ચીને 30 વર્ષમાં જે ચમત્કાર કર્યો તે ભારતે 15 વર્ષમાં કરવો હોય તો??

0
98
indianexpress.com

વર્ષ 1980માં ચીનની જે આર્થિક પરિસ્થિતિ હતી તેમાંથી તેણે 30 વર્ષમાં જે કાયાપલટ કરી છે તે ભારત  અડધા સમય માટે કરી શકે તેમ  છે, પરંતુ તે ત્યારેજ શક્ય બનશે જો…

indianexpress.com

ભારતનું અર્થતંત્ર 2024 સુધીમાં 5 ટ્રીલીયન યુએસ ડોલર સુધી થઇ શકે છે. અમેરિકા 21 ટ્રીલીયન યુએસ ડોલર સાથે પ્રથમ નંબરે છે જયારે ચીન 9.2 ટ્રીલીયન સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે જાપાન 5.2 ટ્રીલીયન અને ચોથા નંબરે જર્મની 4.2 ટ્રીલીયન યુએસ ડોલરનું અર્થતંત્ર ધરાવે છે. પાંચમા નંબરે યુકે 3.2 ટ્રીલીયન અને છઠ્ઠા નંબરે 2.9 ટ્રીલીયન સાથે ફ્રાંસનું અર્થતંત્ર છે. ભારત 2024 સુધીમાં ફ્રાંસ અને યુકેને પાછળ રાખીને પાંચમા નંબરે પહોંચી શકે છે. પરંતુ મારો આ આર્ટીકલ લખવા પાછળનો આશય કંઇક અલગ છે. 2035 સુધીમાં ભારતનું અર્થતંત્ર 20 ટ્રીલીયન યુએસ ડોલરે પહોંચી શકે છે. 2035 એટલે કે આવનારા 16 વર્ષમાં શું ભારત આવો ટાર્ગેટ રાખીને સિદ્ધ કરી શકશે? અશક્ય નથી તો સાવ સહેલું પણ નથી.

ચીનના અર્થતંત્રની સાઈઝ 1980માં 250 બિલિયન યુએસ ડોલરની હતી જે વધીને 2019માં 9.2 ટ્રીલીયન સુધી પહોંચી ગઈ છે એટલે કે ત્રીસ વર્ષમાં ચીને પોતાના અર્થતંત્રની સાઈઝ 3600 ગણી વધી છે. હવે ભારતની વાત કરીએ તો ભારતના અર્થતંત્રની સાઈઝ 2015માં 2 ટ્રીલીયન હતી એટલે કે આવનારા 15 વર્ષમાં જો તેને 20 ટ્રીલીયન પર પહોંચાડવી હોય તો 10 ગણી વધારવી પડે. જો દ્રઢ ઇચ્છાશક્તિ હોય અને કંઇક કરી બતાવવાની તમન્ના હોય તો મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય સહેજે નથી. જો ચીન ત્રીસ વર્ષમાં પોતાના અર્થતંત્રની સાઈઝ 3600 ગણી વધારી શકતું હોય તો આપણે 15 વર્ષમાં 10 ગણી ન વધારી શકીએ?

ચીન કટ્ટર સામ્યવાદી હોવા છતાં તેને સામ્યવાદને જાળવી રાખીને મૂડીવાદ આધારિત મુક્ત બજાર પદ્ધતિ અમલમાં મુકીને “one nation – two systems”નું યથાર્થ પાલન કરીને સફળતા પ્રાપ્ત કરી છે. ચીનમાં સત્તાનો કોરડો સરમુખત્યાર જેવો હોવાથી અને લોકશાહી ન હોવાથી માનવ અધિકારોનું સતત હનન થયા કર્યું છે. દુનિયા આખી તેની સામે બુમ-બરડા પાડતી રહે તેની સામે સહેજે પ્રત્યુત્તર આપ્યા વગર ચીનના સત્તાધિકારીઓ પોતાની મનમાની કરીને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે. શ્રમિકોને દિવસ આધારિત પગાર નહીં પરંતુ ઉત્પાદન આધારિત પગાર આપીને “માસ પ્રોડક્શન” કરીને “લો કોસ્ટ” અને “લો ક્વોલીટી” ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં “ચાઇનીઝ ડમ્પિંગ” કરી દીધું છે.

