વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જ એક નવો વિક્રમ પોતાના નામે કર્યો હતો. તેઓ રશિયામાં શિખર બેઠકમાંથી પરત આવ્યા અને જેટલેગને અવગણીને સતત 36 કલાક કાર્યરત રહ્યા હતા.

નવી દિલ્હી: ઘડિયાળને કાંટે કામ કરનારા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખો વિક્રમ બનાવ્યો છે. આપણને ખ્યાલ છે કે આપણા વડાપ્રધાન દિવસના લગભગ અઢારથી ઓગણીસ કલાક કામ કરે છે.
પરંતુ, જ્યારે કોઈ વ્યક્તિ વિદેશથી પરત આવ્યો હોય ત્યારે જેટલેગને કારણે તેને પોતાના દેશના વાતાવરણમાં સ્થિર થવા માટે સમય લાગતો હોય છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માન્યતાને પણ ખોટી પાડીને ગયા અઠવાડિયે સતત 36 કલાક કાર્ય કર્યું હતું.
ગત શુક્રવારે વહેલી સવારે વડાપ્રધાન રશિયાના સૂદૂર પૂર્વમાં આવેલા શહેર વ્લાડીવોસ્ટોકમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની (EFF) શિખર બેઠકમાં ભાગ લઈને લગભગ સાડા અગિયાર કલાકની હવાઈ મુસાફરી કરીને દિલ્હી પરત થયા હતા. ત્યારબાદ સમગ્ર દિવસ વડાપ્રધાન મોદી સરકારી કામકાજમાં વ્યસ્ત રહ્યા અને સાંજ ઢળ્યા પછી તેઓ બેંગ્લોર રવાના થયા હતા.
અહીં વડાપ્રધાન મોદી ISROના વૈજ્ઞાનિકો સાથે ચંદ્રયાન-2ના લેન્ડીંગ માટે વૈજ્ઞાનિકોની સાથે રહ્યા હતા અને પળેપળની માહિતી મેળવી રહ્યા હતા. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા દેશભરમાંથી આવેલા લગભગ 74 વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાને વાર્તાલાપ પણ કર્યો હતો.
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી જતા વૈજ્ઞાનિકોની ચિંતામાં વડાપ્રધાન પણ સહભાગી બન્યા અને તેમને આશ્વાસન આપી તેઓ તરત ISRO સેન્ટરથી રવાના થઇ ગયા. ત્યારબાદ સવારે લગભગ આઠ વાગ્યે વડાપ્રધાન મોદી ISRO કેન્દ્ર પરત આવ્યા અને અહીં તેઓએ વૈજ્ઞાનિકોને નિષ્ફળતા મળી હોવા છતાં પોતાના ભવિષ્યના કાર્ય માટે નહીં રોકાવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ તેઓ તરતજ મુંબઈ માટે રવાના થઇ ગયા અને અહીં તેમણે મુંબઈ મેટ્રોના કાર્યક્રમો અને આધારશીલા સ્થાપવાના કાર્યોમાં ભાગ લીધો, લોકોને સંબોધન પણ કર્યું. આ કાર્યક્રમ પતાવીને તેઓ ઔરંગાબાદ ગયા જ્યાં તેમણે એક ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ભવનનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (PMUY) છ કરોડમાં લાભાર્થી એવા એક મહિલાને LPG કનેક્શન પણ સોંપ્યું હતું.
આમ વિદેશયાત્રાનો જેટલેગ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 36 કલાક કાર્યરત રહીને નવી દિલ્હી પરત ફર્યા હતા.
eછાપું