CWC 19 | M 27 | આને કહેવાય અપસેટ! બ્રાવો શ્રીલંકા!!

0
161
Photo Courtesy: twitter.com/cricketworldcup

લીડ્ઝ ખાતે એક આશ્ચર્યજનક પરિણામમાં શ્રીલંકાએ આ વર્લ્ડ કપના યજમાન અને ટ્રોફી જીતવાના સહુથી મોટા ફેવરીટ ઇંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો. શ્રીલંકાના આ પ્રદર્શનના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

Photo Courtesy: twitter.com/cricketworldcup

ખરેખર તો એક વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ એક પણ વખત આ ટ્રોફી ન જીતનાર ટીમને હરાવી દે તો એને અપસેટ ન કહી શકાય. પરંતુ શ્રીલંકા છેલ્લા અમુક વર્ષોથી જે રીતનું ક્રિકેટ રમી રહ્યું છે અથવાતો આ ટુર્નામેન્ટમાં આ મેચ અગાઉ સુધીનું તેનું જે પ્રકારનું પ્રદર્શન રહ્યું હતું તેને જો ઇંગ્લેન્ડની ટીમના છેલ્લા અમુક મહિનાઓના પ્રદર્શન સાથે સરખાવવામાં આવે તો આને અપસેટ જરૂર કહી શકાય.

મેચની શરૂઆતમાં જ્યારે શ્રીલંકાએ બે વિકેટો તરતજ ગુમાવી દીધી ત્યારે કોમેન્ટેટર્સ કહી રહ્યા હતા કે આવી સરળ પીચ પર આ પ્રકારનું પ્રદર્શન યોગ્ય ન કહેવાય. પરંતુ જેમ જેમ મેચ આગળ વધી તેમ તેમ એ સાબિત થવા લાગ્યું કે એક વખત નવો બોલ પોતાની ચમક ગુમાવી દે પછી આ પીચ પર બેટિંગ કરવી અઘરી હતી.

આમ જુઓ તો શ્રીલંકા અને ઇંગ્લેન્ડ બંનેએ એક સરખી જ બેટિંગ દેખાડી હતી. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુઝે ઇનિંગને બાંધેલી રાખી તો ઇંગ્લેન્ડ તરફથી એ કામ બેન સ્ટોક્સે કર્યું. સ્ટોક્સ જો કે મેથ્યુઝ કરતા વધારે આક્રમક હતો પરંતુ તેમ છતાં ઇંગ્લેન્ડ છેવટે…છેવટે આ મેચ ગુમાવી બેઠું. શ્રીલંકાની બેટિંગ તો આ ટુર્નામેન્ટમાં સફળ નથી રહી એટલે એની નબળી બેટિંગ પર વધારે કશું કહેવાનું રહેતું નથી.

પરંતુ ઇંગ્લેન્ડ માટે આ ટાર્ગેટ આસાનીથી એચીવ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી જ. ઇંગ્લેન્ડને માત્ર બે મોટી ભાગીદારીની જરૂર હતી. કેપ્ટન ઓઇન મોર્ગન અને જો રૂટ વચ્ચેની પાર્ટનરશીપ એ માર્ગે જઈ પણ રહી હતી પરંતુ મોર્ગનના આઉટ થયા બાદ જાણેકે ઈંગ્લીશ બેટ્સમેનો પોતાનો રસ્તો ભૂલી ગયા.

મોટાભાગના બેટ્સમેનો શોટ્સ મારવામાં આઉટ થયા હતા જ્યારે આ પ્રકારની પીચ પર સંભાળીને અને એક-એક, બે-બે રન લઈને ભાગીદારી ઉભી કરવાની હોય છે. બાકીના બેટ્સમેનોથી આ કામ ન થતા છેવટે બેન સ્ટોક્સ પર સઘળો ભાર આવી પડ્યો હતો અને તેણે બહુ ઓછા બોલ્સમાં માત્ર શોટ્સ મારીને વધુ રન ચેઝ કરવા પડ્યા હતા.

