વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી – એક એવી વાર્તા જેમાં કોઈ હીરો નથી.

0
98
વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીનું પોસ્ટર
વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીનું પોસ્ટર

આચાર્ય રજનીશના જીવનકાળમાં સહુથી વિવાદાસ્પદ તબક્કો રહ્યો હતો તેમનું અમેરિકા ભાગી જવું અને ત્યાંના ઓરેગોન રાજ્યમાં પોતાનો આશ્રમ સ્થાપવો અને અમુક વર્ષો બાદ ફરીથી ભારત પરત આવવું. તેમના આ તબક્કા પર પ્રકાશ પાડતી ડોકયુમેન્ટરી વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી પર eછાપુંનો એક્સક્લુઝિવ રિવ્યુ!

ભગવાન શ્રી “ઓશો” રજનીશ ભારત માટે કોઈ અજાણ્યું વ્યક્તિત્વ નથી. અત્યારે 50-60 વર્ષના વડીલો અને જાગૃત નાગરિકોને રજનીશ અને એના વિવાદાસ્પદ વ્યક્તિત્વ વિષે થોડો ઘણો અંદાજો હશેજ. એમના વિચારો અને એમનું વ્યક્તિત્વ એ સમયથી ઘણું આગળ હતું, અને એટલે વિવાદાસ્પદ હતું. આ વિવાદાસ્પદ વ્યક્તિત્વનું સહુથી મોટું પ્રકરણ જે રજનીશ અને એના અનુયાયીઓ માટે જેટલું ગર્વ લેવા લાયક હતું એટલુંજ શરમજનક પણ હતું. આ પ્રકરણ એટલે રજનીશનો અમેરિકા નિવાસ, ઑરેગોનના ઉજ્જડ રણ માં ઉભું કરેલું રજનીશપુરમ અને એની આસપાસના વિવાદો. જે એ સમયે બહુ ચર્ચાસ્પદ હતા. આપણા ગુજરાતમાં અશ્વિની ભટ્ટે આ મુદ્દે ત્રણ ભાગમાં અંગાર લખી છે, અને ગયા વર્ષેજ નેટફ્લિક્સ પર આ મુદ્દે એક ડોક્યું-સિરીઝ આવી છે જેનું નામ છે વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી ….

રેટિંગ્સ: 4.5/5

નેટવર્ક: નેટફ્લિક્સ, સિરીઝ ની લિંક

શો રનર્સ: મેક્લીન અને ચેપમેન વે(વે ભાઈઓ)- ડિરેક્ટર્સ અને માર્ક અને જે ડુપ્લેસ (એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ)

કલાકારો: ભગવાન શ્રી “ઓશો” રજનીશ(આર્કાઇવ ફૂટેજ), ક્રિષ્ના દેવ (K.D.)(આર્કાઇવ ફૂટેજ), માં આનંદ શીલા, જેન સ્ટોર્ક ઉર્ફે માં શાંતિ ભદ્રા, સ્વામી પ્રેમ નિરેન, જ્હોન બોવરમેન અને અન્યો (ઇન્ટરવ્યૂ અને આર્કાઇવ ફૂટેજ બંને)

નાનપણથી અત્યારસુધી સાંભળેલી બધીજ વાર્તામાં એક હીરો હોય અને એક વિલન હોય. હીરો હંમેશા સારું કામ કરતો હોય અને સારા ની પડખે હોય, જયારે વિલન હંમેશા ખરાબ કામ કરતો હોય. હીરો સતના ઉજાસ ને પામી ગયેલો હોય અને વિલન ની અંદર હંમેશા અંધારું જ હોય. હમણાં હમણાંથી એવી વાર્તાઓ પણ આવી છે કે જેમાં હીરો પહેલેથી ઊંડા અંધારે હોય અને વિલન સારો હોય. પણ વાઈલ્ડ વાઈલ્ડ વેસ્ટ એક એવી વાર્તા છે જેમાં કોઈ હીરો નથી, બધાજ વિલન છે. ચાહે એ રજનીશ હોય, રજનીશના અનુયાયીઓ હોય, રજનીશપુરમ ના અમેરિકન પાડોશીઓ હોય કે અમેરિકન લૉ એન્ફોર્સમેન્ટ. લગભગ એક કલાકનો એક એવા છ એપિસોડના અંતે સિરીઝમાં દેખાડેલી એવી કોઈ પણ વ્યક્તિ નહિ હોય જેના ઉપર તમને સિમ્પથી નો ભાવ ઉભો થશે. અને આ વાત બધી જ ડોક્યુમેન્ટરી અને વાર્તાઓમાં આ વાત વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી ને ઘણી યુનિક બનાવે છે.