વિશ્વના ગ્રાહકોને એવું વિચારવા મજબુર કરી દીધા કે ખુબ જ સસ્તું મળતું હોય અને જો તે એક કે બે વર્ષ ચાલી જાય અને પછી ફરી નવું લેવું પડે તો કંઈ વાંધો નહીં. આમ કરીને ચીને પોતાની પ્રોડક્ટને સતત બજાર મળતું જ રહે તેવી વ્યવસ્થાઓ ઉભી કરી. જે દેશમાં ધાર્મિક-સંસ્કૃતિક રીતે જેની અનિવાર્યતા હોય તેનું “માસ પ્રોડક્શન” કરીને તે દેશમાં તેને “ડમ્પ” કરવાની પદ્ધતિએ ચીનને આટલું મોટું બહોળું બજાર આપ્યું છે. ચીનમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે તેને કોઈ નકારી શકશે નહીં પરંતુ એ ભ્રષ્ટાચાર સામે અસરકારક પગલાં પણ લેવામાં આવ્યા હોવાથી તેના ઉપર થોડો કાબુ હવે આવ્યો છે. અધિકારીઓ શાસન નથી ચલાવતા પરંતુ સત્તાધારીઓ શાસન ચલાવે છે તે પણ એક ચીનની ખૂબી છે. તેવી જ રીતે કોઈપણ પ્રકારના બળવાને કે વિરોધને કડક હાથે દાબીને કચડી નાખે છે કારણ કે ત્યાં ભારત, અમેરિકા કે બ્રિટન જેવી લોકશાહી નથી.

શું આપણે ભારતના અર્થતંત્રને આવનારા 15 વર્ષમાં તેને 10 ગણું ન વધારી શકીએ? આજે આપણે તે માટે શું કરી શકાય તે અંગે વિચારીએ.

(1) સૌથી પ્રથમ ભારતે ઉચ્ચ કોટીના ઇનોવેશન અને સંશોધન પાછળ વ્યાપક ભંડોળ ફાળવણી કરીને મુક્તપણે ઇનોવેશન અને સંશોધન થાય અને તે અંતર્ગત પેટન્ટ હજારોની સંખ્યામાં લેવામાં આવે તેવું થવું જોઈએ. આજે ભારત તેમાં બહુ જ પછાત છે અને એટલે જ ભારતના તજજ્ઞો વિદેશ જઈને ઇનોવેશન કરે છે અને પેટન્ટ લઇ રહ્યા છે. ઇનોવેશન અને સંશોધન જેટલું વ્યાપક અને અમલમાં મૂકી શકાય તેવું હશે તથા તે ઉદ્યોગોની જરૂરિયાત આધારિત હશે તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો GDPમાં બહુ મોટા પ્રમાણમાં આવનારા દસ વર્ષમાં વધારી શકાશે.

દેશમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને તજજ્ઞોને એક ટાર્ગેટ આપીને તેઓ પાસે એવા વિચારો રજુ કરાવવા જોઈએ કે જેથી દેશનું અર્થતંત્ર 2035માં 20 ટ્રીલીયન યુએસ ડોલર ઉપર પહોંચી જ જાય. હકીકતમાં ભારત પાસે ચીન કરતા વધુ સારા નિષ્ણાતો અને તજજ્ઞો છે. જરૂર છે તોના જ્ઞાનનો લાભ લેવાની. હવે એ સમય પાકી ગયો છે કે સરકાર દેશના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને તજજ્ઞોનો યોગ્ય ઉપયોગ કરીને તેઓના વિચારોનું યોગ્ય સંકલન કરીને તેના ઉપર અમલીકરણ શરુ કરે.

