CWC 19 | M 22 | ભારત – 7; પાકિસ્તાન – 0

0
79
Photo Courtesy: twitter.com/cricketworldcup

ભારતીય ટીમના પ્રોફેશનલ એપ્રોચ, કપ્તાન વિરાટ કોહલીની તિક્ષ્ણ કપ્તાની અને પાકિસ્તાની ટીમની કોઈ ખાસ તૈયારી વગર મેદાન પર ઉતારવાને કારણે ભારત અને પાકિસ્તાનનો આ મુકાબલો પણ એકતરફી રહ્યો હતો.

Photo Courtesy: twitter.com/cricketworldcup

ભારત અને પાકિસ્તાન હવે દર બે ત્રણ વર્ષે એક વખત આમને સામને ટકરાય છે અને તે પણ ICC ટુર્નામેન્ટમાં જ અને એટલેજ આ પરંપરાગત હરીફાઈને વધુને વધુ હાઈપ મળતો જાય છે. પરંતુ હવે પાકિસ્તાની ટીમમાં એ વાત નથી જે એક સમયે હતી એટલે મુકાબલો વધુને વધુ ભારત તરફી થતો જાય છે અને છેવટે એ હાઈપનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

તેમ છતાં પાકિસ્તાની ટીમની આશ્ચર્ય પમાડવાની છૂપી શક્તિથી સંભાળીને તો રમવું જ પડે અને તે જ આ બંને દેશો વચ્ચેની મેચોમાં ભરપૂર રસ ટકાવી રાખવા માટે પૂરતું હોય છે. વળી, આ મેચ તો થશે કે નહીં તેના પર જ ટુર્નામેન્ટ શરુ થવા અગાઉ શંકા હતી અને ગઈકાલની વરસાદની આગાહીએ તેમાં વધુ ઉમેરો કર્યો હતો. જે હોય તે પરંતુ ટીમ ઇન્ડિયાએ જે રીતે પ્રોફેશનલ એપ્રોચથી પહેલા બોલથી છેલ્લા બોલ સુધી મેચ રમી તે કાબિલે દાદ છે.

શરૂઆતનો સ્વીંગ ટીમને બહુ નુકસાન ન પહોંચાડી જાય તે માટે લોકેશ રાહુલ અને રોહિત શર્માની ઓપનીંગ બેટિંગ જોડીએ સંભાળીને બેટિંગ કરી અને જેવો બોલ થોડો જૂનો થયો એટલે ફટકાબાજી શરુ કરી દીધી તે બધું એકરીતે જોવા જઈએ તો સ્ક્રિપ્ટ અનુસાર જ ચાલી રહ્યું હતું. રાહુલના આઉટ થયા બાદ કેપ્ટન કોહલીએ માત્ર સ્ટ્રાઈક ફેરવવાનું કામ કરવાનું હતું જેથી પીચ પર તેના કરતા લાંબો સમય બેટિંગ કરી રહેલા રોહિત શર્મા ખુલીને રમી શકે એ પણ સ્ક્રિપ્ટ અનુસાર જ હતું.

તો સેન્ચુરી કર્યા પછી રોહિત શર્મા વિરોધી ટીમ પર રીતસર બેસી જ જાય છે તે પણ નક્કી જ હતું અને તેના આઉટ થયા બાદ કોહલીએ વિરોધી બોલર્સની ધોલાઈ કરવાની હતી તે પણ પહેલેથી જ નક્કી કરેલી રણનીતિ અનુસાર ચાલ્યું હતું. તેમ છતાં એક સમયે ભારત જે આસાનીથી 350+ ના સ્કોર સુધી પહોંચી શકતું હતું તેનાથી તે 14 રન દૂર રહી ગયું હતું કારણકે છેલ્લી ઓવરોમાં રન વધારવાના ચક્કરમાં વિકેટો પડી પ્લસ વરસાદે બ્રેક મારતા ખેલાડીઓનું ધ્યાનભંગ થયું.

પાકિસ્તાની બેટ્સમેનોએ પણ ભારતની જ સ્ક્રિપ્ટની કોપી કરવાનું શરુ કરી દીધું હતું પરંતુ આ સ્ક્રિપ્ટની કોપી કરવા જતા ગત રવિવારે ઓસ્ટ્રેલિયા ભરાઈ પડ્યું હતું અને આ મેચમાં તો વરસાદનો ભય સતત રહેવાનો હતો એટલે પાકિસ્તાન પણ શરૂઆતની ઓવર્સ જો સંભાળીને રમવા જાય તો તેને જ ભારે પડવાનું હતું તે નક્કી હતું. તેમ છતાં ભુવનેશ્વર કુમારની વહેલી વિદાય બાદ વિજય શંકરને બોલિંગ આપવા છતાં ભારતને કોઈજ નુકસાન થયું નહોતું ઉલટું શંકરને ઈમામ ઉલ હક્કની પ્રાઈઝ વિકેટ મળી હતી અને એ પણ તેના પહેલા જ બોલ પર!

