CWC 19 | M 20 & 21 | શ્રીલંકા અને અફઘાનિસ્તાન અપેક્ષા અનુસાર જ રમ્યા

0
132
Photo Courtesy: twitter.com/cricketworldcup

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આ બંને પ્રોફેશનલ ટીમો છે અને તેઓએ અપેક્ષા અનુસાર જ અનુક્રમે શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે દેખાવ કરીને પોતપોતાને માટે 2 અંકની વ્યવસ્થા કરી લીધી હતી.

Photo Courtesy: twitter.com/cricketworldcup

બંને મેચો શરુ થઇ તે પહેલા જ તેના પરિણામો લગભગ નક્કી હતા. શ્રીલંકા કે અફઘાનિસ્તાનમાંથી માત્ર અફઘાનિસ્તાન જ કોઈ ચમત્કાર કરી શકે તેવી પરીસ્થિતિમાં હતું. પરંતુ ચમત્કાર આખરે ચમત્કાર જ હોય છે અને તે કોઈક વાર જ થતો હોય છે. સાઉથ આફ્રિકાની ટીમનો આત્મવિશ્વાસ અત્યારે ભલે તળીયે હોય પરંતુ તે અફઘાનિસ્તાન સામે હારી જાય એવી કોઈજ શક્યતા ન હતી, ખાસ કરીને બાંગ્લાદેશ સામે મળેલી હાર બાદ તો નહીં જ.

તો દિવસની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લું શ્રીલંકા સામે સદાય ભારે રહેવાનું જ હતું અને પાકિસ્તાનને હરાવ્યા બાદ તો ઓસ્ટ્રેલિયન ટીમનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હોય જ. પરંતુ આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ એ ભૂલ દોહરાવી જે તેણે પાકિસ્તાન સામે કરી હતી. સારી શરૂઆત અને મજબૂત મિડલ ઓવર્સ બાદ છેલ્લી દસ ઓવર્સમાં રન રેટ અને સ્કોરને જે પૂશ મળવો જોઈએ તેને અમલમાં મુકવામાં ઓસ્ટ્રેલિયા આ મેચમાં પણ નિષ્ફળ ગયું હતું.

આ મેચમાં કેપ્ટન એરોન ફિન્ચે સારી શરૂઆત આપ્યા બાદ સ્ટિવ સ્મિથ સાથે મળીને મધ્ય ઓવરોમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ તેણે મજબૂત પણ બનાવી, પરંતુ આ બંનેના આઉટ થયા બાદ ભલે શ્રીલંકન બોલર્સની બોલિંગ સારી રહી હતી પરંતુ છેલ્લી દસ ઓવર્સમાં જે રીતની બેટિંગ ઓસ્ટ્રેલિયા પાસેથી અપેક્ષિત હતી તે તેમણે ન કરી. આ તો શ્રીલંકા હતું નહીં તો અન્ય કોઈ ટીમ સામે ઓવલની બેટિંગ પીચ પર 350થી ઓછું લક્ષ્ય આપવું ઓસ્ટ્રેલિયા માટે ભારે પડી જાત.

શ્રીલંકાએ શરૂઆત ભલે સારી કરી અને ઓસ્ટ્રેલિયાને લગભગ 30 ઓવર્સ સુધી ડરાવે રાખ્યું પરંતુ બાદમાં જાણેકે પેવેલિયન જવાની દરેક શ્રીલંકન બેટ્સમેનોને ઉતાવળ હોય તેમ તેઓ ફટાફટ તમામ આઉટ થવા લાગ્યા. અધૂરામાં પૂરું શ્રીલંકાની ટીમ પૂરી 50 ઓવર્સ પણ પૂરી કરી શકી ન હતી. સળંગ બે મેચ ધોવાઈ ગયા બાદ શ્રીલંકન બેટ્સમેનો પાસે વિજયી નહીં તો આનાથી બહેતર પ્રદર્શનની આશા જરૂર હતી.

અફઘાનિસ્તાન માટે ભલે લોકોને અપેક્ષા હોય પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ પ્રોફેશનલ છે અને તે અત્યારસુધીના નિરાશાજનક દેખાવ પરથી ધડો ન લે એ શક્ય જ ન હતું. છેવટે ઇમરાન તાહિરની બોલિંગ સામે અફઘાનો ઝૂકી ગયા અને સાઉથ આફ્રિકાને જેમ ગઈકાલે પ્રિવ્યુમાં કહેવામાં આવ્યું હતું તેમ મોટો વિજય મેળવવામાં કોઈ ખાસ તકલીફ ન પડી. આ મોટો વિજય તેમના આત્મવિશ્વાસમાં તો વધારો કરશે જ પરંતુ આવનારી મોટી મેચોમાં તેને સારો દેખાવ કરવામાં પણ મદદ કરશે.

Preview: ભારત વિ. પાકિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

આખા વર્લ્ડ કપ દરમ્યાન દરેક ટીમના સમર્થકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આજે રમાવાની છે. જો વિદેશી ક્રિકેટ ચાહકોની હાલત એવી હોય તો આ બંને દેશોના ક્રિકેટ ફેન્સની તો વાત જ શું કરવી? પરંતુ જુસ્સાની વાત ન કરતા ક્રિકેટિંગ તર્કને ધ્યાનમાં રાખીને વિચારીએ તો ભારતની ટીમ દરેક પાસાંમાં પાકિસ્તાની ટીમ કરતા ચડીયાતી છે.

તેમ છતાં ભારતે ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બોલિંગ કરતી વખતે બાબર આઝમનું, બેટિંગ કરતી વખતે મોહમ્મદ આમિરનું અને સમગ્ર મેચ દરમ્યાન અતિશય આત્મવિશ્વાસથી દૂર રહેવાનું જે તેને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારે પડી ગયું હતું. આશા કરીએ કે આ મેચ પૂરેપૂરી 100 ઓવરની થાય કારણકે માન્ચેસ્ટરમાં વરસાદના ઘણા ચાન્સ છે. જો મેચ 20-20 ઓવર્સની થશે તો પાકિસ્તાનનું પલ્લું અમુક અંશે ભારે થઇ શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here