(2) આજે ભારતનું શિક્ષણ ડીગ્રી આધારિત છે. હવે શિક્ષણને ડીગ્રી આધારિત ન રાખતા તેને “વોકેશન” આધારિત કરીને “વોકેશનલ ટ્રેઈનીંગ” આધારિત કરી દેવામાં આવે તો ઉદ્યોગોને જે રીતનો મેનપાવર જોઈએ છે તેટલો મેનપાવર સરળતાથી મળી રહે. જુદા જુદા ઉદ્યોગોમાં માનવશક્તિની માંગ અને પ્રાપ્ય પુરવઠા આધારિત ધોરણ દસ અને બાર પછી અભ્યાસ છોડી દઈને પોતાની કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ અસરકારક રીતે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે વોકેશનલ શિક્ષણ ખૂબ જ આશીર્વાદરૂપ નીવડી શકે. વોકેશનલ શિક્ષણ માટે દેશના પ્રત્યેક તાલુકામાં એક વોકેશનલ સ્કૂલની સ્થાપના કરવી. આ વોકેશનલ સ્કૂલમાં ત્રણ દિવસ થીયરીનો અભ્યાસ કરાવવામાં આવે અને બાકીના ત્રણ દિવસ તે જ તાલુકામાં આવેલ ઔદ્યોગિક કે ટ્રેડ ગૃહમાં “અપ્રેન્ટિસ” તરીકે તાલીમ લેવામાં આવે.

જે તે કુશળતા આધારિત વોકેશનલ સ્કુલમાં બે, ત્રણ કે ચાર વર્ષના વોકેશનલ શિક્ષણની વ્યવસ્થા હોય. જે તે તાલુકામાં જે કુશળતા આધારિત જરૂરિયાત હોય તે કુશળતા ધરાવતો મેનપાવર ઊભો થઇ શકે તે રીતની તાલીમ આપતી વોકેશનલ સ્કૂલની સ્થાપના થવી જોઈએ. વોકેશનલ શિક્ષણ અને વોકેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની અંતિમ પરીક્ષા ઔદ્યોગિક ગૃહોના “ફેડરેશન” દ્વારા આયોજિત થવી જોઈએ. પ્રત્યેક “ફેડરેશન”માં “વોકેશનલ ટ્રેઈનીંગ કમિટી” હોય તે અનિવાર્ય કરી દેવામાં આવે અને તેઓ આ પરીક્ષાનું આયોજન કરતા થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી પડે. વિદ્યાર્થીએ થીયરી વિષયોમાં લેખિત પરીક્ષા આપવી પડે અને પ્રેક્ટિકલ તાલીમની પરીક્ષા ઔદ્યોગિક ગૃહમાં જ આપવી પડે. આ બંનેમાં પાસ થાય તો જ તેને જે તે વ્યવસાયની તાલીમ પૂરી કરી છે એવું સર્ટીફીકેટ પ્રાપ્ત થાય. આવી રીતે પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ ધરાવનાર વિદ્યાર્થી ક્યારેય બેરોજગાર રહેતો નથી. આવી તાલીમ આપવાથી “સસ્તો” પરંતુ “ઉચ્ચ ગુણવત્તાવાળો” મેનપાવર મળી રહેશે અને તેને કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં “માસ પ્રોડક્શન” કરવામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

(3) ભારતમાં “બ્યુરોક્રસી” એક વ્યાપક “ન્યુસન્સ” છે. “બ્યુરોક્રસી”ને દેશ પ્રત્યે કમિટેડ બનાવવી પડશે અને તે માટે જે કડક પગલાં લેવા પડે તે લઈને પણ દેશના વહીવટીતંત્રને અસરકારક અને ધારદાર બનાવવું જ પડશે. આજે બહોળા વિકાસમાં “બ્યુરોક્રસી” જ અડચણરૂપ બને છે અને વિકાસ જે ગતિએ થવો જોઈએ તે ગતિએ થતો નથી. વ્યાપક “એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ” લાવીને વહીવટીતંત્રને પારદર્શક બનાવીને જવાબદાર બનાવવું એ બહુ મોટો ભગીરથ પડકાર છે પરંતુ તે જો થઇ શકે તો ભારતને 2035માં 20 ટ્રીલીયન યુએસ ડોલરનું અર્થતંત્ર બનતા કોઈ રોકી શકશે નહીં.

