સરદાર સરોવર: ગુજરાતનું સ્વપ્ન પૂર્ણ (ભાગ એક)

0
277
Photo Courtesy: Google

દાયકાઓનો સંઘર્ષ…કોણ મુખ્ય શિલ્પી…???

ગઈકાલે સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો અને આજે તેનું પૂજન પણ વડાપ્રધાનના હસ્તે થવા જઈ રહ્યું છે, પરંતુ નર્મદાને આ સ્તરે પહોંચાડવા માટેનો સંઘર્ષ ઘણો લાંબો અને જુનો છે.

Photo Courtesy: Google

ગઈકાલે સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી એટલે કે 455 ફૂટ (138.68 મીટર) સુધી ભરાઈ ગયો. ગુજરાતીઓનું સંઘર્ષપૂર્ણ સ્વપ્ન આખરે પૂર્ણ થયું. આ એક લાંબી સંઘર્ષ ગાથા છે અને તેને આજે આપણે ટૂંકમાં જોઈએ કે જેથી આજની પેઢીને ખ્યાલ આવે કે સરદાર સરોવર ગઈકાલે જે પૂર્ણ કક્ષાએ ભરાયું તેની પાછળ કેટકેટલા સંઘર્ષ થયા છે. આ સંઘર્ષ આજે યાદ કરવા જ જોઈએ તો જ ખ્યાલ આવશે કે આ સ્વપ્ન કેવી રીતે હકીકતમાં બદલાયું છે. આજે સંઘર્ષો જોઈએ. આવતીકાલે આ સંઘર્ષના મુખ્ય શિલ્પીઓ કોણ હતા તે જોઈશું.

1949માં નર્મદા નદી ઉપર ભરૂચ નજીક ડેમ બનાવવા અંગે ઇન્વેસ્ટીગેશન શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોરા પાસે 161 ફૂટ (49.08 મીટર)નો ડેમ બનાવવાનું નક્કી થયું. એપ્રિલ 5, 1961ના દિવસે તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પરંતુ ત્યારબાદ વધુ ઉંચાઈનો ડેમ બનાવી શકાય છે તેવી શક્યતાઓ દેખાતા નર્મદા ડેમની ઉંચાઈ ઉપર પુનર્વિચાર કરવામાં આવ્યો. પરંતુ ઉંચાઈ વધારવાનો વિચાર આવતાં જ મધ્યપ્રદેશે તેનો વિરોધ શરુ કરી દીધો. આથી નર્મદાના પાણીના વિવાદનો હલ લાવવા માટે 1964માં ડૉ. ખોસલાના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી. ડૉ. ખોસલાની કમિટીએ 1965માં નર્મદા ડેમની ઊંચાઈ 500 ફૂટ (152.44 મીટર) રાખવાની ભલામણ કરી. આ ભલામણનો મધ્યપ્રદેશે ઉગ્ર વિરોધ કર્યો અને તેને કારણે કેન્દ્ર સરકારે Inter State River Water Disputes Act, 1956 અંતર્ગત Narmada Water Dispute Tribunalની સ્થાપના ઓક્ટોબર 1969માં કરવામાં આવી.

આ Narmada Water Dispute Tribunal સુપ્રિમ કોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં તથા ગુજરાત અને મધ્યપ્રદેશ એમ બે હાઈકોર્ટના સીટીંગ જજના સભ્યપદે કાર્યરત થઇ. Narmada Water Dispute Tribunal દ્વારા ડિસેમ્બર 1979માં વ્યાપક ભલામણો સાથે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. આ એવોર્ડમાં નર્મદા ડેમની ઉંચાઈ 455 ફૂટ (138.68 મીટર) રાખવાનું નક્કી કરવામાં આવ્યું અને Maximum Water Level 460 ફૂટ (140.21 મીટર) રાખવાનું નિર્ધારિત કરવામાં આવ્યું. આ એવોર્ડમાં 34,527 મિલિયન ક્યુબીક ફિટ પાણીમાંથી મધ્યપ્રદેશને 65%, ગુજરાતને 32% અને રાજસ્થાન અને મહારાષ્ટ્રને બાકીનું 3% પાણી ઉપાડવાનો અધિકાર આપવામાં આવ્યો.

