મુક્ત: પાકિસ્તાનને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ કેમ ખોલવું પડ્યું?

0
228
Photo Courtesy: khaleejtimes.com

માત્ર બે જ દિવસ પહેલા લીધેલા નિર્ણયને ફેરવી તોળીને પાકિસ્તાન સરકારે આશ્ચર્ય સર્જ્યું છે, પરંતુ ભારતીય વિમાનો માટે પોતાનો એરસ્પેસ ખોલવાના તેના નિર્ણય પાછળનું કારણ કઈક બીજું જ છે.

Photo Courtesy: khaleejtimes.com

નવી દિલ્હી: પ્રાપ્ત સમાચારો અનુસાર પાકિસ્તાને આખરે લગભગ પાંચ મહિના બાદ પોતાનું એરસ્પેસ ભારતીય નાગરિક વિમાનો માટે ખોલી દીધું છે. 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય જવાનો પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા બાદ વળતી કાયર્વાહી રૂપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા પ્રાંતના બાલાકોટમાં આવેલા જૈશ એ મોહમ્મદના મહત્ત્વના આતંકવાદી ટ્રેઈનીંગ કેમ્પ પર હુમલો કરીને તેને ધ્વસ્ત કરી દીધો હતો અને ત્યારબાદથી પાકિસ્તાને ભારતીય નાગરિક વિમાનો માટે પણ પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો હતો.

શરૂઆતમાં પાકિસ્તાને લગભગ બે અઠવાડિયાથી પણ વધુ સમય માટે દુનિયાની તમામ એરલાઇન્સ માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો હતો પરંતુ બાદમાં તમામ માટે તેને ઓપન કરી ફક્ત ભારતને તેમાંથી બાકાત રાખ્યું હતું. આ કારણસર ભારતીય વિમાનોએ અન્ય રૂટથી જવું પડતું હતું જેને લીધે સમય પણ વધુ ખર્ચ થતો હતો અને બળતણ પણ વધુ બળતું હતું.

હજી બે દિવસ પહેલા જ પાકિસ્તાને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ભારત પોતાના મહત્ત્વના એરબેઝ પરથી ફાઈટર જેટ્સ નહીં હટાવે ત્યાંસુધી તે ભારતીય નાગરિક વિમાનો માટે પણ પોતાનો એરસ્પેસ નહીં ખોલે. પરંતુ અચાનક જ આજે તેણે પોતાનો નિર્ણય બદલતા આશ્ચર્ય ફેલાયું છે.

ખરેખર તો પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે એરસ્પેસ ખોલવાનો નિર્ણય કરવો તે તેની રણનીતિના એક ભાગરૂપે જ હોવાનું જણાઈ રહ્યું છે. આ પાછળનું કારણ એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 20 જુલાઈથી અમેરિકાની યાત્રાએ જઈ રહ્યા છે.

આમ આવા સમયે જ પાકિસ્તાને પોતાનો એરસ્પેસ ભારત માટે ખોલીને અમેરિકાને એક સંદેશ આપવાની કોશિશ કરી છે. અમેરિકા યાત્રા દરમ્યાન ઇમરાન ખાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે અને આ દરમ્યાન સરહદ પારના આતંકવાદના મુદ્દે ટ્રમ્પ ઇમરાન ખાન સમક્ષ પોતાનો સ્પષ્ટ વિરોધ નોંધાવશે.

આ વખતે જો ભારતીય એરસ્પેસ બંધ હોત તો ઇમરાન ખાનને ટ્રમ્પની બે વાતો વધુ સાંભળવાની આવત આથી ખરે સમયે પોતાનો એરસ્પેસ ખોલીને પાકિસ્તાને વડાપ્રધાન ઇમરાન ખાનને એ તક આપી છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન ભારત પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યું છે તેટલું તો કહી જ શકે.

કારણ ગમે તે હોય પરંતુ પાકિસ્તાનના આ નિર્ણયને લીધે ભારતીય એરલાઇન્સ ખાસ કરીને એર ઇન્ડિયાને ઘણો ફાયદો થયો છે. અત્યારસુધી તે મધ્ય એશિયા, યુરોપ અને પૂર્વ અમેરિકાની પોતાની ઉડાનો માટે પાકિસ્તાનના આકાશ પરથી ઉડી શકતું ન હતું.

આ કારણોસર એર ઇન્ડિયાને છેલ્લા પાંચ મહિનાઓમાં લાંબા રૂટે વિવિધ ગંતવ્યો પર ઉડાન ભરવાના કારણે 497 કરોડ રૂપિયાનું ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here