(4) ભારતમાં શ્રમિકોને કોઈ જ જાતનું નુકશાન કે શોષણ ન થાય તે રીતની કાનૂની જોગવાઈઓ કરીને પગારને ઉત્પાદકતા સાથે સાંકળી લેવું હવે અનિવાર્ય થઇ ગયું છે. આજે તો એપોઇન્ટમેન્ટ પત્ર મળે એટલે જેટલા દિવસ હાજર હોય તેટલા દિવસનો પગાર મળી જ જાય છે. તેને તેના કામના કલાકોમાં કાર્ય કર્યું છે કે નહીં તેની કોઈ જ ગણતરી પગાર ચુકવતી વખતે થતી નથી. આ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો અનિવાર્ય છે. શ્રમિકોને કલ્યાણ માટેની યોજનાઓ બનાવીને અને તેઓને એક કવચ આપીને પગારને ઉત્પાદકતા સાથે સાંકળવી એ આજના યુગની તાતી જરૂરિયાત છે અને સરકારે તે તરફ વ્યાપક કાનૂની જોગવાઈઓ કરવી અનિવાર્ય છે.

તેવી જ રીતે આજે શ્રમિકોને કાનૂની રીતે રક્ષણ મળે છે તેમાં પણ યોગ્ય ફેરફારો અનિવાર્ય છે કારણ કે આજે અતિશય “જોબ સિક્યોરીટી”ના કારણે જે શ્રમિકો યોગ્ય કાર્ય ન કરતા હોય તો પણ તેઓને છુટા કરી શકાતા નથી. આ એકદમ સંવેદનશીલ બાબતે શ્રમિકોને યોગ્ય રક્ષણ મળી રહે તે સાથે માલિકોને પણ વ્યાજબી છૂટ મળે તે પ્રકારના “લેબર રિફોર્મ્સ” હવે દેશ માટે અનિવાર્ય બની ચુક્યા છે.

(5) ભારતના તમામ રાજકીય પક્ષો અને તમામ રાજકીય નેતાઓએ દેશ પ્રત્યે અને દેશના અર્થતંત્રને 20 ટ્રીલીયન યુએસ ડોલર સુધી પહોંચાડવા માટે દેશના બંધારણની મર્યાદામાં રહીને દેશના વિકાસમાં “રાજકીય સ્વાર્થ” ધરાવતા તત્વો વિઘ્ન અને વિલંબના રોડાં ન નાખે તે અંગે સામુહિક રીતે વિચારણા કરીને સંકલન કરવું જ પડશે. તેવી જ રીતે વિકાસમાં વિઘ્નરૂપ અને વિલંબ ઉભો કરનારા “લેફ્ટ-લિબરલ” તત્વો ઉપર પણ અંકુશ મુકવો અનિવાર્ય થઇ ગયો છે. આવા તત્વો જ વિકાસના મોટા પ્રોજેક્ટ્સને અબજો રૂપિયાનું નુકશાન કરાવીને અર્થતંત્રની ગતિને બ્રેક મારતા હોય છે. આમાં જેઓ “જેન્યુઈન” વિરોધ કરતા હોય તેઓ સાથે મુદ્દા આધારિત સંવાદ દ્વારા ઉકેલ લાવી શકાય તેવી પણ કાનૂની જોગવાઈઓ થવી અનિવાર્ય છે અને તેનો અસરકારક અમલ થવો પણ એટલો જ જરૂરી થઇ ગયો છે.

(6) દેશના નાગરીકોની પણ દેશ પ્રત્યે પ્રતિબધ્ધતા અને દેશના વિકાસમાં યોગ્ય યોગદાન – એટલું ન જરૂરી છે. દેશ પ્રત્યે અને દેશના અર્થતંત્રને 2035 સુધીમાં 20 ટ્રીલીયન યુએસ ડોલર સુધી પહોંચાડવાનું એક ઝનુની કક્ષાનું “પેશન” દેશના પ્રત્યેક નાગરિકમાં હોવું જરૂરી બની ગયું છે. દેશના પ્રત્યેક નાગરિકના મનમાં એવી ભાવના થવી જોઈએ કે દેશને વિશ્વની મહાસત્તા બનાવવા માટે મારે પણ મારા દેશને બનતી મદદ કરવી જોઈએ. દેશનું સબળ નેતૃત્વ અને રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિ દ્વારા જ આ સંભવ થઇ શકે છે.
બસ…આટલું થશે તો આવનારા 15 વર્ષમાં આપણા દેશનું અર્થતંત્ર વિશ્વમાં મહાસત્તા બનવા જેટલું બની શકવામાં દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here