શું તમને ખબર છે ભારતમાં ઈન્ટરનેટ ક્યારે આવ્યું? કોણ લાવ્યું?

0
1051
Photo Courtesy: yourstory.com

ભારતમાં ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર કોણ લાવ્યું તે અંગે જબરા મતમતાંતર પ્રવર્તે છે, પરંતુ કોઈને પણ તેના ખરા ઇતિહાસની ખબર નથી. તો ચાલો આપણે જાતે ઉકેલીએ આ જાણીતો કોયડો!

Photo Courtesy: yourstory.com

અત્યાર સુધી આપણે ઈમેઈલ નો ઈતિહાસ બે ભાગમાં જોયો. પણ ઈમેઈલ પણ જેના આધારે છે એવા ઈન્ટરનેટ નું ભારતમાં આગમન ક્યારે થયું!? આ આસાન સવાલ નો જવાબ એટલો આસાન નથી અને જવાબ  અમુક ચોપાનીયાઓ બે લાઈનમાં આપી દે છે એટલો ટૂંકો પણ નથી પણ હા મજેદાર જરૂર છે. તો ચાલો ગેટ રેડી ફોર અ ડાઈવ ઈન ધ ઓશન ઓફ નોલેજ એન્ડ ફન! મોજ અને માહિતી બંને ની ગેરન્ટી પાક્કી છે. તો ચાલો મારીએ ધુબાકા ટેકનોલોજી અને ઇનોવેશન ના સરોવરમાં.

આ ઈતિહાસ આપણે એક એવા મહાનુભાવની આંગળી ઝાલી જોઈશું કે જેમનો આપણી આજની યંગસ્ટર્સ ની ભાષામાં “નેટસેવી” અને “સ્વાવ” ગણાતી લાઇફસ્ટાઈલમાં સિંહફાળો છે. પણ આવા ડાઉન ટુ અર્થ અને કોઈ પોલિટિકલ પ્રોપેગેંડા વગરના મહાનુભાવોને બહુ આસાનીથી વિસરાવી દેવાની આપણી પ્રજાની તાસીર રહી છે. આ આર્ટિકલ સિરીઝ નો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણી નવી પેઢી આવા લોકો કે જેઓનું આજના નવા ભારતમાં ખરેખર બહું મોટું યોગદાન છે તેમને ઓળખે અને ઇતિહાસના નામે રીતસર ક્રિએટ કરાતી “ઑલ્ટરનેટ હિસ્ટ્રી” ની પોલ જાણી શકે કે જેથી લોકો વોટબેંક માટે ઉભી કરાટી રાજનૈતિક માન્યતાઓ (પોલિટિકલ પરસેપશન) ને ઓળખી શકે! આવા જ એક દેશમાં ભૂલાયેલા પણ વિદેશમાં વખણાયેલાં વિઝનરી છે, ડૉ. શ્રીનિવાસન રામાણી.(નીચેનો ફોટો)

શ્રી રામાણી ને નાનપણથી જ ટેક્નોલોજીમાં રસ હતો. ખૂબ જ નાની વયથી રામાણી તેમના મિત્રની સાથે ચેન્નાઈ (તત્કાલીન મદ્રાસ) ના મૂર માર્કેટમાં ફરી ફરી ને પોપ્યુલર સાયન્સ અને પોપ્યુલર મેકેનિક્સના જૂના અંકો શોધતા અને એમાંથી જોઈ જોઈ પોતે ઘરે કરી શકાય તેવા પ્રયોગો કરતા રહેતા. આવી નાની ઉંમરે તેમણે ઘરમાં વપરાતી વસ્તુઓનો ઉપયોગ કરી ડાયોડ(ઇલેક્ટ્રોનિક સ્વિચ) બનાવેલી. તેમનો વિદ્યાર્થી અવસ્થા થી જ જોક ઇલેક્ટ્રોનિક્સ તરફ હતો, પરિણામે તેઓ ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ માં બી.ટેક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગમાં IIT મુંબઈ થી એમ.ટેક અને ત્યાંથી જ ડૉક્ટરેટ પણ કર્યું.

