ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે શા માટે જે પી નડ્ડાની પસંદગી કરાઈ?

0
285
Photo Courtesy: twitter.com/AmitShah

ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાની ગઈકાલે વરણી કરવામાં આવી હતી. તેમની આ નિયુક્તિ પાછળ કેટલાક ખાસ કારણો રહ્યા છે.

Photo Courtesy: twitter.com/AmitShah

ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકમાં જગત પ્રકાશ નડ્ડા એટલેકે જે પી નડ્ડાની પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જો કે અમિત શાહ આવતા છ મહિના માટે પક્ષના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. નડ્ડાને આમતો અમિત શાહના દેશના ગૃહમંત્રી બનાવ્યા બાદ જ પક્ષના આગલા પ્રમુખ તરીકે જોવામાં આવી રહ્યા હતા પરંતુ આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આથી આવા સંજોગોમાં અમિત શાહને પક્ષ પ્રમુખના પદે ચાલુ રાખવા જરૂરી હતું.

ભારતીય જનતા પાર્ટીમાં આમ તો એવા અસંખ્ય આગેવાનો છે જેમને પક્ષના પ્રમુખ તરીકે કાર્યભાર સોંપી શકાય તેમ હતો પરંતુ તેમ છતાં જે પી નડ્ડાને જ કેમ અત્યારે કાર્યકારી અધ્યક્ષ અને કદાચ છ મહિના બાદ પૂર્ણ સમયના પક્ષ પ્રમુખ બનાવી દેવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો? આ પ્રકારના નિર્ણય લેવા પાછળ કેટલાક ખાસ કારણો જવાબદાર છે. ચાલો જોઈએ.

પહેલું અને સહુથી મોટું કારણ એ છે કે જે પી નડ્ડાની ઉંમર માત્ર 58 વર્ષ છે જે રાજકારણની દુનિયામાં ઘણી ઓછી કહેવાય. આથી પક્ષ માટે દિવસ રાત કાર્ય કરવા માટે તેમની પાસે પૂરતો સમય અને ઉર્જા છે.

ભાજપમાં કોઇપણ વ્યક્તિને મોટું પદ આપવામાં આવે તો પહેલા સંઘના આશીર્વાદ તેને મળે તે જરૂરી હોય છે. જે પી નડ્ડાને સંઘ પોતાના સંનિષ્ઠ કાર્યકર્તાઓમાંથી એક ગણે છે. આ ઉપરાંત નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહની પણ ઘણા નજીક છે અને આ બંને સાથે પક્ષમાં કાર્ય કરવાનો તેમનો ઘણો લાંબો અનુભવ છે. સંઘની પણ હા હોવાથી જે પી નડ્ડાનો પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનવાનો રસ્તો ક્લિયર થઇ ગયો હતો.

જે પી નડ્ડાને ઓળખતો કોઇપણ વ્યક્તિ એમ કહેશે કે તેમની જીવનશૈલી અત્યંત સાધારણ છે અને તેમનો સ્વભાવ પણ ખૂબ મળતાવડો છે. જે પી નડ્ડા કાર્યકર્તાઓ વચ્ચે ખાસ્સા લોકપ્રિય પણ છે અને ભાજપના મોટા તેમજ નાના કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન સાધવામાં તેમને બિલકુલ તકલીફ નહીં પડે.

જે પી નડ્ડા સરળ સ્વભાવના હોવા ઉપરાંત એકદમ ઈમાનદાર છે. તેઓ પોતાને સોંપેલું કામ ઈમાનદારીથી કરતા હોય છે. 2014માં નડ્ડાને પક્ષના મુખ્યાલયમાં બેસીને સમગ્ર ચૂંટણી પ્રચાર પર ધ્યાન રાખવાનું કાર્ય સોંપ્યું હતું જે તેમણે બખુબી નિભાવ્યું હતું. તો આ વખતે તેમને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તેમણે તેમાં પણ પક્ષને સફળતા અપાવી હતી.

જે પી નડ્ડા કુશળ રણનીતિકાર પણ છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની હાજરીમાં ભાજપનો કટ્ટરમાં કટ્ટર સમર્થક પણ પક્ષને 50થી વધારે બેઠકો નહોતો આપી રહ્યો. આવામાં અમિત શાહની જ તર્જ પર રણનીતિ બનાવવામાં માહેર એવા જે પી નડ્ડાએ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ભાજપને રાજ્યમાં 49.5% મત સાથે 62 બેઠકો અપાવીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની સરકારની કેટલીક સફલતમ યોજનાઓમાંથી એક આયુષ્માન ભારત યોજના પણ હતી. આ યોજનાનું માળખું બનાવીને તેને શરુ કરાવીને અમલ કરાવવાનું કામ તે સમયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળતા જે પી નડ્ડાએ કરી બતાવ્યું હતું. આજે આયુષ્માન ભારત યોજના દેશભરના ગરીબો માટે આશીર્વાદ બની ગઈ છે. આ પાછળ જે પી નડ્ડાનું જ કુશળ દિમાગ કામ કરતું હતું.

અગાઉ જણાવ્યા અનુસાર જે પી નડ્ડાને હાલમાં તો પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ એવી તમામ શક્યતાઓ વર્તાઈ રહી છે કે આ વર્ષના અંત સુધીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્ણ સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ બની જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here