શેનું મહત્ત્વ વધુ? ખેલાડીની અંગત સિદ્ધિ કે ટીમનો વિજય?

0
278
Photo Courtesy: india.com

હાલમાં ઓસ્ટ્રેલીયામાં રમાઈ રહેલી એક ટેસ્ટ મેચમાં ટિમ પેઇને ડેવિડ વોર્નરને બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાથી થોડે દૂર રાખીને દાવ ડિક્લેર કરી દીધો હતો, શું ક્રિકેટમાં આ પ્રમાણે કરવું યોગ્ય છે ખરું?

Photo Courtesy: india.com

ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન વચ્ચે હાલમાં એડિલેડ ઓવલમાં ડે-નાઈટ ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટના બીજા દિવસે બનેલી એક ઘટનાએ સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. જો કે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની, આવું પહેલા પણ બની ચૂક્યું છે જ્યારે ટીમનો કોઈ મહત્ત્વનો ખેલાડી પોતાની કોઈ અંગત સિદ્ધિની સાવ નજીક હોય ત્યારે જ કેપ્ટન દાવ ડિક્લેર કરી દેતો હોય છે. આવું ભારતના સહુથી મહાન બેટ્સમેન સચિન તેંદુલકર સાથે પણ બની ચૂક્યું છે.

પરંતુ આજે આપણે વાત કરીશું ડેવિડ વોર્નરની. પાકિસ્તાન સામેની આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં વોર્નર જ્યારે 336 રને આરામથી રમી રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટિમ પેઇને ઓસ્ટ્રેલીયાનો દાવ ડિક્લેર કરી દીધો હતો. હજી તો આ ટેસ્ટ મેચનો બીજો જ દિવસ હતો અને ડેવિડ વોર્નરને જો હજી એક કલાક વધુ રમવા દેવામાં આવ્યો હોત તો તે કદાચ બ્રાયન લારાના ટેસ્ટ મેચ ક્રિકેટના સહુથી વધુ 400 રનના સ્કોરને આસાનીથી વટાવી ગયો હોત.

પરંતુ ટિમ પેઇનની માન્યતા અલગ હતી, તેણે ડેવિડ વોર્નરને સર ડોન બ્રેડમેનના સહુથી વધુ 335 રનના સ્કોરને વટાવવા દીધો અને પછી દાવ ડિક્લેર કરી દીધો. ટિમ પેઈનને માટે કદાચ મેચ જીતવી વધુ મહત્ત્વની હતી નહીં કે ડેવિડ વોર્નરની અંગત સિદ્ધિ. જો કે સામે પક્ષે પાકિસ્તાનની જે પ્રકારની બેટિંગ રહી છે તેને ધ્યાનમાં લઈને જો વોર્નર એક કલાક વધુ રમ્યો હોત અને પોતાના 400 રન પૂરા પણ કરી દીધા હોત તો પણ મેચના પરિણામ પર કોઈ ખાસ અસર ન પડત.

પણ, આ ક્રિકેટ છે અને ક્રિકેટમાં કશું પણ કહેવું વધુ પડતું હોય છે. આ ઉપરાંત કદાચ એ સમયે વરસાદની આગાહી પણ કરવામાં આવી હોય એવું બને. તેમ છતાં અહીં ટિમ પેઈનનો નિર્ણય વધુ યોગ્ય હોય એવું લાગે છે. કારણ સ્પષ્ટ છે, ક્રિકેટમાં કે પછી કોઇપણ રમતમાં વિજય મેળવવો તો જરૂરી હોય જ છે પરંતુ તેની સાથે કેટલો મોટો અથવાતો કેટલો અસરકારક વિજય મેળવવામાં આવ્યો તેનું પણ એટલુંજ મહત્ત્વ છે. આ ઉપરાંત ન કરત ને નારાયણ ત્રણ દિવસ વરસાદ પડ્યો હોત અથવાતો તેનું વિઘ્ન વારંવાર આવ્યું હોત અને મેચ ડ્રો જાત તો વોર્નરને આપેલો એ એક વધારાનો કલાક કદાચ ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ ચાહકોને વધુ ખૂંચત.

ટિમ પેઇને જો ડેવિડ વોર્નરને લારાના વિક્રમ તોડવાથી દૂર રાખીને પહેલી ઇનિંગમાં પાકિસ્તાનને ફોલોઓન ન આપ્યું હોત તો વાત સમજી શકાય એવી હતી પરંતુ તેણે પાકિસ્તાનને ફોલોઓન આપ્યું, તેનો એક જ મતલબ છે કે ટિમ પેઈનને મોટા વિજયની ઈચ્છા છે અને તેટલે જ તે કોઇપણ ભોગે આ મેચ જીતવા માંગે છે.

વળી, આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આ ટેસ્ટ મેચ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ રમાઈ રહી છે અને તેના એક-એક પોઈન્ટ મહત્ત્વના છે જેથી કરીને ઓસ્ટ્રેલીયા ફાઈનલ સુધી પહોંચી શકે અને પોઈન્ટ્સ ટેબલમાં ટોચની બે ટીમોમાંથી એક બની રહે. આવામાં જો વરસાદથી મેચ ધોવાઈ જાત તો ઓસ્ટ્રેલીયાની ફાઈનલ તરફની સફર પર જરૂરથી અવળી અસર પડી હોત.

જ્યાંસુધી અંગત સિદ્ધિની વાત છે તો આપણે ત્યાં ભારતમાં તેનું ઘણું મહત્ત્વ છે, પરંતુ વિદેશોમાં તેનાથી સાવ ઉલટું છે. જે ડોન બ્રેડમેનનો રેકોર્ડ ડેવિડ વોર્નરે તોડ્યો તેનાથી એક રન ઓછો કરીને ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરે આ જ પાકિસ્તાનની ટીમ સામે પાકિસ્તાનમાં રમાયેલી એક ટેસ્ટ મેચમાં જાતેજ દાવ ડિક્લેર કરી દીધો હતો, કારણકે એ એવું માનતા હતા કે પોતે ડોન બ્રેડમેનના પેંગડામાં પગ મુકવા માટે સમર્થ નથી.

આમ, ઓસ્ટ્રેલીયા અને અન્ય દેશો માટે અંગત સિદ્ધિ કરતા ટીમનો વિજય વધુ મહત્ત્વ ધરાવતો હોય છે અને સમય આવે તેના પરચા પણ આપણને જોવા મળતા હોય છે. આ જ તર્જ પર એક વખત સાઉથ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડર ઝાક કાલીસ પણ ડબલ સેન્ચ્યુરીની નજીક પહોંચતા પહોંચતા એકદમ ધીમી બેટિંગ કરવા લાગ્યા હતા અને પછી ન છૂટકે તે સમયના કપ્તાન હાન્સી ક્રોન્યેએ દાવ ડિક્લેર કરી દીધો હતો અને કાલીસ ડબલ સેન્ચ્યુરી ફટકારવાથી સહેજ દૂર રહી ગયા હતા.

જ્યારે પણ સ્વયંસિદ્ધિ કરતા ટીમની સિદ્ધિને વધુ આંકવામાં આવતી હોય છે ત્યારે એ નિયમમાં માનનાર ટીમને હરાવવી લગભગ અશક્ય બની જતી હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here