ત્યારબાદ બે વર્ષ માટે (1971-73) પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ ફેલોશીપ માટે અમેરિકાના પીટસબર્ગમાં આવેલી વિખ્યાત કારનેગી મેલોન યુનિવર્સિટી (CMU) માં જવાનો અવસર મળ્યો. અહીં તેઓનો સૌ પ્રથમ પરિચય થયો સંદેશાવ્યવહારની તદ્દન નવી ટેકનોલોજી – ઈમેલ સાથે. તમને યાદ હશે કે આપણે ઈમેલ ના ઈતિહાસ વાળા લેખ માં જોઈ ગયા કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ની એજન્સી ARPA દ્વારા જે ARPANET નામનું નેટવર્ક ઉભું કરાયેલું તેના ચાર નોડ્સ હતા એમની એક નોડલ સંસ્થા CMU પણ હતી, આ નોડ રામાણીના ડિપાર્ટમેન્ટમાં જ આવતી હોવાથી રામાણી આ નેટવર્ક નો ઉપયોગ કરવા વાળા પ્રથમ 100 વ્યક્તિઓમાંના એક બન્યા!

આ ટેકનોલોજી ના અમુક પાસાઓ તેમને ખૂબ સ્પર્શી ગયા જેમકે કમ્યુનિકેશન માટે પેકેટ સ્વિચિંગ નો ઉપયોગ. પેકેટ સ્વીચિંગ ટેકનોલોજીના ઉપયોગથી મોકલેલો મેસેજ જ્યાં સુધી રિસીવર પોતાના કમ્પ્યુટરમાં લોગીન ના કરે ત્યાં સુધી તેની જ સિસ્ટમ માં સ્ટોર થઈ તેની રાહ જોતો બેઠો હોય! ઉપરાંત જ્યારે લોગ એન કરવામાં આવે ત્યારે તેઓ મેસેજ પ્રોપર રીતે ડેલેવાર ન થયો હોય તો આ ટેકનોલોજી જાતે જ તેના બ્રોડકાસ્ટર ને આપોઆપ જ રિસેન્ડ કરવા જણાવી દે, અલબત્ત યુઝર ની જાણ બહાર! આ નેટવર્ક નો અલગ અલગ રિસર્ચ સંસ્થાઓ અને યુનીવર્સીટી દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે થતો ઉપયોગ જોઈ રામાણીને થયું કે આવું કંઈક આપણા વિકાસશીલ દેશમાં પણ હોવું જરૂરી છે. અહીં ગાળેલાં બે વર્ષોએ તેમનું મગજ કમ્પ્યુટર કમ્યુનિકેશન તરફ વાળી દીધું, તેમના કહેવા પ્રમાણે આ માટે તેમણે તેમના પ્રથમ પ્રેમ એવા “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેનો શિક્ષણ ક્ષેત્રે કરી શકાતા ઉપયોગ” નો ભોગ આપવો પડયો. પણ રામાણી ને લાગ્યુ કે અત્યારે સમયની જરૂરિયાત કમ્પ્યુટર નેટવર્કિંગ છે.

આ વિચારબીજ મગજમાં આરોપી રામાણી ફેલોશીપ પતાવીને 1973માં ભારત પરત ફર્યા અને ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(TIFR) નામની શ્રી જે.આર.ડી ટાટા અને ડૉ.હોમી જહાંગીર ભાભાના સહિયારા પ્રયત્નોથી મુંબઈમાં સ્થપાયેલ પ્રતિષ્ઠિત જાહેર રિસર્ચ સંસ્થામાં કામ કરવું શરૂ કર્યુ. તેમના અને ભારતના સદભાગ્યે રામાણીને ભારતની કમ્પ્યુટર ટેકનોલોજીના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા પ્રોફેસર આર. નરસિમ્હા અને TIFR નાં તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર એમ.જી.કે મેનન ના સબળ નેતૃત્વ હેઠળ નેશનલ સેન્ટર ફોર સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ કમ્પ્યુટર ટેક્નિક્સ(NCSDCT) માં કામ મળ્યું. રામાણીના ભારત આવતા પહેલા થી જ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે કામ થવું શરૂ થઇ ચૂક્યું હતું એમાં TIFR મોખરે હતું.

