સ્પષ્ટતા: ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પાછળનું સત્ય

0
180
Photo Courtesy: hindustantimes.com

ગઈકાલે ગુજરાતના એક જાણીતા અખબારમાં ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા અંગે પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર વિષે સત્ય શું છે અને આ અંગે જવાબદાર અધિકારીની સ્પષ્ટતા શું છે?

Photo Courtesy: hindustantimes.com

કેવડીયા: ગઈકાલે એક જાણીતા વર્તમાન પત્રમાં એવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા પ્રવાસન સ્થળ ગરુડેશ્વરને કેન્દ્ર સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા જઈ રહી છે. આ સમાચારમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં આ બાબતે આધિકારિક જાહેરાત કરશે.

સ્વાભાવિક છે કે આ પ્રકારના સમાચાર વાંચીને અને એ પણ જાણીતા વર્તમાન પત્રમાં પ્રકાશિત થયા હોવાથી ગુજરાતના એક અમુક ચોક્કસ વર્ગને આનંદની લાગણી થાય. કારણકે કેન્દ્રશાસિત પ્રદેશમાં એવી ઘણી છૂટછાટ મળતી હોય છે જે ગુજરાતમાં પ્રતિબંધીત છે, ઉદાહરણ તરીકે મદ્યપાન. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાવ નજીક આવેલું હોવાથી ગરુડેશ્વરને જો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે અને મદ્યપાન એ વિસ્તારમાં કાયદેસર કરી આપવામાં આવે તો પ્રવાસનને મોટું પ્રોત્સાહન મળે એ તર્ક પણ સમજી શકાય એવો છે.

પરંતુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદારે ગઈકાલે સાંજે જ એક અખબારી નિવેદનમાં સ્પષ્ટતા કરીને આ અફવાના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદારે સ્પષ્ટ શબ્દોમાં ઉપરોક્ત સમાચારને રદિયો આપતા કહ્યું છે કે ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કેન્દ્ર સરકારની કોઈજ યોજના નથી.

Photo Courtesy: gujarati.news18.com

એક રીતે જુઓ તો કાયદાની દ્રષ્ટીએ એ શક્ય પણ નથી કે કેન્દ્ર સરકાર રાતોરાત આ પ્રકારે નિર્ણય લઈને દેશના કોઈ શહેર, તાલુકા કે વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી નાખે. આ પ્રકારે નિર્ણય કરવા માટે અને જાહેરાત કરવા માટે બે પદ્ધતિઓ છે જે સામાન્ય વ્યક્તિએ સમજવી જરૂરી છે.

એક પદ્ધતિ એવી છે કે કેન્દ્ર સરકારનો કોઇપણ નિર્ણય પહેલા કેન્દ્રીય કેબિનેટમાં રજૂ કરવામાં આવે છે અને પછી તેની મંજૂરી મેળવવામાં આવે છે અને પછી તે અમલમાં આવતો હોય છે. પરંતુ આ પ્રકારનો નિર્ણય તો ભારતની ભૂગોળ બદલવા અને એક રાજ્યની વચ્ચોવચ્ચ રહેલા પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો બંધારણીય ફેરબદલનો નિર્ણય છે. આથી પહેલા તો જે-તે રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે અને રાજ્ય સરકારે પણ પહેલા પોતાની વિધાનસભામાં આ અંગેનો નિર્ણય મંજૂર કરાવવો પડતો હોય છે.

ત્યારબાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવે છે અને સંસદના બંને ગૃહોમાં પણ આ નિર્ણય બંધારણીય સુધારા તરીકે પસાર કરવો પડતો હોય છે. બીજું, છેલ્લા અમુક વર્ષોમાં કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યોનો હોદ્દો આપવામાં આવ્યો છે પરંતુ કોઈ રાજ્યના હિસ્સાને કાપીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હોય એવા કોઈજ કિસ્સા જોવા મળ્યા નથી.

આમ દરેક નાગરિકે આ પ્રકારના સમાચાર પર વિશ્વાસ કરતા અગાઉ પહેલા પૂરતું સંશોધન કરી લેવું જરૂરી હોય છે. ઉપરાંત કેન્દ્ર અથવાતો રાજ્ય સરકારને લગતા કોઈ સમાચાર હોય તો તેની અધિકૃત વેબસાઈટ પર આ પ્રકારના સમાચારોની સત્યતા તપાસી જવી ખૂબ જરૂરી હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here