CWC 19 | FINAL | આવી વર્લ્ડ કપ ફાઈનલ ફરી નહીં જોવા મળે!

0
235
Photo Courtesy: twitter.com/cricketworldcup

ઇંગ્લેન્ડે તેનો પ્રથમ પચાસ ઓવર્સનો પુરુષો માટેનો વર્લ્ડ કપ જીત્યો તો ખરો પરંતુ તેને તેણે અત્યારસુધીનો સહુથી યાદગાર વર્લ્ડ કપ બનાવવા માટે જરા અમથી કસર પણ છોડી નહીં!

Photo Courtesy: twitter.com/cricketworldcup

વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઇ એ પહેલાં જ મોટાભાગના ક્રિકેટ ફેન્સ, જેમાં ગલ્લા ક્રિકેટ નિષ્ણાતો સામેલ ન હતા, તેઓ ઇંગ્લેન્ડને જ આ ટુર્નામેન્ટ જીતવા માટેની હોટ ફેવરીટ ટીમ ગણતા હતા. તેમની આ આગાહી ગઈકાલે ભારતીય સમય અનુસાર મધ્યરાત્રીની આસપાસ સાચી તો પડી પરંતુ આવી રીતે તે સાચી પડશે તેવી અપેક્ષા તો તેમને પણ ન હતી.

ઇંગ્લેન્ડ જે ટુર્નામેન્ટ શરુ થયા અગાઉ ભલભલી ટીમોને ભારે પડશે અને વર્લ્ડ કપ એકલેહાથે જીતી જશે એવી અપેક્ષા જરૂર હતી પરંતુ ઇંગ્લેન્ડની આ સશક્ત ટીમને વર્લ્ડ કપ જીતતા અગાઉ ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને સેમીફાઈનલમાં પહોંચતા તેમજ ફાઈનલ જીતતાં જીતતાં નાકે દમ આવી ગયો હતો. આમ ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમે તેના સહુથી પહેલા પચાસ ઓવરના વર્લ્ડ કપની જીત મેળવવા માટે સારો એવો પરસેવો પાડ્યો હતો.

ટેક્નિકલી જોવા જઈએ તો રવિવારની વર્લ્ડ કપની ફાઈનલમાં કોઈજ સ્પષ્ટ વિજેતા નથી કારણકે મેચ ટાઈ થઇ હતી. પછી સુપર ઓવરમાં પણ જો ઇંગ્લેન્ડ જીત્યું હોત તો પણ મેચ તે માત્ર સુપર ઓવરની વધારાની વ્યવસ્થાને લીધે જીત્યું ગણાત અને મેચ તો ટાઈ જ ગણાત. પણ અહીં તો સુપર ઓવર પણ ટાઈમાં પરિણમી અને આખો દિવસ 102 ઓવર્સ રમ્યા પછી પણ માત્ર ન્યુઝીલેન્ડ કરતા આ મેચમાં બાઉન્ડ્રી વધુ મારવાને લીધે ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું.

મેચ બાદ સોશિયલ મિડીયામાં ન્યુઝીલેન્ડને અનલકી જાહેર કરવામાં આવ્યું હતું અને એવા બે કિસ્સા બન્યા પણ હતા જે કદાચ આ દલીલને સમર્થન કરે. એક તો ટ્રેન્ટ બુલ્ટ દ્વારા ડીપ લોંગ ઓન પર બેન સ્ટોક્સનો કેચ કરવા જતા છેલ્લી ઘડીએ બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ કરી જવો અને સ્ટોક્સ રન આઉટ થવાને બદલે તેને 6 રન મળવા. બીજી ઘટનામાં માર્ટિન ગપ્તિલનો સીધો થ્રો ફરી એકવાર બેન સ્ટોક્સને ટકરાઈને ઓવર થ્રો રૂપે બાઉન્ડ્રીની બહાર જતા રહેતા સ્ટોક્સને બે ને બદલે છ રન મળ્યા હતા જેનો સોશિયલ મિડીયામાં ભરપૂર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઇંગ્લેન્ડ આ વર્લ્ડ કપ જીતવાને લાયક નથી એવી ઘોષણા પણ કરી દેવામાં આવી હતી.

પરંતુ આ બધા નિયમો વર્લ્ડ કપ શરુ થયા અગાઉ નક્કી જ હતા અને તમામ ટીમો અને ખેલાડીઓને તેનું જ્ઞાન હતું જ. આથી તમામ ખેલાડીઓએ આ નિયમોના દાયરામાં રહીને જ રમવાનું હતું અને એમ ન થાય તો તે ખેલાડીઓ કે તે ટીમ બદનસીબ કહેવાય એવી દલીલો કદાચ રાજકારણમાં એક મતે ચૂંટણી હારી જનાર ઉમેદવાર માટે લાગુ પડી શકે પરંતુ સ્પોર્ટ્સમાં તે લાગુ પડી શકે તે હરગીઝ શક્ય નથી. સ્પોર્ટ્સ જો મનોરંજન કરાવે છે તો તે તમને હાડોહાડ દુઃખ પણ આપે છે અને ન્યુઝીલેન્ડ માટે પ્યાલાનું હોઠથી જરાક દુર રહી જવું એ સ્પોર્ટ્સની આ જ ફિલસુફીનું ઉદાહરણ છે.