હવે તેના કરતા વધારે પાણી આવે તો વધારાના પાણીમાંથી કયા રાજયને કેટલું પાણી મળે તેની સ્પષ્ટતા કરવામાં આવી. આ ઓર્ડરની મુદત 45 વર્ષ એટલે કે 2024 સુધીની નક્કી કરવામાં આવી. તેવી જ રીતે આ ડેમ દ્વારા જે પાવર ઉત્પન્ન થાય તેમાંથી મધ્યપ્રદેશને 57%, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16% આપવાનું નક્કી થયું. તેવી જ રીતે ડુબાણમાં જતી જમીનો અંગે શું કરવું, કેવી રીતે અન્ય જમીનો સંપાદન કરવી, કેટલું વળતર આપવું, વળતર કોણ કેવી રીતે ચૂકવશે જેવી બાબતો અંગે પણ સ્પષ્ટ જોગવાઈઓ ઓર્ડરમાં કરવામાં આવી. કયું રાજ્ય કેટલા રૂપિયાનો ખર્ચ કરશે તે પણ નક્કી કરવામાં આવ્યું.

1985માં વર્લ્ડબેન્કે 450 મિલિયન ડોલર લોન મંજુર કરી. પરંતુ 1986થી તેમાં વિઘ્નો આવવાની શરૂઆત થઇ. મેધા પાટકરે “નર્મદા બચાવો આંદોલન” શરુ કર્યું. આ આંદોલન શરુ થયું હોવા છતાં 1986માં કેન્દ્રના પર્યાવરણ વિભાગની મંજુરી પ્રાપ્ત થઇ અને અંતે 1988થી નર્મદા ડેમના બાંધકામની શરૂઆત થઇ. એટલે કે 1961માં જેનું ભૂમિપૂજન થયું હતું તેનું ખરેખર બાંધકામ 27 વર્ષ પછી 1988માં શરુ થયું.

પરંતુ ત્યારબાદ પણ નર્મદા ડેમના બાંધકામ દરમિયાન સતત વિઘ્ન આવતા રહ્યા. 1990થી મેધા પાટકરે તેનું “નર્મદા બચાવો આંદોલન” બહુ જ તીવ્ર કર્યું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત સરકાર, રાજ્ય સરકારો અને નર્મદા ડેમ વિરુદ્ધ ઉગ્ર રજુઆતો કરતા 1990માં જાપાન સરકારે 27 મિલિયન યેનની ટર્મ લોન રદ કરી. ડિસેમ્બર 1990માં ભારત સરકારે નર્મદા બચાવો આંદોલનના આંદોલનકારીઓને જળ-સમાધિ લેતા રોકવા માટે પોલીસના ધાડા ઉતારી દીધા. તેનાથી ઉત્તેજિત થઈને નર્મદા બચાવો આંદોલનના આંદોલનકારીઓ જાન્યુઆરી 7, 1991ના રોજથી આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા. આ ઉપવાસ 22 દિવસ સુધી ચાલુ રહેતા આંદોલનકારીઓની તબિયત બગડવા લાગી.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રશ્નને ઉઠાવવામાં આવતા વર્લ્ડ બેન્કે જુન 1991માં મોર્સે કમિટી નિયુક્ત કરી. 1992માં મોર્સે રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. મોર્સે કમિટીએ રિપોર્ટ વર્લ્ડ બેંકને સુપ્રત કર્યો. આ રિપોર્ટ ઉપર ગંભીર વિચારણા કરીને વર્લ્ડ બેન્કે માર્ચ 1993માં નર્મદા ડેમ માટે મંજુર કરેલ 450 મિલિયન ડોલર લોન રદ કરી.
.
વર્લ્ડબેંકની લોન રદ થતા ગુજરાત સરકારે જાહેર કર્યું કે નર્મદા બોન્ડ દ્વારા નર્મદા ડેમના બાંધકામ માટે ગુજરાત સરકાર પોતે પૈસા એકત્રિત કરશે અને નર્મદા ડેમનું બાંધકામ કરશે. નવેમ્બર 1993માં ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ દ્વારા નર્મદા બોન્ડ જાહેર કર્યા. રૂ. 3600ના બોન્ડ 20 વર્ષ બાદ એટલે કે જાન્યુઆરી 2014માં સરેરાશ 11%ના વ્યાજના દરે પ્રત્યેક બોન્ડમાં રૂ. 1,11,000 પરત મળે તે રીતે નર્મદા બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા. 2002માં આ બોન્ડને બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં લીસ્ટીંગ કરવામાં આવ્યા. લગભગ 4.5 લાખ લોકોએ નર્મદા બોન્ડ લઈને ગુજરાત સરકારને નર્મદા ડેમ બનાવવા માટે 256.90 કરોડનું ફંડ પૂરું પાડીને વર્લ્ડ બેન્કને તમાચો માર્યો. ત્યારબાદ નર્મદા બોન્ડમાં પણ ઘણી કાનૂની ગૂંચો ઉભી કરવામાં આવી અને અંતે આ બોન્ડની રકમ જે તે બોન્ડધારકને પરત પણ કરી દેવામાં આવી.