ડોક્યુમેન્ટરી ની શરૂઆત થાય છે અમેરિકાના ઓરેગોન રાજ્યના એક નાનકડા ગામ એન્ટેલોપ થી, 1980ના દસકની શરૂઆતમાં માત્ર ચાલીસ પચાસ જણા ની વસ્તી ધરાવતું એન્ટેલોપ અચાનક લોકોના ધ્યાનમાં આવવા માંડ્યું. અને એનું કારણ હતું એન્ટેલોપથી 19-20 માઈલ દૂર આવેલી બિગ મડી રેન્ચ તરીકે ઓળખાતી એક ઉજ્જડ જગ્યા જે એક ભારતીય “કલ્ટ” અને એના અનુયાયીઓ એ ખરીદી લીધી હતી. અને ત્યાંથી આ સિરીઝની શરૂઆત થાય છે. અને ત્યાંથી આગલા છ એપિસોડ સુધી એક એવી વાર્તા આપણી સમક્ષ આવે છે જેમાં એવા સજ્જડ ટ્વીસ્ટ અને ટર્ન્સ છે જે છેક સુધી આ સિરીઝમાં આપણો રસ જાળવી રાખે છે.

1980ની શરૂઆતમાં ઑરેગોનના ઉજ્જડ પ્રદેશ એવા બિગ મડી રેન્ચને જયારે રજનીશના અનુયાયીઓએ ખરીદી લીધું અને એ જગ્યાએ રજનીશનું એક ભવ્ય કોમ્યુન રજનીશપુરમ ઉભું કરવાનું આયોજન થયું. અને એ ઘટના એ એક નાનકડા ગામ એન્ટેલોપને કાયમ માટે બદલી નાખ્યું. એક તરફ ઓશોના વિચારો પ્રમાણેનું પ્રેમ, કરુણા, આઝાદી અને આનંદનું સ્વર્ગ ઉભું કરવાનું આયોજન અને બીજી તરફ સ્થાનિક લોકોમાં ઉભો થયલો રજનીશ જેવા વિદેશી ગુરુનો  સેક્સ કલ્ટ નો ડર. શરૂઆતમાં જયારે રજનીશીઓ ઓરેગોનમાં આવ્યા ત્યારે બધે શાંતિનો માહોલ હતો. પણ ઑરેગોનના રૂઢિચુસ્ત ગોરા ખ્રિસ્તીઓને રજનીશપુરમમાં ખુલ્લેઆમ પ્રદર્શિત થતા પ્રેમ સામે વાંધો હતો અને એટલે ઑરેગોનની એક નોન પ્રોફિટ સંસ્થા 1000 ફ્રેન્ડ્સ ઓફ ઓરેગોન દ્વારા રજનીશપુરમ અને રજનીશ સામે કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યા. આ કેસ અને ઑરેગોનના લોકોને રજનીશ સામે એવો વાંધો હતો કે આનાથી રજનીશપુરમ ના અસ્તિત્વ ઉપર મોટો ખતરો હતો.

રજનીશપુરમ- Courtesy: Wikimedia (Samvado Gunnar Kossatz)

રજનીશપુરમ એ સમયે માનવજાતની એક મોટી ઉપલબ્ધી હતી. કોઈ એક સામાન્ય કારણ માટે હસીખુશીથી એક કોમ્યુનીટીએ આટલી મહેનત કરી હોય, અને એ પણ ઉજ્જડ રણમાં પોતાની જ મહેનત અને રિસોર્સથી એક આખું શહેર ઉભું કરવું, એ શહેરને ઈલેક્ટ્રીસીટી, મકાનો, પાણી અને ખોરાક બધી જ સામાન્ય જરૂરતોના મામલે પૂરેપૂરું સ્વ-નિર્ભર બનાવવું એ પોતે એક ઉપ્લબ્ધીથી ઓછું ન હતું. આ શહેર શાંતિથી બને, અને એને કાયદાકીય રીતે ચલાવી શકાય એના માટે જીનિયસ મગજની અને એક મજબૂત ઈરાદાની જરૂર હતી જેની રજનીશની પર્સનલ સેક્રેટરી (જેનું સ્થાન રજનીશ પછી સેકન્ડ ઈન કમાન્ડ નું હતું) એવી શીલા સિલ્વરમેન ઉર્ફે માં આનંદ શીલા પાસે કોઈ ખોટ ન હતી.