ન્યુઝીલેન્ડની હારનું કારણ ઉપરની બે ઘટનાઓ ન હતી પરંતુ તેની જરૂર પૂરતા જ રન બનાવવાની રણનીતિ હતું. સેમીફાઈનલમાં જે રણનીતિ કામયાબ નીવડી એ ફાઈનલમાં પણ સફળતા મેળવશે જ એ બિલકુલ જરૂરી નથી. ન્યુઝીલેન્ડ પહેલી ઓવરથી જ 250 રનના ટાર્ગેટ સાથે રમી રહ્યું હતું. બેશક ઇંગ્લેન્ડની બોલિંગ ધારદાર હતી પરંતુ એવી પણ ન હતી કે તેના પર બિલકુલ હુમલો ન કરી શકાય.

છેલ્લી દસ ઓવર્સમાં પેલા 250 રનના ટાર્ગેટનો પીછો કરવા જતા માત્ર 60 રન જ બન્યા અને તેને લીધે એટલા રન પણ ન બન્યા અને મેચ છેવટે ન્યુઝીલેન્ડના હાથમાંથી જતી રહી. તેમ છતાં એ સ્કોરનો પણ જે લડાયકતાથી ન્યુઝીલેન્ડે બચાવ કર્યો તે પ્રશંસાને પાત્ર છે જ. કદાચ પહેલેથી એક પ્રકારની રણનીતિ બનાવીને સ્કોર ઉભો કરવો એ ન્યુઝીલેન્ડની  મજબૂરી હતી કારણકે બે અથવાતો ત્રણ બેટ્સમેનો સિવાય તેના અન્ય કોઈજ બેટ્સમેનો એ ખાસ ફોર્મ આ સમગ્ર ટુર્નામેન્ટમાં દેખાડ્યું ન હતું. આથી પોતાની બોલિંગ અને અમુક અંશે ફિલ્ડીંગ ખૂબ મજબૂત હોવાને ધ્યાનમાં લઈને તેણે આ પ્રકારે રમવાનું બહેતર સમજ્યું હોય તે શક્ય છે.

તો સામે પક્ષે ઇંગ્લેન્ડની ટીમે આ ઐતિહાસિક વિજય પુરેપુરી લડાઈ આપીને લીધો છે અને આ વખતનો વર્લ્ડ કપ જીતવા માટે તે બિલકુલ લાયક હતું જ. જ્યારે તમારા 10મા અને 11મા નંબરના બેટ્સમેનો પણ થોડી ઘણી બેટિંગ કરી જાણતા હોય ત્યારે એ ટીમ અંતિમ વિજય માટે સમર્થ જ હોય તે માની લેવું પડે. અને સુપર ઓવરમાં પણ માત્ર બાવીસ વર્ષના જોફ્રા આર્ચરે જે રીતની માનસિક ઠંડક દેખાડી તેના વખાણ કરીએ તેટલા ઓછા છે.

તો સુપર ઓવરના છેલ્લા બોલે જોસ બટલર જેની પાસે ડીપમાંથી આવેલો થ્રો થોડો દૂર હતો અને સ્ટમ્પસને ઉડાડવા માટે તેણે  ખાસ્સું અંતર કાપવાનું હતું તેમ છતાં તેણે પણ માનસિક મેચ્યોરીટી દેખાડી અને એ કામ પણ સફળતાપૂર્વક કરી દેખાડ્યું એ દર્શાવે છે કે આ ટીમ ચેમ્પિયનોની ટીમ છે અને તે ચેમ્પિયન બનવાને લાયક પણ છે.

ન્યુઝીલેન્ડ છેલ્લા બે વર્લ્ડ કપથી ફાઈનલમાં આવે છે અને ગત વર્લ્ડ કપ કરતા આ વખતે તેનો દેખાવ ઘણો સારો રહ્યો હતો. આશા કરીએ કે આવનારા ચાર વર્ષમાં ન્યુઝીલેન્ડનું ટીમ મેનેજમેન્ટ અને બોર્ડ આ પાયા પરથી એક મજબૂત ઈમારતનું ચણતર કરે અને ક્રિકેટ વિશ્વમાં આપણને એક વધારાની મજબૂત ટીમ રમતી જોવા મળે.

હું છેલ્લા 38 વર્ષથી ક્રિકેટ જોવું છું પણ આવી ફાઈનલ કે પછી ઇવન વનડે ક્રિકેટ મેચ મેં ક્યારેય જોઈ નથી. આ મેચ જોતી વખતે ખાસ કરીને છેલ્લી ઓવર્સ જોતી વખતે મને અત્યંત લોકપ્રિય મરાઠી ફિલ્મ નટસમ્રાટની પંચ લાઈન સતત યાદ આવી રહી હતી જે કદાચ આ મેચ માટે બિલકુલ ફીટ બેસે છે. એ પંચ લાઈન હતી “असा नट होणे नाही” એટલેકે આવો અભિનેતા ફરીથી થશે નહીં. આ મેચ વિષે પણ એવું કહી શકાય કે, “આવી વર્લ્ડ કપ ફાઈનલ ફરીથી ક્યારેય જોવા નહીં મળે!”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here