બરખા દત્તે તિરંગા ટીવી મામલે કપિલ સિબલની પોલ ખોલી નાખી

0
138
Photo Courtesy: rightlog.in

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી કપિલ સિબલે શરુ કરેલી તિરંગા ટીવી પાછળનો કાળો ચહેરો ચેનલના જ મુખ્ય પત્રકાર બરખા દત્તે ગઈકાલે Twitter પર ઉઘાડો પાડી દીધો હતો.

Photo Courtesy: rightlog.in

લોકસભાની ચૂંટણીઓ શરુ થઇ તે પહેલા બે ચેનલો ચર્ચામાં આવી હતી. એક હતી નમો ટીવી અને બીજી હતી તિરંગા ટીવી. નમો ટીવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે જ શરુ કરવામાં આવી હતી તે હકીકતથી કોઈજ અજાણ ન હતું અને ચૂંટણીઓ પત્યા બાદ આ ચેનલ બંધ પણ થઇ ગઈ હતી. પરંતુ તિરંગા ટીવી પાછળ જાણીતા કોંગ્રેસી નેતા, ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબલ હોવા છતાં તેનો ઉદ્દેશ માત્રને માત્ર કોંગ્રેસનો પ્રચાર કરવાનો હતો કે કેમ તે અસ્પષ્ટ હતું અથવાતો એવું રાખવામાં આવ્યું હતું.

તિરંગા ટીવીએ ઘણા વરિષ્ઠ પત્રકારોને પોતાની ચેનલમાં લીધા હતા જેમાં વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત પણ સામેલ હતા. પરંતુ જેવી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ કે તેના થોડા જ દિવસોમાં તિરંગા ટીવીના કર્મચારીઓએ Twitter પર પોતાની સાથે થયેલા અન્યાય અંગે મોઢું ખોલવાનું શરુ કરી દીધું હતું. તેમના જણાવ્યા અનુસાર તેમને છેલ્લા છ મહિનાનો પગાર નથી આપવામાં આવ્યો અને કોઇપણ નોટીસ આપ્યા વગર તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

અત્યારસુધી ચેનલ સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકારો આ મામલે ચૂપ હતા. તમામ DTH પ્લેટફોર્મ પરથી તો આ ચેનલ દૂર પણ થઇ ગઈ હતી. પરંતુ ગઈકાલે બરખા દત્ત જે તિરંગા ટીવીનો મેસ્કોટ બની ચૂક્યા હતા તેઓ Twitter પર આવ્યા હતા અને એક પછી એક Tweet દ્વારા કપિલ સિબલનો અસલી ચહેરો ખુલ્લો પાડતા તેમની પોલ ખોલી નાખી હતી.

કપિલ સિબલ અને તેમના પત્ની પ્રોમિલા સિબલ પર નિશાન તાંકતા બરખા દત્તે જણાવ્યું હતું કે હાલમાં તિરંગા ટીવીની હાલત અત્યંત ભયંકર છે. 200થી પણ વધુ કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી. બરખા દત્તે સ્પષ્ટ કહ્યું છે કે જાહેરમાં પત્રકારો સાથે સારું વર્તન કરતા કપિલ સિબલ પોતાની જ ટીવી ચેનલ તિરંગા ટીવીના પત્રકારો સાથે અપમાનજનક વ્યવહાર કરતા હોય છે.

બરખા દત્તના કહેવા અનુસાર તિરંગા ટીવીમાં રહેલા તમામ પત્રકારોને એમ કહેવામાં આવ્યું હતું કે આ ચેનલ ઓછામાં ઓછી બે વર્ષ ચાલશે. આથી આ પત્રકારોએ તેમની સારા પગારવાળી નોકરીઓ છોડીને અહીં જોડાયા હતા, પરંતુ અચાનક જ તેમને કપિલ સિબલે કશું કહ્યા વગર જ નોકરીમાંથી કાઢી મૂક્યા અને તેમનો છ મહિનાનો પગાર પણ ન આપ્યો. આટલું ઓછું હોય તેમ ચેનલના તમામ લાઈવ કાર્યક્રમોને 48 કલાક માટે રદ્દ કરી નાખવામાં આવ્યા.