રજનીશ (કારમાં) અને આનંદ શીલા (બાજુમાં ઉભેલા) Courtesy: TabloidXO

માં આનંદ શીલા ટીનેજ થી રજનીશની અનુયાયી હતી, અને એક સમયે પુના આશ્રમમાં મહત્વનું સ્થાન ધરાવતી હતી. જયારે પુના આશ્રમ અને રજનીશની પ્રવૃત્તિને એ સમયની સરકારો તરફથી સહકાર મળતો બંધ થયો ત્યારે રજનીશના આશ્રમને એક યોગ્ય જગ્યાએ ખસેડવાની જવાબદારી આનંદ શીલા પર આવી ચડી હતી. ઘણા ઓપશન્સ વચ્ચે ઓરેગોનની આ જગ્યા પસંદ કરવી, ત્યાં આખું રજનીશપુરમ ઉભું કરવું અને આ બધા દરમ્યાન કાનૂની દાવપેચ રમીને ભગવાન શ્રી રજનીશને અમેરિકા સ્થાયી કરવા એ બધું શીલાની આગેવાની હેઠળ થયું હતું. અને 1981 ના ઓગસ્ટ મહિનામાં રજનીશ નવા વસેલા રજનીશપુરમ માં આવ્યા. રજનીશપુરમની કાયદેસર સ્થાપના મે 1982માં થઇ અને ક્રિષ્ણ દેવ(ઉર્ફે ડેવિડ બેરી નૅપ)ને શહેરના મેયર ચૂંટવામાં આવ્યા.

રજનીશપુરમ સ્થાપાયાના થોડા સમયમાંજ રજનીશીઓ અને ઓરેગોનના રહેવાસીઓ વચ્ચે ટેંશનની શરૂઆત થઇ ગઈ હતી. એક તરફ કાયદાને હાથો બનાવી રજનીશીઓને દબાવવામાં આવતા હતા અને બીજી તરફ શીલા એ એ જ કાયદાઓની છટકબારીઓ ની મદદ થી કમ્યુનનું અસ્તિત્વ જળવાઈ રહે એ માટે એન્ટેલોપ શહેરને ખરીદવાનું અને એના પર કબ્જો જમાવવાનું શરુ કરી દીધું હતું. એન્ટેલોપને “રજનીશ” બનાવવાની સફળતા મળ્યા પછી રજનીશીઓનો કોન્ફિડન્સ અને અમેરિકનોનો ગુસ્સો વધવા માંડ્યો હતો. અને એટલે રજનીશે કોમ્યુનને, સન્યાસીઓને અને રજનીશપુરમને બચાવવા માટે શીલાને છુટ્ટોદોર આપી દીધો હતો. રજનીશીઓની હોટેલ પર અડધી રાત્રે આતંકવાદી થવો અને એના પ્રત્યાઘાત સ્વરૂપે રજનીશીઓએ “સ્વબચાવ” માટે આર્મી માં વપરાતી હોય એવી સેમી-ઓટોમેટિક રાયફલો, દારૂગોળો વગેરે ગેરકાયદેસર રીતે ભેગું કરવા લાગ્યા અને એનાથી તેઓ પોતાની આર્મી ઉભી કરવા લાગ્યા. બધે થી “દબાયેલા” રજનીશીઓ પાસે અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક સરસ તક હતી, ત્યાંની એક ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ચૂંટાઈને મોકલવા જેઓ કમ્યુનના હિત નું કામ કરે. અને એના માટે ઓલરેડી પાવરફુલ બની ગયેલી શીલાએ પોતાના પત્તા ખોલવા માંડ્યા.