જો કે તેમાં સ્ટોક્સ સફળ પણ રહ્યો હતો પરંતુ સામે છેડે પૂંછડીયા બેટ્સમેનો એક પછી એક આઉટ થતા ગયા એટલે બોલ અને રન વચ્ચેનો ગેપ સતત વધતો ચાલ્યો અને રનચેઝ સ્ટોક્સના કાબૂની બહાર જતો રહ્યો. એક નોંધપાત્ર બાબત એ  હતી જેના પર ઇંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ જરૂર વિચાર કરશે અને તે એ હતી કે ઇંગ્લેન્ડ પૂરેપૂરી 3 ઓવરની બેટિંગ ન કરી શક્યું અને ઓલ આઉટ થઇ ગયું!

આ હકીકતનો સીધેસીધો મતલબ એક જ છે કે જો ઇંગ્લેન્ડ પૂરેપૂરી 50 ઓવર રમ્યું હોત તો તે મેચ આસાનીથી જીતી ગયું હોત. વનડે મેચોમાં આ પ્રકારની નાનીનાની બાબતો ઘણી મહત્ત્વ ધરાવતી હોય છે. આશા કરીએ કે ઇંગ્લેન્ડ સહીત બાકીની ટીમો પણ હવેથી તેના પર ધ્યાન આપશે.

તો શ્રીલંકાની બોલિંગ વિષે બે શબ્દો ન કહીએ તો તેના આ અદભુત પ્રદર્શનનું અપમાન કહેવાશે. લસિથ મલીંગા આ મેચમાં ઘણા સમયે પોતાના ઓરીજીનલ રંગમાં હતો. તેણે બે વખત પોતાની ઓવરમાં ચોગ્ગા ખાધા પછી પણ બોલ ગૂડ લેન્થ પર અને યોર્કર નાખવાના ચાલુ રાખ્યા જેનું તેને ફળ મળ્યું. તો ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉડાના અને નુવાન પ્રદીપે કરકસરભરી બોલિંગ કરીને જરૂરી વિકેટો મેળવી અને ઇંગ્લેન્ડ પર સતત દબાણ બનાવી રાખ્યું અને છેવટે વિજય મેળવ્યો.

Preview: ભારત વિ. અફઘાનિસ્તાન, રોઝ બાઉલ સાઉથહેમ્પટન અને ન્યુઝીલેન્ડ વિ. વેસ્ટ ઇન્ડિઝ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

ભારત અને અફઘાનિસ્તાનની મેચનો વિજેતા અત્યારથી જ નક્કી છે. ભારતે તેની મેચો મજબૂત ટીમો સામે જીતી છે અને મોટા માર્જીનથી જીતી છે આથી અફઘાનિસ્તાન સામે તે આત્મવિશ્વાસથી રમવા ઉતરશે. હા અતિ પડતો આત્મવિશ્વાસ તેને નુકશાન પહોંચાડી શકે તેમ છે, પરંતુ જે રીતે અત્યારે ટીમ ઇન્ડિયા રમી રહી છે તે જોતા તે આ જાળમાં નહીં જ ફસાય તેની ખાતરી છે.

ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકા સામે હાલમાં જ મહેનત કરીને મેચ જીતવી પડી છે, બલ્કે મેચની છેલ્લી ઓવરમાં પરિણામ મેળવ્યું છે આથી તે વેસ્ટ ઇન્ડિઝ સામે માનસિક રીતે તૈયાર હશે જ કે તેણે આ મેચમાં કોઈજ ચાન્સ લેવાનો નથી. તો બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પાસે સમસ્યાઓ ઘણી છે. તેણે માત્ર આક્રમકતા છોડીને મગજનો ઉપયોગ કરીને જેટલું આ મેચમાં રમશે તેટલો એનો જ ફાયદો છે. પરંતુ અત્યારની ઘડીએ ન્યુઝીલેન્ડ આ મેચ જીતવા માટે ફેવરીટ કહી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here