અલકમલકની વાતોઃ વિશ્વવિક્રમોની વણથંભી વણઝારનો ખલાસી – સચિન તેંડુલકર

0
244

“દીકરા, જીવન એક પુસ્તક છે, જેમાં હજારો પ્રકરણો હશે. અનુભવની એરણ પર રહેલા આ જીવનનું લોલક ચાર મુખ્ય છેડા વચ્ચે ઝૂલતું રહેશે – સુખ, દુઃખ, સફળતા અને નિષ્ફળતા! પણ દુઃખ અને નિષ્ફળતા આ બંને તારા જીવનના મહત્વના શિક્ષકો બની રહેશે. તું ભારત દેશનું “એક ક્રિકેટર” તરીકે પ્રતિનિધિત્વ કરે એ તો જીવનનું એક નાનું પ્રકરણ છે. તું વધારેમાં વધારે કેટલા વર્ષ ક્રિકેટ રમીશ? 20 વર્ષ? બહુ બહુ તો 25 વર્ષ? અને જીવીશ કેટલા વર્ષ? 70 થી 80 વર્ષ? તાળો મેળવીએ તો તારા જીવનનો મોટો ભાગ તું એક ક્રિકેટર તરીકે નહીં પણ માણસ તરીકે જીવીશ! અર્થાત જીવનમાં ક્રિકેટ જ બધું નથી, એ સિવાય પણ જીંદગી છે! એક વાલી તરીકે ભવિષ્યમાં ‘સચિન એક મહાન ક્રિકેટર છે’ એવું સાંભળવા કરતાં ‘સચિન એક સારો માણસ છે’ એવું સાંભળવું મને વધુ પસંદ પડશે.”

આ શબ્દો છે રમેશ તેંડુલકરના! સચિન તેંડુલકરના પિતા અને મરાઠી સાહિત્યના ખ્યાતનામ કવિ, વિવેચક અને પ્રોફેસર! આ વિચારો અને સંસ્કારો જો સંતાનને મળે અને સંતાન આ સંસ્કારોને ડગલે ને પગલે સાચવી રાખે તો એના માતા-પિતાને કેટલો ગર્વ થતો હશે? આવો જ છે આપણો લીવીંગ લીજેન્ડ, ધ વન એન્ડ ઓન્લી સચિન તેંડુલકર!!!  સચિનની આત્મકથા (Playing It My Way – My Autobiography) માં તેણે ઘણાં એવા અંગત ખુલાસાઓ કર્યા છે જેની મીડિયાને કે જાહેર જનતાને લગભગ જાણ નથી.

1) સચિને એક વાર પાકિસ્તાનની ટીમમાં ફિલ્ડીંગ પણ કરી છે. વાત એમ છે કે 1987માં મુંબઈની ટુકડીમાં સામેલ થયો હોવા છતાં સચિનનો અંતિમ-11માં સમાવેશ ન થયો. છતાંય રણજી-ટ્રોફીમાં થોડો ટેસ્ટ તો થયો. બ્રેબોર્ન સ્ટેડીયમમાં ભારત પાકિસ્તાનની એક ફેસ્ટીવલ મેચમાં કપિલ દેવ બેટીંગ કરતા હતા અને પાકિસ્તાનના બે પ્લેયર જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર એ સમયે લંચ માટે ગયા હતા. એ વખતે પાકિસ્તાનના સ્કીપર ઈમરાન ખાને સચિનને ‘એઝ અ સબ્સ્ટીટ્યુટ’ રાખ્યો હતો અને સચિન કપિલ દેવનો એક કેચ પકડી શક્યો ન હતો.

2) સચિનને ‘બેટ’ના સપના આવતાઃ 1989માં સિઆલકોટમાં ટેસ્ટ મેચ પહેલા સચિન અને એના સાથીદારોને પાકિસ્તાનની પ્રખ્યાત બેટ બનાવનારી કંપની એમ.બી. મલિક તરફથી આમંત્રણ મળ્યું. એ વખતે સચિન બેટ બનાવનારી બીજી કોઈ પણ કંપની સાથે સંધિમાં ન હતો, એટલે કે એ કોઈ પણ મેચમાં એનું મનપસંદ કોઈ પણ બેટ લઈ રમી શકતો. આમંત્રણ આવ્યું એટલે એમ.બી.મલિક પાસેથી 2-3 બેટ લઈ આવ્યો. પણ સૂઈ ગયા પછી લગભગ મધરાત્રે રૂમની બહાર આવીને ‘મારું બેટ ક્યાં છે? મને મારું બેટ આપી દ્યો’ એવું બોલવા લાગ્યો. રમણ લાંબા અને મનીંદર સિંઘે કહ્યું, તેરે બેટ્સ તો તેરે પાસ હી હૈ. પણ સચિને કોઈ રીસ્પોન્સ ન આપ્યો. ત્યારે રમણને લાગ્યું કે આ તો ઊંઘમાં ચાલે છે. તરત જ બંને જણાએ સચિનને એની રૂમમાં સૂવડાવવાની મહેનત કરી.