વિકેટ બચાવીને બાદમાં આક્રમક બેટિંગ કરવાની પાકિસ્તાની રણનીતિ તેના જ માથે પડી હતી કારણકે ભારત વિરુદ્ધ રમવાનું પ્રેશર ઉપરાંત સ્કોરબોર્ડ પ્રેશર એમ બેવડું દબાણ સહન કરી શકે એવી પાકિસ્તાનની બેટિંગ લાઈનઅપ છે જ નહીં. એમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચાહલની સ્પિન બોલિંગે બાકીનું કામ પૂરું કરી દીધું. કુલદીપે જે રીતે બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો તે બોલ ભારતીય ક્રિકેટ ફેન્સના દિલોદિમાગમાં વર્ષો સુધી છવાઈ રહેશે. કુલદીપ યાદવ એક અનોખી ટેલેન્ટનો માલિક છે અને તે વર્ષો સુધી ભારતીય ક્રિકેટને ત્રણેય ફોરમેટમાં ભરપૂર સેવા આપતો રહેશે.

આ મેચનો ભારત માટે જો સહુથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો તે હતો વિરાટ કોહલીની કપ્તાની. બોલિંગ દરમ્યાન જે રીતે વિરાટ કોહલીએ બોલર્સમાં બદલાવ કર્યા તેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે. મેદાન પર અને મેદાનની બહાર બાળકની જેમ મજાક મસ્તી કરતા કોહલીને જ્યારે મેદાન પર મોહમ્મદ શમી એ મેસેજ લઈને આવ્યો કે ભુવનેશ્વર કુમાર  હવે બાકીની મેચમાં બોલિંગ નહીં કરી શકે ત્યારે કોહલીના હાવભાવથી કે ત્યારબાદ તેના વર્તનથી સ્પષ્ટ થયું હતું કે તેને એ વાતની જરાય ચિંતા ન હતી અને તેણે એ જ પરિપક્વતાથી બાકીની મેચમાં પોતાની ટીમની આગેવાની કરી અને તેને જીતાડી.

સામે પક્ષે પાકિસ્તાનના કપ્તાન સરફરાઝ અહમદ જે ઓલરેડી પાકિસ્તાની ટ્રોલ્સનો શિકાર થઇ ગયો છે તે ભારતીય બેટિંગ દરમ્યાન બગાસાં ખાતો ઝડપાઈ ગયો હતો! ભારત સામેની મેચ હોય અને તમે આળસનો એક અંશ પણ કેવી રીતે દેખાડી શકો તે કોઈની પણ સમજમાં આવતું નથી. ઓવરઓલ મોહમ્મદ આમીર સિવાય એક પણ પાકિસ્તાની આ મેચ જીતવા માટે માનસિક રીતે તૈયાર ન હતો. ફખર ઝમાન અને બાબર આઝમે સારી બેટિંગ તો કરી પરંતુ એ બેટિંગથી મેચ જીતી ન શકાય કારણકે તેમાં કોઇપણ પ્રકારનું પ્લાનિંગ દેખાઈ રહ્યું ન હતું.

ન્યુઝીલેન્ડ સામેની મેચ ધોવાઈ ગયા બાદ ભારત માટે આ જીત અત્યંત જરૂરી હતી અને તે હવે ત્રણ-ચાર દિવસનો આરામ માણીને છેક આવતા શનિવારે અફઘાનિસ્તાન સામેની મેચ માટે પોતાને આરામથી તૈયાર કરી શકે છે અને તે ટીમને આગળની મેચો માટે માનસિક રૂપે પણ મદદરૂપ થશે. તો બીજી તરફ પાકિસ્તાન જે માત્ર આ વર્લ્ડ કપના ફોરમેટની સરખામણી કરતા 1992નો ઈતિહાસ રિપીટ કરવાના સપના જોઈ રહ્યું હતું તેના માટે હવે સેમીફાઈનલનો રસ્તો અત્યંત મુશ્કેલ છે.

Preview: બાંગ્લાદેશ વિ. વેસ્ટ ઇન્ડિઝ, કાઉન્ટી ગ્રાઉન્ડ, ટોન્ટન

એક રીતે જોવા જઈએ તો આ બંને ટીમ કાગળ પર અને મેદાન પર એક સરખી છે. વેસ્ટ ઇન્ડિઝ નિશ્ચિતપણે બાંગ્લાદેશ સામે પણ પોતાની શોર્ટ પીચ બોલિંગની રણનીતિ અપનાવશે, પરંતુ જો બાંગ્લાદેશ રોહિત શર્મા અને રાહુલની જેમ શરૂઆતની દસ ઓવર્સ સંભાળીને રમી લેશે તો વેસ્ટ ઇન્ડિઝને હરાવવામાં તેને કોઈ તકલીફ નહીં પડે કારણકે વેસ્ટ ઇન્ડિઝ પાસે સંરક્ષણની રમત છે જ નહીં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here