તે વખતે કમ્પ્યુટતર ટેકનોલોજી ક્ષેત્રે ભારતના મોટાભાગનાં વૈજ્ઞાનિકો નું ફોકસ નવા અને ઉપયોગી હાર્ડવેર બનાવવા તરફ રહેતું, સોફ્ટવેર હજી ભારતીય ટેકનોલોજી ના ફલક પર નવુસવું હતું. આવા એક પ્રોજેક્ટ અંતર્ગત 1954થી 1960 દરમિયાન આર. નરસિમ્હા ના નેતૃત્વ હેઠળ એક ટીમે ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ ઓટોમેટિક કેલ્ક્યુલેટર (TIFRAC) નામે ઓળખાતું ભારતનું પહેલું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર વિકસાવ્યું હતું. (અને હા, આ વખતે રાજીવ ગાંધી 16 અને સેમ પિત્રોડા માત્ર 18 વર્ષ ના હતા!) આ ભારતમાં બનેલું અને રિસર્ચર્સ અને એન્જિનિયર્સ દ્વારા બહોળા પ્રમાણમાં વપરાતું ભારતનું પહેલું ડિજિટલ કમ્પ્યુટર કહી શકાય.

Photo Courtesy: TIFR Bombay

રામાણીએ આ સંસ્થામાં આવ્યા બાદ પોતાના અમેરિકાના અનુભવ પરથી સોફ્ટવેર ક્ષેત્રે વધુ કામગીરી કરવા માટે નરસિમ્હા અને મેનન ને મનાવ્યાં. આમ NCSDCTમાં પહેલી વાર અલાયદી રીતે કમ્પ્યુટર નેટવર્ક પર કામગીરી કરતું  એક ડિપાર્ટમેન્ટ શરૂ કરાયું. આ દરમિયાન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (DoE) દ્વારા ફન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ નામની એક કંપનીએ TDC 316 નામનું મીની કમ્પ્યુટર વિકસાવ્યું હતું જેને રીમોટ સ્ટેશન તરીકે ઉપયોગ કરી મુંબઈમાં વીર માતા જીજાબાઇ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (VJTI), મુંબઈ ને સૌપ્રથમવાર કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યું.

પાછળથી NCSDC ના સપોર્ટથી 1977માં આજ સંસ્થા દ્વારા એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો જેને પછીથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ ઇન સોફ્ટવેર ટેકનોલોજી ના નામે ઘણા વર્ષો સુધી ચાલુ રખાયો. આ મુંબઈ અને કદાચ આખા ભારતનો સૌ પહેલો પાર્ટ ટાઈમ કમ્પ્યુટર એજ્યુકેશન નો કોર્સ હતો.

આ દરમિયાન NCSDCT સાથે પહેલેથી સંકળાયેલા અને કમ્પ્યુટર મેનેજમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (CMC) નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એવા પ્રેમ પ્રકાશ ગુપ્તા એક નવી પ્રપોઝલ લાવ્યા. તે વખતે મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (એટલે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો મેસેજ વચ્ચે કોઈ કમ્પ્યુટર માં પહેલા સ્ટોર થાય પછી જેટલા અલગ-અલગ રીસીવર હોય તે બધે જ આ મેસેજ પહોંચી શકે તેવી સર્વિસ) નું ચલણ પ્રમાણમાં વધતું જતું હતું. આવી જ એક કંપની કરોડો રૂપિયાનો એક પ્રોજેક્ટ લઈ આવી હતી, રામાણીએ પ્રોજેક્ટ રીવ્યુ કરી ને જણાવ્યું કે આમાં બતાવેલા કમ્પ્યુટર હાર્ડવેર અને રીયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ તો અફલાતૂન છે પણ એનું સોફ્ટવેર આ કામને પહોંચી વળવા કદાચ યોગ્ય નથી.

રામાણી એ આના ઉકેલ તરીકે ભારતમાં જ અને NCSDCT ના જ વૈજ્ઞાનિકો દ્વારા નવું સોફ્ટવેર વિકસાવવાનું નક્કી કર્યું. આ ભગીરથ કાર્ય માટે તે વખતે એડવાન્સ ગણાતી હાઈ લેવલ લેંગ્વેજ એવી પાસ્કલ નો ઉપયોગ કરી સોફ્ટવેર બનાવવાનું નક્કી કર્યું. બની ગયા બાદ આ સિસ્ટમ નું ટેસ્ટિંગ કરવું અનિવાર્ય હતું. પણ પ્રશ્ન એ હતો આ સીસ્ટમ ને ઉપયોગમાં લઈ ને તેના બધાજ પાસાઓ પ્રેક્ટિકલી તપાસી શકાય તેવી કોઈ એપ્લિકેશન હાથવગી ન હતી.

વધુ આવતા શુક્રવારે….

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here