વિશ્લેષણ: કુલભૂષણ જાધવ ચૂકાદો એટલે થોડી ખુશી થોડો ડર!

0
287
Photo Courtesy: news18.com

આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવના કેસમાં ભારતને એક મોટી રાજ્દ્વારીય જીત તો મળી છે પરંતુ તેનો કોઈ ખાસ મતલબ નથી. આ દલીલ કેમ સાચી છે તેનું વિશ્લેષણ.

Photo Courtesy: news18.com

ગઈકાલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતીય વ્યાપારી કુલભૂષણ જાધવ વિષે ચુકાદો આવ્યો અને દેશે રાહતનો શ્વાસ લીધો. પરંતુ રાહતનો આ શ્વાસ માત્ર અમુક દિવસો કે પછી અમુક મહિનાઓ માટે જ આપણી પાસે ઉપલબ્ધ છે કારણકે આ ચૂકાદો એ પાકિસ્તાનના ગાલ પર તમાચા સમાન હોવા છતાં બોલ તો હજી પાકિસ્તાનની ‘કોર્ટમાં’ જ છે.

ભારતની મોટાભાગની માંગણી આંતરરાષ્ટ્રીય કોર્ટે માની તો લીધી છે પરંતુ હાથી નીકળી ગયો પરંતુ પૂંછડી રહી ગઈ એ ન્યાયે કુલભૂષણ જાધવનું ભાવિ તો કોર્ટે પાકિસ્તાનના હાથમાં જ મૂકી દીધું છે. વાત એવી હતી કે કુલભૂષણનું ગેરકાયદેસર ઈરાનમાંથી અપહરણ કરીને તેમને પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા અને તેઓ એક વ્યાપારી હોવા છતાં તેમને ભારતીય જાસૂસ બનાવીને તેમના પર પાકિસ્તાનની લશ્કરી કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપી તે અયોગ્ય છે અને તેની સાથે અન્ય ઘણા મુદ્દાઓ જોડાયા હતા એ તમામ પર ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દાદ માંગી હતી.

બેશક કોર્ટે ભારતની મોટાભાગની માંગ જેમકે આ મામલે કોર્ટ ન્યાયક્ષેત્ર ધરાવે છે કે કેમ, તેઓ ભારતના જ નાગરિક છે, કે પછી કુલભૂષણ જાધવને વકીલ આપવાની સગવડ મળવી જોઈએ, તેમને સંભળાવવામાં આવેલી ફાંસીની સજા પર પુનઃવિચાર થવો જોઈએ, વગેરે માની લીધી છે. પરંતુ કોર્ટે સાથે સાથે એમ પણ કહ્યું છે કે પુન: વિચારનો મામલો તો પાકિસ્તાનની કોર્ટમાં જ ચાલશે. ભારત સરકાર, ભારતીયો અને કુલભૂષણ જાધવના પરિવાર માટે આ સમાચાર પળવારની ખુશી સામે એક મોટી ચિંતા બનીને સામે આવ્યા છે.

આપણે તમામ જાણીએ છીએ કે પાકિસ્તાની કોર્ટ્સ એમાંય ખાસકરીને લશ્કરી અદાલતો કેવી રીતે કામ કરતી હોય છે. કુલભૂષણને પણ અમુક જ દિવસની સુનાવણી બાદ તેમનો પક્ષ જાણ્યા વગર પાકિસ્તાની લશ્કરી કોર્ટે તેને ફાંસીની સજા આપી દીધી હતી. હવે આંતરરાષ્ટ્રીય કોર્ટના ચૂકાદા બાદ પણ પાકિસ્તાન પુનઃવિચારનો કેસ નાગરિક કોર્ટમાં ચલાવવા માટે બંધાયેલું નથી. વળી પાકિસ્તાનની ‘ચૂંટાયેલી સરકાર’ પણ લશ્કરના ઈશારે ચાલે છે, આથી પાકિસ્તાની લશ્કર અને તેના ઉચ્ચ અધિકારીઓ આંતરરાષ્ટ્રીય કોર્ટના ફેંસલાથી મળેલા લાભને જતો કરે તેવું બિલકુલ લાગતું નથી.