કોમ્યુને ચૂંટણીના થોડા સમય પહેલા આખા અમેરિકામાંથી બેઘર થઇ ગયેલા લોકોને એકઠા કરીને રજનીશપુરમમાં “ઠાલવવા” મંડ્યા. આવું કરવા પાછળ શીલા ને બે ઈરાદા પાર પાડવા હતા, પહેલું આ પગલાંથી રજનીશપુરમની બગડેલી છાપ સુધારવી અને બીજું આવનારી ચૂંટણી માટે કાયદાકીય છટકબારીની મદદથી વધારાના મતદાતાઓ રજીસ્ટર કરાવવા જે રજનીશપુરમની તરફેણમાં મત આપી શકે. પણ અમેરિકન ચૂંટણી અધિકારીઓએ નવા મતદાતાઓનું રજીસ્ટ્રેશન ગેરકાયદે ગણી આ આખા પ્લાનને ફેઈલ કરી દીધો હતો. શીલા આ પગલાંથી ગુસ્સે ભરાઈ હતી અને એટલે એણે ઓરેગોન અને અમેરિકા સામે મોટા પાયે બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ બદલાના બે ભાગ હતા, જ્યાં ચૂંટણી હતી ત્યાંના રહેવાસીઓને ગમે તે પ્રકારે મત આપતા રોકવા અને પોતાની સામે કેસ ચલાવનાર સરકારી એટર્નીની હત્યા કરવી. શીલાનો પહેલો પ્લાન થોડો ઘણો સફળ રહ્યો, જેમાં એણે પાણી અને ખાદ્ય પદાર્થોમાં ઝેરી મિલાવટ કરીને લગભગ 750 લોકોને માંદા પાડી દીધા હતા, પણ એના લીધે ચૂંટણી ના પરિણામમાં રજનીશી કોમ્યુનને કોઈ ફાયદો ન થયો. અને તેઓ સરકારી એટર્નીને કઈ નુકસાન પણ ન પહોંચાડી શક્યા. અને શીલાએ આ બેઘર લોકોને રાતોરાત રજનીશપુરમમાંથી કાઢી મુક્યા.

આ આખા સમયગાળા દરમ્યાન શીલા રજનીશપુરમની સહુથી પાવરફુલ વ્યક્તિ હતી અને એને ભગવાન શ્રી રજનીશનું બેરોકટોક એટેંશન મળતું રહેતું. આખા રજનીશપુરમની સત્તાનું એકમાત્ર કેન્દ્ર શીલા હતી. પણ આ ચૂંટણી ના ફિયાસ્કા પછી રજનીશ માટે શીલાનું મહત્વ ધીરે ધીરે ઘટવા માંડ્યું હતું. રજનીશના ખાસ વિશ્વાસુઓમાં શીલાની જગ્યા હોલીવુડ પ્રોડ્યુસર ફ્રેન્કવા રુડી(માં પ્રેમ હાસ્ય) જેના પતિ ધ ગોડફાધર ના પ્રોડ્યુસર હતા અને ડોક્ટર જ્યોર્જ મેરેડીથ (સ્વામી દેવરાજ) જેવા લોકો લેવા માંડ્યા હતા. શીલાના મતે આ લોકો એ રજનીશને પોતાના પ્રભાવમાં લઇ લીધા હતા અને ધીરે ધીરે આ લોકો રજનીશને ડ્રગ્સની લત લગાડી દીધી હતી, જે રજનીશ માટે જીવલેણ સાબિત થઇ શકે એમ હતી. આવા લોકોની રજનીશ સાથેની નિકટતા શીલાને ખટકતી હતી અને એટલે કોમ્યુનનાં લોકો પણ ધીરે ધીરે શીલાના હિટલિસ્ટમાં આવવા માંડ્યા. અને એક દિવસે શીલા અને એની ખાસ એવી જેન સ્ટોર્ક(માં શાંતિ ભદ્રા)એ રજનીશના પર્સનલ ડોક્ટર એવા સ્વામી દેવરાજ ઉપર જ જીવલેણ હુમલો કરી દીધો. અને જયારે આ હુમલામાંથી દેવરાજ બચી ગયા અને શીલાને એ વાતની ખબર થઇ એટલે શીલાએ રાતોરાત એના વિસ મિત્રો સાથે રજનીશપુરમ છોડી દીધું, અને જર્મની ભાગી ગયા.

1985માં સાડા ત્રણ વર્ષના વિરામ પછી રજનીશનું પહેલું “પ્રવચન” જેમાં રજનીશે શીલા પર ખુલ્લેઆમ આરોપો મુક્યા. Courtesy: RecapGuide & Netflix