ત્યારબાદ મણીબેલીના સત્યાગ્રહ અને ઉગ્ર આંદોલન પછી ભારત સરકારે ઓગસ્ટ 1993માં Five Member Groupની સ્થાપના કરી. 1994માં આ Five Member Group દ્વારા વર્લ્ડ બેંકના મોર્સે રિપોર્ટને સ્વીકારવાની ભલામણ કરી. નર્મદા ડેમ ફરી એક વખત વિવાદમાં આવી ગયો. 1994ના ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારે સ્લુઇસ ગેટ બંધ કરવાના આદેશો આપ્યા. આ આદેશોની સામે મે 1994માં નર્મદા બચાવો આંદોલનના આંદોલનકારીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને નર્મદા ડેમનું બાંધકામ અટકાવવા અંગે અરજી કરી. 1996થી નર્મદા ડેમના બાંધકામ ઉપર સ્ટે આવી ગયો. તે સમયે નર્મદા ડેમનું બાંધકામ 90 મીટર સુધી થયું હતું.

2000માં સુપ્રિમ કોર્ટે બાંધકામ ફરી શરુ કરવાના આદેશો કર્યા અને ફરી વખત બાંધકામ શરુ થયું. થોડા થોડા સમયના અંતરે સુપ્રીમ કોર્ટ તરફથી ઊંચાઈ વધારવાની મંજુરી મળતી રહી અને તે પ્રમાણે ગુજરાત સરકાર ઉંચાઈ વધારતી રહી અને અંતે 2006માં નર્મદા ડેમનું કાર્ય સંપૂર્ણ થયું. પરંતુ તેની ઉપર ગેટ મુકવાની પરમિશન ન હોતી. 2004માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ પહેલા મહિનામાં જ ગેટ મુકવાની પરમિશન મળી.

અંતે ગઈકાલે નર્મદા ડેમ તેની પૂર્ણ કક્ષાએ એટલે કે 455 ફૂટ (138.68 મીટર) સુધી ભરાઈ ગયો અને એક લાંબા સંઘર્ષનો સુખદ અને આનંદદાયક અંત આવ્યો.

બીજા ભાગમાં આવતીકાલે આ સંઘર્ષમાં કોણ મુખ્ય શિલ્પી રહ્યા તે જોઈશું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here