3) 1992માં WACAમાં બનેલો એક બનાવ સચિન માટે પરાકાષ્ઠા અને સ્પર્ધાત્મકતાનો પાઠ બની ગયો. ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે સચિને બોલને ફટકાર્યા પછી રન લેવાનો કોઈ ચાન્સ ન હતો. માટે બોલને પોતે ઉપાડીને ઓસ્ટ્રેલિયાના કપ્તાન એલન બોર્ડરને આપવા ગયો. જેવો બોલ લેવા એ વળ્યો, એલન જોરથી બરાડ્યો, “Don’t you dare touch the ball (બોલ ઉપાડવાની હિંમત પણ નહીં કરતો).” એલન અને સચિનની કોઈ દુશ્મની ન હતી, પણ આ આંતરરાષ્ટ્રીય રમતના નિયમો છે અને દરેક રમતવીરે આ નિયમો પાળવા જરૂરી! આ વાતને સચિને પોતાના ક્રિકેટ-કરિયરમાં હંમેશા યાદ રાખ્યું.

4) 1993ના હીરોકપની સેમીફાઈનલ ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકા સામેની એ મેચમાં ભારતને જીતાડવામાં એક મંગૂસ(નોળિયા) નો ખૂબ મોટો ફાળો રહ્યો. દક્ષિણ આફ્રિકાની પાળી વખતે જ્યારે જ્યારે એ મંગૂસ મેદાનમાં આવતો ત્યારે બેટ્સમેનનું ધ્યાન તૂટી જતું અને એ નોળિયો એક વિકેટનો કોળિયો કરી જતો. આ એક સંયોગ જ હતો પણ ભારત માટે લકી સાબિત થયો.

5) તમે ગેમમાં છો એ દરેકને ખબર હોવી જોઈએ તો જ ગેમમાં મજા આવે અને એક વાર તમે લોકોમાં જાણીતા થાઓ પછી તમારી એક આગવી ઓળખ રાખવી જરૂરી છેઃ સચિને જ્યારે ટેસ્ટમેચમાં પહેલી વાર 100 રન ફટકાર્યા ત્યારે સ્ટેડીયમમાં બેસેલા લોકોએ સ્ટેંડીંગ ઓવેશન આપ્યું. પણ સચિને એ વખતે ખૂબ જ અનકંફર્ટેબલ ફીલ કર્યું અને પોતાનું બેટ ઊંચકવામાં એને શરમ લાગી. સચિને લખ્યું છે કે

“Every time I look back at the footage of my first century, I realize that celebrating was not something that came naturally to me. ‘Presence’ is actually very important in international sport. It is about body language and radiating confidence, something that the West Indian batting legend Viv Richards would personify.”

(એ જ મેચમાં જ્યારે એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે એક શેંપેન ની બોટલ પણ આપવામાં આવી. પણ 18 વર્ષનો ન હોવાથી એ વખતે પણ થોડું પ્રતિકુળ લાગ્યું.)

6) શારજાહની હાર પછી ભારત શ્રીલંકા સામે ત્રણ સીરીઝ હારી ગયું. એ પછી કોઈ પણ પ્રકારના સમારોહ વગર સચિનને સુકાની પદ પરથી કાઢી નાખવામાં આવ્યો. જ્યાં સુધી મીડિયામાંથી કોઈએ કહ્યું કે ‘તું હવે કેપ્ટન નથી રહ્યો’ ત્યાં સુધી BCCI માંથી કોઈએ એ વાત સચિન સુધી પહોંચાડવાની તસદી પણ ન લીધી. આ વાતથી સચિનને લાગી આવ્યું પણ આ બનાવને કારણે જ સચિન અંદરથી વધુ મજબૂત બન્યો.