સિબલના પત્ની પ્રોમિલા વિષે કહેતા બરખાએ જણાવ્યું હતું કે તેઓ માંસની ફેક્ટરી ચલાવે છે અને તેઓ જ્યારે ચેનલ બંધ થવાની આવી ત્યારે ઓફિસમાં આવીને બૂમો પાડીને કહેતા હતા કે તેમણે તેમની ફેક્ટરીમાં કામદારોને એક પૈસો આપ્યા વગર કાઢી મૂક્યા હતા તો આ પત્રકારો કોણ છે છ મહિનાની સેલરી માંગવા વાળા? આટલું જ નહીં પ્રોમિલા તિરંગા ટીવીના મહિલા પત્રકારોને ‘bitch’ એટલેકે કુતરી કહીને બોલાવતા હતા. બરખાએ જણાવ્યું છે કે આ અંગે તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગમાં પ્રોમિલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે જેમાં ચેનલના અનેક મહિલા કર્મચારીઓએ સોગંધનામા પર પણ હસ્તાક્ષર કર્યા છે.

બરખા દત્તની આખી વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેઓ એમ કહે છે કે કપિલ સિબલ દરરોજ કરોડો રૂપિયા પોતાની વકીલાતમાંથી કમાય છે, પરંતુ કંપની કાયદા અનુસાર પોતાના કર્મચારીઓને ઓછામાં ઓછા ત્રણ મહિનાનો કે પછી વધુમાં વધુ છ મહિનાનો પગાર આપવા નથી માંગતા અને તેઓ આમ કરીને 200 કુટુંબોની જિંદગી બરબાદ કરી રહ્યા છે. બરખાએ કહ્યું કે સિબલ આ બધી ઘટનાઓનો ઓળીયો ઘોળીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નાખી દેવા માંગતા હતા પરંતુ બરખા દત્તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ તમામ ઘટનાઓમાં કેન્દ્ર સરકારની કોઈજ ભૂમિકા નથી. બલકે કપિલ સિબલ અને તેમના પત્ની તિરંગા ટીવીના કર્મચારીઓને પગાર ચૂકવ્યા વગર જ લંડન જતા રહ્યા હતા જેથી તેઓ તેમને માલ્યા કહીને બોલાવવા પર મજબૂર બન્યા છે.

જ્યારે બરખા દત્તે સ્ટાફ વતી લડવાનું નક્કી કર્યું ત્યારે તેમના પર માનહાનીનો દાવો ઠોકી દેવાની અને તેને પોતાના ઈમેઈલ પરત લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરંતુ બરખા દત્તે ભારપૂર્વક કહ્યું છે કે તેઓ સદાય તિરંગા ટીવીના પત્રકારોના સમર્થનમાં ઉભા રહેશે અને કાનૂની લડાઈ લડવામાં તેમની મદદ કરતા રહેશે. બરખા દત્તે કપિલ સિબલ અને પ્રોમિલા સિબલની પોલ ખોલ્યા બાદ દેશભરના પત્રકાર જગતને પણ આ દંપત્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી છે જેથી તિરંગા ટીવીના પત્રકારોને ન્યાય મળે.

હવે જોવાનું એ રહેશે કે વારેતહેવારે અભિવ્યક્તિની આઝાદી પર કહેવાતી તરાપ વિરુદ્ધ રસ્તા પર માર્ચ કરવા દોડી જતા કેટલાક વરિષ્ઠ પત્રકારો બરખા દત્ત અને પોતાના જ પત્રકાર વર્તુળના મિત્રોને થયેલા અન્યાય વિરુદ્ધ એક થાય છે કે પછી કાયમની જેમ દેશની જનતાને પોતાનો દંભી ચહેરો ફરીથી દેખાડશે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here