આથી, આવનારા દિવસોમાં કુલભૂષણને વકીલ આપવા દેવાનું અને એ પણ ભારતીય વકીલ આપવા દેવાનું નાટક પાકિસ્તાન સરકાર કરે અને પહેલેથી જ નક્કી કરવામાં આવેલા ફેંસલાને અમુક મહિનાઓ બાદ સંભળાવી દે એ શક્યતાઓ હાલમાં વધુ દેખાઈ રહી છે.

તેમ છતાં આશાનું એક કિરણ જરૂર છે. ભારતે કુલભૂષણની પુન: સુનાવણી તેમજ તેને વકીલ આપવા દેવાની માંગ કરી હતી તે તો સ્વીકારવામાં આવી જ છે પરંતુ તેની સાથે તેની એ માંગ કે કુલભૂષણને ભારતને પરત સોંપી દેવામાં આવે તે આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી નથી. તો આ મામલે કદાચ ભારત સરકાર ફરીથી આ જ કોર્ટમાં દાદ માંગે અને જો તેને વિચાર માટે સ્વીકારવામાં આવે તો ફરીથી કોર્ટ આવનારા અમુક મહિનાઓ સુધી તેની સુનાવણી કરશે.

ત્યારબાદ ચૂકાદો ગમે તે આવે પરંતુ એટલા મહિના કુલભૂષણ જાધવનો જીવ બચેલો રહેશે કારણકે તેના પર ફાંસીની સજા પરની રોક કાયમ રહેશે. આ ઉપરાંત ભારત છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે તેની વધેલી શાખ અને પાકિસ્તાનની તળીયે ગયેલી શાખનો ઉપયોગ કરીને અમેરિકા અને યુરોપિયન દેશો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવીને કુલભૂષણને કોર્ટ ચૂકાદો આપે એ પહેલાં જ છોડી દેવા માટે તેને મજબૂર કરી દે એ શક્યતા પણ નકારી શકાય નહીં.

ટૂંકમાં કહીએ તો કુલભૂષણ જાધવના કેસમાં ગઈકાલે ભારતને મોટી રાજદ્વારીય જીત તો મળી છે પરંતુ હવેનું ભવિષ્ય અદ્ધરતાલ છે એ પણ આપણે માનવું જોઈએ કારણકે કુલભૂષણ જાધવનું આવનારું ભવિષ્ય આપણી સરકારના કન્ટ્રોલમાં નહીં પરંતુ પાકિસ્તાનની સરકાર એટલેકે લશ્કરના હાથમાં છે. ભારત સરકારની ખરેખરી કૂટનીતિ હવે શરુ થશે જ્યારે તે કોર્ટ બહાર પાકિસ્તાન પર કુલભૂષણ જાધવને છોડી મુકવા માટે અન્ય દેશો દ્વારા દબાણ કરશે.

આ દરમિયાન પાકિસ્તાની કોર્ટ ફટાફટ કેસ ચલાવીને કુલભૂષણને ફરીથી મોતની સજા સંભળાવી અને રાતોરાત તેને ફાંસી આપી દે અથવાતો સરબજીતની જેમ તેને જેલની અંદર મરાવી નાખે એ શક્યતાઓ પણ નકારી ન શકાય. આથી ભારત સરકારે તમામ બાબતો પર ચાંપતી નજર રાખવી પડશે. હા સરબજીત વખતની UPA સરકાર અને હાલની NDA સરકાર વચ્ચે તાત્વિક તફાવત એટલો જ છે કે હાલની સરકાર ભારતના દરેક નાગરિકના ભવિષ્યની, પછી તે ભારતમાં રહેતો હોય કે ભારતની બહાર, ચિંતા કરે છે આથી સરબજીત જેવું ભવિષ્ય કુલભૂષણનું નહીં થવા દે એની શક્યતાઓ વધારે છે. વિંગ કમાન્ડર અભિનંદનનું તાજું ઉદાહરણ આપણી સામે છે જ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here