સાથે સરખામણી કરીને લઇ શકાય છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાના બીજા જ દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના પક્ષના તમામ ટીવી પ્રવક્તાઓને બરખાસ્ત કરી દીધા હતા.

અખિલેશનું કહેવું હતું કે તેમના પ્રવક્તાઓ ચૂંટણી દરમ્યાન પાર્ટીનો સંદેશ જનતા સુધી પહોંચાડવામાં અસમર્થ રહ્યા હતા. પરંતુ, રાજકીય પંડિતો અનુસાર આ એક બાલીશ નિર્ણય કહી શકાય કારણકે નવા પ્રવક્તાઓ પણ જો બિનઅનુભવી હશે તો પક્ષનો સંદેશ કેવી રીતે જનતા સમક્ષ પહોંચાડી શકશે અને જો એમની એ નિષ્ફળતા બાદ ફરીથી એના એ જ પ્રવક્તાઓ નિયુક્ત થશે તો પહેલા નિર્ણયની સાર્થકતા શું?

તો શું કોંગ્રેસ પણ આ જ રીતે બાલીશ નિર્ણય લેવામાં માની રહી છે? પરંતુ કોંગ્રેસે પ્રવક્તાઓની બરખાસ્તગીને બદલે એક મહિનાનો વિરામ લેવાનું નક્કી કર્યું છે તે મૂળ તફાવત છે.

હાલમાં જ કોંગ્રેસની વર્કિંગ કમિટી (CWC) મળી હતી જેમાં પ્રમુખ રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું અને તેને CWCના સભ્યો દ્વારા નકારી કાઢવામાં પણ આવ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીને પક્ષમાં આમૂલ પરિવર્તન લાવવાના તમામ હક્ક આપવામાં આવ્યા હતા.

જો આજનો નિર્ણય એ કોંગ્રેસમાં આવનારા આમૂલ પરિવર્તનનો એક હિસ્સો હોય તો જ તેનું મહત્ત્વ રહેશે, કારણકે જો એક મહિના બાદ પણ કોંગ્રેસી પ્રવક્તાઓ ટીવી ચર્ચામાં આવીને મોં માથા વગરની દલીલો ફરીથી કરવા લાગશે તો એક મહિનો ટીવી ચર્ચાથી દૂર રહેવાનો કોઈજ અર્થ સરતો નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here