7) 1996ના વર્લ્ડ કપ પહેલાંની વાત છે. એક મલ્ટીનેશનલ કંપની પોતાની બ્રાંડનું સ્ટીકર બેટ પર ચોંટાડવાની ભલામણ લઈને સચિન પાસે આવી પણ એમને સચિનની માંગ વધુ લાગતા વાત આગળ ન વધી. થોડા સમય બાદ 1996ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી એક ઈનીંગની બ્રેકમાં એ જ કંપનીના એમ.ડી. આવ્યા અને સચિનને કહ્યું કે આ સ્ટીકર અત્યારે ને અત્યારે તમારા બેટ પર લગાડશો તો હું તમને મુહ-માંગી કિંમત આપીશ. પણ સચિને કહ્યું – બ્રેક પહેલાની ઈનીંગ ‘વગર સ્ટીકરે’ રમી છે તો બ્રેક પછીની ઈનીંગ પણ વગર સ્ટીકરે જ રમીશ. ન કરે નારાયણ ને જો આ સ્ટીકરને કારણે રમવામાં કંઈ ગડબડ થઈ તો?

8) ઈંગ્લેન્ડના વર્લ્ડકપ પહેલા સચિનના ભાઈ અજીત, પત્ની અંજલી અને દિકરી સારા – બધા સચિનની સાથે એક ચાઈનીઝ રેસ્ટોરેંટમાં જમવા ગયા. જમવામાં સચિને ‘ક્રિસ્પી એરોમેટિક ડક’ ઑર્ડર કર્યું. જેવો ઑર્ડર આપ્યો કે તરત જ અજીતે કહ્યું કે ઑર્ડર કેન્સલ કરી નાખ. અને કહ્યું કે જ્યાં સુધી વર્લ્ડ કપ પૂરો ન થાય ત્યાં સુધી ‘ડક’ ખાવાનું બંધ. કારણ – અજીતે ક્યાંક વાંચેલું કે ભૂતકાળમાં ક્યારેક ત્રણ અંગ્રેજી ક્રિકેટરોએ મેચના આગલા દિવસે આ રીતે ડક ખાધું તો ત્રણેય શૂન્ય રન પર આઉટ થઈ ગયા. જો સચિન ‘ડક’ ખાય અને વર્લ્ડકપમાં ‘ડક’ પર આઉટ થાય તો?

9) સચિનના ધર્મપત્ની અંજલીને એવો વહેમ હતો કે એ જો સ્ટેડીયમમાં હશે તો સચિન સારું નહીં રમે એટલે 2011ના વર્લ્ડકપ વખતે અંજલી ઘરે જ રહી. જ્યારે ભારત જીતી ગયું, ત્યારે એ પોતાના ઘરેથી વાનખેડે સ્ટેડીયમ જવા નીકળી. આ સિવાય સચિન ડાબા પગનું પેડ પહેલાં બાંધવાની અંધશ્રદ્ધા પણ ધરાવે છે. ભલે જમોડી હોય, પણ લખવા માટે ડાબો હાથ વાપરે છે. ઉપરાંત એ ક્યાંય પણ રમવા જાય છે ત્યારે ટીમની બસમાં સૌથી આગળની સીટમાં હંમેશા ડાબી બાજુની બારીવાળી સીટ પર જ બેસે છે. સચિનની ક્રિકેટ-કિટમાં અનેક દેવી-દેવતાઓની તસવીરો પણ હોય છે. એ ભારે આસ્થાળુ છે અને આ હકીકત એ ક્યારેય સંતાડતો નથી.

10) 16 નવેમ્બર 2013ના દિવસે સચિને આપેલી સ્પીચ સાંભળતા લોકોના રૂંવાડાં ઊભા થઈ ગયાં, એ સ્પીચ યુટ્યુબ પર છે, ન જોઈ હોય તો જોઈ લેજો!  એ સ્પીચમાં કોઈનો આભાર માનવાનું ભૂલાઈ ન જાય એ માટે સચિન હાથમાં એક ચબરખી લઈને આવ્યો હતો જેમાં નીચે મુજબનું લીસ્ટ હતું: જર્ની ઈઝ ઓવર (પ્રવાસ પૂરો થયો!); પિતા, માતા, અંકલ, આન્ટી; નિતીન, સવિતા, અજીત (ભાઈઓ અને બહેન); અંજલી, સારા, અર્જુન (પત્ની અને સંતાનો); આનંદ મહેતા અને એનાબેલ (સાસુ-સસરા); મિત્રો; આચરેકર સર (ક્રિકેટ કોચ); મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) અને BCCI; પ્લેયર્સ (ફૅબ ફોર – રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, લક્ષ્મણ અને અનિલ કુંબલે); ટ્રેનર્સ અને ડૉક્ટર્સ; માર્ક માસ્કરેન્હાસ; વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ; વિનોદ નાયડુ; મિડીયા અને ફોટોગ્રાફર; પબ્લિક, લોકો, જનસમુદાય!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here