આ ઘટનાના પ્રતિઘાત સ્વરૂપે લગભગ સાડા ત્રણ વર્ષે રજનીશ પહેલી વાર લોકો સમક્ષ બોલ્યા, અને એમાં શીલા પર બાયોકેમિકલ હુમલાઓ કરવાનો, છુપી રીતે જાસૂસી સાધનોની મદદથી કોઈની વાતો સાંભળવી, અમેરિકી એટર્નીની અને કમ્યુનના લોકોની હત્યા કરવાનો પ્રયાસ કરવાના આરોપો મુક્યા. અત્યાર સુધી શીલા અને રજનીશ ની ઉપર લાગેલા આરોપો માં અમેરિકી કોર્ટ પાસે કોઈ ખાસપુરાવાઓ ન હતા, પણ રજનીશના આ પ્રવચન પછી અમેરિકી કોર્ટને લિટરલી ભાવતું હતું ને વૈદે કહ્યું એવો ઘાટ થયો. રજનીશના વકીલોની ટીમ (ખાસ તો એના પર્સનલ એટર્ની ફિલિપ ટોએક્સ ઉર્ફે સ્વામી પ્રેમ નિરેન)અત્યાર સુધી અમેરિકન લૉ એન્ફોર્સમેન્ટ ને રજનીશપુરમ ની બહાર રાખવામાં સફળ થયેલા વકીલો માટે રજનીશનું આ પ્રવચન એક નવી માથાકૂટ સાબિત થઇ રહ્યું હતું. આ પ્રવચન પછી FBI અને ઑરેગોનની પોલીસે કોમ્યુનની સઘન તપાસ કરી અને એમાં શીલા પર મુકાયેલા દરેક આરોપો સાચા સાબિત થઇ શકે એવી સામગ્રી મળી. એટલુંજ નહિ રજનીશને પણ ગેરકાયદેસર ઘૂસણખોરી ના મામલામાં ફસાવવા માટે પૂરતા પુરાવાઓ મળ્યા. અને એક સાંજે, એની ધરપકડ ની અફવાઓ વચ્ચે અચાનક રજનીશ એના દસ બાર અનુયાયીઓ સાથે રજનીશપુરમ છોડી ભાગ્યા, અને રસ્તામાં નોર્થ કેરોલિના પાસે પકડાયા, અને એક લાંબી કાયદાકીય લડાઈ પછી અમેરિકી કોર્ટ સાથે ક્યારેય પાછા ન આવવાની ડીલ કરી, મોટો દંડ ભરી કાયમ માટે અમેરિકા છોડી જતા રહ્યા.

વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી ની આ વાર્તા લગભગ કલાક નો એક એવા છ એપિસોડમાં કહેલી છે. અને એક નોર્મલ ડોક્યુમેન્ટરી ની જેમ અહીંયા કોઈ નેરેટર નથી. અહીંયા વાર્તા આ ઘટનાક્રમના ભાગ બનેલા ઑરેગોનના અમુક વ્યક્તિઓ અને માં આનંદ શીલા, જેન સ્ટોર્ક, સ્વામી પ્રેમ નિરેન જેવા રજનીશપુરમના અનુયાયીઓ સાથેના ઇન્ટરવ્યૂ અને એ સમયના સમાચારોના ફૂટેજ ની મદદથી કહેવાયેલી છે. વાસ્તવમાં બની ગયેલી આ ઘટનાઓ કોઈ થ્રિલર ફિલ્મને પણ પાછા પાડે એવા ટ્વીસ્ટ અને ટર્ન્સ થી ભરેલી છે અને એટલે આ છ કલાકની ડોક્યુમેન્ટરી ક્યાંય કંટાળાજનક નથી લાગતી.

અને વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી નું એક જમા પાસું એ પણ છે કે આ ડોક્યુમેન્ટરી ક્યાંય પોતાના પહેલેથી જમાવેલા વિચારો આપણા પર થોપવા નથી માંગતી. એ એક વિચક્ષણ અવલોકનને આપણી સમક્ષ રજુ કરે છે અને આ વાર્તામાં ખરું વિલન કોણ છે એ નક્કી કરવાનું કામ વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી નાં મેકર્સે આપણા પર થોપી દીધું છે. જોકે આ વાર્તા રજનીશપુરમ પર કેન્દ્રિત છે પણ શો રનર ડુપ્લેસ ભાઈઓના કહેવા પ્રમાણે આ ડોક્યુમેન્ટ્રીનો મુખ્ય મુદ્દો રજનીશ, શીલા કે રજનીશપુરમ ને બદલે અન્યો નો ડર હતો. અને વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી માં આ વાત પહેલા એપિસોડથી લઈને છેલ્લા એપિસોડ સુધી છવાયેલી છે. એન્ટેલોપ વાસીઓને રજનીશીઓ નો ડર, શીલા અને રજનીશીઓ ને ઓરેગોન વાસીઓનો ડર, શીલાને પોતાનું સ્થાન ગુમાવવાનો અને રજનીશ જેવા જીનિયસ વ્યક્તિત્વને બીજા લોકોના હાથમાં સોંપવાનો ડર એ આ ડોક્યુમેન્ટરી અને રજનીશપુરમના આ આખા ઘટનાક્રમમાં મહત્વનો છે.

વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી એક જોરદાર ડોક્યુમેન્ટરી છે, અને એના નવતર એપ્રોચના લીધે પાથ બ્રેકીંગ પણ છે. પણ એ પરફેક્ટ નથી, વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીને અમુક ઘટનાક્રમ સિલેક્ટીવલી દેખાડવા માટે ઘણા બધા લોકોએ વખોડી છે. અમુક ઘટનાઓને કે અમુક તથ્યોને અહીંયા એક અલગજ એંગલથી દેખાડ્યા છે જેના લીધે એક અલગ જ ચિત્ર ઉભું થાય. જેમકે પોર્ટલેન્ડની હોટેલમાં થયેલો ધમાકો દેખાડ્યો છે, અને એમાં રજનીશીઓએ અમેરિકનોને જવાબદાર બતાવ્યા છે એ પણ દેખાડ્યું છે, પણ આ હુમલો એક ઇસ્લામિક આતંકવાદી સંગઠને કરેલો એ તથ્ય સાવ ગપચાવવામાં આવ્યું છે. ઉપરાંત રજનીશપુરમમાં કોઈ મહત્વની ઘટનાઓ હોય કે રજનીશ કે શીલા વિશેના અભિપ્રાયો, એ સિવાય વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીના વિશ્વમાં સામાન્ય રજનીશીઓ ને લગભગ અવગણવામાં આવ્યા છે. રજનીશના આંતરિક વિશ્વાસુઓ જેમકે રજનીશની સાથે જ રહેનાર માં યોગ વિવેક (જેને અમુક લોકો રજનીશની પ્રેમિકા તરીકે જોતા) એનો, અને એના અકાળ મૃત્યુનો વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીમાં કોઈજ ઉલ્લેખ નથી, ઓફકોર્સ રજનીશપુરમની વાર્તામાં એનો કોઈ ભાગ ન હોઈ શકે પણ ડોક્યુમેન્ટ્રીમાં રજનીશના મૃત્યુ પાછળ કૈક ખોટું થયું હોવાની શંકાનો ઉલ્લેખ થયો છે તો એમની નજીકના વ્યક્તિનાં નાની ઉંમરે રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુનો કોઈ જ ઉલ્લેખ નહિ?

ઉપરાંત જેને આ ડોક્યુમેન્ટ્રીમાં અગત્યનું સ્થાન આપ્યું છે એવા સ્વામી પ્રેમ નિરેન અને સ્વામી દેવરાજ (જે બંને અત્યારે ઓશો ઇન્ટરનૅશનલમાં મહત્વની જગ્યાઓમાં છે) નો રજનીશના નકલી વીલ બનાવવામાં મુખ્ય ફાયદો હતો એ વાતનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. આ એવા મુદ્દાઓ છે જે આ ડોક્યુમેન્ટ્રીને વધારે અસરકારક બનાવી શકત, અને આવા મુદ્દાનું ન હોવું એ ક્યાંક ખટકે છે.

આ ડોક્યુમેન્ટરી એક રજનીશ જેવા વિચક્ષણ વ્યક્તિના એક મહત્વના તબક્કા વિષે ચર્ચા કરે છે, જે તબક્કો ભારતે, અમેરિકાએ અને આખા વિશ્વએ બહુ સિફતતાથી ભુલાવી દીધો છે. અને એવા સમયે આવા વિવાદાસ્પદ ઘટનાક્રમને લગભગ તટસ્થતાથી રજુ કરવું, અને એ પણ એવી રીતે કે જેમાં ક્યાંય કંટાળો ન આવે એના માટે વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીને ખરેખર અભિનંદન અને મારા તરફથી પાંચ માંથી સાડા ચાર સ્ટાર. જો તમને રજનીશ વિષે, મોડર્ન ભારતના ઇતિહાસ વિષે કે અમેરિકન ઇતિહાસ વિષે રસ હશે તો તમને આમાં ખરેખર મજા આવશે. જોકે પહેલા બે એપિસોડમાં થોડું ધ્યાન રાખવું કારણકે રજનીશ આશ્રમના અમુક ફૂટેજ ભલભલા લોકોને હચમચાવી શકે એવા છે. બાકી ઇન્જોય, અને

મે ધ શક્તિ બી વિથ યુ.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here